Opinion Magazine
Number of visits: 9483277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન ગણ મન અને વંદે માતરમ પાછળની હકીકતો જાણવી છે દેશને

જયેશ અધ્યારુ
, જયેશ અધ્યારુ
|Opinion - Opinion|12 February 2017

RTI ઍક્ટ હેઠળની એક અરજીના સંદર્ભે, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને, વડા પ્રધાનની ઑફિસને આદેશ કર્યો છે કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ઑફિશ્યલ સ્ટેટસ વિશેની તમામ સત્તાવાર વિગતો દેશવાસીઓ સમક્ષ જાહેર કરવામાં આવે. રચનાથી લઈને આજદિન સુધી આપણાં આ રાષ્ટ્રીય ગાયનો ચર્ચામાં આવતાં રહ્યાં છે. સરકાર જાહેર કરે ત્યારે, પરંતુ આપણે અત્યારે આ બન્ને મહત્ત્વનાં ગીતો વિશેની ઉપલબ્ધ માહિતી જાણી લઈએ

ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે દેશભરનાં તમામ સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ કરેલો. ત્યાર પછી હમણાં ગૌતમ મોરારકા નામના ભાઈએ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી દીધી કે વંદે માતરમને પણ જન ગણ મન જેટલો જ સત્તાવાર દરજ્જો આપતો કાયદો ઘડવો જોઈએ. એના જવાબમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું કે વંદે માતરમ ભારતીયોનાં હૃદયની નિકટ રહેલું રાષ્ટ્રગાન છે અને એને સાબિત કરવા માટે અલગ કાયદાની કોઈ જ જરૂર નથી. આ ભાંજગડ ચાલતી હતી ત્યાં હરિન્દર ધિંગરા નામના બીજા એક ભાઈએ વડા પ્રધાન કાર્યાલય(PMO)ને RTI ઍક્ટ હેઠળ અરજી કરી કે જન ગણ મનને રાષ્ટ્રગીત અને વંદે માતરમને સત્તાવાર રીતે રાષ્ટ્રગાનનો દરજ્જો મળ્યો છે એવું સર્ટિફિકેટ આપો. PMOએ ના પાડી એટલે મામલો પહોંચ્યો સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન પાસે. ઇન્ફર્મેશન કમિશનર શ્રીધર આચાયુર્‍લુએ (PMO)ને આદેશ કર્યો કે આ વિષયની માહિતી આપો. એવું ન કરવાથી લોકોના મનમાં આ વિશે શંકા ઉત્પન્ન થાય છે, જે જરા ય ઇચ્છનીય નથી. સરકાર તો આ વિષયની જાણકારી આપે ત્યારની વાત ત્યારે, પરંતુ આપણા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સર્જન પાછળની કથા અને એની સાથે સંકળાયેલા વિવાદો વિશે બહુ ઓછા લોકો વિચારે છે.

………

ઈ. સ. ૧૯૧૧નું વર્ષ હતું. બંગાળ જસ્ટ ભાગલાની પીડામાંથી બહાર આવ્યું હતું. અંગ્રેજોએ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી અને લુચ્ચાઈ ભરેલી નીતિઓમાંથી છૂટવાની મથામણ ચાલી રહી હતી. પરંતુ આ ચળવળને એક નક્કર દિશા આપનારા મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થવાને હજી ચારેક વર્ષ બાકી હતાં. ત્યારે ૧૧ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ પશ્ચિમ બંગાળના એક ખૂણે શ્વેત દાઢીધારી એક માણસ પોતાના દરરોજના નિત્યક્રમ પ્રમાણે લેખનકાર્ય કરવા બેઠા. આમ તો તેમની કલમમાંથી કેટલી ય વાર્તાઓ, સંગીતબદ્ધ કરી શકાય એવાં ગીતો સરજાઈ ચૂક્યાં હતાં, જે ઑલરેડી બંગાળના સાંસ્કૃિતક વારસાનો અભૂતપૂર્વ હિસ્સો બની ચૂક્યાં હતાં. ઈવન બે જ વર્ષ બાદ આ શુભ્ર કેશધારી મહાનુભાવને સાહિત્યનું નોબેલ પારિતોષિક પણ એનાયત થવાનું હતું. પરંતુ એ પહેલાં ૧૧ ડિસેમ્બરના એ દિવસે તેમની કલમમાંથી એક ગીતે જન્મ લીધો. ભારતની મહાન ભૂમિ, એના લોકો અને ભગવાન શ્રીકૃષ્ણનું મહિમાગાન કરતા એ ગીતનો શરૂઆતનો હિસ્સો સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત બનવાનો હતો. સ્વાભાવિક રીતે જ એ ગીત એટલે જન ગણ મન અધિનાયક જય હે અને એના શ્વેત દાઢીધારી રચયિતા એટલે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર.

પાંચ કડીઓ ધરાવતું એ દીર્ઘ કાવ્ય રચાયાના થોડા જ દિવસ બાદ કલકત્તામાં ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસનું વાર્ષિક અધિવેશન ભરાયું. આ અધિવેશનના બીજા દિવસે એટલે કે ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરની ભાણેજ સરલાદેવી ચૌધુરાનીએ એ અધિવેશનમાં સ્કૂલનાં કેટલાંક બાળકોની સાથે મળીને આ ગીતનું ગાન કર્યું. એ વખતે શ્રોતાઓમાં કૉન્ગ્રેસના તત્કાલીન પ્રમુખ બિશન નારાયણ ધર, ભૂપેન્દ્રનાથ બોઝ, અંબિકાચરણ મઝુમદાર જેવા નેતાઓ પણ સામેલ હતા.

હવે આ સાથે એક યોગાનુયોગ એવો થયો કે એ જ વખતે બ્રિટનના કિંગ જ્યૉર્જ પંચમ અને ક્વીન મેરીની દિલ્હી દરબારમાં હાજરી આપવા માટે ભારતમાં પધરામણી થયેલી. કૉન્ગ્રેસ અધિવેશનનો એ દિવસ બ્રિટનના રાજાનું સત્તાવાર સ્વાગત કરવાને જ વરેલો હતો. એટલે જેવું આ ગીત ત્યાં પેશ થયું કે તરત જ કાગનું બેસવું અને ડાળનું પડવું એ ન્યાયે એ ગીતને કિંગ જ્યૉર્જ પંચમની પ્રશસ્તિ માટે લખાયું હોવાનું માની લેવામાં આવ્યું. એ વખતનાં સ્ટેટ્સમૅન, ઇંગ્લિશમૅન, ઇન્ડિયન જેવાં ઍન્ગ્લો-ઇન્ડિયન અખબારોએ પણ એવા જ મતલબનાં મથાળાં બાંધ્યાં. વળી ખુદ ટાગોરે પણ તાત્કાલિક આ ગેરસમજ વિશે કોઈ સ્પષ્ટતા કરી નહીં એટલે ટાગોરે કિંગ જ્યૉર્જની પ્રશસ્તિ માટે જ આ ગીત સરજ્યું હોવાની વાત ચાલી નીકળી. પરંતુ પાછળથી બહાર આવેલી અને લોકોમાં અત્યંત ઓછી ચર્ચાયેલી વાત કંઈક અલગ હતી.

રવીન્દ્રનાથ ટાગોર એ વખતે સ્વાભાવિક રીતે જ ભારતના સૌથી મોટા સાહિત્યિક વ્યક્તિત્વ હતા. કેટલાક કૉન્ગ્રેસીઓએ જ ટાગોરને કિંગ જ્યૉર્જના આગમનને વધાવતું એક ગીત રચવાનો પ્રસ્તાવ મૂકેલો. આ પ્રસ્તાવથી ટાગોર કેટલા વ્યથિત હતા એની વાત ટાગોરે પોતાના મિત્ર અને નોબેલ પારિતોષિક વિજેતા પ્રસિદ્ધ આઇરિશ કવિ ડબ્લ્યુ. બી. યેટ્સને તથા પોતાના અન્ય એક મિત્ર પુલિન બિહારી સેનને લખેલા પત્રોમાં કરી હતી. ટાગોરે લખેલું : હિઝ મેજેસ્ટિસ સર્વિસને વરેલા એક ઉચ્ચાધિકારી, જે મારા મિત્ર પણ છે તેમણે મને એમ્પરર(જ્યૉર્જ પંચમ)ના સ્વાગત અને પ્રશસ્તિ માટે એક ગીત રચવા વિનંતી કરી હતી. આ વાતથી મને દુ:ખમિશ્રિત આશ્ચર્ય થયું અને એણે મારા હૃદયમાં તીવ્ર ખળભળાટ જન્માવ્યો. આ મનોમંથનના પ્રતિભાવ સ્વરૂપે જ મેં ભારતના ભાગ્યવિધાતાનો જયઘોષ કરતું ગીત રચ્યું. ભારતના એ જ ભાગ્યવિધાતા યુગો-યુગોથી તમામ ચડતી-પડતીમાં દેશના રથને સંભાળતા આવ્યા છે. તે ભાગ્યવિધાતા સતત લોકમાનસને વાંચતા આવ્યા છે અને લોકોનું માર્ગદર્શન કરતા આવ્યા છે. તે ભાગ્યવિધાતા ક્યારે ય કોઈ જ્યૉર્જ પાંચમા, છઠ્ઠા કે અન્ય કોઈ જ્યૉર્જ ન હોઈ શકે. મારા ગીતમાંથી વ્યક્ત થતી એ ભાવના મારા એ અધિકારી મિત્ર પણ બરાબર સમજી ગયેલા.

આ પછી પણ ટાગોરને જ્યારે-જ્યારે આ સવાલ પુછાયો ત્યારે તેમણે સોય ઝાટકીને કહી દીધેલું કે આવા મૂર્ખતાપૂર્ણ આક્ષેપોનો જવાબ આપવાને પણ હું મારું અપમાન સમજું છું. યુગો-યુગોથી આપણને માર્ગદર્શન આપતાં રહેલા શાશ્વત સારથિ તરીકે હું કોઈ જ્યૉર્જ ચોથા કે પાંચમાને ચીતરીને તેમનું મહિમાગાન કરું એ નરાતાળ મૂર્ખામી સિવાય બીજું કશું ન હોઈ શકે. પરંતુ કમનસીબી એ છે કે ટાગોરની આ ચોખવટ છતાં ય આજની તારીખે પણ કોઈ ચર્ચાઓમાં આપણા રાષ્ટ્રગીત બાબતે વિવાદ ઉપસ્થિત થતો રહે છે.

આવું કન્ફ્યુઝન ઊભું થવાનાં બે કારણો હતાં. એક તો ટાગોરરચિત જન ગણ મનનું પઠન થયું, ત્યાર બાદ પંચમ જ્યૉર્જની પ્રશસ્તિ કરાયા પછી રામભુજ ચૌધરીએ રચેલા ગીત બાદશાહ હમારાનું પઠન કરવામાં આવેલું. એ ગીત પંચમ જ્યૉર્જના આગમનને વધાવવા માટે સર્જવામાં આવેલું. આ વાતની ‘આનંદ બઝાર પત્રિકા’ તથા ‘ધ બેંગોલી’ જેવાં ભારતીય અખબારોએ બરાબર નોંધ લીધેલી. ખુદ કૉન્ગ્રેસના પોતાના રિપોર્ટમાં પણ આ ચોખવટ સ્પષ્ટપણે કરવામાં આવી હતી. પરંતુ ભારતીય ભાષાઓથી તદ્દન અજાણ એવાં ઍન્ગ્લો-ઇન્ડિયન અખબારોને એવી કોઈ ચીવટ રાખવાની દરકાર હતી નહીં અને તેમણે બન્ને ગીત કિંગ જ્યૉર્જ ફિફ્થ માટે જ રચાયાં હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું એટલું જ નહીં, ક્યારે ય એની ચોખવટ કરવાનું કે સુધારો છાપવાનું પણ મુનાસિબ ન માન્યું.

કૉન્ગ્રેસ અધિવેશનમાં રજૂ કરાયા બાદ ૨૦૧૨ના જાન્યુઆરીમાં આદિ બ્રહ્મો સમાજના મુખપત્ર તત્ત્વબોધિની પત્રિકામાં આ ગીત છપાયું હતું. ખુદ ટાગોર આ પત્રિકાના તંત્રી હતા. એ જ મહિનાના અંતે ટાગોરના કલકત્તા પાસે આવેલા જોરાસાંકો ઠાકુર બાડી ખાતેના નિવાસસ્થાને મેઘોત્સવની ઉજવણીમાં પર્ફોર્મ કરવામાં આવેલું.

સાત વર્ષ બાદ ઈ. સ. ૧૯૧૯માં ટાગોર આન્ધ્ર પ્રદેશના મદનપલ્લી ખાતે આવેલી થિયોસૉફિકલ કોલેજની મુલાકાતે ગયેલા. અન્ય એક આઇરિશ કવિ જેમ્સ કઝિન્સ ટાગોરના મિત્ર હતા અને તે થિયોસૉફિકલ કૉલેજના પ્રિન્સિપાલ પણ હતા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૯ની એક સાંજે એ કૉલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ટાગોરે આ ગીત ગાઈ સંભળાવ્યું. આ ગીત ત્યાં સૌને એટલુંબધું સ્પર્શી ગયું કે ત્યાર પછી કૉલેજે એને પોતાની સવારની પ્રાર્થના તરીકે સ્વીકારી લીધું. થિયોસૉફિકલ કૉલેજ ખાતે છ દિવસના રોકાણ દરમ્યાન ટાગોરે કઝિન્સનાં પત્ની માર્ગરેટની સાથે મળીને જન ગણ મનનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. માર્ગરેટ કઝિન્સ વેસ્ટર્ન મ્યુિઝકનાં ઉમદા અભ્યાસુ હતાં. બન્નેએ મળીને આ ગીતને ગેય બનાવવા માટે એને સંગીતબદ્ધ પણ કર્યું. એ જ ઢાળમાં આપણે ભારતના સવાસો કરોડ લોકો આ ગીત ગાઈએ છીએ. એ વખતે ટાગોર જ્યાં રોકાયેલા એ કૉટેજ અને ટાગોરના હસ્તાક્ષરમાં એ ગીતનું ટ્રાન્સલેશન આજે પણ એ થિયોસૉફિકલ કૉલેજના કૅમ્પસમાં જોવા મળે છે. અંગ્રેજી અનુવાદમાં ટાગોરે જન ગણ મનને ધ મૉર્નિંગ સૉન્ગ ઑફ ઇન્ડિયા એટલે કે ભારતનું પ્રભાતિયું એવું નામ આપેલું. અંગ્રેજીમાં અનુવાદિત થયા બાદ આ ગીત ભારતના સીમાડા વટાવીને સમગ્ર વિશ્વમાં ફેલાયું. ૨૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ મળેલા કૉન્ગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ફરી પાછું જન ગણ મન ગાવામાં આવેલું.

૧૪ ઑગસ્ટ, ૧૯૪૭ની મધ્યરાત્રિએ બારના ટકોરે ભારતને આઝાદી મળી. ભારતીય બંધારણીય સભાના એ ઐતિહાસિક સત્રની શરૂઆત વંદે માતરમ સાથે થઈ અને એની પૂર્ણાહુતિ જન ગણ મન સાથે થઈ. પંડિત જવાહરલાલ નેહરુએ એક પત્રમાં લખ્યું હતું કે ઈ. સ. ૧૯૪૭માં ન્યુ યૉર્ક ખાતે ભરાયેલી યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીમાં એક સ્વતંત્ર દેશ તરીકે ગયેલા ભારતીય ડેલિગેશન પાસે તેમનું રાષ્ટ્રગીત માગવામાં આવેલું. ભારતીય ડેલિગેશને જન ગણ મનનું રેકૉર્ડિંગ આપેલું. ત્યાંના ઑર્કેસ્ટ્રા દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ થયેલા એ ગીતની અફલાતૂન રચના જોઈને ઉપસ્થિત સૌ સભાજનોએ એને તાળીઓથી વધાવી લીધેલું.

બંધારણીય સમિતિને ભારતનું રાષ્ટ્રગીત પસંદ કરવાનું કામ સોંપાયું એ પછી ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આ સમિતિનું છેલ્લું સેશન મળ્યું હતું. એ વખતે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સત્તાવાર રીતે જન ગણ મનને ભારતનું રાષ્ટ્રગીત (નૅશનલ ઍન્થમ) અને વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગાન (નૅશનલ સૉન્ગ) જાહેર કર્યું હતું. એના સમાપન વખતે રાષ્ટ્રપતિએ તત્કાલીન ડેપ્યુટી સ્પીકર એમ. એ. આયંગરને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા અનુરોધ કર્યો હતો. ત્યારે સ્વતંત્રતા સેનાની પૂર્ણિમા બૅનરજી(અને અરુણા આસફ અલીનાં નાનાં બહેન)એ સૌપ્રથમ સત્તાવાર રીતે સૌને રાષ્ટ્રગીત ગવડાવ્યું હતું.

આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે રવીન્દ્રનાથ ટાગોરે જન ગણ મનની પાંચ કડીઓ રચી હતી, જેમાંથી પ્રથમ કડીને આપણે રાષ્ટ્રગીત તરીકે દરજ્જો આપ્યો છે. અન્ય ચાર કડીઓમાં ભારતને તમામ દુ:ખો, પડતીઓ, કપરા કાળમાંથી બહાર કાઢનારા ભાગ્યવિધાતા ઈશ્વરનું મહિમાગાન કરવામાં આવ્યું છે. ટાગોરે આ ગીતને સાધુ ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃતની છાંટ ધરાવતી સાહિત્યિક તત્સમ બંગાળી ભાષામાં લખ્યું હતું. ભાષા પર ટાગોરની પકડ જુઓ કે તેમણે આ ગીતમાં દેશની સરહદોને સાંકળતા વિસ્તારોનાં તથા અન્ય નામોનો જ બહુધા ઉપયોગ કર્યો હતો. આ જ નામોએ ગીતમાં ક્રિયાપદનું કામ કર્યું. બંગાળીમાં હોવા છતાં આ ગીત અત્યંત અર્થપૂર્ણ બન્યું એટલું જ નહીં, એને ભારતના કોઈ પણ વિસ્તારમાં રહેતી વ્યક્તિ પણ આસાનીથી સમજી શકે એવું બન્યું. આખું ગીત એટલું પૉઝિટિવિટીથી ભરચક છે કે એને આખું સાંભળીએ તો આપણું મન અનેરા ઉત્સાહથી તરબતર થઈ જાય. બે વર્ષ પહેલાં ભારતના ભાગલાની પૃષ્ઠભૂમિમાં બનેલી બંગાળી ફિલ્મ રાજકહિનીમાં ખ્યાતનામ બંગાળી ગાયકોએ ગાયેલું આ આખું ગીત લેવામાં આવ્યું હતું.

ઈ. સ. ૨૦૦૫માં તો એવી પણ વાત આવેલી કે આજે સિંધ પાકિસ્તાનનો પ્રદેશ છે તો આપણા રાષ્ટ્રગીતમાંથી એને દૂર કરીને એના સ્થાને કાશ્મીર શબ્દ મૂકી દેવો જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટમાં આ વિવાદ પહોંચ્યો ત્યારે એવી પણ દલીલ થઈ કે રાષ્ટ્રગીતમાં આવતો સિંધ શબ્દ એ સિંધુ (નદી) તથા સિંધી સંસ્કૃિતનું પણ પ્રતિબિંબ છે. આખરે સુપ્રીમે રાષ્ટ્રગીતમાં એક શબ્દનો પણ ફેરફાર કરવાનો ઇન્કાર કરી દીધો. ઈ. સ. ૨૦૧૩માં આસામના ધારાસભ્ય ફણિ ભૂષણ ચૌધરીએ ઈ. સ. ૧૯૫૦નો એક અખબારી અહેવાલ ટાંકીને કહ્યું કે ટાગોરના મૂળ ગીતમાં આસામ માટે વપરાતો શબ્દ કામરુપ સામેલ હતો, પરંતુ પાછળથી એને કાઢીને એના સ્થાને સિંધુ ઉમેરી દેવાયેલું. એની સામે ટાગોરના ઓરિજિનલ દસ્તાવેજોને ટાંકીને સ્પષ્ટતા કરાઈ કે ટાગોરે ક્યારે ય જન ગણ મનમાં કામરુપ શબ્દ વાપર્યો જ નહોતો. હમણાં બે વર્ષ પહેલાં રાજસ્થાનના ગવર્નર કલ્યાણ સિંહે રાષ્ટ્રગીતમાં આવતો અધિનાયક શબ્દ બદલીને એના સ્થાને મંગલ શબ્દ મૂકવાનું સૂચન કરેલું. એ માગ અગેઇન ટાગોરે વારંવાર કરેલી સ્પષ્ટતાની વિરુદ્ધ જતી હતી.

આપણા રાષ્ટ્રગીત વિશે બીજી એક અત્યંત ઓછી ચર્ચાતી છતાં અત્યંત રસપ્રદ એવી વિગત એ છે કે સુભાષ ચંદ્ર બોઝે ઈ. સ. ૧૯૪૩માં પોતાના બે સાથીદારો કૅપ્ટન આબિદ અલી અને મુમતાઝ હુસેન સાથે મળીને જન ગણ મનનું હિન્દી વર્ઝન શુભ સુખ ચૈન તરીકે તૈયાર કરેલું. જન ગણ મનના ઢાળમાં જ ગાઈ શકાતા આ ગીતની પહેલી પંક્તિ કંઈક આ રીતે હતી : શુભ સુખ ચૈન કી બરખા બરસે, ભારત ભાગ હૈ જાગા. જો કે ટાગોરની ઓરિજિનલ કવિતાને જ રાષ્ટ્રગીત બનવાનું બહુમાન પ્રાપ્ત થયું.

એક હાસ્યાસ્પદ ગપ્પું દર થોડા સમયાંતરે વૉટ્સઍપ, ફેસબુક, ઈ-મેઇલ વગેરે મીડિયામાં ફરતું રહે છે. એમાં કહેવાય છે કે સંયુક્ત રાષ્ટ્રના યુનેસ્કો દ્વારા ભારતના રાષ્ટ્રગીતને વિશ્વના શ્રેષ્ઠ રાષ્ટ્રગીતનો ખિતાબ આપવામાં આવ્યો છે. સહેજ પણ ક્રૉસ ચેક કરવાની તસ્દી લીધા વિના દેશાભિમાનની લાગણી ધરાવતા લોકો વગર વિચાર્યે આ ગપગોળાને ફૉર્વર્ડ કર્યા કરે છે. આ તદ્દન ખોટી વાતને ખુદ યુનેસ્કો પણ નકારી ચૂક્યું છે.

રવીન્દ્રનાથ ટાગોર વિશે જ એક અનોખી વાત એ છે કે તેઓ વિશ્વની એકમાત્ર એવી વ્યક્તિ છે જે એકસાથે બે દેશનાં રાષ્ટ્રગીત રચવાનું બહુમાન ધરાવે છે. જન ગણ મનનાં વર્ષો પહેલાં ઈ. સ. ૧૯૦૫માં રવીબાબુએ રચેલા આમાર શોનાર બાંગ્લા ગીતને બંગલા દેશે સ્વતંત્ર થયા પછી પોતાના રાષ્ટ્રગીત તરીકે અપનાવી લીધું. ટાગોર વિશે અનોખી અને ભાગ્યે જ ચર્ચામાં આવતી વધુ એક રસપ્રદ વિગત એ છે કે ટાગોર પોતે પરોક્ષ રીતે શ્રીલંકાના રાષ્ટ્રગીતની રચનામાં પણ નિમિત્ત બન્યા હતા. બનેલું એવું કે ટાગોરે કલકત્તામાં પોતાના શાંતિનિકેતનમાં સ્થાપેલી વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં એક શ્રીલંકન વિદ્યાર્થી પણ કળા અને સંગીત ભણવા આવેલો. ટાગોરથી અત્યંત પ્રભાવિત થયેલો આનંદ સમરકૂન માત્ર છ જ મહિનામાં બ્રિટિશ શાસન હેઠળના સ્વદેશ શ્રીલંકા પરત જતો રહ્યો. ત્યાં જઈને તેણે ખ્રિસ્તી ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને પોતાનું નામ પણ બદલીને આનંદ સમરકૂન કરી નાખેલું. શ્રીલંકામાં ગીત સાહિત્ય નામની નવી સંગીત પ્રણાલિની શરૂઆત કરનારા આનંદે પોતાના એક પણ ગીતમાં એક શબ્દનો પણ ફેરફાર કરવાના વિરોધમાં એકાવન વર્ષની વયે ઊંઘની ગોળીઓ ગળીને આત્મહત્યા કરી લીધેલી. પરંતુ એ પહેલાં તેણે રચેલું શ્રીલંકા માતા ગીત આઝાદી બાદ શ્રીલંકાનું રાષ્ટ્રગીત બન્યું.

૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે જન ગણ મનની સાથોસાથ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમની ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં રહેલી ભૂમિકાને માન આપીને એને રાષ્ટ્રગાન જાહેર કરેલું અને એને રાષ્ટ્રગીત જેટલો જ દરજ્જો આપવાની જાહેરાત કરેલી.

નવી સ્થપાયેલી કલકત્તા યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રૅજ્યુએટ થયેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સિવિલ સવર્‍ન્ટ તરીકે બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટમાં જોડાયેલા. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તથા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બનેલા બંકિમચંદ્ર ૧૮૫૭ના વિપ્લવ તથા જલપાઈગુડીમાં થયેલા ફકીર-સંન્યાસી રિબેલ્યન જેવી ઐતિહાસિક ઘટનાઓથી ભારે પ્રભાવિત હતા. એ જ અરસામાં અંગ્રેજ સરકાર બ્રિટિશ કૉમનવેલ્થના રાષ્ટ્રગીત ગણાતા ગૉડ સેવ ધ ક્વીનને ભારતમાં પણ સત્તાવાર રાષ્ટ્રગીત તરીકે ઘુસાડવાની ફિરાકમાં હતી. સ્વાભાવિક રીતે જ ભારતીય રાષ્ટ્રવાદીઓ એની વિરુદ્ધમાં હતા. ઇતિહાસકારો માને છે કે બંકિમચંદ્રે ઈ. સ. ૧૮૭૬ના અરસામાં હુગલી નદીને કિનારે મલ્લિક ઘાટ પાસે આવેલા ઘરે વંદે માતરમની રચના કરેલી. બંકિમચંદ્રે સંસ્કૃત અને બંગાળી શબ્દો વાપરીને આ ગીત રચેલું. પાછળથી ઈ. સ. ૧૮૮૨માં પ્રકાશિત થયેલી બંકિમચંદ્રની નવલકથા ‘આનંદ મઠ’માં પણ એનો સમાવેશ કરવામાં આવેલો. ‘આનંદ મઠ’ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ફકીર સંન્યાસી રિબેલ્યન પર આધારિત હતી. અંગ્રેજોએ આ નવલકથા પર પ્રતિબંધ મૂકેલો. રચના પછી તરત જ જદુનાથ ભટ્ટાચાર્યને આ રચનાને સંગીતબદ્ધ કરવાનું કામ સોંપાયેલું. અરવિંદ ઘોષે એનું અંગ્રેજી ટ્રાન્સલેશન પણ કરેલું.

હે માતા, હું તમને વંદન કરું છું જેવો અનુવાદ ધરાવતું આ ગીત અને ખાસ કરીને એની પ્રથમ લાઇન વંદે માતરમ અંગ્રેજો સામેની લડતમાં તરત જ લોકપ્રિય થઈ ગયાં. તમામ રેલીઓ, જાહેરસભાઓમાં વંદે માતરમનો ઘોષ કરવો લગભગ પ્રથા થઈ પડી. એટલે જ એક તબક્કે અંગ્રેજોએ એના પર પ્રતિબંધ પણ ફટકારેલો. ખુદ રવીન્દ્રનાથ ટાગોરે પણ ઈ. સ. ૧૮૯૬માં કલકત્તા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમનું ગાન કરેલું. રાજકીય મંચ પરથી દેશને ધ્યાનમાં રાખીને થયેલું આ ગીતનું એ સૌપ્રથમ ગાન હતું. જ્યારે પહેલી વાર જન ગણ મન ગાનારાં સરલા દેવી ચૌધુરાનીએ પણ ઈ. સ. ૧૯૦૫માં બનારસ ખાતે યોજાયેલા કૉન્ગ્રેસ સેશનમાં વંદે માતરમ ગાયેલું. લાલા લજપતરાયે લાહોરમાં વંદે માતરમ નામની પત્રિકા શરૂ કરેલી. હીરાલાલ સેને ભારતની પહેલી પૉલિટિકલ ફિલ્મ બનાવેલી, જે વંદે માતરમના ઘોષ સાથે પૂરી થયેલી. ઈ. સ. ૧૯૦૭માં મૅડમ ભિકાઈજી કામાએ જર્મનીના સ્ટટગાર્ટ ખાતે ભારતનો સૌપ્રથમ તિરંગો તૈયાર કરીને લહેરાવેલો. લીલો, પીળો અને લાલ એમ ત્રણ રંગોના પટ્ટા ધરાવતા આ તિરંગામાં વચ્ચોવચ દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખેલું હતું. ભારતના સંપૂર્ણ સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા ઉકેલીએ તો ઠેકઠેકાણે વંદે માતરમના આવા રસપ્રદ ઉલ્લેખો જોવા મળે છે.

ત્યારે એક સવાલ એવો થઈ શકે કે આઝાદીની લડતમાં આટલો મહત્ત્વનો ભાગ ભજવનારું ગીત આપણું રાષ્ટ્રગીત શા માટે ન બન્યું? મૂળ છ કડીઓ ધરાવતા વંદે માતરમની પહેલી બે કડીઓને જ આપણે રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો છે. આ બે કડીઓ ભારતભૂમિનું વર્ણન કરે છે એવો અર્થ તારવી શકાય છે. બાકીની ચાર કડીઓમાં બંકિમચંદ્રે બંગાળીઓનાં આદ્યમાતા એવાં દુર્ગા માતાને સંબોધીને પ્રશસ્તિગાન કર્યું છે. જ્ઞાનકોશ ઊથલાવતાં માલૂમ પડે છે કે વંદે માતરમના સ્ટેટસને લઈને વિવાદો ઈ. સ. ૧૯૩૭માં પણ શરૂ થઈ ચૂક્યા હતા. હિન્દુ મહાસભાએ તો ઑક્ટોબર, ૧૯૩૭માં વંદે માતરમ દિનનું પણ આયોજન કરેલું. આ વિવાદને કમ્યુનલ રંગ આપતાં મોહમ્મદ અલી ઝીણાએ માર્ચ, ૧૯૩૮માં લખેલું કે વંદે માતરમને ભારતભરના મુસ્લિમોએ સવર્‍માન્ય રાષ્ટ્રગીત તરીકે અસ્વીકૃત કર્યું છે. ખુદ રવીન્દ્રનાથ ટાગોરે પણ સુભાષચંદ્ર બોઝને ઈ. સ. ૧૯૩૭માં જ લખેલા એક પત્રમાં વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગીત ગણવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ટાગોરે કરેલી વાતનો ભાવાર્થ કંઈક આવો હતો : વંદે માતરતનો કેન્દ્રધ્વનિ મા દુર્ગાની સ્તુિત છે એ વિશે કોઈ શંકાને સ્થાન નથી. બંકિમચંદ્ર દુર્ગામાતાને બંગાળના અવિભાજ્ય અંગ તરીકે જુએ એમાં કશું અજુગતું નથી, પરંતુ મુસ્લિમો દસ મસ્તક ધરાવતાં દેવીને સ્વદેશ તરીકે સ્વીકારે એ માનવું વધારે પડતું છે. ‘આનંદ મઠ’ સાહિત્યકૃતિ છે એટલે એમાં આ ગીત આવે એ બરાબર છે, પરંતુ સંસદ તમામ ધર્મોનો સંગમ ધરાવતું સ્થળ છે. ત્યાં આ ગીત યોગ્ય ન કહેવાય. હિન્દુઓ અને મુસ્લિમો બન્ને આ ગીત માટે અત્યંત વિરોધાભાસી વલણ સ્વીકારીને બેઠા છે. જ્યારે આપણો હેતુ શાંતિ સ્થાપવાનો છે ત્યારે એક સંતુલિત નિર્ણય લેવો જોઈએ અને આવી કાયમી રસ્સીખેંચનો અંત આણે એવો હોવો જોઈએ.

જો કે આપણને આઝાદી મળી ગઈ, વંદે મારતમને યોગ્ય રીતે જ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો અપાઈ ગયો. વિશ્વના ભાગ્યે જ બીજા કોઈ દેશમાં આ રીતે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બન્ને હશે. વળી દેખીતી રીતે જ આપણે સ્વીકારેલી વંદે માતરમની પહેલી બે કડીઓમાં ભારત ભૂમિની જ વાત છે. તેમ છતાં આજે પણ એના પર રાજકારણ થતું રહે છે. ક્યાંક કોઈ આ ગીત ગાવાની ફરજ પાડે છે તો ક્યાંક એની વિરુદ્ધમાં ફતવા બહાર પડે છે તો કોઈ એને ગાવાની ના પાડી દે છે.

જ્યાં પણ રાષ્ટ્રગીત ગવાતું કે વગાડવામાં આવતું હોય ત્યારે એ બાવન સેકન્ડમાં પૂરું થઈ જવું જોઈએ અને એનું પૂરેપૂરું માન જળવાવું જોઈએ એવો કોડ ઑફ કન્ડક્ટ નક્કી થયેલો છે. પરંતુ ભારત સરકારની વેબસાઇટમાં જ જણાવવામાં આવેલું છે કે જ્યારે પણ કોઈ નાટક, ડૉક્યુમેન્ટરી કે ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે લોકો પાસેથી ઊભા થવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. તેમ છતાં હમણાં જ્યારે ‘દંગલ’ ફિલ્મમાં છેલ્લે રાષ્ટ્રગીતનું ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન વાગતું હતું ત્યારે લોકોમાં ઊભા થવું કે ન થવું એની વ્યાપક ગેરસમજ ફેલાઈ હતી અને ઊભા ન થનારા લોકો પર પસ્તાળ પડી હતી.

સૌજન્ય : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2017

Loading

12 February 2017 admin
← Raingear On !
ભારતીય રાજકારણમાં વિચારધારાનો લોપ →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved