Opinion Magazine
Number of visits: 9450974
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્ગત રમેશચંદ્ર પરમાર

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 October 2016

પંદરમી સપ્ટેમ્બરે બપોરે, ‘નિર્ધાર’-ખ્યાત ઉમેશ સોલંકીએ ડૉ. રમેશચંદ્ર પરમાર ગયાના સમાચાર આપ્યા ત્યારે સાંભર્યું કે હજુ બારમી સપ્ટેમ્બરે તો સદ્ગત ગણપતભાઈ રાઠોડની શોકસભામાં એમણે આત્મીય અંજલિવચનો ઉચ્ચાર્યાં હશે, અને આજે તો પોતે પણ અનંતની યાત્રાએ ઊપડી ગયા : ગુજરાતના આરંભિક દલિત પેન્થરો પૈકી એકને નાતે દલિત ચળવળ અને સાર્વજનિક જીવનમાં સુપ્રતિષ્ઠ રમેશચંદ્ર જે રીતે આજાર ચાલતા હતા જોતાં ગમે ત્યારે લય પામી શકે એમ હતા. એમ છતાં, એમનું જવું ગુજરાતમાં દલિત અસ્મિતા અને જાહેર જીવનના વળાંકને હિસાબે ખરે વખતે, ખરાખરીનું જવું છે. હાલનો મોડ જો ઉના આંદોલનનો છે તો એ મોરચે પહેલા એલાનના – અને એથી કરીને સમો બાંધવાના – યશભાગી રમેશચંદ્ર હતા. જિજ્ઞેશ મેવાણી જરૂર આંદોલનના અગ્રઅવાજ રૂપે ઉભર્યા, પણ કન્હૈયાના કેમિયો સહિતના ઘટનાક્રમ સાથે પંજાબ અને ઉત્તર પ્રદેશના આગામી ને આવું આવું ચૂંટણીપડકાર વચ્ચે અસરકારક દલિત હસ્તક્ષેપના એક કેન્દ્રબિંદુ રૂપે ઉના રાષ્ટ્રીય સ્તરે ઉંચકાયું, એનું પહેલું નોંધપાત્ર એલાન પેન્થર પીઠિકાએ કરીને રમેશચંદ્રનું હતું.

દલિત દીપડાઓનો ઉદય, ગુજરાતમાં ૧૯૭૪માં થયાનું આ લખું છું ત્યારે સાંભરે છે. આમ તો, પેન્થર ચળવળ, અમેરિકાના આફ્રિકન-અમેરિકન નાગરિકોની બ્લેક પેન્થર પાર્ટીથી પ્રેરાઈ મુંબઈ-મહારાષ્ટ્રમાં નામદેવ ઢસાળ આદિની પહેલથી તે પૂર્વે શરૂ થઈ ચૂકી હતી. ગુજરાતની દલિત પ્રવૃત્તિમાં ત્યારે (અને અત્યારે પણ) સક્રિય વાલજીભાઈ પટેલ વગેરે એમાં ખેંચાયેલા અને ગુજરાતની ઝાંખીપાંખી રિપબ્લિકન પાર્ટીમાં ત્યારે કાર્યરત રમેશચંદ્રનું પણ એમાં જોડાવાનું થયેલું  એવું સાંભરે છે. ૧૯૭૨-’૭૩-’૭૪નો ગાળો દેશમાં અને ગુજરાતમાં પરિવર્તનની રાજનીતિની દૃષ્ટિએ ઠીક ઠીક મહત્ત્વનો છે. ઇંદિરા ગાંધીની એકચક્રી આણ અને વ્યાપક અપીલ પરત્વે પડકારની શરૂઆતનો સમયગાળો આ છે તો પેન્થર, નવનિર્માણ અને જેપી આંદોલનનો ઉદયગાળો પણ છે. નહીં કે બધાં આંદોલનો વચ્ચે કોઈ સીધો આંતરસંબંધ અનિવાર્યપણે હશે, પણ પરિવર્તનની આબોહવાએ પ્રેરિત આ સૌ એક અરસાના ઉન્મેષ અને ઉદ્રેક હતાં.

એક અરસાની (અને આબોહવાની) અહીં જે જિકર કરું છું એ કેવળ જોગાનુજોગનો નિર્દેશ કરવાની રીતે નથી. એમને એકસાથે સંભારવામાં એક સાભિપ્રાયતા પણ છે. જયપ્રકાશનું આંદોલન ઉભર્યું અને ઉંચકાયું ત્યારે એક તબક્કે દિલ્હીની રેલીમાં ગુજરાતથી સૌ મોટે પાયે જોડાય એવું આયોજન થયું હતું. રેલીમાં જોડાવા સારુ જે અપીલકારો આગળ આવ્યા એમાં ત્યારે ખરી ડૂંટીનો એક અવાજ પેન્થર રમેશચંદ્ર પરમારનો પણ હતો. મતલબ, જેમ આફ્રિકી-અમેરિકી તેમ ઘરઆંગણાના દલિતો એક અલગ સમુદાયરૂપે ગઠિત અને ઉદ્યુક્ત થતા હોય તેથી વ્યાપક નાગરિક સમાજનો હિસ્સો મટી જતા નથી. બલકે, એમનું પૂરા કદના નાગરિકમાં સ્થપાવું એ જો નાગરિક સમાજના ખુદના હિતમાં છે તો નાગરિક સમાજનો ખયાલ હોવો તે વ્યક્તિશઃ ને સમુદાયશઃ હર કોઈ સારુ જરૂરી છે. અંશ પર ભાર મૂકીએ છીએ ત્યારે તે કૈં કથિત પૂર્ણનો વિરોધ નથી. લડીઝઘડીને પણ પૂર્ણને પરિપૂર્ણ, સાચા અર્થમાં સંપૂર્ણ બનાવવાની લોકશાહી લલિત કલા છે.

અહીં થઈ આવતું સ્મરણ રામમનોહર લોહિયાનું છે. લોહિયાએ ઇતિહાસચક્ર (વ્હીલ ઑફ હિસ્ટરી) વિશે ચર્ચા કરતાં કહ્યું છે કે મોટાં પરિવર્તનો ગુંજાશ છતાં ઇતિહાસમાં પાછાં કેમ પડતાં હોય છે એનું એક રહસ્ય એ વાતમાં પડેલું છે કે વિવિધ પ્રજાસમુદાય પોતપોતીકાં લક્ષ્યવિશેષ (પર્ટિક્યુલર ગોલ) અને વ્યાપક લક્ષ્ય (જનરલ ગોલ) વચ્ચે મેળ પાડી શકતા નથી. પેન્થર પરમારને સંપૂર્ણ ક્રાન્તિના જેપી એલાનની જોડે ઊભા રહેતા જોઉં છું અને ઉત્તર જેપીને શાંતિમય અને ધિક્કારમુક્ત વર્ગસંઘર્ષ વિશે સાંભળું છું ત્યારે પર્ટિક્યુલર અને જનરલનાં જુવારાં ભાંગવાની આશાએ હૈયું હુલસે છે.

આમ પણ રમેશચંદ્રને સંભારીએ અને લોહિયાની યાદ ધ્રોપટ ચાલી ન આવે શક્ય નથી. એ ડૉ. રમેશચંદ્ર પરમાર કહેવાતા એનું રહસ્ય એમણે રળેલ ડૉક્ટરેટમાં છે, અને તે માટેનો એમનો અધ્યયનવિષય લોહિયા હતા. સન સિત્તોતેરના બીજા સ્વરાજથી સ્વરાજ માટેની ચાલુ લડાઈના કેમ જાણે એક ભાગરૂપે છેક લોહિયા શતાબ્દી વર્ષ લગી અમદાવાદમાં વરસોવરસ લોહિયાને યાદ કરવાનો એક સિલસિલો લગભગ સળંગ રહ્યો. એમાં અગ્રયાયીઓ પૈકી એક રમેશચંદ્ર હતા. એની પૂંઠે મહત્ત્વનું બળ અલબત્ત ચિદમ્બરમ્ અને જયંતી પંચાલનું! આવા પ્રસંગોએ કવચિત મારે પક્ષે, કવચિત્ એમને પક્ષે વારાફરતી લોહિયાની આંબેડકર જોગ એ ધા સંભારવાનુંયે બન્યું હશે કે તમે દલિત દાઝ સ્વાભાવિક જ જાણતે છતે દેશની સમગ્ર રાજનીતિમાં સહભાગી બલકે અગ્રભાગી બનવાનું કેમ ન વિચારો. આંબેડકર ૧૯૫૬ના ડિસેમ્બરમાં ગયા ન હોત તો ૧૯૫૭ની ચૂંટણીમાં આ દિશામાં એક નવઉઘાડની શક્યતા નહોતી એવું નથી.

આરંભે જ, ઓછા જાણીતા ગણપતભાઈને (પ્રવીણ રાષ્ટ્રપાલના મોટાભાઈને) અને ઠીક ઠીક જાણીતા રમેશચંદ્રને એક સાથે સંભારવાનું બન્યું તો એમનું એક સામ્ય પણ સંભારી લઉં. એમણે બંનેએ દલિત ઉદ્યુક્તિને સેક્યુલર ચળવળ પરત્વે અવિરોધી ધોરણે જોઈ. કદાચ, આમ કહેવું અપૂરતું છે. એમણે બંનેને અવિરોધી નહીં પણ પરસ્પર પૂરક બલકે અવિનાભાવ જોવાનો અભિગમ લીધો હતો. દેશની દલિત રાજનીતિના કેટલાક હિસ્સાએ પાછલા દસકામાં હિંદુત્વ રાજનીતિમાં પોતાનો ઉગાર જોયો છે. આવી કોઈ સત્તાલક્ષી મૂઠ જેમને ન વાગી કે આવો કોઈ વૈચારિક વ્યામોહ જેમને ન આભડી ગયો, ગણપતભાઈ ને રમેશચંદ્ર એ માંહેલા હતા.

બલકે, વિચારમોરચે ૨૦૦૨ પછીના ગુજરાતમાં રમેશચંદ્રે એક એવું કામ (ભલે તે તરફ ઝાઝું ધ્યાન ખેચાયું હોય તોપણ) કર્યું હતું જે ખરું જોતાં એનડીએ-૧ના સંકટમોચક રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ જેવા મારફત (એમનું લોહિયાસંધાન જોતાં) થવું જોઈતું હતું. રમેશચંદ્રે રામમનોહર લોહિયાની અનન્ય માંડણી ‘હિંદુ બનામ હિંદુ’ ગુજરાતીમાં ઉતારી. અહીં એ માંડણીનો વિગતે ખયાલ આપવાની ગણતરી નથી. માત્ર એટલું કહેવું બસ થશે કે હિંદુસમાજમાં વર્ણગત અંતર અને ઊંચનીચ કઈ હદે ‘ઇતર’ પરત્વે દ્વેષ અને હિંસા પ્રેરે છે, બલકે ‘મુસ્લિમ’ રૂપે તે ‘ઇતર’ને જનમાવે છે એની એ મૂલગ્રાહી ચર્ચા છે. હિંદુસમાજ તે ધોરણે જરી જાતમાં ઝાંખે તો અંતર અજવાળું અજવાળું થઈ જાય. અલબત્ત, હિંદુત્વ રાજનીતિને અંજીરપાંદ (ફિગ-લીફ) પૂરું પાડવાની કામગીરીમાં રોકાયેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ માટે એ અગ્રતાની બાબત નહોતી, અને જેઓ કૉંગ્રેસના વિકલ્પરૂપે તેમ જઈને દ્વિપક્ષ પ્રથાની શોધના માર્યા ભા.જ.પ.માં ઠરવા કરતા હોય એમની કને આવો મૂલગ્રાહી વિવેક નયે હોય.

‘રુદ્રવીણાનો ઝંકાર’ ભાનુ અધ્વર્યુનો, ચંદુ મહેરિયાની જહેમતથી આવી મળેલો મળતાં મળે એવો કોલમસંગ્રહ છે. દલિત વંચિત, પીડિતશોષિત જાગૃતિનો, સરજાતા સમયનો એક અરસાનો એ આલેખ છે. અહીં રમેશચંદ્રને જુહાર પાઠવતે પાઠવતે તે સંભારવાનું નિમિત્ત એ છે કે ’૮૧-’૮૫ના અનામત વિરોધી આંદોલનોમાં જે દલિત અસ્મિતાનો સાક્ષાત્કાર થયો એનો પ્રારંભિક સર્જનાત્મક ધક્કો, આગલો દસકો ઊતરતે આવેલી અગનફૂલ જેવી પત્રિકા ‘આક્રોશ’માં પ્રકાશિત રચનાઓનો છે. નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી અને બીજાઓ તે લઈને આવ્યા હતા. એક અર્થમાં, આ પ્રક્રિયાનું યોજકત્વ ને નેતૃત્વ ગુજરાતના પેન્થર પ્રમુખની હેસિયતથી રમેશચંદ્રનું હતું. રચના અને સંઘર્ષનો, ન્યાયી સમાજ માટેનો જે કાવ્યસ્વર એમાં ભાનુભાઈએ રુદ્રવીણાનો ઝંકાર નોંધ્યો હતો. શીલભદ્ર સમાજ માટેની મથામણ, છેવટે તો, કશો એક રુદ્રઝંકાર  અને ટંકાર પણ ખસૂસ માગી લે છે, એમ જ ને!

અંજલિ તો હૃદ્ગત રમેશચંદ્રને બીજી શી હોય, સિવાય કે વાલજીભાઈ પટેલ અને માર્ટિન મેકવાનથી માંડીને રાજુ સોલંકી, જિજ્ઞેશ મેવાણી અને રાહુલ પરમાર સહિતનું સમગ્ર દલિત નેતૃત્વ ઉના નિમિત્તે એક રહી ‘પર્ટિક્યુલર’ ને ‘જનરલ’નો મેળ પાડવાનો ઉજમ કરે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2016; પૃ.  02 અને 19

Loading

28 October 2016 admin
← Whither Justice for Religious Minorities
સમૂહ-માધ્યમોનો રાષ્ટ્રવાદ →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved