 દેશમાં કાળાં નાણાંની નાબૂદી માટે નોટબંધી એક માત્ર ઉપાય છે અને કાળું નાણું દેશ માટે આપત્તિજનક અને દેશના વિકાસ માટે અવરોધક છે, એમ નાગરિકોની વિશાળ બહુમતીએ માની લીધું છે. દેશમાં કાળાં નાણાંની ચર્ચા દસકાઓથી ચાલે છે અને તેના મોટા-મોટા આંકડા રજૂ થતા રહે છે. તેથી દેશમાં કાળાં નાણાંને લોકો ભસ્માસુર રૂપે જોતાં થયાં છે. નોટબંધી કરીને મોદી આ ભસ્માસુરનો વધ કરવા નીકળ્યા છે એવી માન્યતાથી પ્રેરાઈને લોકો હાડમારી વેઠીને પણ નોટબંધીને ટેકો આપી રહ્યા છે. કાળું નાણું શું છે, એ કેવી રીતે સર્જાય છે, એની અર્થતંત્ર પર શું અસર પડે છે, એની નાબૂદી માટે કરવામાં આવેલી નોટબંધીથી અર્થતંત્રને લાંબે ગાળે શું લાભ થશે, એ વિશે કશી જાણકારી નહીં ધરાવતા નાગરિકો કેવળ વર્ષોથી ચાલી આવતી કાળાં નાણાં અંગેની માન્યતાથી પ્રેરાઈને નોટબંધીનું સમર્થન કરી રહ્યાં છે. આ લેખમાં કાળાં નાણાંનાં આ બધાં પાસાંની ચર્ચા કરી છે.
દેશમાં કાળાં નાણાંની નાબૂદી માટે નોટબંધી એક માત્ર ઉપાય છે અને કાળું નાણું દેશ માટે આપત્તિજનક અને દેશના વિકાસ માટે અવરોધક છે, એમ નાગરિકોની વિશાળ બહુમતીએ માની લીધું છે. દેશમાં કાળાં નાણાંની ચર્ચા દસકાઓથી ચાલે છે અને તેના મોટા-મોટા આંકડા રજૂ થતા રહે છે. તેથી દેશમાં કાળાં નાણાંને લોકો ભસ્માસુર રૂપે જોતાં થયાં છે. નોટબંધી કરીને મોદી આ ભસ્માસુરનો વધ કરવા નીકળ્યા છે એવી માન્યતાથી પ્રેરાઈને લોકો હાડમારી વેઠીને પણ નોટબંધીને ટેકો આપી રહ્યા છે. કાળું નાણું શું છે, એ કેવી રીતે સર્જાય છે, એની અર્થતંત્ર પર શું અસર પડે છે, એની નાબૂદી માટે કરવામાં આવેલી નોટબંધીથી અર્થતંત્રને લાંબે ગાળે શું લાભ થશે, એ વિશે કશી જાણકારી નહીં ધરાવતા નાગરિકો કેવળ વર્ષોથી ચાલી આવતી કાળાં નાણાં અંગેની માન્યતાથી પ્રેરાઈને નોટબંધીનું સમર્થન કરી રહ્યાં છે. આ લેખમાં કાળાં નાણાંનાં આ બધાં પાસાંની ચર્ચા કરી છે.
એ ચર્ચા કરીએ એ પહેલાં કાળાં નાણાં અંગેના એક તુલનાત્મક ચિત્રથી વાકેફ થઈએ. જેને આપણા દેશમાં કાળા કે સમાંતર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેને વૈશ્વિક ચર્ચામાં છાયા-અર્થતંત્ર (shadow economy) તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વબૅંકના ત્રણ અર્થશાસ્ત્રીઓએ દુનિયાના ૧૬૨ દેશોમાં ૧૯૯૯થી ૨૦૦૭માં કેટલા પ્રમાણમાં છાયા-અર્થતંત્ર પ્રવર્તતું હતું, તેનો અભ્યાસ કરીને એક અભ્યાસલેખ ૨૦૧૦માં પ્રકાશિત કર્યો હતો. આ તુલનાત્મક અભ્યાસમાંથી સાંપડેલી કેટલીક વિગતો નીચે નોંધી છે :
૧. દુનિયાના ૧૫૧ દેશોને છાયા-અર્થતંત્રના કદના આધારે આપવામાં આવેલા ક્રમમાં ભારત ૩૯મા ક્રમે હતું. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૯૯૯માં સત્તાવાર જી.ડી.પી.ના ૨૩.૨ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૨૦.૭ ટકા થયું હતું.
૨. છાયા-અર્થતંત્રનું સહુથી નાનું કદ સ્વિટ્ઝર્લૅન્ડમાં હતું, જે ૨૦૦૭માં ૮.૧ ટકા હતું. ભારતની તુલનામાં નાના કદનું છાયા-અર્થતંત્ર ધરાવતા અન્ય ૩૮ દેશોમાં અમેરિકા (૮.૪ ટકા), જાપાન (૧૦.૩ ટકા), ચીન (૧૧.૯ ટકા), સ્વીડન (૧૭.૯ ટકા) વગેરેનો સમાવેશ થતો હતો.
૩. ભારતની તુલનામાં મોટું છાયા-અર્થતંત્ર ધરાવતા ૧૧૨ દેશો પૈકી કેટલાક ભારત કરતાં વધુ વિકસિત દેશોનાં ઉદાહરણ આ પ્રમાણે છે : કોરિયા (૨૫.૬ ટકા), ઈટાલી (૨૬.૮ ટકા), મૅક્સિકો (૨૮.૮ ટકા), મલેશિયા (૨૯.૬ ટકા), બ્રાઝિલ (૩૬.૬ ટકા) અને રશિયા (૪૦.૬ ટકા).
૪. અભ્યાસ નીચેના ૧૫૧ દેશોમાં છાયા-અર્થતંત્રનું સરેરાશ કદ ૧૯૯૯માં ૩૩.૩ ટકા હતું, જે ઘટીને ૨૦૦૭માં ૩૧.૩ ટકા થયું હતું. આમ-વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતમાં છાયા અર્થતંત્રનું કદ ગણનાપાત્ર ગણાય એટલું ઓછું છે. જે દેશના લોકો એમની દેશભક્તિ માટે વિખ્યાત છે, તે ઇઝરાયેલમાં છાયા-અર્થતંત્રનું કદ ભારત જેટલું જ માલૂમ પડ્યું છે. બેલ્જિયમ અત્યંત વિકસિત અને ‘કૅશલેસ’ અર્થતંત્ર ધરાવતો દેશ છે, છતાં બેલ્જિયમમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૦૦૭માં ભારત કરતાં થોડું મોટું હતું. (૨૧.૩ ટકા). દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવાની જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં બેલ્જિયમનું ઉદાહરણ ધ્યાનપાત્ર છે.
દુનિયાના ૧૦૦થી અધિક દેશોમાં છાયા-અર્થતંત્રનું કદ ભારતની તુલનામાં મોટું હોવા છતાં ભાગ્યે જ એમાંના કોઈ દેશમાં આ વહીવટી અને આર્થિક પ્રશ્નને ભારતમાં અપાયું છે, તેવું રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. આના સંદર્ભમાં વિષયાન્તરનો દોષ વહોરીને ફ્રાન્સનો એક દાખલો ટાંકું છું. ૨૦૦૫ના વર્ષમાં ફ્રાન્સના પ્લમરોને એવું સમજાવવામાં આવ્યું હતું કે પૉલૅન્ડમાંથી પ્લમરો મોટી સંખ્યામાં આવશે અને ફ્રાન્સના પ્લમરોની રોજી છીનવી લેશે. એ વખતે ફ્રાન્સમાં બેકારી વધારે હતી, તેથી પ્લમરોએ એ વાત માની લીધી. વાસ્તવમાં પોલૅન્ડના પ્લમરને કોઈએ જોયો નહોતો. ફ્રાન્સના પ્લમરોના મંડળે આપેલા આંકડા પ્રમાણે પોલૅન્ડના ૬૫૦ પ્લમરો ટૂંકી મુદતના કરાર પર આવેલા. હકીકતમાં ફ્રાન્સમાં ૬,૦૦૦ પ્લમરોની અછત હતી. આમ છતાં, પ્લમરોમાં બેકારીનો હાઉ ઊભો કરીને તેમનામાં આક્રોશ પેદા કરી શકાયો હતો. આમ, અસરકારક પ્રચાર દ્વારા અર્ધસત્યો કે તદ્દન જુઠાણાંના પાયા પર મોટા જનસમૂહને ગેરમાર્ગે લઈ જઈ શકાય છે.
આ ભૂમિકા સાથે હવે કાળાં નાણાંના પ્રશ્નનાં વિવિધ પાસાં તપાસીએ :
દેશમાં કાળું નાણું (બ્લૅકમની) શબ્દ ખોટી રીતે રૂઢ થયો છે. કાળું નાણું એ ખરેખર કાળી કે સત્તાવાળાઓથી છુપાવવામાં આવેલી આવક છે. આવક છુપાવવાનો ઉદ્દેશ કરચોરી કરવાનો છે. કાનૂની માર્ગે મેળવવામાં આવેલી આવકનો કેટલોક ભાગ કર-અધિકારીઓથી કરચોરીના ઉદ્દેશથી છુપાવવામાં આવે છે. કેટલીક આવક જ ગેરકાનૂની માર્ગે મેળવવામાં આવી હોય છે, તેથી તે જાહેર કરાતી નથી. લાંચરુશવત અને દાણચોરી દ્વારા મેળવવામાં આવેલી આવક આ પ્રકારની છે. ઉત્પાદકો અને વેપારીઓએ આબકારી જકાત, વેટ, જેવા વેરા અંશતઃ ટાળીને જે આવક મેળવી હોય, તે પણ ગેરકાનૂની છે. આમ, કાળી આવક કરચોરી અને ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવે છે.
કાળી આવકનો ઉપયોગ, ધોળી આવકની જેમ વિવિધ માર્ગોએ થાય છે. કેટલીક આવક વૈભવી વપરાશ માટે ખર્ચાય છે. એ આવકનો મોટો ભાગ જમીન, મકાનો, સોનું, ઝવેરાત જેવી સંપત્તિ ખરીદવામાં ખર્ચાય છે, જેમની પહોંચ છે, એવા લોકો તેમની કાળી આવકનો મોટો ભાગ વિદેશોમાં રાખે છે. એ આવકનો કેટલોક ભાગ સગવડ ધરાવતા લોકો બીજાઓનાં નામે વેપારધંધામાં રોકે છે અને શેષ ભાગ ચલણી નોટોમાં રાખે છે. આમ કાળી આવકનો એક નાનો ભાગ ચલણી નોટોના રૂપમાં હોય છે. લોકોમાં પ્રચલિત ખ્યાલ પ્રમાણે એ જ કાળું નાણું છે.
કાળાં નાણાં વિશે એક મોટી ગેરસમજ પ્રવર્તે છે. આ માન્યતા પ્રમાણે કાળું નાણું ધરાવતા લોકો તેમની પાસે રહેલાં કાળાં નાણામાં દર વર્ષે ઉમેરો કરતા રહે છે. સરકાર વતી ઍટર્ની જનરલે સર્વોચ્ચ અદાલતમાં કરેલી રજૂઆતમાં લોકોની આ ગેરસમજ પોષાય એ મતલબનાં વિધાનો કરવામાં આવેલાં. વાસ્તવમાં કાળી આવક મેળવતા લોકો વધુ પ્રમાણમાં ચલણી નોટો હાથ પર રાખતા નથી. ચલણી નોટોના રૂપમાં સંપત્તિ વધી જાય તો ઉપર દર્શાવી છે, એવી અન્ય સંપત્તિમાં તેનું રૂપાંતર કરી નાખવામાં આવે છે. જો દર વર્ષે હાથ પર રાખવામાં આવતાં કાળાં નાણાંમાં વધારો થતો હોત, તો મોદી સરકારને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોને ચલણમાંથી રદ કરવાનો મોકો જ ન મળ્યો હોત. ધારો કે દર વર્ષે ત્રણ લાખ કરોડ જેટલી કાળી આવકને ચલણી નોટોના રૂપમાં રાખવામાં આવે છે. ૨૦૧૧થી આપણે શરૂઆત કરીએ, તો ૨૦૧૫ સુધીનાં પાંચ વર્ષમાં કરચોરો પાસે રૂ. ૧૫ લાખ કરોડની રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટોનો સંચય થાય. આની સામે માર્ચ ૨૦૧૬માં ચલણમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની કુલ નોટો રૂ. ૧૪,૧૭,૯૪૩ કરોડની હતી. બીજી એક હકીકતના આધારે તપાસીએ. સાતમી ડિસેમ્બર સુધી બૅંકોમાં રૂ. ૧૧.૫ લાખ કરોડની નોટો જમા થઈ ગઈ હતી અને હજી (સરકાર બીજી અનેક બાબતોમાં ફરી ગઈ છે, તેમ આ બાબતમાં પણ ફરી ન જાય તો) નોટો જમા કરાવવા માટે ૨૩ દિવસ બાકી હતા. આમ, કાળાં નાણાં વિશે મોટો હાઉ અને અપેક્ષાઓ જગવીને નોટબંધી કર્યા પછી ‘કોથળામાંથી બિલાડી’ નીકળવાની પાકી સંભાવના હોવાથી, ‘રોકડ નાણું જ ભ્રષ્ટાચારના મૂળમાં છે’, એવી દલીલ કરીને હવે વડાપ્રધાનને ‘કૅશલેસ ઇકોનૉમી’ માટે ઝુંબેશ શરૂ કરી છે. એ મુદ્દાની ચર્ચા લેખના ઉત્તરાર્ધમાં કરી છે.
કાળી આવક સર્જાવાના બે સ્રોત છે : કરચોરી અને ભ્રષ્ટાચાર. કરચોરી માટે લોકોની અને કરવેરાના વહીવટીતંત્રની અપ્રામાણિકતાની સાથે બીજાં પણ કેટલાંક કારણો છે : વેરાનો ઊંચો દર, વેરાના કાયદાની જટિલતા અને સંદિગ્ધતા, કર ઉઘરાવતા અધિકારીઓની કનડગત, ખેતીની આવક પર આવકવેરાનો અભાવ (જે આવકવેરાની ચોરી કરવાની સગવડ પૂરી પાડે છે), અર્થતંત્રમાં મોટો અસંગઠિત વિભાગ (જેમાં મોટા ભાગમાં વ્યવહારો રોકડ નાણાંથી થાય છે), વકીલો, ડૉક્ટરો, વેપારીઓ વગેરેને રોકડ નાણાં રૂપે મળતી આવક (જે કરચોરી માટે પોષક નીવડે છે). આમ કરચોરી રોકવા માટે અનેક મોરચે લડવાનું છે.
કાળી આવકનો બીજો સ્રોત ભ્રષ્ટાચાર છે. સરકારી વહીવટીતંત્રમાં તળિયાથી ટોચ સુધી ચાલતા ભ્રષ્ટાચારના મૂળમાં રાજ્યના અંકુશોની જટિલતા અને અધિકારીઓને મળતી વિવેકાધીન સત્તા (discretionary power) રહેલાં છે. લોકશાહી ધરાવતા ભારતમાં રાજકીય પક્ષો દ્વારા લડાતી ચૂંટણી ભ્રષ્ટાચારનો મોટો સ્રોત બને છે. આ રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ, બિલ્ડરો વગેરે પાસેથી મોટી રકમો ‘દાન’ રૂપે મેળવે છે, જેની વિગતો ક્યારે ય પ્રગટ કરવામાં આવતી નથી. આ દાન બિનહિસાબી નાણાંરૂપે મેળવવામાં આવતું હોઈ દાતાઓને એ નાણાં કાળી આવકના રૂપમાં રાખવાની ફરજ પડે છે. આમ, સરકારી તંત્રમાં ટોચ ઉપર લેવાતી મોટી રકમની લાંચ અને રાજકીય પક્ષો દ્વારા મેળવવામાં આવતાં ‘દાન’ દાતાઓને કાળી આવક સર્જવાની ફરજ પાડે છે. જ્યાં સુધી સરકારી તંત્ર અને રાજકીય પક્ષોનો આ ભ્રષ્ટાચાર મહદંશે નાબૂદ નહીં થાય, ત્યાં સુધી ‘કૅશલેસ’ અર્થતંત્ર પણ કાળી આવકના સર્જનને રોકી નહીં શકે.
અર્થતંત્રમાં કાળી આવક સર્જાવાના સ્રોત અને તેનાં કારણો જાણ્યાં પછી કાળી આવકની અસરોની ચર્ચા કરીએ. કાળી આવક પર વેરો ભરવામાં આવતો નથી તેનાં ત્રણ પરિણામો આવે છે : કરચોરી આવક અને સંપત્તિની અસમાનતા સર્જવામાં સહાયક બને છે; કરચોરી સાપેક્ષ રીતે અન્યાયની સ્થિતિ સર્જે છે. વર્ષે રૂ. પંદર લાખનો પગાર મેળવતા સંગઠિત ક્ષેત્રના કર્મચારીને આવકવેરો ભરવો પડે છે, જ્યારે એટલી જ આવક રળતો વેપારી આવક પ્રગટ નહીં કરીને આવકવેરો ટાળે છે. કરચોરીને કારણે સરકારને વેરામાંથી ઓછી આવક મળે છે. તેથી એમ કહી શકાય કે પ્રજાકીય કામો કરવાની સરકારની વિત્તીય ગુંજાશ ઘટે છે, પણ અર્થતંત્રમાં સર્જાતી કાળી આવકથી દેશનો આર્થિક વિકાસ રૂંધાય છે, એમ કહી શકાશે નહીં. પ્રથમ આપણા દેશનો દાખલો લઈએ. ૧૯૫૦થી ’૮૦ના ત્રણ દસકા દરમિયાન રાજ્ય વિકાસ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરતું હતું પણ જી.ડી.પી.નો વાર્ષિક વૃદ્ધિદર એ વર્ષોમાં સાડા ત્રણ ટકાનો હતો. એ પછીનાં વર્ષોમાં રાજ્યની ભૂમિકા ઘટતી ગઈ છે અને વૃદ્ધિદર વધતો રહ્યો છે : ૧૯૮૦થી ’૯૦ના દસકામાં તે પ.૬ ટકા હતો; ૧૯૯૦થી ૨૦૦૦ના દસકામાં તે ૫.૮ ટકા હતો; ૨૦૦૦થી ૨૦૧૦ના દસકામાં તે વધીને ૭.૨ ટકા થયો હતો. આજે ભારતનું અર્થતંત્ર દુનિયામાં સહુથી ઊંચો વૃદ્ધિદર ધરાવે છે. બીજી બાજુ, છેલ્લા ત્રણ-ચાર દસકાઓ દરમિયાન કાળી આવકમાં મોટો વધારો થયો હોવાની છાપ છે.
આંતરરાષ્ટ્રીય તુલના કરીએ, તો દેશમાં છાયા-અર્થતંત્રના કદ અને દેશની માથા દીઠ આવક વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ચીનમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૮,૨૬૧ ડૉલર છે. મૅક્સિકોમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા છે, પણ એની માથા દીઠ આવક ૮,૬૯૯ ડૉલર છે. ભારતમાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા જેટલું છે અને તેની માથા દીઠ આવક ૧,૭૧૯ ડૉલર છે. બીજી બાજુ બ્રાઝિલમાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું છે. પણ તેની માથા દીઠ આવક ૮,૫૮૭ ડૉલર છે અને મલેશિયામાં છાયા-અર્થતંત્રનું કદ ૩૦ ટકા જેટલું છે, જ્યારે એની માથા દીઠ આવક ૯,૫૪૬ ડૉલર છે.
કાળી આવક કે કાળાં નાણાં દેશમાં ફુગાવો સર્જે છે, એ માન્યતામાં પણ તથ્ય નથી. દેશમાં કાળાં નાણાંની હાજરી વચ્ચે ફુગાવાના દરમાં મોટી વધઘટ જોવા મળી છે, તે દર્શાવે છે કે ફુગાવાનો સંબંધ દેશમાં નાણાંના કુલ પુરવઠાના વૃદ્ધિદર સાથે છે, કાળાં નાણાં સાથે નથી. ઊલટું, લોકો માને છે તેમ જો કાળું નાણું નિષ્ક્રિય પડી રહેતું હોય, એટલે કે ન ખર્ચાતું હોય, તો તે ફુગાવાને ઘટાડવામાં સહાયભૂત થાય!
આનો અર્થ એવો નથી કે કાળી આવક અનિષ્ટ નથી. એ નિર્વિવાદ રીતે એક અનિષ્ટ છે, કારણ કે તેના મૂળમાં કરચોરી અને ભ્રષ્ટાચાર છે. પણ નોટબંધી તેનો ઇલાજ નથી. પેટમાં ઍપેન્ડિક્સનો દુખાવો હોય એવા દરદીને દુખાવો મટાડવા માટે પેટ ઉપર ડામ દેવામાં આવે તેનો જેવો આ ઇલાજ છે. એનો હેતુ તો સારો જ છે. પણ સાધ્યના આધારે આ દાખલામાં જેમ સાધનને યોગ્ય ન ગણી શકાય, તેમ કાળા નાણાંનાં અનિષ્ટોને નાબૂદ કરવા માટે નોટબંધી યોગ્ય માર્ગ નથી.
નોટબંધીથી ટૂંકા ગાળામાં લોકોને હાડમારી પડશે, કેટલાક લોકોને રોજગારી ગુમાવવી પડશે, વેપારઉદ્યોગના વેચાણ અને ઉત્પાદનમાં ઘડાટો થશે, એ રીતે દેશના લોકોએ તેની કિંમત ચુકવવી પડશે, પણ લાંબે ગાળે તેનાથી દેશને લાભ થશે, એવી દલીલ પ્રધાનમંત્રી સહિત અનેક લોકોએ કરી છે. પણ તેઓ બે બાબતો વિશે ફોડ પાડીને કહેતા નથીઃ એક ટૂંકો ગાળો કેટલો ટૂંકો છે અને લાંબો ગાળો કેટલો લાંબો છે, તે તેઓ કહેતા નથી. બીજું, નોટબંધીથી લાંબે ગાળે શું લાભ થશે અને તે કેવી રીતે થશે, તે સ્પષ્ટ કરતા નથી. વડાપ્રધાને નોટબંધી જાહેર કરી, ત્યારે તેને કાળાં નાણાં, આતંકવાદીઓ પાસે રહેલાં અને તેમને મળતાં નાણાં તથા ચલણમાં ઘુસાડવામાં આવેલી ચલણી નોટો પરની સર્જિકલ સ્ટ્રાઇક તરીકે વધાવી લેવામાં આવી હતી. પણ આ ત્રણે ઉદ્દેશોની બાબતમાં ભોંઠા પડવાનું થયું છે. આપણે જોઈ ગયા તેમ અપેક્ષા રાખવામાં આવી હતી, તેવા મોટા જથ્થામાં કાળું નાણું સાંપડવાની સંભાવના રહી નથી, દેશની પશ્ચિમ સરહદે અને પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદીઓના હુમલા થયા છે તથા નવી નોટો બધા લોકો પાસે પહોંચે તે પહેલાં નકલી નોટો ફરતી થઈ. બીજી બાજુ નોટોની અછતને કારણે બૅંકો અને એ.ટી.એમ. પર લાઇનો લાગે છે અને ઘણા લોકોને નિરાશ થઈને ઘેર જવું પડે છે. લાઇનમાં ઊભેલા લોકોને નવી નોટો મળે નહીં અને વગદારોને ઘેરબેઠાં નવી નોટો મળી જાય, એ નોટોના વિતરણમાં ચાલતા ભ્રષ્ટાચારને જે સરકાર રોકી શકી નથી, તે કાળી આવક સર્જતા સરકારી વહીવટીતંત્રના ભ્રષ્ટાચારને કેવી રીતે દૂર કરી શકશે. એવો પ્રશ્ન સહજ રીતે થાય.
નોટબંધીથી સર્જાયેલી આ અરાજકતા અને તેના કથિત ઉદ્દેશો પાર પાડવામાં અપેક્ષિત સફળતા સાંપડવાની સંભાવના નથી, તે પામી જઈને વડાપ્રધાને રાજકીય ચતુરાઈ વાપરીને એક સાવ નોખો ઉદ્દેશ રજૂ કરી દીધો. નોટબંધી દ્વારા નોટોની અછત સર્જીને તેઓ દેશના અર્થતંત્રને ‘કૅશલેસ’ બનાવવા માગે છે. નોટબંધી જાહેર કરવામાં આવી, ત્યારે કૅશલેસ અર્થતંત્રના જે ઉદ્દેશનો ઉલ્લેખ સરખો કરવામાં આવ્યો નહોતો. તે આજે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને મૂળ ઉદ્દેશો ભુલાઈ ગયા છે. વડાપ્રધાનની આ રાજકીય ચતુરાઈ દાદ માંગી લે તેવી છે. અફસોસ એટલો જ કે એ ચતુરાઈનો ઉપયોગ નોટબંધીના કુશળ આયોજન માટે થયો હોત, તો કરચોરીની બાબતમાં સાવ નિર્દોષ એવા ૯૦ ટકાથી અધિક લોકોને હાડમારી ન ભોગવવી પડત તેમજ છૂટક મજૂરી કરતા મજૂરોને રોજગારી ગુમાવવી ન પડત.
કૅશલેસ અર્થતંત્રનો અર્થ એવો નથી કે અર્થતંત્રમાં ચલણી નાણાંનો ઉપયોગ કર્યા વિના, ક્રૅડિટ કાર્ડ, ડૅબિટ કાર્ડ, મોબાઇલ જેવાં સાધનોનો ઉપયોગ કરીને બૅંકના માધ્યમથી જ બધી ચુકવણીઓ થતી હોય. કૅશલેસ ગણાતાં વિવિધ અર્થતંત્રોમાં રોકડ નાણાંના ઉપયોગ વિના થતા વિનિમયનું પ્રમાણ વિભિન્ન માલૂમ પડે છે. દા.ત. ફ્રાન્સના મૂલ્યની રીતે ૭૮ ટકા વિનિમય રોકડ નાણાંની મદદ વિના થાય છે; જર્મની અને અમેરિકામાં એ પ્રમાણ ૭૬ ટકા છે, જ્યારે ઓછા વિકસિત ચીનમાં એ પ્રમાણ ૫૩ ટકા અને તૂર્કસ્થાનમાં ૪૦ ટકા છે. ભારતમાં એ પ્રમાણ આજે ૨૨ ટકા છે, પણ ૨૦૨૫ સુધીમાં તે ૫૯ ટકા થશે એવો અંદાજ નોટબંધીપૂર્વે મૂકવામાં આવ્યો હતો. આમ, અર્થતંત્રના વિકાસ સાથે અર્થતંત્ર આપમેળે વધુ ને વધુ કૅશલેસ થતું જ જાય છે.
અર્થતંત્ર આ રીતે કૅશલેસ થાય તેને પરિણામે અર્થતંત્રમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણાંનું પ્રમાણ ઘટે છે. ભારતમાં ચલણી નાણાંનું પ્રમાણ જી.ડી.પી.ના ૧૨ ટકા જેટલું છે. ચીનમાં તે ૨૦૦૦માં ૧૪.૬ ટકા હતું. તે ઘટીને ૨૦૧૫માં ૯.૧ ટકા થયું હતું. આ બે દેશોની સરખામણીમાં વધુ વિકસિત એવા મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા, બ્રાઝિલમાં ૩.૯૩ ટકા અને દક્ષિણ આફ્રિકામાં ૩.૭૨ ટકા છે. ભારતમાં નોટબંધી દ્વારા ચલણની તીવ્ર અછત સર્જીને લોકોને કૅશલેસ વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેને પરિણામે દેશમાં જી.ડી.પી.ના ટકા રૂપે ચલણી નાણું કેટલું ઘટવા પામે છે, તે જોવાનું રસપ્રદ થશે. બહુ આશાવાદી થઈને આપણે એમ ધારીએ કે બે વર્ષમાં, એટલે કે ૨૦૧૮ના અંતે દેશમાં ચલણનું પ્રમાણ ઘટીને સાત ટકા થઈ જાય છે, અને જી.ડી.પી.માં ચાલુ ભાવે આજના દરે વધારો થયા કરે છે, તો ૨૦૧૮ના અંતે દેશમાં લગભગ ૧૨ લાખ કરોડનું ચલણ હોય. નોટબંધી પહેલાં દેશમાં ૧૬ લાખ કરોડનું ચલણ હતું. આમ, કૅશલેસ અર્થતંત્ર શબ્દશઃ કૅશલેસ થતું નથી, તેથી પ્રધાનમંત્રીના નિદાન પ્રમાણે જો ભ્રષ્ટાચારના મૂળમાં રોકડ નાણું હોય, તો એ તો અર્થતંત્રને કૅશલેસ કર્યા પછીયે રહેવાનું જ છે.
અર્થતંત્ર કૅશલેસ થાય, એટલે ઘણા બધા વ્યવહારો બૅંકોમાં નોંધાઈ જાય. તેથી લોકોને આવક છુપાવવાનો અવકાશ રહેતો નથી, એમ માનવામાં આવે છે, નોટબંધીનો જે લાંબા ગાળાનો લાભ ગણાવવામાં આવે છે તે આમાંથી નીપજે છે : કરચોરી ઘટે, તો સરકારની કરની આવક વધે. સરકારની કરની આવક વધતાં વિકાસલક્ષી તેમ જ સામાજિક સેવાલક્ષી ખર્ચ કરવાની સરકારની વિત્તીય ગુંજાશ વધે. પણ સરકારની વધતી વિત્તીય ગુંજાશનો ક્યાં કેવો ઉપયોગ થશે, તે એક અનિશ્ચિત બાબત છે.
પણ અર્થતંત્ર કૅશલેસ થવાથી ભ્રષ્ટાચાર અને કરચોરી ઘટી જશે એવું નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી. ઉપર આપણે જે આંકડા ટાંક્યા છે તેમાંથી આ મુદ્દો ફલિત થાય છે. ચીનમાં રોકડ નાણાંનું પ્રમાણ નવ ટકા જેટલું વધારે હોવા છતાં તે દેશમાં છાયા-અર્થતંત્રનું કદ ૧૨ ટકા જેટલું ઓછું છે. એની તુલનામાં મૅક્સિકોમાં ચલણનું પ્રમાણ ૫.૩૨ ટકા જેટલું ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૯ ટકા જેટલું છે. ભારતમાં ચલણનું પ્રમાણ ૧૨ ટકા જેટલું વધારે હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૨૧ ટકા છે. એની તુલનામાં બ્રાઝિલમાં ચલણનું પ્રમાણ ચાર ટકાથી ઓછું હોવા છતાં છાયા-અર્થતંત્રનું કદ ૩૭ ટકા જેટલું મોટું છે. મુદ્દો એ છે કે દેશના અર્થતંત્રમાં ચલણનું પ્રમાણ ઘટાડીને તેને કૅશલેસ કરવા માત્રથી દેશમાં ભ્રષ્ટાચાર અને કરચોરી નામશેષ થઈ જતાં નથી. એ માટે વિવિધ વહીવટી સુધારા અસરકારક રીતે કરવા પડે છે. અલબત્ત, એ સુધારામાં નોટબંધી જેવી નાટ્યાત્મકતા ન હોવાથી તેનાથી પ્રસિદ્ધિ અને રાજકીય લાભ મળતા નથી.
લખ્યા તા. ૯-૧૨-’૧૬
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 05-07
 

