1914થી 1945નાં વર્ષો યુરોપ માટે ભારે તબાહીનાં વર્ષો હતાં. આ બે વિશ્વયુદ્ધોમાં કરોડોની જાનહાનિ થઈ. પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદનું શાસન આવ્યું. જ્યાં કદી સૂર્ય આથમતો ન હતો તેવા બ્રિટનનો સૂર્યાસ્ત થયો. શાહીવાદે જગતમાંથી લગભગ વિદાય લીધી અને ભારત સહિત અનેક દેશો આઝાદ થયા.
યુરોપના ડાહ્યા લોકોએ વિચાર્યું કે આપસમાં લડતા રહેવાનો બદલે એક થઈ જીવીએ. સૌ પ્રથમ 1951માં લોખંડ-પોલાદ માટેના સંગઠનરૂપે તેનો પ્રારંભ થયો. વિચાર આગળ ચાલતો ગયો; બિન સામ્યવાદી એવા પશ્ચિમ યુરોપના તેર દેશોમાં તે બાબતે થોડીક હવા બંધાઈ. આ પૈકી પ્રથમ છ દેશોએ એક સંગઠન રચ્યું. આ છ દેશો એટલે બેલ્જિયમ, ફ્રાંસ, પશ્ચિમ જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ અને લક્સમબર્ગ . આ છ દેશોને ‘ઇનરસિક્સ ‘ કહેવાયા – સાત દેશોએ બહાર રહીને, અનુકૂળ સમયે જોડાવાનું વિચાર્યું. આ સાત દેશો એટલે ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, નોર્વે, પોર્તુગાલ, સ્વીડન, સ્વિત્ઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમ. આ સાત દેશોએ યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન રચ્યું.
આ દેશોએ શાંત અને સંગઠિત યુરોપનો આદર્શ સેવ્યો. 1956-57માં સોવિયત સંઘે હંગેરીને જે રીતે કચડ્યું તે જોઈને તેમને સંગઠિત થવાનું માહાત્મય સમજાયું. 1958માં યુરોપિયન ઇકોનોમિક ક્મ્યુિનટી(EEC)ની રચના થઈ. 1960માં સઘળા દેશો માટેનું એક જ સાંઝા બજાર સ્થપાયું. યુરોપના દેશો આયાત-નિકાસની જકાતો વગર મુક્ત વેપાર કરે તે તેનો પ્રથમ કાર્ય પડાવ બન્યો. 1989માં બર્ટિક્નની દીવાલ તૂટી અને 1991 સુધીમાં સોવિયત સંઘનો પણ અસ્ત થયો. આખરે 1993માં ચાર સ્વતંત્રતાઓ સાથેનો યુરોપીય સંઘ અસ્તિત્વમાં આવ્યો. આ ચાર સ્વતંત્રતા એટલે : વસ્તુઓ (2) સેવાઓ (3) નાણું અને (4) માણસોને આ સંઘના દેશોમાં મુક્ત હેરફેરની સ્વતંત્રતા.
આ દેશોની સંખ્યા વધતી ગઈ. 2016 સુધીમાં તેના સભ્ય દેશોની સંખ્યા 28 થઈ. આ દેશો પોતે આંતરિક બાબતોમાં સાર્વભૌમ હતા પણ તેમણે પોતાની સાર્વભૌમિકતાને પરસ્પર માટે વત્તે-ઓછે અંશે ઓછી કરી. આ વિચારને 1990ના દશકમાં ‘પુલ્ડ સોવરનિટી’ કહેવાયો. આ દેશોએ પોતાના કેટલાક સાર્વભૌમ અધિકારોને સમૂહ સાથેના જીવનના લાભ માટે ત્યજી દીધા.
આ પ્રક્રિયાને કારણે આ સંઘટનની પોતાની એક પાર્લામેન્ટ બની. વળી દરેક દેશના વડાઓને પણ એક યુરોપિયન કાઉન્સિલમાં સ્થાન મળ્યું. સંગઠનમાં કુલ 7 સંસ્થાઓ બની જેમાં ન્યાયાલય, મધ્યસ્થ બેંક વગેરેનો પણ સમાવેશ થયો. આ બધું નવેસરથી રચવા માટે વિવિધ કરારો-ટ્રીટી થઈ. આ અઠ્ઠાવીસ પૈકી યુનાઇટેડ કિંગ્ડમ સિવાયના (બહૂધા) સત્યાવીસ દેશોએ એક જ ચલણ પણ સ્વીકાર્યું, જેને ‘યુરો’ કહેવાય છે.
અઠ્યાવીસ દેશો ભેગા થયા એટલે એક મોટી આર્થિક શક્તિ પેદા થઈ. ઈયુની કુલ જી.ડી.પી. (2015) 14.3 ટ્રિલિયન યુરો એટલે કે 18.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર જેટલી છે. આ રીતે તે જગતનો સૌથી ઊંચી જી.ડી.પી. ધરાવનાર સમૂહ બને છે. WTOની દૃષ્ટિએ સમગ્ર ઈયુ એક જ દેશ છે.
યુરોપિય યુનિયન લગભગ 44.25 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી લગભગ 51 કરોડ છે. આટલી સમૃદ્ધિ છતાં ત્યાં લગભગ નવ ટકા લોકો બેકાર છે. આ સંઘના વિવિધ દેશોને તાજેતરનો વાર્ષિક વૃદ્ધિદર પણ અલગ અલગ છે. ગ્રીસમાં તે 18.8 ટકા અને પોર્તુગાલમાં 0.0 ટકા છે, જ્યારે બલ્ગેિરયામાં 2.8 ટકા અને જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમમાં 1.4 ટકા છે.
ઈયુના અર્થતંત્રનો મોટો ભાગ માત્ર ચાર જ દેશોના હાથમાં છે. જર્મની 20 ટકા, યુનાઇટેડ કિંગ્ડમ 17 ટકા, ફ્રાંસ 14 ટકા અને ઈટાલી 11 ટકા હિસ્સો ધરાવે છે. આ સમૃદ્ધ દેશોના નાગરિકોની માથાદીઠ આવક પણ વધુ છે. સમગ્ર યુરો વિસ્તારની માથાદીઠ આવક 28,700 યુરો છે. જ્યારે જર્મનીની 37,100, યુનાઇટેડ કિંગ્ડમ ની 39,600 અને ફ્રાંસની 32,800 છે.
આર્થિક ક્ષેત્રની જેમ જ માનવ વિકાસના આંકની બાબતમાં પણ આ દેશો વચ્ચે મોટા તફાવતો છે. રોમાનિયા (54) અને બલ્ગેિરયા (58) સૌથી પાછળના ક્રમો ધરાવતા દેશો છે. અન્ય દેશોમાં માનવ વિકાસનો આંક ઘણો ઊંચો છે.
શાંતિ અને સમૃદ્ધિના ઊંચા આદર્શો, પરસ્પરના સહયોગ અને આધાર દ્વારા આગળ વધવાની સગવડ અને વિશાળ સમજશક્તિ તથા બુદ્ધિ પ્રતિભા ધરાવતા આવા સમૂહમાંથી બહાર નીકળી જવાનું બ્રિટને (યુનાઇટેડ કિંગ્ડમ) કેમ વિચાર્યું ? ભારત, પાકિસ્તાન, અફધાનિસ્તાન કે શ્રીલંકા જેવા દેશોનો સંઘ કાશીએ ન પહોંચે તેમ સરળતાથી ધારી શકાય પણ ફ્રાંસ, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ, ઈટલી વગેરે દેશોનો બનેલો સંઘ પણ તૂટવા માંડે તો તે અંગે વધારે ગંભીરતાપૂર્વક વિચારવું પડે. વળી, યુનાઇટેડ કિંગ્ડમનો નિર્ણય રેફરન્ડમ દ્વારા – સવિશેષ પ્રજામત દ્વારા લેવામાં આવ્યો છે તે પણ નોંધવું રહ્યું. 2012માં આ બાબતે યુનાઇટેડ કિંગ્ડમમાં ચર્ચા ઊપડી હતી ત્યારે તે સમયે ત્યાંના તે વખતના વડાપ્રધાન ડેવિડ કેમરૂને વચન આપ્યું હતું કે યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં રહેવું કે કેમ તે બાબતે પોતે જનમતસંગ્રહ કરાવશે. આ મુજબ 24મી જૂન, 2016ના દિવસે લોકમત લેવાયો. આ મતદાનની બાબતમાં ડેવિડ કેમેરૂને કોઈ ‘પાર્ટી-વ્હીપ’ આદેશ જાહેર કર્યો ન હતો. સરકારના પ્રધાનોને પણ સ્વ-ઇચ્છા મુજબ પ્રચાર કરવાની અને મત ઉપર પ્રભાવ પાડવાની છૂટ અપાઈ હતી. ઘણાને એમ જ લાગતું હતું કે ઈયુમાં બની રહેવાની તરફેણમાં બહુમતિ મત પડશે. પણ પરિણામો કાંટાની ટક્કર સમાન – 48/52 જેવાં આવ્યાં. માત્ર બે જ ટકા મતો નિર્ણાયક નીવડ્યા.
મતદાનનાં પરિણામોથી આર્થિક જગતમાં ઊથલપાથલ મચી ગઈ અને રાજકીય તથા સાંસ્કૃિતક અને વૈચારિક ક્ષેત્રે પણ વમળો સર્જાયાં છે. પણ સૌથી પ્રથમ ગણતરી કે ગણિત મુકાયા તે ઈયુથી છૂટા પડવા માંગનાર લોકોની લાક્ષણિકતાને ખોજવા બાબતે એવું એકંદર ચિત્ર ઊપસ્યું કે લંડન, સ્કોટલેન્ડ, આર્યલેન્ડ અને વેલ્સના અમુક હિસ્સાના લોકો ઈયુની સદસ્યતા ચાલુ રાખવાનો મત ધરાવતા હતા. દક્ષિણ ઇંગ્લેંન્ડ, ઇંગ્લેન્ડનો કારખાના વિસ્તાર, પ્રમાણમાં ઓછી આવક ધરાવનારા અને મધ્યમ ઉપરના વર્ગના લોકો અલગ થવા માંગતા હતા. ઈયુથી અલગ થવા માટેના મત-બાહુલ્ય માટે કેટલાંક કારણો આગળ કરવામાં આવ્યાં છે, જે ટૂંકમાં આ પ્રમાણે છે :
- (1) પૂર્વ યુરોપના, પ્રમાણમાં ઓછા સમૃદ્ધ દેશના વતનીઓ, પેલી ‘ચાર સ્વતંત્રતા’ના આધારે અન્ય દેશોમાં બે-રોકટોક આવાગમન કરી શકે છે. આથી આવા વસાહતીઓનું મોટું દબાણ ઊભું થતાં સ્થાનિકોમાં બેકારી વધી એવું તેમનું માનવું હતું.
- (2) આ વસાહતીઓના કારણે યુનાઇટેડ કિંગ્ડમની સ્વાસ્થ્ય સંબંધી તથા અન્ય સેવાઓ ઉપર ભારે દબાણ આવ્યું અને સ્થાનિકોને સારવાર મેળવવી મુશ્કેલ બનતી લાગી.
- (3) ઈયુના સભ્યપદ પેટે દર વર્ષે કરોડો – અબજો ડોલર ફી રૂપે આપવા પડે છે.
- (4) એક મુદ્દો પોતાની સાર્વભૌમતા – સોવરેનિટી-નો પણ થયો. અમારા દેશમાં અમારા કાયદા નહીં પણ ઈયુના કાયદા ચાલે? યુનાઇટેડ કિંગ્ડમને આટલાં વર્ષે, રહી રહીને પેલા ‘પુલ્ડ સોવરેનિટી’ની વ્યવસ્થા સામે વાંધો પડ્યો.
આ ચારેય મુદ્દામાં હકીકતો અને તર્કનું એક વિચિત્ર મિશ્રણ છે. તેને મુદ્દાસર અને ટૂંકમાં જોઈએ.
(1) વસાહતીઓનો મુદ્દો કંઈક અંશે મહારાષ્ટ્રના શિવસેનાના મુદ્દા જેવો છે. બિહારી, ઓડિશી કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના કામદારો પ્રત્યે શિવસેનાનો વર્તાવ જાણીતો છે. પણ હકીકત એ છે કે ‘બહારના’ કામદારોના આગમનથી સ્થાનિક અર્થતંત્રને વેગ પણ મળે છે. (ભારતના કિસ્સામાં શિવસેના જેને ‘બહારના’ ગણે છે તે આ દેશના જ છે. ઈયુની બાબતમાં તેમને બહારના ગણી શકાય) ગ્રાહકની જરૂરિયાતની વસ્તુઓ, વાહન-વ્યવહાર, રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ વગેરેમાં તેમના કારણે માંગ વધે છે જે અર્થતંત્રને વિશેષ વેગ પૂરો પાડે છે.
(2) યુનાઇટેડ કિંગ્ડમની અને વધુ વ્યાપક રીતે તો યુ.એસ., કેનેડા વગેરે દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના સંચાલન, કાર્યક્ષમતા તથા ફેલાવાની બાબતમાં સમસ્યાઓ છે. તેનો ઉકેલ દરદીઓની સંખ્યા ઘટાડવામાં હોઈ શકે નહીં. કારણ કે આ સંખ્યા અન્ય અનેક પરિબળોનું પરિણામ હોય છે. તેનો ઉકેલ વધુ દવાખાનાં, સ્વાસ્થ્ય સંબંધી વધુ કામદારોની ભરતી તથા વધુ સારા સંચાલનમાંથી નીકળી શકે. અલબત્ત, યુનાઇટેડ કિંગ્ડમને આ બધું કરવા માટે જે પૈસાની જરૂર પડે તેની ખેંચ રહે છે.
(3) ઈયુના બંધારણ અનુસાર સભ્ય દેશોએ મોટી ફી ભરવાની હોય છે તે સાચું પણ તેમાંથી સામે ઘણા લાભ પણ સાંપડે છે. જેમ કે સમગ્ર ઈયુના પછાત વિસ્તારોને વિશેષ રોકડ સહાય આપવામાં આવે છે અને તે રીતે યુનાઇટેડ કિંગ્ડમના પશ્ચિમ-દક્ષિણ વેલ્સ વિસ્તારોમાં પણ મદદ મળે જ છે.
(4) ‘પુલ્ડ સોવરેનિટી’નો ખ્યાલ છેક 1970ના દશકના અંત ભાગથી ચર્ચાતો આવ્યો છે. માર્ગારેટ થેચરના સમયથી, અનેક વાટાઘાટો અને કરારો દ્વારા સભાન અને સ્વતંત્ર મરજીથી આ વ્યવસ્થા સ્વીકારાઈ છે. આમ છતાં યુનાઇટેડ કિંગ્ડમને આની સામે વાંધો પડ્યો છે તેનું એક કારણ ઈયુના પર્યાવરણ અંગેના કાયદા છે. એક વ્યાપક અને વિશ્વમત પ્રત્યે જવાબદાર સંગઠન તરીકે ઈયુ પર્યાવરણમાં વધુ બગાડ ન થાય તે માટે કડક માટે વલણ ધરાવે છે. આપણા દેશમાં તેમ જ અન્યંત્ર બને છે તેમ કોર્પોરેટ જગતને આ બાબત માફક આવતી નથી. દુનિયાભરનું કોર્પોરેટ વિશ્વ એક હવસખોરી ધરાવે છે. કુદરતી સંપત્તિનો નફાખોરી માટે વધુ ને વધુ વિનિયોગ કરો – માનવજાતનું જે થવાનું હોય તે થાય ! યુનાઇટેડ કિંગ્ડમના કોર્પોરેટ જગતે પણ આવી જ માનસિકતા દાખવી છે.
આ બનાવનાં આર્થિક, રાજકીય અને વૈચારિક વમળો પણ ઊઠ્યાં છે. કેટલાકનું માનવું છે કે આ એક શકવર્તી ઘટના છે. બહુ ટૂંકમાં તેના મુખ્ય ઇંગિતો ઉપર નજર નાંખીએ :
(1) આર્થિક અસરો : આ સંગઠન મુખ્યત્વે એક વિશાળ બજારરૂપે અને વિશ્વીકરણ તથા નવ્ય મૂડીવાદી રચના તરીકે અસ્તિત્વમાં આવ્યું છે. આથી તેની આર્થિક અસરો મોટી હોવાની. આ પરિણામ જાહેર થતાંની સાથે જ ઇંગ્લેન્ડનું ચલણ મૂલ્ય તૂટ્યું. વળી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ યુનાઇટેડ કિંગ્ડમનું રેટિંગ પણ ઘટાડ્યું. તાત્કાલિક પ્રત્યાઘાત રૂપે વપરાશી માલસામાનનું બજાર તૂટ્યું અને મોટા પાયે છટણી પણ થઈ. યુનાઇટેડ કિંગ્ડમમાં કારખાનું સ્થાપીને યુરોપના દેશોમાં નિકાસ કરનારી મોટરકાર કંપનીઓએ પણ મોટી છટણી કરી. સામાન્ય અર્થશાસ્ત્રીય તર્ક એવો છે કે જો વિનિમયનો દર ઘટે તો નિકાસો વધે પરંતુ આ કેસમાં બંને ઘટ્યા. ઘણાં કારખાનાં તેમ જ બેંકીંગ, વીમા વગેરે જેવી સેવા-સંસ્થાઓ હવે યુનાઇટેડ કિંગ્ડમથી ઉચાળા ભરવામાં છે. આ સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં બેસીને સમગ્ર યુરોપમાં કામકાજ કરતી તે હવે શક્ય બનશે કે કેમ તે સવાલ છે.
કેટલાકે આ ઘટનાને લેહમાન કે બેર સ્ટર્ન કટોકટી સાથે સરખાવી છે. અલબત્ત, આ ક્ષેત્રે ખરેખર કેટલી અને કેવી અસર પડશે તે તો માત્ર આવનારો સમય જ કહી શકશે. આનું કારણ એ છે કે યુનાઇટેડ કિંગ્ડમ ઈયુને કઈ શરતોએ છોડે છે અને ઈયુ પોતે કઈ શરતો સ્વીકારે છે તે એક લાંબી-બે વર્ષ ચાલનારી પ્રક્રિયાને અંતે સ્પષ્ટ થઈ શકે તેવો મુદ્દો છે.
(2) રાજકીય અસરો : 1960-70 દરમિયાન યુનાઇટેડ કિંગ્ડમે ઈયુમાં પ્રવેશ મેળવવા ઘણા પ્રયાસો કરેલા. તે સમયે ફ્રાંસના પ્રમુખ ‘દ ગોલ હતા. તેમણે આ પ્રયાસો સામે વીટો વાપરતા કહેલું કે યુનાઇટેડ કિંગ્ડમ તો અમેરિકાનો ‘ટ્રોજન હોર્સ’ છે. અલબત્ત તે પછી યુરોપીય દેશોમાં સહકાર વધ્યો પણ યુનાઇટેડ કિંગ્ડમના આ પગલાંએ વળી પાછી શંકાની સંભાવનાઓ વધારી દીધી છે. એક શક્યતા એ પણ છે કે ઈયુના સભ્ય હોય તેવા અન્ય અનેક દેશો પણ હવે બહાર નીકળવા માંડશે. આ માટે ઈયુના પાંચ (PIIGS) દેશોની ડામાડોળ આર્થિક સ્થિતિ અને દેવાદારપણું જવાબદાર છે.
યુનાઇટેડ કિંગ્ડમનો પોતાનો ઘર આંગણાનો રાજકીય મુદ્દો આયરલેન્ડ અને સ્કોટલેન્ડ અંગેનો છે. આયરલેન્ડ સાથેનું ગોરીલા યુદ્ધ ઘણું લાંબું ચાલ્યું અને તેને અટકે માંડ દોઢ દાયકાનો સમય થયો છે. સ્કોટલેન્ડે પણ 2014માં યુનાઇટેડ કિંગ્ડમથી અલગ થવા વાસ્તે જનમતસંગ્રહ કરાવેલો. યુનાઇટેડ કિંગ્ડમના આ બંને વિસ્તારો ઈયુમાં જોડાઈ રહેવા માંગે છે. આથી જ એક છાપાએ મથાળું બાંધ્યું હતું : ‘ગ્રેટ બ્રિટન હેજ બીકમ લિટલ ઇંગ્લેંડ.’
(3) વૈચારિક વમળો : યુનાઇટેડ કિંગ્ડમના બ્રેકસીટના કારણે જગતની વૈચારિક ભૂમિકા બાબતે અનેક પ્રકારનાં આંદોલનો જન્મ્યાં છે. તેને ટૂંકમાં જોઈએ :
ક) વિભાજનની નવી રચના : અત્યાર સુધીના વિશ્વમાં સમાજવાદ કે મૂડીવાદ એવી એક વિસ્તૃત પ્રકારના વિભાજનની રચના પ્રવર્તતી હતી. મૂડીવાદને નવા સ્વરૂપના બજારવાદ તરફ વાળી લેવાયો. સમાજવાદનું હવે મૃત્યુ થયું છે એમ કહીને સમૃદ્ધ દેશોમાં સામાજિક સલામતિની યોજનાઓમાં પણ અંગ સંકોચ કરાયો.
પણ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉચ્ચારણો તથા બ્રેકસીટ એક નવા જ પરિપ્રેક્ષ્યની ઓળખ છતી કરે છે. આ સ્થિતિ આગવાપણા અને એકલાપણાની છે. માકર્સે ‘એલિએનેશન’ – સમાજથી વિખૂટા પડી જવાનો મુદ્દો કરેલો. તેની સામે ગાંધીનો મુદ્દો વર્તમાન અને ભવિષ્યના સમગ્ર સમાજના સંવાદી જીવનનો હતો. વિનોબાએ તો ‘દિલોં કો જોડને કા કામ’ માટે જીવન આપ્યું. પણ આ નવો દિશાનિર્દેશ સ્વની ઓળખ અને સ્વના સ્થાપનનો છે.
ખ) ઉદારમત અને લોકશાહી : પશ્ચિમી જગત હંમેશાં લોકશાહી અને ઉદારમતની દુહાઈ દેતું ફરે છે. આ બાબતો માત્ર પોતાની જ છે એમ પણ તે પ્રસ્થાપિત કરવા તાકે છે. (આની સામે આમર્ત્ય સેને ભારતીય વિવાદ પરંપરા દર્શાવતું પુસ્તક ‘એન આરગ્યુમેન્ટેિટવ ઇન્ડિયન’ લખ્યું છે) પણ જો આ દેશો લોકશાહી અને માનવ અધિકારોમાં ખરેખર શ્રદ્ધા ધરાવતા હોય અને તેને સામાજિક નીતિમત્તા ગણતા હોય તો સ્થળાંતરિત વસાહતીઓ કે શરણાર્થીઓ પ્રતિ તેમનું વલણ – જર્મનીના એન્ગેલા મર્કલની જેમ – વધુ સંવેદનશીલ હોવું જોઈતું હતું.
ગ) ગાંધી-વિનોબાની પ્રસ્તુતતા : આ બનાવ દ્વારા એક વ્યાપક દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થાય છે કે આધુનિક કે નવ્ય મૂડીવાદ અને વિશ્વીકરણ જેવી રચનાઓ મૂળભૂત રીતે અસમાનતા પ્રેરક અને પોષક છે. જગતના સમૃદ્ધ દેશોએ વિશ્વીકરણના લાભો માટે કુદરતી સંસાધનો અને આર્થિક સંસાધનો પડાવી જવાં છે પણ અલ્પ વિકસેલા દેશોના માનવસમૂહોને સ્વીકારવા નથી ! જળ, જમીન, જંગલ, પાણી, હવા એ બધું જોઈએ ત્યારે વિશ્વીકરણના યશોગાનનાં કીર્તન કરવાનાં પણ માનવસમૂહોને વસવાટ માટે સ્વીકારવાની ઘડી આવે એટલે તેમને ક્યાં તો ગંદા, અસંસ્કારી કે છેવટે આતંકવાદી પણ ગણાવવાની મનોવૃત્તિ આ નૂતન મૂડીવાદના સાંસ્કૃિતક અને વૈચારિક પાસે જમા બોલે છે.
બ્રેકસીટ એક મહત્ત્વની અને દૂરગામી અસરો નીપજાવી શકે તેવી ઘટના છે. તેનાં ખરેખર કેવાં પરિણામો આવશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ નવ્ય મૂડીવાદ રચનાઓમાંથી જગતનો વિશ્વાસ ઝડપથી ડગતો જાય છે તે આ મુદ્દે ખાસ જોવા મળતી બાબત છે.
e.mail : shuklaswayam345@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 04, 05 & 14