સંચારમાધ્યમ દ્વારા જાણીતા થયેલા અને વર્તમાન સમયમાં આમ આદમી પક્ષ (AAP)ના સભ્ય, આશુતોષે ૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ NDTVની વેબસાઇટ પર પ્રકાશિત કરેલા પત્રમાં આ જ પક્ષની દિલ્હી સ્થિત સરકારના મંત્રી સંદીપ કુમારની, જાતીયતાને લગતી વર્તણૂકનો વીડિયો બનાવી તેને જાહેર કરાતાં, કરાયેલી હકાલપટ્ટી પર પ્રશ્ન ઉઠાવ્યો છે. આશુતોષની મુખ્ય દલીલ છે કે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિને પણ અંગત પળોનો અધિકાર હોવો જોઈએ. જો વ્યક્તિનું આ કૃત્ય ગુનાહિત ન હોય અને પરસ્પરસંમતિથી કરવામાં આવ્યું હોય, તો જાહેર સંસ્થા (આ કિસ્સામાં રાજકીય પક્ષ)નું સંચાલન કરતી સત્તા દ્વારા તે સજાપાત્ર ન હોવું જોઈએ. આમ, તેમણે જાહેરજીવન સાથે સંકળાયેલી વ્યક્તિના સ્વાતંત્ર્યને લગતો મહત્ત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ અંગે પોતાના મતના સમર્થનમાં તેમને ભારતની રાજનીતિની મહાન વ્યક્તિઓ જેમ કે જવાહરલાલ નેહરુ, અટલબિહારી વાજપેયી, રામમનોહર લોહિયા, જ્યૉર્જ ફર્નાન્ડિઝ, તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ગેરી હાર્ટ અને માઓ જે ડોંગ અને વિશેષમાં મહાત્મા ગાંધીના સંદર્ભ રજૂ કર્યા. તેઓ તો એમ કહેવા પ્રેરાયા છે કે જો તે દિવસોમાં આવી વીજાણુ જાસૂસી શક્ય હોત, તો આ મહાનુભાવોની આવી વર્તણૂક પ્રજા સમક્ષ જરૂર જાહેર થઈ હોત! અલબત્ત, તેમના મતે જાહેરજીવન સાથે સંકળાયેલી આ બધી જ વ્યક્તિઓનો વ્યવહાર અંગત હોવાથી તેને ઉચિત ગણાવી શકાય.
આશુતોષનો આ દાવો ગંભીર ચર્ચાને આમંત્રણ આપે છે. માત્ર દોષારોપણ અને આ આક્ષેપના હેતુ અંગેનો સવાલ આ વિવાદનો ઉકેલ ન હોઈ શકે. આ ગંભીર મુદ્દાને ચર્ચામાં લાવીને આશુતોષે બહાદુરીનું કામ કર્યું છે. અહીં મારી દલીલના બે મુદ્દા છે : એક, આશુતોષ સંદીપ કુમારના આ કૃત્યની તુલના મહાત્મા ગાંધી સાથે કરે છે, તે ભૂલભરેલી છે. અન્ય નામ અંગે ચર્ચા કરવાની મારી ઇચ્છા નથી. અલબત્ત, મારી આ રજૂઆતમાં અન્યોનો પણ સમાવેશ થઈ જશે તેમ આશા છે. બીજી મુદ્દો જાહેરજીવન, ખાસ કરીને રાજનીતિમાં નૈતિકતાના સંદર્ભમાં અને વિશેષમાં ગાંધીજીના ફાળા અંગેનો છે.
ગાંધીજીના બ્રહ્મચર્ય અંગેના પ્રયોગ મુમુક્ષુ તરીકે કરાયેલા સત્યના પ્રયોગોનો એક હિસ્સો હતો. તેમની યાત્રા વ્યક્તિગત હતી, પરંતુ જીવન જાહેર હતું. આત્મકથામાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે રાજનીતિના ક્ષેત્રના તેમનાં તમામ સાહસો મોક્ષપ્રાપ્તિના ભાગ રૂપે છે. ૧૯૦૬માં કસ્તૂરબા સાથે મસલત કર્યા બાદ ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રત આદર્યું. શારીરિક સંબંધોનો ત્યાગ બ્રહ્મચર્યનું પ્રથમ પગથિયું છે. મોનિયા (બાળપણ) અને મોહનદાસ તરીકેના દિવસોથી દૃઢનિશ્ચયી સ્વભાવ ધરાવતા ગાંધીજી એક વાર કરેલા નિર્ણયમાંથી પાછા હટે તેવા ન હતા. તેમના પારદર્શક જીવન દરમિયાન પ્રત્યેક ભૂલની કબૂલાત પણ જાહેરમાં કરવાનું તેઓ ક્યારે ય ચૂક્યા નથી. તેમના જીવનમાં લગ્નેતર શારીરિક સંબંધો અંગે ઉલ્લેખ સુધ્ધાં નથી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના અંતરંગ મિત્ર હેન્રી પોલાકનાં પત્ની મિલી પોલાકની નોંધ અનુસાર તેઓ તો એક નિકટની સખી સાથે થઈ શકે તેવી વાત ગાંધીજી સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે કરી શકતાં. ગાંધીજી એક-બે મહિલાની નિકટ હતા, પરંતુ કોઈની પણ સાથે તેમના શારીરિક સંબંધો ન હતા. ગાંધીજીની સ્વયંસ્પષ્ટતા તેમ જ સ્વ-નિયંત્રણ છતાં તેમના નજીકના સાથીદારોએ આનાં જોખમો પ્રત્યે તેમનું ધ્યાન ખેંચતાં ગાંધીજીએ આ સબંધો પર તાત્કાલિક પૂર્ણવિરામ મૂક્યું હતું. દેશના ભાગલાના સમયે પ્રવર્તતા વાતાવરણ પર સ્વયંની આંતરિક શક્તિ પ્રભાવ પાડી શકાશે, તેવી માન્યતા સાથે ગાંધીજીએ પૂર્વ બંગાળમાં બ્રહ્મચર્ય અંગે ક્રાંતિકારી કહી શકાય તેવું પગલું લીધું. અલબત્ત, આ અંગે અનેક વિવાદ પણ સર્જાયા અને તેને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ નહિ, પરંતુ તેના કારણે લોકહૃદયમાંથી ગાંધીજીનું સ્થાન ચળ્યું નહીં, તે પણ નિર્વિવાદ છે. મોક્ષપ્રાપ્તિ અર્થે એક મુમુક્ષુએ લીધેલાં પ્રામાણિક પગલાં તરીકે જનસાધારણે તેને સ્વીકાર્યું.
આમ, આશુતોષ સંદીપ કુમારના પરસ્પર સંમતિ સાથે થયેલા લગ્નેતર શારીરિક સંબંધને ગાંધીજીના વ્યવહાર સાથે સરખાવીને ભૂલ કરી રહ્યા છે. ગાંધીજીના સ્વ-નિયંત્રણ માટેના પ્રયોગની જેમ સંદીપ કુમારે એવા કોઈ પ્રયાસ કર્યા હોય તેવા આધાર નથી. ગાંધીજીનો વ્યવહાર પણ સવાલ અને ચર્ચાથી પર ન હતો. મહત્ત્વનો મુદ્દો એ છે કે શું જાહેરજીવનમાં રહેલી વ્યક્તિને ખાનગી જીવનમાં સ્વાતંત્ર્યનો અધિકાર ખરો? પ્રશ્નના સમર્થન અને વિરોધને અવકાશ છે. ગાંધીજી જાણતા હતા કે રાજકારણ સાથે સંબંધિત સહુ માટે મોક્ષપ્રાપ્તિ લક્ષ્ય ન હતું. પરિણામે વ્યવહારુ માર્ગ એ હતો કે ખાનગી જીવનમાં સ્વ-નિયંત્રણ ધરાવતી વ્યક્તિ જાહેરજીવનમાં તટસ્થ વ્યવહારમાં ઓછા અવરોધનો સામનો કરશે. ખ્યાતનામ રાજનીતિશાસ્ત્રી લૉઈડ રુડોલ્ફ અને સુઝન હોબર રુડોલ્ફ સ્વ-નિયંત્રણ અને રાજકીય ક્ષમતા અંગે ચર્ચા કરતાં જણાવે છે કે વ્યક્તિના અંગત જીવનનો વ્યવહાર અને રાજ્ય તેમ જ સામાન્ય કલ્યાણની બાબતમાં તેના વ્યવહારની તટસ્થતા વચ્ચે સંબંધ છે. પરંતુ વર્તમાન સમયમાં જાહેરજીવનમાં અંગત નૈતિકતાની પ્રસ્તુતતા ઘટી છે. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકાના ઉદાહરણ દ્વારા જણાવે છે કે પરસ્ત્રી પર વિશેષ ધ્યાન આપનાર એક સેનેટર, રાષ્ટ્રપ્રમુખ સુધ્ધાની રાજ્યના સુશાસન માટેની ક્ષમતા પર કોઈ પ્રભાવ પડતો નથી (બિલ ક્લિન્ટનના શાસન બાદ ૨૦૦૬માં આ લખાયું હતું). અલબત્ત, તેનો આ વ્યવહાર ખાનગી હોય અને તે કોઈ ઊહાપોહને જન્મ ન આપે. પશ્ચિમી રાજનીતિની વ્યવસ્થા વ્યક્તિના જાહેર વર્તન અંગે આંતરિક નહીં, પરંતુ બાહ્ય તેમ જ નૈતિક નહિ, પરંતુ સંસ્થાકીય નિયંત્રણો પર આધારિત છે.
ભારતના સંદર્ભમાં આ બાબત ધર્મ, જેને ફરજ પણ કહી શકાય તેની સાથે સંકળાયેલી છે. જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિનું ચારિત્ર્ય હંમેશાં સ્વ-નિયંત્રિત હોય તે અનિવાર્ય પૂર્વશરત બની રહે છે. રાજનીતિના ક્ષેત્રે સંસ્થાકીય નિયંત્રણના સ્થાને નૈતિક નિયંત્રણના આ ગહન ભારતીય વિચારમાં ગાંધીજીની દૃઢ માન્યતા હતી. વ્યક્તિનું આંતરિક બળ તેના જાહેરજીવનના જુસ્સામાં વૃદ્ધિ કરનારું હોવું જોઈએ. માત્ર સંસ્થાકીય નિયંત્રણથી નિયંત્રિત વ્યક્તિ દ્વારા સત્તાના દુરુપયોગની શક્યતા વધી જાય છે. આશુતોષે જણાવેલાં નામ ઉપરાંત આ બાબત સહુને લાગુ પડે છે. સ્વ-નિયંત્રણનું પાલન વધુ સંપોષિત તેમ જ અપરિવર્તનીય તેવી ચારિત્ર્યનિર્માણની પ્રક્રિયા છે. એ યાદ રાખવું ઘટે કે જાહેરજીવનમાં રહેલી વ્યક્તિ માટે કશું જ અંગત રહેતું નથી. જો વ્યક્તિએ જાહેરજીવનમાં ઝંપલાવવા અંગે પૂરી ગંભીરતાથી નિર્ણય લીધો હોય, તો તેણે અંગત જીવનમાં સ્વ-નિયંત્રણ કરવું જ રહ્યું; ખાસ કરીને કે જે વર્તનના નૈતિક સૂચિતાર્થ હોય તેમ જ જે બહુજનકલ્યાણ અંગેની બાબતોના ન્યાયી અને ઇષ્ટ વ્યવહારને સ્પર્શનારું હોય.
E-mail : sudarshan54@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ. 04 – 05