માનવ જાતિના મનમાં ધર્મની વિભાવના કઈ તારીખે કઈ સાલમાં ઉદ્ભવી તે પ્રસ્થાપિત કરવું શક્ય નથી. પરંતુ જ્યારથી પદ્ધતિસરના સંગઠિત ધર્મો અસ્તિત્વમાં આવ્યા, ત્યારથી તેના પ્રચાર-પ્રસાર થયા અને ધર્મ પરિવર્તન પણ કરવામાં આવ્યાં. આતંર ધર્મી તેમ જ એક ધર્મમાં અંદરોઅંદર સમન્વય તેમ જ સંઘર્ષની કથાઓ સદીઓથી ગૂંથાતી આવી છે.
વિશ્વ જાણે બે મુખ્ય ધર્મ પ્રવાહો વચ્ચે વહેતુ આવ્યું છે. એક છે પૂર્વીય ધર્મ પ્રવાહ, કે જેમાં સનાતન અથવા વૈદિક ધર્મ કે જે હિન્દુ ધર્મના નામે વધુ પ્રચલિત બન્યો છે એ મુખ્ય છે અને સમય જતાં એ જ ધર્મના તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મના પાયા પર થોડા અલગ પ્રકારનાં મૂલ્યોની ઇમારત જેમ જેમ ઊભી થતી ગઈ તેમ તેમ બૌદ્ધ, જૈન અને સીખ ધર્મો અસ્તિત્વમાં આવ્યા. તો બીજો પ્રવાહ જ્યુડાઇઝમ, ક્રીશ્ચિયાનિટી અને ઇસ્લામનો વહ્યો કે જે ‘એબ્રાહમિક ફેઈથ’ તરીકે જાણીતો છે. આ સિવાય બીજા પણ નાના મોટા ધર્મો પોતપોતાની આગવી વિચારધારા લઈને કેટલાક લોકોને સુગઠિત રાખે છે. અહીં આ મુખ્ય છ વિશ્વ ધર્મોનો પ્રસાર તલવારની અણીએ થયો કે ધર્મ પરિવર્તન દ્વારા એ વિષે છણાવટ કરવા પ્રયત્ન કરીશ.
સૌ પ્રથમ ‘એબ્રાહમિક ફેઈથ’માં સમાવિષ્ટ ત્રણ ધર્મોની વાત લઈએ. તેમાંનો જ્યુડાઇઝમ કાળક્રમની દ્રષ્ટિએ સહુથી પુરાણો છે. એ ધર્મના ઇતિહાસ મુજબ બાઇબલમાં કહ્યું છે કે ભગવાને પોતે પસંદ કરેલા લોકોના પિતા બનવા માટે અબ્રાહમને પસંદ કર્યો અને સમય જતાં એ લોકો જ્યુ તરીકે ઓળખાયા. હવે જ્યુડાઇઝમના પ્રસાર વિષે એમ મનાય છે કે જ્યુ પ્રજાજનો વિવિધ કારણોસર પોતાના દેશમાંથી દેશ નિકાલ કરાયા, અન્ય ભૂમિ પર જઈને વસ્યા હોવાથી તેમ જ રોમન્સ અને અસીરિયન્સ સાથે મૂઠભેડ થવાથી વેરવિખેર થઈ ગયા જેને પરિણામે અલગ અલગ ભૂ ભાગ પર જ્યુડાઇઝમનો પ્રસાર થયો. ઉપરાંત ધર્મ પરિવર્તન દ્વારા પણ તેનો પ્રસાર થયેલ. જો કે અન્ય વધુ આધિપત્ય ધરાવતા ધર્મો દ્વારા દર્શાવાયેલ જ્યુ લોકો પ્રત્યેની અસહિષ્ણુતા અને કઇંક અંશે આક્રમક વલણને કારણે જ્યુઈશ લોકોની આ પ્રસાર પદ્ધતિ બહુ ચર્ચિત નથી બની જેટલી બીજા કેટલાક ધર્મોની બની છે.
ક્રિશ્ચિયાનિટીના ઉદ્ભવને જીસસ ક્રાઈસ્ટના ઉપદેશ સાથે અનુબંધ છે. જો કે તેનું ઔપચારિક માળખું તેની હસ્તી દરમ્યાન નહોતું ઘડાયું. એ તો જયારે ઈ.સ. 313માં સમ્રાટ કોન્સ્ટન્ટીને ખ્રિસ્તી ધર્મને રોમનો પ્રમુખ રાજ્ય ધર્મ ઘોષિત કર્યો ત્યારે ક્રિશ્ચિયાનિટીનો ઔપચારિક સ્વીકાર થયો અને તેની સાથે વિશાળ જાહેર ઇમારતો અને ચર્ચ બનતાંની સાથે ક્રિશ્ચિયન લોકોની પૂજાની જરૂરિયાતો પૂરી પાડવાનું શક્ય બન્યું. શરૂમાં તેઓ પાસે ચર્ચનાં મકાનો નહોતાં કે જાહેરમાં કોઈ વિધિ કરવાની સુવિધાઓ નહોતી કે તે યુગના સામૂહિક સંદેશ વ્યવહારનાં સાધનો નહોતાં તો પછી સમયાંતરે એ ધર્મનો સ્થિર ગતિએ પ્રસાર પહેલી ત્રણ સદીઓ દરમ્યાન કેવી રીતે થયો હશે, એવી વિમાસણ થાય. આમ તો જીસસના પ્રમુખ શિષ્ય પૉલ સિવાય બીજી કોઈ મોટી હસ્તીઓનો ઉલ્લેખ જોવા નથી મળતો, તેને બદલે સાધારણ અને નમ્ર ગણાતા શ્રદ્ધાળુઓએ ધર્મનો પ્રસાર કરેલો જેમનાં નામ સુધ્ધાં કાળની ગર્તામાં વિસરાઈ ગયાં. બાકી જીસસનાં ઉપદેશ, સિદ્ધાંતો અને મૃત્યુ બાદ સહુને સમાન સ્વર્ગીય શાંતિ પ્રાપ્ત થાય એવા વિચારોએ લોકોને ખૂબ આકર્ષ્યા. પરિણામે તેનું પાલન કરનારાઓની જંિદગી અનેક રીતે સુધરી પણ ખરી.
હવે રસપ્રદ હકીકત તો એ છે કે ક્રીશ્ચિયાનિટીના પહેલા અનુયાયીઓનું જૂથ જુઇશ લોકોનું હતું. આમ જેમ જેમ વધુને વધુ લોકો પોતાનો ધર્મ છોડીને ક્રીશ્ચિયાનિટી અપનાવતા થયા તેમ તેમ ધર્મનો પ્રસાર વધતો ગયો. ક્યાંક ક્યાંક મિશનરીઓને પ્રતિકાર અને આક્રમણોનો સામનો પણ કરવો પડેલો. કેથલિક મિશનરીઓ કેન્દ્ર અને દક્ષિણ અમેરિકાના મૂળ વતનીઓને ધર્મ પરિવર્તન કરાવવાના હેતુથી ત્યાં ગયેલા, અને દુનિયાના ખૂણે ખૂણે મિશનરીઓએ શાળાઓ, દવાખાનાંઓ અને ગરીબોના ઉદ્ધાર માટેનાં કેન્દ્રો દ્વારા છેવાડેના લોકોની સેવા કરી તેમને ક્રિશ્ચિયન ધર્મની ભેટ ધરી એ જાણીતું છે. ઈ.સ.1900 સુધીમાં ક્રીશ્ચિયાનિટીનો પ્રસાર લગભગ દુનિયાના બધા ખંડોમાં થઇ ચુક્યો હતો. ક્રિશ્ચિયન મિશનરીઓએ ભારત અને આફ્રિકા સહિતના યુરોપિયન સંસ્થાનોનો પોતાના ધર્મના પ્રસાર અર્થે પૂરેપૂરો લાભ લીધો.
‘એબ્રાહમિક ફેઈથ’ની ત્રીજી પાંખ તે ઇસ્લામ, કે જે પહેલા બે ધર્મોની સરખામણીએ નવો સવો ઉદ્ભવ્યો છે. આમ જુઓ તો જ્યુડાઇઝમ અને ઇસ્લામ બંને એકેશ્વરવાદમાં માનનારા ધર્મો છે અને માનવી મૂળભૂત રીતે કઇં ને કઇં સારું અને બૂરું તત્ત્વ ધરાવતો હોય છે એમ માને છે; બંને એક ખાસ પવિત્ર ગ્રંથમાંના બોધને અનુસરે અને ઈબાદત માટે ખાસ મકાનોનો ઉપયોગ કરે છે. અબ્રાહમને ત્રણે ય ધર્મમાં પહેલો પયગંબર માનવામાં આવે છે. પરંતુ જ્યુડાઇઝમ અને ઇસ્લામ ધર્મ જીસસ ક્રાઇસ્ટના પુનરજીવનને માન્યતા નથી આપતા.
ઇસ્લામનો પ્રસાર કઈ રીતે અને કયા કયા માધ્યમો દ્વારા થયો તે જોઈએ. યુરોપના વિદ્વાનો એમ માનતા કે શરૂઆતમાં ઇસ્લામ ધર્મનો અંગીકાર તલવારની અણીએ કરાવવામાં આવેલો અને એ રીતે જીતી લેવામાં આવેલા લોકો માટે ધર્મ પરિવર્તન અથવા મૃત્યુ એવા બે જ વિકલ્પ અપાયા હતા. આરબ પ્રજા મારફત સુંદર મજાની અરેબિક ભાષા, અરેબિક અંક પદ્ધતિ અને અરબ સંસ્કૃિત પ્રસરેલી જેનાથી માનવ જાતને અનેક લાભ થયેલ તે બાબત જમણેરી એવા ક્રિશ્ચિયન પ્રચાર માધ્યમોએ “ઇસ્લામ એ દુષ્ટ લોકોનો ધર્મ છે.”, “તે હિંસાને પોષે છે.”, એવાં સૂત્રોનો પ્રચાર કર્યો તેમાં ભુલાઈ જવા પામી.
ઇસ્લામને તેના ખરા અર્થમાં સમજનારા માને છે કે ઇસ્લામને સ્વીકારવા માટે કોઈ જાતના દબાવનો ઉપયોગ ન થઈ શકે. ઇસ્લામને સાચા શ્રદ્ધાવાન લોકોની જરૂર છે નહીં કે પાખંડી લોકોની. ફરજિયાત ધર્મ પરિવર્તનને પરિણામે તો તમને પાખંડીઓ જ મળે, સાચા અનુયાયીઓ ન જ મળે. આથી જ તો મહંમદ પયગંબરને એક સત્ય માર્ગને અનુસરવાની યાદ અપાવનાર તરીકે ઓળખવામાં આવે છે નહીં કે બીજા પર ઇસ્લામ બળજબરીથી ઠોકી બેસાડનાર તરીકે. મહંમદ પયગંબરના પહેલાં તેર વર્ષો મક્કામાં વીત્યાં, જ્યાં તેમના મુસ્લિમ સાથીદારો લઘુમતીમાં હતા તો બળજબરીથી ધર્મ પરિવર્તનનો ખ્યાલ પણ અસંભવ હતો. તેઓ તેમની હત્યા થઈ શકે એવી સંભાવના ઊભી થઈ હોવાને કારણે મદીના હિજરત કરીને ગયા, ત્યારે મદીનાની મોટા ભાગની પ્રજાએ સામે ચાલીને ઇસ્લામનો અંગીકાર સ્વેચ્છાએ કરી લીધેલો. આથી એવું પ્રતિપાદિત થાય છે કે મદીનામાં ઇસ્લામનો પ્રસાર માત્ર તેના ઉસૂલોના પ્રચાર દ્વારા જ થયો હતો.
ભારતમાંના મોગલ સામ્રાજ્યના શાસન દરમ્યાન ઇતિહાસે નોંધ લીધી છે કે કેટલાક રાજાઓ તેમની જીતેલી પ્રજા પોતાનો જૂનો ધર્મ પાળે તેમ ઇચ્છતા, જેથી તેમની તિજોરીમાં જરૂરી મહેસૂલ સતત જમા થતું રહે. એ 800 વર્ષના ગાળા દરમ્યાન મુસ્લિમ રાજાઓએ રાજ્ય કર્યું પણ મુસ્લિમોની બહુમતી ક્યારે ય નહોતી. ભારતના અગ્રીમ ઇતિહાસવિદ્દ અને પત્રકાર ખુશવંત સિંઘે સ્પષ્ટપણે કહેલું કે ભારતમાં ઇસ્લામનો પ્રસાર મુસ્લિમ રાજાઓ મારફત નહીં પણ મુસ્લિમ આધ્યાત્મિક આગેવાનો અને મુસ્લિમ મિશનરીઓ દ્વારા થયેલ.
દૂર પૂર્વના દેશોનો ઇતિહાસ તપાસતાં માલુમ પડશે કે મલેશિયા કે ઇન્ડોનેશિયામાં મુસ્લિમ લશ્કર કે જળસેનાએ પગ પણ નહોતો મુક્યો છતાં ઇન્ડોનેશિયા સહુથી વધુ મુસ્લિમ જનસંખ્યા ધરાવનાર દેશ છે. મુસ્લિમ વેપારીઓના દ્રઢ ચારિત્ર્ય અને ઉમદા વર્તનને કારણે ઇન્ડોનેશિયન્સ ઇસ્લામ તરફ આકર્ષાયા. એવી જ પરિસ્થિતિ આફ્રિકા ખંડમાં ઇસ્લામના પ્રસાર માટે નોંધાયેલી છે. એક એવી માન્યતા પ્રચલિત છે કે મુસ્લિમોનું છેલ્લું સામ્રાજ્ય ઓટોમન સહુથી વધુ ક્રૂર હતું જેણે પૂર્વ યુરોપના દેશો પર રાજ્ય કર્યું. રાજકારણીય દ્રષ્ટિએ તેમાં સત્ય પણ છે. પરંતુ ઇતિહાસકારોએ એવી નોંધ પણ લીધી છે કે એ દેશોના ક્રિશ્ચિયન્સને ધર્મ વટલાવવાની ફરજ ક્યારે ય પાડવામાં નહોતી આવી એટલું જ નહીં તેઓને પોતપોતાની ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જીવન જીવવાનો અધિકાર હતો અને એથી જ તો આજે પણ તુર્ક લોકોના કબજામાં 500 વર્ષ રહેલું હોવા છતાં ગ્રીસમાં લઘુમતીમાં પણ મુસ્લિમો દેખાતા નથી. વેપાર વાણિજ્યનો મુખ્ય ફાળો ઇસ્લામના પ્રસારમાં હતો પરંતુ મુહમ્મદ પયગંબરના અવસાન બાદ ખિલાફતની સ્થાપના અને ઓટોમન સામ્રાજ્યના શાસનના પરિણામે ઇમામોને ઇસ્લામના પ્રસાર-પ્રચાર માટે વટાળ પ્રવૃત્તિ કરવા માટે રાજ્ય વ્યવસ્થાનો ભરપૂર સાથ મળેલો. તેથી જ પયગંબર સાહેબના જીવન કાળ દરમ્યાન માત્ર પોતાના ભૌગોલિક વિસ્તારની રક્ષા માટે મુસ્લિમોને તલવાર ઉઠાવવાનો આદેશ અપાયેલો તેનો અવળો અર્થ કરીને શાસકોની જોહુકમીના અંચળા હેઠળ જે વટાળ પ્રવૃત્તિઓ ચાલી તેણે ‘ઇસ્લામ તો તલવારની અણીએ પ્રસર્યો’ એવી છાપ ઊભી કરી એમ ઇતિહાસ જોતાં સમજી શકાય.
‘એબ્રાહમિક ફેઈથ’ના ત્રણ મુખ્ય ધર્મ પ્રવાહોની ઉત્ત્પત્તિ અને પ્રસારની વિગતો પર નજર નાખી. તેની તુલનામાં સનાતન ધર્મ અથવા તો હિન્દુ ધર્મના પ્રસારણ વિષે પણ થોડું જાણીએ. હિન્દુ ધર્મના અનુયાયીઓ તરત વિશ્વાસપૂર્વક કહી શકશે કે હિન્દુ ધર્મનો પ્રસાર કદી પણ તલવારની અણીએ થયો નહોતો અને થશે પણ નહીં. કોઈ પણ બે સંસ્કૃિત એક બીજાના સંસર્ગમાં આવે ત્યારે તે બંને સંસ્કૃિત અનિવાર્યપણે પરસ્પરની અસરને કારણે પરિવર્તનના દોરમાંથી પસાર થતી હોય છે એ સર્વ વિદિત છે. હવે પુરાતન યુગના ભારત વર્ષની સંપદાને મધ્ય નજરમાં રાખીને કહીએ તો તેના ભૌતિક અને આધ્યાત્મિક વારસાનો પ્રસાર ત્રણ રીતે થયો ગણી શકાય; એક તો પુરાણા હિન્દુ સમાજની કુદરતી રીતે વિસ્તરતી જતી ભૌગોલિક સીમાઓ, બીજું વેપારી માર્ગોનો વિકાસ અને ત્રીજું હિન્દુ રાજાઓનો વધતો જતો લશ્કરી વ્યાપ. આ ત્રણમાંથી એક પણ પરિસ્થિતિ જે તે સ્થળના મૂળ વતનીઓ માટે બળજબરીથી હિન્દુ ધર્મના સ્વીકારની વાત લઈને પ્રસ્તુત થયેલી ક્યાં ય નોંધાઈ નથી.
બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્ભવનો સમય લગભગ ક્રીશ્ચિયાનિટીના યુગની સમાન્તર કહી શકાય. મહાવીર સ્વામી કે તેમના અનુયાયીઓ પોતાના ધર્મના પ્રસાર માટે કોઈ ખાસ હેતુ પૂર્વકનો પ્રવાસ ન કરતા, પરંતુ જન સામાન્યને જૈન ધર્મના મૂળભૂત વિચારો સમજાવે અને જેઓને પણ તે જીવન પદ્ધતિ અપનાવવા યોગ્ય લાગે તેઓ તેમાં જોડાઈ ગયા. એવી જ રીતે તથાગત બુદ્ધ બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે પોતે વિહાર કરતા અને કેટલાક પ્રચારકોને દેશ વિદેશ મોકલીને સંદેશ પ્રસરાવાનો આદેશ આપેલો એ હકીકત છે, પરંતુ તેમાં માત્ર શ્રોતાઓ આગળ ધમ્મપદની સમજણ આપવી અને મધ્યમ માર્ગે જીવન વિતાવવાનું સૂચન કરવા સિવાય કશું કરવામાં આવતું નહોતું. એ સંદેશ સાંભળનારાઓને જો પોતાના આત્માનો અવાજ અનુમતિ આપે તો સંઘમાં આવકારવામાં આવતા. એ સમયે ધુરંધર રાજા મહારાજાઓએ સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેથી એ ધર્મ રાજ્યાશ્રિત બન્યા વિના રાજ્યકર્તાઓનું પીઠબળ મેળવી શક્યો તે અલગ વાત છે. સીખ ધર્મનું આગમન અને તેનો પ્રસાર પણ લગભગ એવી જ તારાહનો રહ્યો જેવો તેના પુરોગામી એવા હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના રહ્યા.
ભારતની પ્રજા એ હકીકતની સાક્ષી છે કે જેમ ઇસ્લામનો પ્રસાર શાંતિમય માર્ગે થયેલો તેમ તલવારની અણીએ પણ થયેલો. જે મુસ્લિમ વેપારીઓ, ઇમામ અને રાજ્ય વહીવટ કરનારાઓ ભારતમાં સ્થાયી થયા તેમની પ્રજા આ દેશનો અંતર્ગત ભાગ બની ગઈ. એવી જ રીતે મિશનરીઓના પ્રયાસોથી ક્રીશ્ચિયાનિટી પણ ભારતમાં પ્રસરી. હિન્દુ ધર્મ કે તેના અનુગામી ધર્મોએ કદી અન્ય કોઈ દેશમાં જઈ પદ્ધતિસરનો પ્રચાર કરીને સ્થાનિક પ્રજાને લાલચ કે ધાક-ધમકી આપીને પોતાનો ધર્મ અપનાવવાની ફરજ પાડયાનું ઇતિહાસના પાને નોંધાયું નથી. એ જ રીતે ‘એબ્રાહમિક ફેઈથ’ના ત્રણ મુખ્ય ધર્મ પ્રવાહોની વચ્ચે જે વૈમનસ્ય સદીઓથી પાંગરતું આવ્યું છે જેને પરિણામે નાના મોટા સંઘર્ષો અને લડાઈઓ થતી રહી છે તેવો સંબંધ બૌદ્ધ, જૈન કે સીખ ધર્મને તેના પુરોગામી હિન્દુ ધર્મ સાથે નથી રહ્યો તે એક ગૌરવપ્રદ હકીકત છે. હા, જ્યારે પણ રાજકીય મહત્ત્વાકાંક્ષાઓએ ધર્મનું ઓઠું લીધું ત્યારે તલવારની અણીએ ધર્મ પરિવર્તનો થયાની ઘટનાઓ બની છે. પણ કોઈ ધાર્મિક ગ્રન્થોમાંનાં લખાણ, ધર્મ ગુરુઓ કે તેને ખરા અર્થમાં અનુસરનારાઓ કદી હિંસાના માર્ગે પોતાનો ધર્મ કોઈ પાસે સ્વિકારાવી નથી શક્યા એ સ્પષ્ટ છે. કહેવાતા ઇસ્લામિક સ્ટેઇટ નામના આતંકી સંગઠનના સભ્યોને પૂછવાનું કે ભાઈઓ (અને બહેનો પણ) તમે ઇસ્લામનો પ્રસાર દુનિયા આખીમાં થાય એ હેતુથી આમ નિર્દોષ પ્રજાને રહેંસી નાખો છો તે શું વ્યાજબી છે? મોઝીઝ, જીસસ અને મહંમદ પયગંબરે અને તેમના સાથી અનુયાયીઓએ શું આવા આતંકી હુમલાઓથી જુઇશ, ક્રિશ્ચિયન અને ઇસ્લામનો પ્રસાર કરેલો? અને ભારતમાં જે રાજકીય કે બિન રાજકીય સંગઠનો હિન્દુ ધર્મના પ્રસાર અર્થે કેટલાંક પગલાં લેવાનું દેશની પ્રજાને સૂચવે છે તેમને યાદ અપાવવાનું કે એ ભારતીય કે વૈદિક સંસ્કૃિતનું લક્ષણ નથી. જો ખાતરી ન હોય તો હિન્દુ, બૌદ્ધ, જૈન અને સીખ ધર્મના ઉદ્દભવ અને પ્રસારનો ઇતિહાસ તપાસી જવો રહ્યો.
કોઈ પણ ધર્મનો પ્રસાર તેના ઉત્તમ અને પ્રામાણિક અનુયાયીઓના શુદ્ધ આચાર-વિચાર અને પ્રેમભર્યા સંવાદો મારફત જ થાય અને તેનાથી જ ધર્મ ટકે એ યુગોથી સાબિત થયેલ હકીકત છે. બહેતર એ છે કે ધર્મની તલવાર સાથે ગાંઠ બાંધનારાઓ આ બાબત જેમ બને તેટલી જલદી સમજે, સ્વીકારે અને શાબ્દિક અને સશસ્ત્ર આક્રમણનો રાહ છોડી ભૂતકાળમાં થઈ ગયેલા યુગપુરુષોના ચિંધેલ માર્ગને અપનાવે.
e.mail : 71abuch@gmail.com