Opinion Magazine
Number of visits: 9483382
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભદ્રનો કિલ્લો: ભૂત, વર્તમાન અને ભાવિના ત્રિભેટે

ઈશાન ભાવસાર|Samantar Gujarat - Samantar|4 February 2013

'Life is not merely a series of meaningless accidents or coincidences' (જીવન કેવળ અર્થહીન અકસ્માતો કે યોગાનુયોગની પરંપરા નથી.) યાદગાર અંગ્રેજી ફિલ્મ સેરેનડીપીટી/Serendipity(૨૦૦૧)નો આ સંવાદ પણ એટલો જ યાદગાર છે. ફિલ્મમાં ભલે આ સંવાદ તેના પાત્ર જોનાથન ટ્રેગરના મોંએ બોલાયો હોય, પણ વાસ્તવમાં તે આપણા સૌના જીવનને લાગુ પડે છે. આવો જ એક યોગાનુયોગ (કે સુખદ અકસ્માત) હમણાં મારી સાથે પણ બની ગયો.

અમદાવાદમાં હું પચીસ વરસોથી રહું છું. અહીં જ જન્મ્યો છું અને ઉછર્યો છું. ફેસબુક પર શરૂઆતમાં મારા નામની પાછળ પણ અટકને બદલે મેં ‘અમદાવાદી’ લગાડેલું, કવિતા ન કરતો હોવા છતાં ! આટલાં બધાં વર્ષોથી અમદાવાદમાં રહેતો હોવાં છતાં, ક્યારે ય ભદ્રનો કિલ્લો જોવાનો મેળ પડ્યો નહોતો. એ સ્થળ આગળથી તો સેંકડો વાર પસાર થવાનું બન્યું હશે, અને બહારથી અસંખ્ય વાર જોયો હશે. એ હદે કે ત્યાંથી પસાર થતી વખતે એ સ્થળની નોંધ પણ ન લેવાય.

પણ હમણાં આવો જ એક ‘meaningful coincidence’ બની ગયો. અચાનક અને કશા ય આગોતરા આયોજન વગર, બન્યો એટલે તેને ‘accident’ પણ કહી શકાય. ગયે અઠવાડિયે, લાલ દરવાજા આગળ ભરાતા બજારમાં, અગાઉ ઘણી બધી વખતની જેમ જ વધુ એક વાર, ખરીદી કરવા જવાનું બન્યું. થોડો સમય હતો એટલે ઊભો હતો. સામે હતો ભદ્રનો કિલ્લો/Bhadra Fort. કિલ્લા આગળ એક ‘ચાચા’ ઊભા હતા. તેમને મેં સાવ અસંબદ્ધ સવાલ પૂછ્યો. કિલ્લા તરફ ઈશારો કરીને પૂછ્યું, 'અંદર શું છે?' ‘ચાચા’ સમજી ગયા અને કહ્યું, 'અંદર કિલ્લો છે.' અને ઉમેર્યું, 'જાવ, અંદર જઈને જોઈ આવો.'

એક તો ‘કિલ્લો છે’, સાંભળતાં જ મારા મનમાં રહેલા કૂતુહલે ઉછાળો માર્યો હતો. એમાં ‘ચાચા’ના ‘જોઈ આવો’ શબ્દોએ મને આવાહ્ન આપ્યું. પગ પણ મનમાં ઊગેલા કૂતુહલને અનુકૂલન સાધી આપતા હોય, એમ ઝડપથી ઉપડવા લાગ્યા. ‘ચાચા’એ ચીંધેલી દિશામાં પુરાતત્વ ખાતા / A. S. I.ની ઓફિસ હતી, જેમાં કિલ્લાના હાલના ‘શાસક’ એવા એક સરકારી અમલદાર બિરાજમાન હતા. તેમની પરવાનગી લેવા માટે મેં પૂછ્યું, 'ઉપર જવું છે.' આ સાંભળીને એ સજ્જન હસવા લાગ્યા. કહે, 'અત્યારથી?' મને એમ કે અહીં મજાક નહીં ચાલતી હોય, એટલે મેં પૂરેપૂરી ગંભીરતાથી કહ્યું: 'પણ નીચેથી તો એમ કહ્યું કે ઉપર જવા મળશે.' એટલે એ મહાશય કહે, 'કિલ્લા ઉપર જવું છે એમ કહો ને, યાર.' સરકારી અમલદાર હોવા છતાં તેમણે જે રીતે સહયોગ આપવાની તૈયારી દેખાડી અને ચાવી કાઢીને ‘ઉપર જવાનો’ માર્ગ ખોલી આપ્યો એ પહેલું આશ્ચર્ય હતું, પણ આશ્ચર્યોની પરંપરા તો કિલ્લા પર ગયા પછી સર્જાઈ.

પથ્થરની બનેલી ચક્રાકાર સીડી ચડતાં ચડતાં કિલ્લાની છત ઉપર નહીં, બલકે સીધા ઇતિહાસનાં કોઈક પાનાંમાં આવી ગયા હોઈએ એમ લાગે.

જોતજોતામાં કિલ્લાની છત પર આવી પહોંચ્યા. હજી નીચે તો અમદાવાદ રીતસરનું ધબકે છે અને અહીં આવી પહોંચતાં જ જાણે કે સમય થંભી ગયો હોય એમ લાગે. અને ખરેખર કિલ્લાના ટાવર પરની ઘડિયાળમાં પણ સમય થંભી જ (બલકે ચોરાઈ) ગયો હતો. 

આ ‘ટાવર-ક્લોક’ વિષે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી / Gujarat Vernacular Society દ્વારા ૧૮૫૦માં પ્રકાશિત મગનલાલ વખતચંદના પુસ્તક 'અમદાવાદનો ઇતિહાસ'માં આમ ઉલ્લેખ છે: 'ઇ.સ. ૧૮૪૯ની શાલમાં ૮૦૦૦ રૂપૈયા ખર્ચી વિલાયતથી મોહોટું ઘડીઆળ મગાવી ભદરહનાં બુરજ ઉપર મૂક્યું છે.' ઉલ્લેખનીય છે કે આ પુસ્તક ‘ રૂ. ૫૦/- નું ઇનામી પુસ્તક’ હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૫૦માં 'અમદાવાદનો ઇતિહાસ' લખાવી મંગાવવા ઠરાવ કર્યો હતો અને જેનું લખાણ પસંદ પડે તેને રૂ. ૫૦/- ઇનામ આપવાનું ઠરાવ્યું હતું. એ ઠરાવ વિષે જાણ થયે, પછીથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી શ્રી મગનલાલ વખતચંદ શેઠે ઇતિહાસ લખ્યો હતો. લેખનની ઉત્તમતા માટે એ ઇનામને પાત્ર બન્યો ને વળતે વર્ષે સોસાયટીએ જ પોતાના લીથો-છાપખાનામાં છપાવીને તેને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો હતો.

કિલ્લા પરનું એકાંત મનમાં સુલતાન અહમદશાહનો કોઈ સગો હોઉં એવી 'શાહી અનુભૂતિ' કરાવતી હતી. 

જો કે, એક કૂતુહલ સતત થતું હતું કે સંપૂર્ણ ઈસ્લામિક સ્થાપત્ય હોવા છતાં આ કિલ્લાનું નામ ‘ભદ્રનો કિલ્લો’ કેમ પડ્યું હશે? અહીં લગાડેલી એક તક્તીમાંથી આ જવાબ મળે છે. તકતીમાં લખ્યું છે:

ભદ્રનો દરવાજો, ઇ.સ. ૧૪૧૧

અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહ પહેલા(૧૪૧૧-૧૪૪૨)એ અહીં બંધાવેલ મહેલના પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કામ આવે તે માટે આ મોટો કિલ્લેબંધ દરવાજો ૧૪૧૧માં અથવા તેની આસપાસમાં બંધાવ્યો હતો. અણહિલવાડ પાટણ (વડોદરા રાજ્ય) કે જે અમદાવાદ પાટનગર થયું તે પહેલાં ગુજરાતના સુલતાનોના વંશના પહેલા ત્રણ રાજાઓના હાથમાં હતું. ત્યાં આવેલા ભદ્ર નામના જુના રાજપૂત કિલ્લા ઉપરથી આ મહેલને ભદ્ર કહેવામાં આવ્યો. આ દરવાજાની પાસે આવેલા બે નાના દરવાજા જોડતી ભીંતો ઉપરના ત્રણ શિલાલેખો હવે લગભગ સંપૂર્ણ ભુંસાઈ ગયા છે. આમાંનો એક લેખ જહાંગીરના સમય(૧૬૦૫-૧૬૨૭)ની કોઈ તારીખ દર્શાવતો માલમ પડે છે.' 

એમ તો ‘મિરાતે એહમદી’ / Mirat- i- Ahmadi મુજબ આ કિલ્લાને ‘અરક’નો કિલ્લો કહેવામાં આવ્યો છે. તેમાં જણાવ્યા મુજબ આ કિલ્લાનું બાંધકામ ૧૪૧૧માં શરૂ થયેલું અને ૧૪૧૩માં તે પૂરું થયેલું. 

આ કિલ્લાને અસલમાં ચૌદ બુરજ ઉપરાંત છ મોટા અને બે નાના બારી-દરવાજા હતા. પૂર્વનો દરવાજો ‘પીરાન પીરનો દરવાજો’ (એટલે કે ભદ્રનો દરવાજો), તેની ઉત્તરે ‘લાલ દરવાજો’ અને નૈઋત્યે ‘ગણેશબારી’ હતાં. દક્ષિણ દરવાજો અહમદશાહની મસ્જિદ તરફ હતો. હાલ ટેલીગ્રાફની ઑફિસ છે ત્યાં બે સાધારણ કદના દરવાજા હતા. પશ્ચિમમાં બારાદરી અને રામદરવાજા હતા. ભદ્રના બાદશાહી મહેલો જહાંગીર બાદશાહના આવતાં પહેલાં ખંડેર થઈ ગયેલાં.

મેન્‍ડલ સ્લો નામના મુસાફરે આ કિલ્લાને મહારાજ્યોમાં સૌથી મોટા કિલ્લા તરીકે ગણાવેલો.  

અહીં છત પર ટહેલતાં દરેક બાજુથી વિવિધ સ્થળો નજરે પડે. સૌથી નજીક પ્રેમાભાઈ હૉલ/Premabhai Hall અને સિવિલ કોર્ટની ઈમારત દેખાય. આ એ જ પ્રેમાભાઈ હૉલ છે, જ્યાં આપણા સૌના પ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટ/Ashwinee Bhatt મેનેજર તરીકે રહ્યા હતા. સાંભળ્યા મુજબ, હવે તો આ હૉલ પણ વેચી દેવાની હિલચાલ ચાલી રહી છે. 

ત્રણ દરવાજા નજરોની સામે જ હોય, છતાં વચ્ચે ઉભેલા ઉંચા વૃક્ષોને કારણે આપણાથી ઓઝલ પાળતા હોય એમ લાગે. ભદ્રના કિલ્લાથી ત્રણ દરવાજા સુધીનો વિસ્તાર ‘મૈદાને-શાહ’ તરીકે ઓળખાતો. બંને બાજુએ તાડ અને ખજૂરીનાં વૃક્ષોથી આચ્છાદિત એવાં આ મેદાનમાં પૂરા દમામથી શાહી સરઘસ નીકળતાં, તો રાજવીઓની પ્રિય એવી પોલોની રમત પણ અહીં રમાતી. અત્યારે અહીં તાજેતરમાં જ ભદ્ર વિસ્તારની કાયાપલટ  કરવા ૭૫ કરોડના ‘ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’ / Bhadra Plaza Development Project અંતર્ગત શરૂ થઈ ગયેલા ‘વાઈબ્રન્ટ’ કામને જોઈ શકાય છે. આમ, આ કિલ્લા પર થીજેલો ભૂતકાળ છે, તેની એક તરફ ધબકતો વર્તમાન છે અને બીજી તરફ 'વાઈબ્રન્‍ટ' ભાવિ. 

ભદ્રના ટાવર તરફ આગળ વધીએ અને નીચા દરવાજાઓ પસાર કરતા જઈએ, ગોળ ફરતી સીડીઓ વટાવતા જઈએ, પગથિયાં કૂદાવતા જઈએ, ત્યારે ખુલ્લી છત પર કિલ્લાની રાંગનો પડછાયો પણ જોવા મળે.

અહીં ઊભા રહ્યા પછી, એમ જ લાગે કે જાણે કોઈ મહાકાય અજગરના પેટમાં ઊભા છીએ. (અને એ અજગરનું નામ ‘કાળ’ હોઈ શકે.)

ટાવરમાં મૂકેલા અસંખ્ય ઝરુખામાંથી, નીચે લાલ દરવાજાના બજારની રોનક પણ જોઈ શકાય. ક્યારેક અહીં, આ સ્થળે ઊભી ઊભી શાહની બેગમો અહીંનો નજારો જોતી હશે !

કિલ્લાનો અમુક ભાગ જોતાં એમ લાગે કે જાણે એ ‘ભૂતિયો’ છે. કિલ્લો તો એનો એ જ છે, આપણી દૃષ્ટિ તેને એવો બનાવતી હશે.

અહીં કેટલીય જગ્યાઓ ‘ભેદી’ જણાતી છે, અને નીચે ઉતરવાના અનેક ભોંયરાઓ પણ આવેલા છે, જે કિલ્લાને ‘ગૂઢ’ પરિમાણ આપે છે.

આ કિલ્લામાં તેના સ્થાપનાકાળથી ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવતી. એમ કહેવાય છે કે અહમદશાહ/Ahmedshah  એક ઈન્સાફપરસ્ત શહેનશાહ હતો અને તેણે પોતાના જમાઈને પણ ખૂન બદલ ફાંસીને માંચડે લટકાવી દીધો હતો. (દીકરીને મારી નાંખનારા પિતાઓ બહુ જોયા, પણ જમાઈને ફાંસી આપનાર તો આ અહમદશાહ જ જોયા.) એ ફાંસીના માંચડાની જગ્યા આજે પણ છે. અંગ્રેજોના સમયમાં ભદ્રના કિલ્લાનો ઉપયોગ બંદીખાના તરીકે થતો હતો.

સાપેક્ષવાદનો સિદ્ધાંત અહીં આવવાથી બરાબર સમજી શકાય. આખા કિલ્લા પર નિરાંતે ટહેલતાં લાગ્યું કે કલાકો વીતી ગયા હશે. પણ જોયું તો માંડ પિસ્તાલીસ મિનિટો જ વીતી હતી.

ઇતિહાસમાંથી બહાર આવીને નીચે ઊતરતાં ભદ્રનો અસલ લક્કડિયો દરવાજો તેની લોખંડની રિવેટો સાથેનો નજરે પડે છે.

૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે દેશ આઝાદ થયો, ત્યારે અમદાવાદનો સમાવેશ મુંબઈ રાજ્યમાં થયો હતો. આઝાદી મળ્યાની ઉજવણીના ભાગરૂપે ભદ્રના કિલ્લાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો.

બહાર આવતાં જમણી બાજુએ ભદ્રકાળી માતાનું મંદિર દેખાય છે. ભદ્રકાળી માતાના મંદિરે મુખ્યત્વે કમળનો ચઢાવો કરવામાં આવે છે. આ કારણે કમળ વેચનારા ફેરિયાઓ ઘણા જોવા મળે છે. 

ઘણાને યાદ હશે કે ૩૦-૩૫ વર્ષ પહેલાં લાલ દરવાજાથી ભદ્રના દરવાજામાં થઈને ત્રણ દરવાજા બાજુ જવાતું હતું, ત્યારે વચ્ચે એક વૃદ્ધ પ્રજ્ઞાચક્ષુ પતિ-પત્ની ભીખ માંગવા બેસતાં હતાં. પતિ-પત્ની બન્ને અંધ હોવાનું લખાણ સ્લેટમાં (કે બોર્ડમાં) અને એક સ્લેટમાં કે બોર્ડમાં લખેલું હતું. અને ત્યાંથી પસાર થતાં ઘણાં લોકો તેમને પૈસા આપતા જતાં. પેલા 'ચાચા'ને આ વાત પૂછતાં તેમણે પણ આ વાતનું સમર્થન કર્યું. અત્યારે એ હશે ખરાં? હશે તો ક્યાં હશે? કદાચ ભદ્રનો કિલ્લો બંધ થવાથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ હોય તો કોને ખબર? 

મંદિરની બાજુમાં જ ચૂનાથી ધોળાયેલું સફેદ મકાન છે, જે કિલ્લાના જ ભાગરૂપ છે. આ મકાન ‘આઝમખાન સરાઈ’ તરીકે ઓળખાય છે. મોગલ કાળમાં બનેલી આઝમખાન સરાઈનો મુસાફરખાના તરીકે ઉપયોગ થતો. આજે ત્યાં ભોંયતળિયે સરકારી પુસ્તક ભંડાર અને પહેલે માળે પુરાતત્વ ખાતાની ઓફિસ આવેલાં છે. ભદ્રના દરવાજાની બહાર મરાઠાકાળમાં બનેલું ભદ્રકાળી મંદિર/Bhadrakali Temple પણ આઝમખાન સરાઈનો જ ભાગ છે. 

કિલ્લો ફરી લીધા પછી એ.એસ.આઈ.ની ઓફિસમાં 'ગાઈડ' બાબતે પૂછતાં જાણવા મળ્યું કે અહીં કોઈ ગાઈડની વ્યવસ્થા નથી. (એટલા માટે કે આ સ્થળ કદાચ જોવાલાયક સ્થળોમાં સ્થાન નહીં પામતું હોય?) પછી એ પણ જાણવા મળ્યું કે અમદાવાદમાં યોજાતી 'હેરિટેજ વૉક'/ Heritage Walk માં પણ આ સ્થળનો સમાવેશ કરાયો નથી. 

બહાર નીકળીને ‘સરકારી પુસ્તક ભંડાર’/Government Book Depotમાં કુતૂહલવશ પ્રવેશતાં જ સરકારી નિયમો-અધિનિયમોનાં થોથાં નજરે પડે છે કે જે જોઈને આપણે આપણી જાતને જ ‘તખ્લીયા’ કહી દઈએ છીએ. 

આ ટૂંકી મુલાકાત લીધા પછી, અમદાવાદમાં રહેતા મિત્રોને એટલું કહેવાનું મન થાય કે 'ફરી શાંતિથી આવીશું', એમ વિચારીને ભદ્રના કિલ્લાની મુલાકાત ટાળવા કરતાં એ તરફ નીકળ્યા હો, ત્યારે થોડો સમય કાઢીને જઈ આવવું સહેલું પડશે. 

(તમામ તસવીરો: ઈશાન ભાવસાર) 

(અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યા પછી, હાલ તુલનાત્મક સાહિત્યમાં એમ.ફીલ. કરી રહેલા, અમદાવાદ રહેતા મિત્ર ઈશાનને જબરદસ્ત શોખ છે વાંચનનો. તેના પુસ્તકપ્રેમના પરચા ફેસબુક પર અવારનવાર જોવા મળે છે. વાંચન ઉપરાંત બાગાયત, ચેસ તેમ જ ફિલ્મોના શોખીન ઈશાનને હમણાં અમદાવાદના એક અતિ જાણીતા, છતાં અજાણ્યા સ્થળ જેવા ભદ્રના કિલ્લાની અનાયાસે મુલાકાત લેવાનું બન્યું. આ મુલાકાતનું પરિણામ એટલે આ પોસ્ટ. : બીરેન કોઠારી)

http://birenkothari.blogspot.in/2013/01/blog-post_30.html

Loading

4 February 2013 admin
← એક અવિસ્મરણીય સાંજ…
બોલ ફકીરા →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved