Opinion Magazine
Number of visits: 9484378
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોજા થરકમ અને રમેશચંદ્ર પરમાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|31 October 2016

માંડ ચોવીસ કલાકના અંતરે ભારતના જાહેરજીવનના બે અગ્રણી દલિત બૌદ્ધિક કર્મશીલોએ આપણી વચ્ચેથી વિદાય લીધી. ૧૫મી સપ્ટેમ્બરે અમદાવાદમાં દલિત પેન્થર નેતા, લેખક અને સંશોધક ડૉ. રમેશચંદ્ર પરમારનું, તો ૧૬મી સપ્ટેમ્બરે હૈદરાબાદમાં કવિ, લેખક, અનુવાદક અને રાજકીય, સામાજિક દલિત આગેવાન બોજા થરકમનું અવસાન થયું. પૂર્વ અમદાવાદના શ્રમિક વિસ્તારમાં સાથે વસવાટને લીધે રમેશભાઈનો નાનપણથી પરિચય હતો. ૧૯૮૭માં હૈદરાબાદમાં બોજા થરકમે ફર્સ્ટ ઑલ ઈન્ડિયા દલિત રાઈટર્સ કૉન્ફરસ યોજી હતી. નીરવ પટેલ, દલપત ચૌહાણ અને બબલદાસ ચાવડા સાથે તેમાં જવાનું થયેલું, ત્યારથી થરકમનો પરિચય.

રમેશભાઈ પરમારનો જન્મ ૧૯૩૫માં, હાલના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામે થયો હતો. બોજા થરકમ ૧૯૩૯માં આંધ્રના ગોદાવરીના સમુદ્ર સંગમસ્થળના ગામે જન્મ્યા હતા. થરકમના પિતા શિક્ષક અને બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા. એટલે શિક્ષણ અને જાહેરજીવનના સંસ્કાર કુટુંબના વાતાવરણમાંથી જ મળેલા. રમેશભાઈનાં માતાપિતાએ ગામડું છોડી અમદાવાદમાં મિલકામદારની જિંદગી શરૂ કરી એ રીતે ગામડાની સામંતી-જાતિવાદી માનસિકતામાંથી પોતાનો અને સંતાનોનો છુટકારો થયો. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં જ્યાં કિશોર-યુવાન રમેશચંદ્રનો ઘડતરકાળ વીત્યો ત્યાંના આંબેડકરવાદી, સમાજવાદી, સામ્યવાદી માહોલના રંગે તેઓ રંગાતા રહ્યા.

બોજા થરકમ અને રમેશચંદ્ર પરમાર બંને હૈદરાબાદ અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પામ્યા. વાચન અને જાહેર પ્રવૃત્તિ વિદ્યાર્થીકાળથી જ બેઉના જીવનનો અનિવાર્ય હિસ્સો બની રહી. થરકમે શેડ્યુલ્ડ કાસ્ટ સ્ટુડન્ટ ફૅડરેશનના જિલ્લાપ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું. રામચંદ્રપુરમ્‌ની સરકારી છાત્રાલયની ભોજનાદિની નબળી સુવિધાઓના વિરોધમાં ૩૦ દિવસનું સફળ આંદોલન કર્યું હતું. રમેશચંદ્ર ૧૯૫૨થી ૧૯૬૦ સુધી નવયુવકમંડળના મંત્રી હતા. વિચારવિનિમય – સભા દ્વારા ખુદનું અને દલિત યુવાનોનું વૈચારિક ઘડતર કરતા હતા. બેસ્ટ કબ્બડી પ્લેયર રમેશચંદ્રે ૧૯૫૮માં રિપબ્લિકન સ્ટુડન્ટ ફૅડરેશનની સ્થાપના કરી હતી. આંબેડકર સ્પૉટ્ર્સ ક્લબ ઑફ ગુજરાતના તે પ્રમુખ હતા. અમદાવાદના રખિયાલ વિસ્તારનાં અસામાજિક તત્ત્વો સામે યુવાન રમેશભાઈને બાથ ભીડવાની થયેલી. તો આ બેસ્ટ કબ્બડી ખેલાડીને જિંદગી આખી જાતિવાદ સામે લડવાનું થયું.

દલિત-અત્યાચારોનો વિરોધ અને ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટેનો સંઘર્ષ એ દલિત કાર્યકરની નિયતિ છે. એટલે થરકમ અને રમેશભાઈની જિંદગીનો સિંહભાગ દલિત-અત્યાચારોના બનાવોની સ્થળ-મુલાકાતો, તપાસ અહેવાલો, પોલીસ અને કોર્ટની કાર્યવાહી અને ન્યાય મેળવવાની લડતમાં ગયો. વ્યવસાયે ધારાશાસ્ત્રી બોજા થરકમે સાડા ચાર દાયકા ગરીબોના વકીલ તરીકે કામ કર્યું. જિલ્લા અદાલતથી સર્વોચ્ચ અદાલત સુધી ગરીબો-દલિતોના ન્યાયની અદાલતી લડાઈ તેઓ લડતા રહ્યા. ૧૯૮૪માં તેમની નિમણૂક ગવર્નમેન્ટ પ્લીડર તરીકે થઈ. એ જ વરસે કરમચેડુ દલિત હત્યાકાંડ થતાં તેના વિરોધમાં એ પદ પરથી રાજીનામું આપી તેઓ દલિતોને ન્યાયના પક્ષે રહ્યા. બે મહિના તેમણે કરમચેડુમાં રહી, અદાલતી કેસ તો મજબૂત કર્યો, પણ  માત્ર કાયદાકીય લડત પૂરતા મર્યાદિત રહેવાને બદલે ફર્સ્ટ ઑલ ઇન્ડિયા દલિત – પ્રોટેસ્ટ (પ્રથમ રાષ્ટ્રીય વિરોધ-કાર્યક્રમ) કરમચેડુમાં જ કર્યો. પલેમ, કરમચેડુ, ત્સુંદૂર અને લક્ષ્મીપેટા દલિત હત્યાકાંડોના વિરોધમાં અને પીડિતોના ન્યાય માટે પણ તે સંઘર્ષશીલ રહ્યા. ગુજરાત દલિત પેન્થરના સ્થાપક પ્રમુખ રમેશચંદ્ર પરમારના ભાગે પણ જેતલપુરથી કડી અને ગાંધીનગર-ભાટના દલિત હત્યાકાંડોની  ન્યાયની લડાઈ લડવાની આવી હતી.

માનવ-અધિકાર અને સામાજિક રાજકીય કર્મશીલ તરીકે ધરપકડો અને જેલવાસ આ બંને નેતાઓના લમણે સ્વાભાવિક લખાયેલો જ હતો. નાનીમોટી અટકાયતો, ધરપકડો અને જેલવાસો ઉપરાંત થરકમને કટોકટી દરમિયાન મિસા હેઠળ લાંબો જેલવાસ ભોગવવાનો થયેલો. ૧૯૮૧નાં અનામત-વિરોધી રમખાણો વખતે રમેશભાઈને પણ જેલવાસ થયેલો. આ બંને સમયગાળા કૉંગ્રેસી રાજવટના હતા તે ખાસ નોંધવું જોઈએ. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે રમેશભાઈ અમદાવાદ લોકસભાની અનામત બેઠક પર ચૂંટણી લડેલા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધી તેઓ રિપબ્લિકન પક્ષના જનરલ સેક્રેટરી હતા. થરકમ ૧૯૭૮માં નિઝામાબાદથી સી.પી.આઈ.-એમ.એલ.ના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા. બંને નેતાઓ ચૂંટણી હારેલા. જો કે થરકમ રાજકીય પક્ષો સાથે જોડાતાં અને સૈદ્ધાંતિક મુદ્દે છૂટા પડતા રહ્યા હતા. ૧૯૮૯માં બહુજન સમાજ પક્ષના તે આંધ્રના સ્થાપક સેક્રેટરી હતા. ૧૯૯૪માં માયાવતીએ ઉત્તરપ્રદેશમાં ભા.જ.પ. સાથે જોડાણ કર્યું, તેના વિરોધમાં તેમણે પક્ષ છોડ્યો હતો. ૧૯૯૫માં તેઓ રિપબ્લિકન પાર્ટીના આંધ્રપ્રદેશના રાજ્ય-અધ્યક્ષ બન્યા. પણ રામદાસ આઠવલેએ ભા.જ.પ.નો સાથ લીધો, તો એમણે તે પક્ષ પણ છોડ્યો.

કવિ, લેખક, અનુવાદક તરીકે આ બંને દલિત-અગ્રણીઓનું મોટું પ્રદાન છે. થરકમના બે તેલુગુ કાવ્યસંગ્રહો ૧૯૮૬ અને ૨૦૦૦ના વરસોમાં પ્રગટ થયા હતા. રમેશભાઈએ આનંદ મૈત્રેયના નામે થોડી પણ નોંધપાત્ર દલિત કવિતાઓ લખી હતી. ૧૯૭૯માં પ્રગટ થરકમની પુસ્તિકા ‘જો પોલીસ તમારી ધરપકડ કરે તો’ની ૫૦,૦૦૦ કરતાં વધુ નકલો વેચાઈ-વહેંચાઈ છે. થરકમના અન્ય પ્રકાશનોમાં નવલકથા ‘પંચતંત્રમ’ અને ઘણાં વૈચારિક પુસ્તકો છે. રમેશચંદ્ર પરમારે ગુજરાત અને દેશના ઘણાં દલિત હત્યાકાંડો વિશે પુસ્તિકાઓ લખી છે. માથે મેલુંની સમસ્યા અંગેનું તેમનું દસ્તાવેજી પુસ્તક ‘હાથમાં ઝાડુ, માથે મેલું’, ચાર ભાગમાં ડૉ. આંબેડકરનું જીવનચરિત્ર અને પાંચ ભાગની આંબેડકર ગ્રંથશ્રેણી ખાસ ઉલ્લેખનીય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ વખતે ૧૯૫૬માં થોકબંધ મિલકામદાર અર્ધશિક્ષિત, અશિક્ષિત કવિઓએ લખેલાં અંજલિ-કાવ્યોનું તેમનું સંપાદન શોધપ્રબંધના ગજાનું કામ છે. મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલ ડૉ. આંબેડકરના મરાઠી-અંગ્રેજી ગ્રંથો પૈકીના થોડાકના તેલુગુ અને ગુજરાતીમાં અનુવાદો પણ આ બંનેનું નોંધપાત્ર અનુવાદકાર્ય છે.

દલિત સાહિત્ય સાથે થરકમ અને રમેશભાઈનો નિકટનો અને નિસબતનો નાતો રહ્યો છે. દલિત પેન્થરના ‘પેન્થર’ સામયિકના અગ્ર લેખક-સંપાદક એવા રમેશભાઈના તંત્રીપદે જ ૧૯૭૮માં દલિત-પેથરના કાવ્યપત્ર ‘આક્રોશ’ થકી ગુજરાતી દલિત-કવિતાનો ઉદ્ભવ થયો હતો. એ દ્વારા પ્રથમ વખત નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને યોગેશ દવેની દલિત-કવિતાઓ પ્રગટી. નીરવ પટેલના બંને અંગ્રેજી દલિત કવિતાસંગ્રહોના રમેશભાઈ પ્રકાશક હતા. એ રીતે રમેશભાઈ ગુજરાતી દલિત સાહિત્યના દાદા ગણાવા જોઈતા હતા. ઑક્ટોબર, ૧૯૮૭માં થરકમે હૈદરાબાદમાં ફર્સ્ટ ઑલ ઈન્ડિયા દલિત રાઇટર્સ કૉન્ફરન્સ યોજી હતી. દેશભરના હજારેક દલિત-સાહિત્યકારોના આ સંમેલનમાં આફ્રોઅમેરિકન દલિતકવિ રુનુકો રુશદી, કર્ણાટકના જાણીતા દલિત કવિ દેવનુર મહાદેવા ઉપરાંત મહારાષ્ટ્રના દયા પવાર અને શાંતાબાઈ કાંબળે હાજર હતાં.

હાડના આંબેડકરવાદી ગણાતા રમેશભાઈ અને બોજા થરકમ અન્ય રાજકીય વિચારકો અને વિચારધારાથી પણ અછૂતા નહોતા રહ્યા. આંધ્રની નકસલ ચળવળ અને એન્કાઉન્ટરના નામે મરાતા નકસલોના પક્ષે રહેલા થરકમનું ‘કુલમ-વર્ગમ’ પુસ્તક વર્ણ-વર્ગસંઘર્ષની પાયાની બાબતોની છણાવટ કરે છે. ડાબેરી સંગઠનો સાથે રહીને તેમણે જમીન-સંઘર્ષો કર્યા છે, તો અસંગઠિત કામદારોની હડતાળોનું નેતૃત્વ કર્યું છે. આંધ્ર સિવિલ લિબર્ટીઝ કમિટી અને રેવોલ્યુશનરી રાઇટર્સ ઍસોસિયેશન સાથે પણ તે જોડાયેલા હતા. જો કે આંબેડકર યુવજન સંગમ અને આંધ્ર દલિત મહાસભા સાથે જ તેમનો કાયમી અતૂટ નાતો રહ્યો. ઓછું વેતન અને વધુ શ્રમબોજ ધરાવતા ડોફર્સ આંદોલન સાથે જીવનઆરંભે સક્રિય રહેલા રમેશભાઈ સમાજવાદી નેતા ડૉ. રામમનોહર લોહિયાના જાતિનિર્મૂલનના વિચારોથી આકર્ષાયેલા હતા. આયુર્યાત્રાના ૫૮મા વરસે ૧૯૯૩માં એમણે ‘ભારતીય રાષ્ટ્રવાદ, સમાજવાદ અને ડૉ. રામમનોહર લોહિયા – એક અધ્યયન’ વિષય પર પીએચ.ડી.કર્યું. જો કે લોહિયા તેમના શોધપ્રબંધનો જ વિષય ન બની રહ્યા પણ રમેશભાઈ તેમના વિચારોના પ્રસારક પણ બન્યા. અમદાવાદમાં મોટા પાયે આંબેડકરજયંતીની ઉજવણી અને વરસોવરસ આંબેડકર નગરયાત્રા યોજનાર રમેશભાઈ એટલી જ નિયમિતતાથી લોહિયા જયંતી મનાવતા હતા.

દેશના આ બે અગ્રણી દલિત કર્મશીલો રાજ્યના અને દેશના સીમાડા વળોટીને અન્ય રાજ્યોમાં પણ કામ કરતા હતા. થરકમે બિહાર-કર્ણાટકના દલિત અત્યાચારોના બનાવોના વિરોધમાં ખાસ્સી સક્રિયતા દાખવી હતી. રમેશભાઈ દલિત પન્થર નેતા તરીકે દેશનાં અન્ય રાજ્યોના સતત સંપર્ક અને પ્રવાસો કરતા હતા. અમદાવાદમાં વસતા બિહારી અને યુ.પી.ના સ્થળાંતરિત દલિત-શ્રમિકો માટે નવા વટવામાં તેમણે શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. ૨૦૦૧ના વરસમાં યોજાયેલી વંશવાદ વિરોધી વિશ્વપરિષદમાં બોજા થરકમ સક્રિય હતા, દલિત સવાલના વૈશ્વિકીકરણના મુદ્દે તેઓ દલિતોના પક્ષે અને સરકારના વિરોધમાં હતા તથા ડરબનમાં પણ ગયેલા. રમેશભાઈની ભૂમિકા આ ડરબન કૉન્ફરન્સ અને દલિત-સવાલના વૈશ્વિકીકરણ અંગે હળવામાં હળવો શબ્દ વાપરીએ તો રહસ્યમય હતી.

જ્યાં સુધી આ બંને દલિત-આગેવાનોના વારસાનો અને વારસદારોનો સવાલ છે, બોજા થરકમના પુત્ર રાહુલ બોજા અત્યારે હૈદરાબાદના કલેક્ટર છે, તો રમેશચંદ્ર પરમારના પૌત્ર રાહુલ પરમારે દાદાના દલિત પેન્થરની કમાન સંભાળી છે. રમેશભાઈ અને બોજા થરકમનો દલિતસંઘર્ષનો, જાતિ- નિર્મૂલનનો અને સરવાળે દલિતમુક્તિનો વારસો તેમનાં સંતાનો, મિત્રો અને અનુયાયીઓ આગળ ધપાવે તે જ તેમના જીવનકાર્યનું તર્પણ હશે.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2016; પૃ. 16-17 

Loading

31 October 2016 admin
← ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી
Election Season and Return of Lord Ram →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved