Opinion Magazine
Number of visits: 9506050
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિનિર્મૂલનનો પ્રશ્ન

વિ.પ્ર. દિવાણ|Opinion - Opinion|29 August 2016

મૃત ઢોરોનું ચામડું ઉતારનારા કેટલીક દલિત વ્યક્તિઓને તથાકથિત ગૌરક્ષાવાળાએ નિર્દયપણે માર્યા. પ્રતિક્રિયા તરીકે ભારે ઉદ્વેગ વ્યાપ્યો. ૧૯૨૭ના વર્ષમાં બાબાસાહેબ આંબેડકરે જે આહ્વાન આપ્યું હતું, તેનો પુનરુચ્ચાર થયો અને ગુજરાતના દલિતોએ જાહેર કર્યું કે હવે પછી અમે મૃત ઢોરોનું ચામડું ઉતારવાનું કામ કરીશું નહીં. ૧૯૨૭ પછી જાતિવ્યવસ્થા પર થયેલો આ સૌથી મોટો પ્રહાર છે !

દલિતો જ સાચા ગૌરક્ષક

મૃત ઢોરોની ચામડી જો ઉતારવામાં નહીં આવે તો ચામડાં માટે, જીવતાં ઢોરોની હત્યા કરવી પડશે. તેનો બીજો અર્થ એ કે હજારો વર્ષો સુધી મૃત ઢોરોની ચામડી ઉતારી દલિતોએ ગૌરક્ષણ કર્યું. દલિતોને ગૌરક્ષણનું શ્રેય આપવાનું તો દૂર રહ્યું, ઉલટાનું તથા કથિત ગૌરક્ષકોએ ‘સાચા ગૌરક્ષકો’ને ઇનામ રૂપે માર આપ્યો !

ગૌશાળા ચલાવવાથી ગોસેવા થાય છે, મૃત ઢોરોની ચામડી ઉતારવાથી ગૌરક્ષણ થાય છે, એ બાબત સમજવી આવશ્યક છે.

બહિષ્કૃત જીવન

મહાત્મા ગાંધીના પ્રોત્સાહનથી વર્ષ ૧૯૩૪માં ગોપાળરાવ વાકુંજકરે સૌપ્રથમ મૃત ઢોરોના શબવિચ્છેદનનું કામ હાથ ધર્યું. તે પછી મહારાષ્ટ્રમાં આ કામ બાબા ફાટક, અપ્પાસાહેબ પટવર્ધન, ભાસ્કર રાનડે, રમાકાંત આર્તેએ હાથમાં લીધું.

મૃત ઢોરોનું ચામડું ઉતારે છે કહી, બાબા ફાટકને ઘર છોડવું પડ્યું. અપ્પાસાહેબ પટવર્ધનને ‘ડુક્કર’ એ ઉપાધિ મળી. ભાસ્કર રાનડે – એમને ઘરનાં જ લોકો, તે સમયે દલિતોને જેમ પાણી પિવડાવતા તેમ ઉપરથી પાણી આપતા. રમાકાંત આર્તે, એમને લગ્ન માટે છોકરી મળતી નહોતી. આ બધા જ ઉચ્ચ વર્ણીય હતા અને છતાં તેમના જ સમાજ તરફથી તેમની સાથે આવું વર્તન થતું હતું. પછી દલિતો સાથે સમાજ તરફથી કેવું વર્તન થતું હશે, તેની કલ્પના આપણે ગુજરાતની ઘટના જોઈને કરી શકીએ.

સૂગ ચઢે તેવું કામ

મૃત ઢોરોની ચામડી ઉતારવાનું કામ એ કેટલું સૂગ ચઢે તેવું કામ છે, એ હું સ્વાનુભવથી કહી શકું છું. મરેલાં ઢોરોને લોકો વન-જંગલમાં, નદી-નાળાને કાંઠે કે અવાવરી જગ્યાએ નાંખી દે છે. ત્યાં જઈને ભર ઉનાળે કે વરસાદમાં ય આ કામ કરવું પડે છે. મરેલાં ઢોર ફૂલી ગયેલાં હોય છે. તેમાંથી અતિશય દુર્ગંધ આવતી હોય છે. માખીઓ બણબણતી હોય છે. મૃત ઢોરોનાં નાક-મોં પાસે અને ગુદાદ્વાર પાસે ઈયળો પડેલી હોય છે. કામ કરતી વખતે આ ઇયળો હાથ પર ચડી જાય છે. કામ કરતી વખતે, કામ કરનાર અને ચામડાં વચ્ચેનું અંતર એકાદ ફૂટથી પણ ઓછું હોય છે.

આવું આ સૂગ ચઢે તેવું કામ હજારો વર્ષથી, એક સમાજને કરવાની અમે ફરજ પાડી, એનું ભાન તો બાજુએ રહ્યું ઊલટાના તેમને મારી અમે મોટા ‘ગૌ-ભક્ત’ અને ‘દેશભક્ત’ તરીકે ગૌરવ લઈએ છીએ.

બાબાસાહેબ આંબેડકરે દલિતોને, ગૌતમ બુદ્ધનો અહિંસાનો માર્ગ દાખવ્યો, તેથી જ આ અમાનવીય ઘટના છતાં ગુજરાતમાં માનવીય હિંસા થઈ નહીં, કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં નહીં.

નૈસર્ગિક સંપત્તિના રક્ષણકર્તા

ચામડું એ નિસર્ગનિર્મિત હોઈ, તે એક નૈસર્ગિક સંપત્તિ છે. ગુજરાતના દલિતોએ હવે જાહેર કર્યું છે કે હવેથી તેઓ મરેલાં ઢોરોનું ચામડું ઉતારશે નહીં. આનો અર્થ કરોડો રૂપિયાનું ચામડું વ્યર્થ જશે અને ચામડાં માટે જીવિત ઢોરોને મારવાં પડશે અથવા ચામડાંની આયાત કરવી પડશે. આની અસર ચર્મઉદ્યોગ પર પડશે. હજારો વર્ષોથી આજ સુધી દલિતોએ આ નૈસર્ગિક સંપત્તિનું અને પર્યાવરણનું રક્ષણ કર્યું, જોડા આપી આપણા પગની રક્ષા કરી અને આ રક્ષણકર્તાઓ સાથે હીણપતભર્યું વર્તન કરી આપણે તેમને મારીએ છીએ?! ગુજરાતના દલિતોને કેવી રીતે માર્યા એ ઠંડકથી, વેફર્સ ખાતાં-ખાતાં ટી.વી પર જોઈએ છીએ ! અન્યાય થતો જોવાં છતાં, ફિલ્મ જોતાં હોઈએ તેટલી નિસ્પૃહતાથી જોઈએ છીએ. આપણે અંદરથી અસ્વસ્થ થતાં નથી, ખળભળી ઊઠતાં નથી, આપણામાં કશુંક હચમચી ઊઠતું નથી.

મૂળ મુદ્દો જાતિવ્યવસ્થાનો

ગુજરાતની ઘટનાના કારણે જાતિવ્યવસ્થાનું હીન સ્વરૂપ ફરી એક વાર સામે આવ્યું છે. મૂળ મુદ્દો ગૌરક્ષણનો નહીં પણ જાતિવ્યવસ્થાનો છે.

જાતિવ્યવસ્થાના સ્વરૂપને સમજી લેવું પણ આવશ્યક છે. સવર્ણ જાતિવ્યવસ્થા પાળે છે, તેથી દલિતમાં આવી જાતિવ્યવસ્થા નથી એવું નથી. ચર્મઉદ્યોગ સાથે સંકળાયેલામાં પણ પેટા જ્ઞાતિભેદનું દૂષણ ફેલાયેલું છે.

પરિણામ એક જ આવે છે, દલિતો સંગઠિત થઈ શકતાં નથી અને તેનો ફાયદો સવર્ણ, તેમને દબાવવા માટે કરે છે. ક્યારેક આરક્ષણના નામે, ક્યારેક એટ્રોસિટીના નામે, તો ક્યારેક ગૌરક્ષણના નામે સવર્ણો તેમની સાથે અન્યાય કરે છે, તેમને દબાવવાનો પ્રયત્ન કરે છે.

ગાંધી-આંબેડકર

રાજકારણના ખેલાડીઓએ પોતાની દુકાન ચલાવવા માટે હંમેશાં જ ગાંધી અને આંબેડકરને એકબીજાના વિરોધમાં ઊભા કર્યા છે.

આંબેડકર ‘ગામડું છોડો’ એમ કહે છે, તો ગાંધી ‘ગામડાં તરફ વળો’ એમ કહે છે. અથવા આંબેડકર મરેલાં ઢોરોનું ચામડું ઉતારશો નહીં એમ કહે છે, તો ગાંધી તે જ કામ કરવાનું કહે છે – એવાં છીછરાં વિધાનો કરી ગાંધી-આંબેડકરને એકબીજાના વિરોધમાં ઊભા કરવામાં આવ્યા. આ બંને વિધાન ગાંધી-આંબેડકર કોને ઉદ્દેશીને કરે છે, કઈ પરિસ્થિતિમાં અને કયા કાળમાં કરે છે? એ જણાવ્યા વિના, સંદર્ભ વિના બોલવામાં આવે છે.

તે કાળમાં ગામડાંમાં દલિત અલ્પસંખ્યક હતા, તેમની સાથે અન્યાય થતા હતા, તેમની પાસે ખેતી નહોતી. એવા દલિત સમાજને ઉદ્દેશીને આંબેડકર કહેતા હતા કે, ગામડાં છોડો. તે કાળમાં શહેરોમાં રેેલવે અને મિલો આવી હતી, પારંપરિક વ્યવસાય છોડી રોજગારની તકો પણ શહેરોમાં હતી, તેથી આંબેડકર ગામડાં છોડો એમ કહેતા હતા. જ્યારે બીજી બાજુ, ગામડાંમાં શિક્ષિત સમાજ પ્રમાણમાં ઓછો હતો, નવીન વિચારોનો વાયરો ગામડાંમાં જાય તે જરૂરી હતું, તેથી ગાંધી, બુદ્ધિજીવી, શિક્ષિતવર્ગને ગામડાંમાં જાઓ એમ કહેતા હતા.

મરેલાં ઢોરના ચામડાં ઉતારશો નહીં, એમ દલિતોને કહી આંબેડકર જાતિવ્યવસ્થા પર પ્રહાર કરતા હતા અને મહાત્મા ગાંધી સવર્ણોને મરેલાં ઢોરોની ચામડી ઉતારો કહી જાતિવ્યવસ્થા તોડવા માંગતા હતા. આ બાબત સમજવા તૈયાર થશો કે નહીં ?

આજે ગાંધીવાદી અને આંબેડકરવાદીએ એક થવાની જરૂર છે. પણ, ગાંધીવાદી નિષ્ક્રિય છે અને આંબેડકરી નેતા ભા.જ.પ. અને શિવસેના તરફ વળ્યા છે!

જાતિનિર્મૂલનનો પ્રયત્ન

ગુજરાતમાં ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, અનસૂયાબહેન સારાભાઈ, મીઠુબહેન પિટીટ, વિદ્યાબહેન, શારદાબહેન, દાદાસાહેબ માવળંકર, પરીક્ષિતલાલ મજમુદાર અને જુગતરામ દવે જેવાં સંનિષ્ઠ કાર્યકરોએ અસ્પૃશ્યતાનિવારણ, જાતિનિર્મૂલન અને જાતિપ્રથાનો અંત લાવવાની દિશામાં પ્રયત્નો કર્યાં, જનજાગૃતિ આણી, પ્રબોધન કર્યું અને બંને સમાજની માનસિકતા બદલવાનો પ્રયત્ન કર્યો.

અનેકોએ વ્યક્તિગત સ્તર પર પ્રયત્ન કર્યા. સહભોજનના કાર્યક્રમ કર્યા, આંતરજાતીય લગ્નો કર્યાં, અટક પરથી વ્યક્તિની જાતિ જણાય છે, માટે અટક ટાળી માતા-પિતાનું નામ પોતાના નામ સાથે લગાવવાનું શરૂ કર્યું, અનેકોએ દલિતોનાં કામો હાથમાં લીધાં. વ્યક્તિગત સ્તર પર આ પ્રયોગોથી કંઈ વધારે સિદ્ધ ન થઈ શક્યું, પણ છતાં તેનું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. જાતિવ્યવસ્થા પર ઘા કરવામાં આવ્યા. જાતિવ્યવસ્થા ભલે તૂટી નહીં, પણ ખોખલી થઈ. સરકારને પણ અનેક કાયદા ઘડવાની ફરજ પડી. નોકરી અને સત્તાના પદમાં આરક્ષણ આવ્યું, એટ્રોસિટી જેવા કાયદા ઘડાયા.

જાતિવ્યવસ્થા તોડવા માટે આજે નેતા અને સમાજ સામૂહિક સ્તરે પ્રયત્ન કરતા દેખાતાં નથી. વ્યક્તિ પણ વ્યક્તિગત જીવનમાં ઝાઝા પ્રયત્ન કરતી નથી. આજે સમાજ મોટા પ્રમાણમાં એક જ માગણી કરતો દેખાય છે, કઠોરમાં કઠોર કાયદો કરો, આરક્ષણની વ્યાપ્તિ વધારો અને સત્તામાં સહભાગી કરો. આ માગણી જરૂર કરવી પણ, આનાથી ન્યાયવ્યવસ્થા અને જાતિવ્યવસ્થા તૂટશે એ પાંગળો આશાવાદ છે. કાયદો પોતે દુર્બળ છે અને કાયદો જેમના હાથમાં છે, તે તેના કરતાં પણ વધારે દુર્બળ છે. દુર્બળતાનો આ ગુણાકાર છે !

અમારી માંગણીઓ

દલિતો અને સ્ત્રીઓ પર અત્યાચાર થાય, એટલે અમે ફાંસીની માંગણી કરીએ છીએ. ફાંસીનો ફંદો કોણે ખેંચવાનો, તો જલ્લાદે! એટલે ફાંસી આપનારો એક સમાજ કાયમ રાખવો પડશે. તેવી જ બાબત છે આહાર- સ્વાતંત્ર્યની. કોણે શું ખાવું અને શું ન ખાવું એ સરકારે નક્કી ન કરવું એ બરાબર છે, પણ ખાટકી અને મચ્છી મારનારા કોળી સમાજ સાથે બેટી – વ્યવહાર ન કરવાથી, આહાર-સ્વાતંત્ર્યની માંગણી કરવાથી સમતા કેવી રીતે આવશે ? તેનો જવાબ પણ આપણે આપવો પડશે.

સ્મશાનમાં ક્રિયા-કર્મ કરનારા ગરો બ્રાહ્મણ હશે અથવા કર્મચારીવર્ગ હશે, સફાઈક્ષેત્રનો સમાજ હશે. આ ક્ષેત્રોના દલિતોનો વિચાર કરશો કે નહીં ? ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ટકાવી રાખવાથી આ બંને ક્ષેત્રોની જાતિવ્યવસ્થા કેવી રીતે તૂટશે ? જાતિવ્યવસ્થા તોડવી હશે તો સ્મશાનમાંનાં ક્રિયા-કર્મ, ધર્મના વિચાર, રૂઢિ-પરંપરાઓને ‘તિલાંજલિ’ આપવી પડશે. આમ કરવા આપણે તૈયાર છીએ ખરાં ? અંધશ્રદ્ધાની વાત આવે કે માથા પર ગોળીઓ વાગે છે. આંબેડકરને દેશ છોડવો પડે છે અને ચિત્રકાર હુસેનને દેશ છોડવો પડે છે, આનો વિચાર સમાજે અને સરકારે કરવાનો સમય પાકી ગયો છે.

હાથમાં ધૂપદાની આવી!

છેલ્લાં સોએક વર્ષોમાં કેટલાક મહાપુરુષોએ અમને કેટલીક બાબતો મેળવી આપી. તેનાથી સ્વાતંત્ર્ય અને સમતા આવી. જાતિવ્યવસ્થા ખોખલી થઈ. મહાત્મા ફુલેએ શિક્ષણ સૌને માટે મોકળું કર્યું, આંબેડકરે તળાવનું સ્વાદિષ્ટ પાણી સૌને માટે મુક્ત કર્યું, ગાંધીજીએ દાંડીયાત્રા કાઢી નૈસર્ગિક સંસાધન પરના અધિકાર આપણને મેળવી આપ્યા. વિનોબાએ તેર વર્ષ સુધી ભૂદાન-પદયાત્રા કરી ભૂમિહીનોને જમીન મેળવી આપી.

આજે શું થયું છે ? શિક્ષણ મોંઘું કરી સમાજને શિક્ષણથી વંચિત કરવામાં આવે છે. પાણીને વેચાણની વસ્તુ બનાવી, પાણી મેળવવું મુશ્કેલ કરી દીધું છે, જંગલ, માટી, ધૂળ, મીઠું વેપારીઓના હાથમાં આપી નૈસર્ગિક સંસાધન પરના અધિકાર પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વિકાસના નામ પર જમીન કાં તો સરકાર તાબે કરે છે અને ખેડૂતોને ભૂમિહીન અને વિસ્થાપિત કરવામાં આવે છે! ફક્ત અમારા ગળામાં માટલું અને પીઠ પર ઝાડુ નથી એટલું જ ! ! આ વિકાસવ્યવસ્થામાં પ્રથમ દલિત મરાય છે અને જાતિવ્યવસ્થા બળવત્તર બનતી જાય છે.

વિચિત્ર અનુભવ

ઘણાં વર્ષો અગાઉ નાગપુરમાં અમારા સ્વજનના ત્યાં ગયો હતો. તેમના ત્યાં તેમની ખ્રિસ્તી બહેનપણી આવી. તે તેમને કહેતી હતી, ‘મારી દીકરી માટે કોઈ બ્રાહ્મણ-ક્રિશ્ચિયન છોકરો શોધી આપો.’

એટલે જુઓ, જો આવતીકાલે આખો દેશ પૂર્ણ ક્રિશ્ચિયન કે મુસ્લિમ થાય, તો પણ બ્રાહ્મણ-ક્રિશ્ચિયન, બ્રાહ્મણ-મુસ્લિમ એ જાતિવ્યવસ્થા રહેશે!

જાતિવ્યવસ્થા એ આવી ચીકણી છે. જાતિવ્યવસ્થા તોડવાની ગુરુચાવી કોઈ એક પાસે છે, એવું પણ નથી. તે દિશામાં વિચાર કરવો, પ્રયત્ન કરવો, એટલું જ આપણા હાથમાં છે. ક્ષમતા ઓછી હોવી એ ગુનો નથી, પણ રહેલી ક્ષમતા ન વાપરવી એ માત્ર ગુનો છે. આજે આપણે આપણી શક્તિ નહીં વાપરીએ, તો કાળ આપણને ક્ષમા આપશે નહીં.

ગુજરાતના દલિતોએ જાતિવ્યવસ્થા પર ‘ભીમપ્રહાર’ કર્યો છે ! જાતિવ્યવસ્થામાં તિરાડ પડી છે, એ વાત ચોક્કસ છે ! !

મૂળ મરાઠી લેખનો ગુજરાતી અનુવાદ : કાશ્યપી મહા

વિ.પ્ર. દિવાણ સર્વોદયના પૂર્ણ સમયના કાર્યકર હોઈ, છેલ્લાં 35 વર્ષથી મહારાષ્ટૃમાં વિનોબાના જન્મસ્થળ ગાગોદામાં કાર્યરત છે. તેમ જ છેલ્લાં 18 વર્ષથી તે મૃત ઢોરોનાં શબવિચ્છેદ્નનું કામ કરી રહ્યા છે. આ વિષય સંદર્ભે તેમનૂમ એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે અને તેમણે વિનોબાનું બૃહદ્દ ચરિત્ર પણ લખ્યું છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2016; પૃ. 03-04

Loading

29 August 2016 admin
← રાના અય્યૂબનું પુસ્તક ‘ગુજરાત ફાઇલ્સ : અ‍ૅનેટોમિ ઑફ અ કવર અપ’
મૂંગી ફિલ્મ ‘બિલ્વમંગલ’નું ગુજરાત કનેક્શન →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved