તાજેતરમાં એક જ દિવસે બે ઘટના પ્રકાશમાં આવી. વિદ્યાજગત સાથે સંલગ્ન આ સમાચારમાં એક ઘટના અત્યંત આઘાતજનક છે પણ શોકપ્રૂફ જગતમાં તેનો આઘાત ક્યાં ય વરતાતો નથી અને એક ઘટના ઉમળકાપૂર્વક આવકારદાયક છે, જેની મોટા ભાગના લોકોને ખબર નથી. વિદ્યાજગતમાંથી અભ્યાસપૂર્ણ ઉમળકો અને વિચારમૂલક આઘાતની બાદબાકી આપણા સમયની સ્થિતિજડતાનો વરવો હિસાબ આપે છે. આ દિવસોમાં આધ્યાત્મિક પ્રવચનો આપવાની તીવ્ર તાલાવેલીમાં સાંપ્રતને વિશે ગુનાહિત બેહોશી આપણા સભ્યસમાજમાં અગ્રસ્થાને છે.
આઘાતજનક ઘટનાની વાત કરીએ તો મૂળ કેશોદના અગિયાર સાયન્સમાં રાજકોટ હૉસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી ચિરંતનેે ‘મારે નહોતું ભણવું એટલે ગૂડબાય’ એમ દીવાલ પર લખીને જીવન ટૂંકાવ્યું. ભારવગરના ભણતર વિશે કેળવણીકારો લખીલખીને થાક્યા પણ આપણને હજી દીવાલે લખેલું સત્ય વંચાતું નથી. આવો કપરો નિર્ણય લેનાર વિદ્યાર્થી પાસે જીવનમાં ભણતર સિવાયનો કોઈ વિકલ્પ જ નહીં બચ્યો હોય એવી સમાજવ્યવસ્થા અને તનાવનો કેવો તો ઘેરાવો તેણે અનુભવ્યો હશે! પોતે નહીં ભણે, તો આભ તૂટી પડશે એવી ગેરસમજનું વાવેતર કેટલી વરવી વાસ્તવિકતા બનીને સામે આવ્યું?!
ફરીફરી એ પ્રશ્ન થાય છે કે આપણે શું ભણાવીએ છીએ, કોને ભણાવીએ છીએ, કોણ ભણાવે છે, આ ભણતરનો હેતુ શો? આ પ્રશ્નો કોઈને થતા જ નથી. તેથી ભણવા-ભણાવવાનો કારોબાર ધમધમે છે. બાળકો રહેંસાય છે. રમવાની ઉંમરે ભણવાનું આવે છે અને ભણવાની ઉંમરે રમવાનું – આ વિષમતાના સર્જકો આપણે છીએ. આ વિષમતાથી સંતાનોને ઉગારી શકે તેવાં મા-બાપ કેટલાં? આંગળીના વેઢે ગણી શકાય એટલાના સંપર્કમાં આ લખનાર છે. એની વાત કરીએ એ પહેલાં આપણે આવકારદાયક ઘટનાની વાત કરીએ.
નવી દિલ્હીમાં રહેતાં સુપ્રિયા જોશી નામનાં ગૃહિણીએ વિચાર્યું કે પોતાની દીકરી તનાવ જન્માવે તેવા બોજારૂપ શિક્ષણથી દૂર રહેવી જોઈએ. સાતમા ધોરણ પછી દીકરી માલવિકાને શાળા છોડાવી દીધી. આ નિર્ણય પાછળ પતિનો વિરોધ હતો પણ મમ્મી મક્કમ હતાં. શાળા છોડી દીધા બાદ દીકરી સામે જીવતરનું આકાશ ખૂલી ગયું. ઘરમાં ભણવાયોગ્ય વાતાવરણ ઊભું કર્યું. પોતાની નિરાંત અને મસ્તીમાં માલવિકાનો ઉછેર થયો. મુક્ત ગગનના મસ્ત પંખીને ઊડવાનું મળ્યું. દીકરીએ દસમા-બારમાની પરીક્ષા પણ નથી આપી. સત્તર વર્ષની આ દીકરી ત્રણ વખત પ્રોગ્રામિંગ ઑલિમ્પિયાડમાં મૅડલવિજેતા છે. આપણી પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી.એ તેને ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ ન આપ્યો, કારણ કે તેણે ૧૦ + ૦૨ની પદ્ધતિ મુજબ સરકારી શિક્ષણ નહોતું મેળવ્યું, પણ જ્યાં અસરકારક શિક્ષણનો મહિમા છે, તેવી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક એવી મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં તેને ઍડ્મિશન મળી ગયું છે. આપણે કાગળિયાનો મહિમા કર્યો, જ્યારે એમ.આઈ.ટી.એ કેળવણીનો. આવી હોનહાર પ્રતિભા ધરાવતી યુવતીને સ્વદેશમાં પ્રવેશ મળતો નથી અને વિશ્વ આવકારે છે. કોહીનૂર હીરો પાછો મેળવવા માથા પછાડતી રાજનીતિને એવું ભાન ક્યારે પડશે કે માલવિકા જોશી જેવી કેટલીયે મૂલ્યવાન પ્રતિભાઓ વિદેશમાં પગ કરી જાય છે?! ખીલવાનો અવસર મળે તે પહેલાં ઘરની દિવાલ પર રક્તરંજિત અક્ષરે કરમાઈ જતી યુવાપેઢી વિશે આપણે કેટલા બેપરવાહ છીએ.
માલવિકાનાં મમ્મી સુપ્રિયા જોશીએ દીકરીને નિશાળ છોડાવી હતી અને દીકરી માટે થઈ પોતે નોકરી છોડી હતી. નિશાળ છોડી દેવાથી બધાં બાળકોને માલવિકા જેવી સફળતા નથી મળતી અને નિશાળે જનાર બધાં બાળકો ચિરંતનની જેમ આપઘાત કરતાં નથી પણ શિક્ષણ આ બંને અંતિમોની વચ્ચે છે. દીકરી હેલીને નિશાળ નામની ઘટનાથી દૂર રાખવાની સીધી સરવાણીના અનુભવાર્થી તરીકે લખનારને ઊંડા પરિતોષની લાગણી છે.
અમદાવાદમાં જાણીતા વાર્તાકાર, અધ્યાપક જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની બન્ને દીકરીઓ પંખી અને પરી તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઑપરેશન રિસર્ચ અને મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવતા ડૉ. રવિ ગોરનો દીકરો મંદાર પણ શાળા છોડીને ઘરે જ ભણે છે. વ્યક્તિત્વવિકાસની માનવતાપૂર્ણ સૌરભથી પંખી, પરી, હેલી અને મંદાર જેવાં બાળકો સુવાસિત છે, તેના રોજબરોજના સાક્ષી તરીકે કેળવણીના અર્થનું નવનીત આપને પીરસ્યું છે.
E-mail : gandhinesamajo@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 14
![]()

