ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પે સત્તાગ્રહણ કર્યા પછી ભારતની ચિંતામાં વધારો થાય એવાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકા ફસ્ર્ટ, બાય અમેરિકન અને હાયર અમેરિકન એવા ત્રિસૂત્રી કાર્યક્રમની તેમણે જાહેરાત કરી છે. આમ જુઓ તો આ કોઈ અચાનક જાહેર કરવામાં આવેલો કાર્યક્રમ નથી. ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણીપ્રચાર વખતે જ આવા અભિગમની વકીલાત કરતા હતા અને એનાથી આકર્ષાઈને જ અમેરિકન મતદાતાઓએ ટ્રમ્પને મત આપીને ચૂંટ્યા હતા. ચૂંટણી પહેલાં પ્રમુખપદના બે મુખ્ય દાવેદાર હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ત્રણ રાઉન્ડ વન ઑન વન ચર્ચા યોજાઈ હતી જેમાં પણ ટ્રમ્પે અમેરિકન આર્થિક રાષ્ટ્રવાદની હિમાયત કરી હતી. તેઓ ચર્ચામાં હિલેરી ક્લિન્ટનની સર્વસમાવેશક અમેરિકન રાષ્ટ્રવાદની દલીલોનો જવાબ આપી શકતા નહોતા એ જુદી વાત છે, પરંતુ અમેરિકન મતદાતાઓએ નિર્ણય લઈ લીધો હતો કે હવે અમેરિકન રાષ્ટ્રવાદ જ તેમની સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે.
એક યુગ હતો જ્યારે અમેરિકા વૈશ્વીકરણનું હિમાયતી હતું. અમેરિકા અને બીજા સમૃદ્ધ વિકસિત દેશોને એમ લાગતું હતું કે તેમની પાસે મૂડી અને ટેક્નૉલૉજી બન્ને છે એટલે પોતાના વિકાસ માટે જગતભરનાં કુદરતી સંસાધનો પર કબજો જમાવવો હોય તો વૈશ્વીકરણ એ શ્રેષ્ઠ ઉપાય છે. વિકાસની પર્યાવરણીય કિંમત જે-તે દેશો ચૂકવશે. એ વખતે વૈશ્વીકરણની રમત એકપક્ષીય લાગતી હતી. વલ્ર્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના એના ભાગરૂપે કરવામાં આવી હતી. ગરીબ દેશોને પણ એમ લાગતું હતું કે વૈશ્વીકરણની રમત સમૃદ્ધ દેશોના હિતમાં એકપક્ષીય છે અને એનો વિરોધ કરવામાં આવતો હતો. બે દાયકા પછી અમેરિકા સહિત સમૃદ્ધ દેશોને એમ લાગવા માંડ્યું છે કે વૈશ્વીકરણને કારણે તેમને ફાયદા કરતાં નુકસાન વધુ થઈ રહ્યું છે.
આનાં બે કારણો આગળ ધરવામાં આવે છે. પહેલું કારણ એ છે કે આર્થિક સમૃદ્ધિ વધી છે, પરંતુ રોજગારીમાં વધારો થયો નથી. ઊલટું રોજગારી વધવાની જગ્યાએ ઘટી છે. બીજું કારણ એ છે કે વૈશ્વીકરણના કારણે સરહદો ઢીલી કરવામાં આવી છે અને એને કારણે મોટી સંખ્યામાં વિદેશી વસાહતીઓ સમૃદ્ધ દેશોમાં ઠલવાવા લાગ્યા છે. વૈશ્વીકરણને સંસ્થાગત સ્વરૂપ આપવામાં આવે તો વસાહતીઓને રોકી શકાય નહીં. પોતાના દેશને આર્થિક સંરક્ષણ આપનારા ઇકૉનૉમિક પ્રોટેક્શનિસ્ટ નૅશનલિઝમ અને ગ્લોબલાઇઝેશન એકસાથે ચાલી શકે નહીં. આ ઉપરાંત કૉર્પોરેટ કંપનીઓ વર્ક આઉટર્સોસ કરાવવા લાગી છે. જે જગ્યાએ કિફાયતી કિંમતે કામ થાય ત્યાં કરાવવાનો કૉર્પોરેટ કંપનીઓને અધિકાર છે. ગ્લોબલાઇઝેશનનું આ પણ એક અંગ છે. માર્કેટ અને રિસોર્સિસનો લાભ કૉર્પોરેટ કંપનીઓને મળી રહ્યો છે, જ્યારે લોકોને તો એની કિંમત જ ચૂકવવી પડે છે.
ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યને નબળું પાડવામાં આવ્યું હતું, અંકુશો હટાવવામાં આવ્યા હતા. ગરીબોના કલ્યાણની યોજનાઓ માટેના બજેટ પર કાપ મૂકવામાં આવ્યો છે અને એ અર્થમાં રાજ્ય કલ્યાણરાજ્ય મટી ગયું છે. ગ્લોબલાઇઝેશનના ભાગરૂપે રાજ્યે મૂડીવાદની તરફેણમાં ખસી જઈને રસ્તો કરી આપ્યો હતો અને હવે બે દાયકાનો અનુભવ એવો છે કે મૂડીવાદીઓએ રાજ્ય પર કબજો જમાવ્યો છે. ઑક્સફામ નામની સંસ્થાએ આર્થિક અસમાનતા વિશે જે અહેવાલ તૈયાર કર્યો છે એમાં આ હકીકત પ્રગટ થાય છે. ભારતમાં એક ટકો ધનપતિઓ દેશની ૫૮ ટકા સંપત્તિ ધરાવે છે અને જગતના આઠ કુબેરપતિઓ આખા જગતની અડધોઅડધ સંપત્તિના માલિક છે.
નવમૂડીવાદના આવા સ્વરૂપ વિશે આખા જગતમાં અસંતોષ પેદા થયો છે. સ્વાભાવિકપણે અસમાનતા સામે ઊહાપોહ પેદા થવો જોઈતો હતો, ન્યાયી આર્થિક વ્યવસ્થા માટેની માગણી ઊઠવી જોઈતી હતી, કલ્યાણરાજ્યની પુન: સ્થાપના માટે આંદોલનો થવાં જોઈતાં હતાં, રાજ્યની પ્રજાપ્રતિબદ્ધ રચનાત્મક ભૂમિકા માટે માગણી ઊઠવી જોઈતી હતી. આવી પ્રતિક્રિયા સ્વાભાવિકપણે પેદા થવી જોઈતી હતી, પરંતુ વિશ્વમાં અત્યારે જે પ્રતિક્રિયા પેદા થઈ રહી છે એ સ્વાર્થની થઈ રહી છે. એક પ્રકારના પ્રતિક્રિયાવાદે ઊહાપોહની જગ્યા લઈ લીધી છે. અમેરિકા ફસ્ર્ટ, ઇન્ડિયા ફસ્ર્ટ, બ્રિટન ફસ્ર્ટ વગેરે અભિગમમાં સમસ્યાનું સરળીકરણ નજરે પડી રહ્યું છે. શાસકો નવમૂડીવાદનો મુકાબલો કરવા જેટલું સામથ્યર્ ધરાવતા નથી એટલે બે ખાનારાઓ વચ્ચે તેઓ ભેદ કરી રહ્યા છે. તમારો રોટલો એટલા માટે ઝૂંટવાઈ રહ્યો છે કે પેલો એમાં ભાગ પડાવે છે અને તે આપણો નથી, પારકો છે. આમ શાસકો પ્રજાકીય અસંતોષને અંગ્રેજીમાં અસ અને ધે એટલે કે આપણે અને પરાયાનું સ્વરૂપ આપવાનું કામ કરે છે. આ સ્થિતિનો જગત આખામાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદીઓ લાભ લઈ રહ્યા છે અને તેઓ સત્તા સુધી પહોંચી રહ્યા છે અથવા પહોંચવા માટે લોહિયાળ લડાઈ લડી રહ્યા છે.
સમસ્યાનો ઉકેલ ન્યાયઆધારિત અર્થવ્યવસ્થા છે અને પ્રજાભિમુખ જવાબદાર રાજ્ય છે; પરંતુ એ તો જ્યારે થાય ત્યારે, અત્યારે તો પ્રજા બીજાને હડસેલો મારીને પોતાનો સ્વાર્થ સાધી આપે એવા નેતાઓની તલાશમાં છે. ડોનલ્ડ ટ્રમ્પ આવી પ્રજાકીય માનસિકતાના લાભાર્થી છે. તેમણે ચૂંટણી પહેલાં જ કહ્યું હતું કે તેઓ અમેરિકા ફસ્ર્ટની નીતિમાં માને છે અને સત્તાનો ઉપયોગ બીજાને હડસેલવા માટે કરવાના છે. હવે એની શરૂઆત થઈ ગઈ છે. આમાં ભારતને મોટો માર પડી શકે એમ છે. ખાસ કરીને ITના ક્ષેત્રને મોટું નુકસાન થઈ શકે એમ છે, કારણ કે IT (ઇન્ફર્મેશન ટેકનોલૉજી) સેક્ટરનો ૭૫ ટકા ધંધો નિકાસઆધારિત છે જેમાંથી ૬૦ ટકા નિકાસ અમેરિકામાં કરવામાં આવે છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ પર પણ એની અસર થશે. IT પછી બીજા ક્રમે મોટી અસર ફાર્માસ્યુિટકલ ઇન્ડસ્ટ્રીને થશે. ડોનલ્ડ ટ્રમ્પ ગરીબોને આરોગ્યકીય રાહત આપનારી ઓબામાકૅર યોજના સમેટી લેવાના છે અને એની જગ્યાએ અમેરિકન ફાર્મા-કંપનીઓ ઘરઆંગણે દવાઓનું ઉત્પાદન કરીને ઓછા ભાવે અમેરિકન બજારમાં વેચે એવો આગ્રહ રાખી રહ્યા છે.
આનો અર્થ એવો નથી કે ટ્રમ્પ તેમની બધી યોજનાઓમાં સફળ થવાના છે. તેમની સામે કાયદાકીય અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓને લગતી મર્યાદાઓ છે, પરંતુ તેમણે ફફડાટ તો જરૂર પેદા કર્યો છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2017