નંદિગ્રામમાં ડાબેરી સરકારને તેમણે જે રીતે પડકારી હતી તે સ્વતંત્ર બૌદ્ધિક હોવું એટલે શું તેની મિસાલ છે ને મશાલ પણ
આવતી કાલે, રવિવારે, [21 અૉગસ્ટ 2016] મહાશ્વેતાદેવીનાં અસ્થિનું તેજગઢ સ્થિત આદિવાસી એકેડેમીના પરિસરમાં સ્થાપન થશે તે સાથે કેમ જાણે એક વર્તુળ પૂરું થવા કરશે.
સ્વતંત્રતા પછીના ભારતમાં દલિત અને આદિવાસી તબકાને વિશે કથિત મુખ્ય ધારાને સભાન, સંવેદનશીલ ને સ્વલ્પ પણ સમાવેશી કરનારા પૈકી મહાશ્વેતાદેવી અગ્રયાયી હતાં અને ગણેશ દેવીએ ઉપાડેલી પ્રવૃત્તિ સાથે સંકળાતાં છેલ્લાં કેટલાંક વરસ તો એમના માટે ગુજરાત બંગાળ પછીના બીજા વતનપ્રાન્ત શું બની રહ્યું હતું, અને તેજગઢ જાણે બીજું ઘર.
ગુજરાત વિદ્યાપીઠના દીક્ષાન્ત સમારંભના અભિભાષણમાં તેમ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં મુખ્ય અતિથીપદેથી એમણે એમનો જે હૃદયભાવ પ્રગટ કર્યો હતો એનું, તો 2002 ગ્રસ્ત ગુજરાતમાં સહૃદયતાના દુકાળ વચ્ચે સમસંવેદનાને ઝંકૃત કરવાની એમની કોશિશનું આ ક્ષણે કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ થાય છે. હમણાં તેજગઢના આદિવાસી કેન્દ્રનો ઉલ્લેખ કર્યો અને આવતી કાલે મહાશ્વેતાદેવી એની માટીમાં વિધિવત્ ભળી જશે એ સંદર્ભમાં તે જોગાનુજોગ ઠીક સાંભરી આવે છે કે પ્રભાવક્ષેત્રના વિસ્તરણની શોધમાં (અને લોકશાહી પ્રક્રિયામાં ઇષ્ટ હોઈ શકતી એક ચેષ્ટા તરીકે) વડાપ્રધાને નવમી ઓગસ્ટના બેંતાલીસ ક્રાન્તિ દિને મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિમાં આદિવાસી સંમેલનનું વિશેષ આયોજન કર્યું હતું.
નવમી ઓગસ્ટ આમ પણ મૂળ વતનીઓના દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય તખતે ઉજવાય છે, અને ઇરોમ શર્મિલાનાં પારણાં(બલકે નવપ્રસ્થાન)નો દિવસ પણ ઓણ એ સ્તો હતો. થોડાં વરસ પર મહાશ્વેતાદેવીએ પરાણે પ્રાશનઉપવાસી ઇરોમને મળવા ઇચ્છ્યું હતું, પણ તંત્ર અનુકૂળતા કરે તો ને. ગમે તેમ પણ, પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી સંબોધન કરતાં વડાપ્રધાને જે વિશેષોલ્લેખ કરવા મુનાસિબ ધાર્યા હતા એમાં આદિવાસીઓનો વિશેષ હતો, એ વાત અન્યથા પણ નોંધપાત્ર એટલા માટે છે કે સાધારણપણે સંઘ પરિવાર જે પારિભાષિક આગ્રહ રાખે છે એનાથી ચાતરીને એમણે (વનવાસી કે વનબંધુ નહીં પણ) ‘આદિવાસી’ જેવો રૂઢ પ્રયોગ કદાચ પહેલી જ વાર કર્યો હતો.
આદિવાસીઓના હિંદુકરણની (ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિના જવાબી વિકલ્પરૂપે) વિશ્વ હિંદુ પરિષદ સહિત સંઘ પરિવારની એક કોશિશ રહી છે. 2002ના ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં જે કોમી ઉદ્રેક લગભગ પહેલી વાર જોવા મળ્યો એમાં આદિવાસીઓના હિંદુકરણનો હિસ્સો જરૂર કાબિલે તપાસ છે. અહીં જો કે ઇતિહાસવસ્તુ તરીકે આજને તબક્કે એ પણ નોંધ લેવી જોઇએ કે ધર્માંતર અગર વટાળ હવે દેશનાં મુખ્ય ચર્ચો અને મિશનરી વર્તુળોની પ્રવૃત્તિમાં એટલાં નથી જેટલાં થોડાંએક કોર પરનાં (ફ્રિન્જલાઇન ખ્રિસ્તીઓમાં) વર્તુળોમાં — અને તે પણ માંડ ટકો બે ટકા હશે તો હશે.
મુદ્દે, દેશના આદિવાસીઓને ન તો ધર્માંતરની જરૂર છે, ન તો શુદ્ધિની. એમને, એમની ઓળખભેર (અલબત્ત, જેમ સાતત્ય તેમ શોધનભેર) મુખ્ય પ્રવાહમાં ભળવાને સારુ મોકળાશની જરૂર છે. ઠક્કરબાપા, જુગતરામકાકા અને બીજાઓની કામગીરીને સમયાનુરૂપ શોધનવર્ધન સાથે આગળ લઈ જવાપણું છે. વનવાસીને બદલે આદિવાસી એવો પ્રયોગ કિલ્લે ચઢી કરતી વેળાએ વડાપ્રધાને આ બધું વિચાર્યું હશે? ન જાને.
સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આ આદિવાસીઓને ઓળખતા અને ચાહતા કર્યા એ લેખાશે. એકબે અંગત સાંભરણની છૂટ લઉં. બેક દાયકા પર એક વાર, આ કટારલેખકે એ મતલબનું લખવાનું બન્યું હતું કે મેઘાણી હોત તો આપણને બિરસા મુંડાની ખબર પડતાં આટલી વાર ન થઈ હોત. આ વાંચીને એક સાચ્ચા (અને સહૃદય) વિવેચકનો ફોન આવ્યો કે આ મુંડા કોણ ને શું. એમની નિખાલસતાની કદરબૂજ સાથે મેં એમને મહાશ્વેતાદેવીની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ની વાત કરી હતી.
જો કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીના સર્જનનો પ્રથમ પરિચય ‘રુદાલી’ ફિલ્મ પછી થયો હોય અને હમણેના ગાળામાં એક આદિવાસી વિષયવસ્તુનાં લેખિકારૂપે દૃઢાયો હોય, પણ આ ઓળખ ખરી અને પૂરી નથી. કંઈ નહીં તો પણ અપૂરતી તો છે જ. મને એમનો જે પહેલો અક્ષર પરિચય સાંભરે છે તે લગભગ પાંત્રીસેક વરસ ઉપર સુરેશ જોષીએ જનસત્તા-લોકસત્તાની તેમની કોલમકારીમાં ‘હઝાર ચોરાસીર મા’ને વિશે એકથી વધુ લેખ કરેલા એ છે. (અશ્વિન અને કર્દમ જેવા એમએલ મિત્રો પાસેથી ત્યારે જ જાણવા મળેલું કે નિ:સ્પૃહા દેસાઈએ આ કૃતિ ગુજરાતીમાં ઉતારી છે.)
ફિલ્મ તો તે પછી, જયા ભાદુરીના અભિનયમાં મોડેથી આવી, પણ આરંભે નાટિકા ને પછી નવલકથા રૂપે મુકાયેલું આ વસ્તુ મહાશ્વેતાદેવીએ પૂરા કદની નવલકથારૂપે મૂક્યું તે વરસ (1974) પણ નવનિર્માણ-જેપી આંદોલનોનો જોગાનુજોગ જોતાં અનાયાસે સૂચક બની રહ્યું હતું. આ જોગાનુજોગ હું કેમ સંભારું છું? ભાઈ, આ વાર્તાનું વસ્તુ નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાન્ત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાનું છે, માટે. નક્સલ પુત્ર માર્યો ગયો છે અને અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસીરૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવાનું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. બુર્ઝવા (ભદ્રવર્ગી) ગિન્ની (ગૃહિણી) તે સાથે જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ-અને-શાસનપ્રથાની ઊંચે ઉઠે છે.
સુજાતાનું પાત્ર, વાંચતે વાંચતે ઉઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘અમ્મા’નું અને ઇબ્સનના ‘ડોલહાઉસ’ની નોરાનું હતું. સુજાતા આમ તો મધ્યમ વર્ગની ગૃહિણી છે, અને સત્યજીત રાયની ‘મહાનગર’માં પહેલા પગારની કડકડતી નોટોના સંસ્પર્શે રોમેરોમ ઝંકૃત થઈ ઉઠતી બાંગલા ગિન્ની(માધવી મુખર્જી)ની હરોળમાં એને ય મુક્ત થતી કલ્પી પણ શકાય. પણ નોરા ઘરની બહાર નીકળે છે તે એક મધ્યમવર્ગીય નારીની મધ્યમવર્ગબદ્ધમુક્તિ છે. મહાનગરની માધવી પણ બહુધા કુટુંબસાપેક્ષ અર્થમાં મુક્ત જ છે. ગોર્કીની અમ્મા કામદાર પુત્રને પગલે કામદાર આંદોલન અને સમાજ પરિવર્તન બાબતે સભાન અને સક્રિય બને છે, જ્યારે એક હજાર ચોર્યાસીની મા સુજાતા એક મધ્યમવર્ગીય ગૃહિણી તરીકે નોરા-માધવી-અમ્મા ત્રણેને વટી જવા કરે છે. કામદાર પરિવારની નહીં પણ ભદ્ર વર્ગની એ છે એમાં મહાશ્વેતાદેવીનો સમાજપરિવર્તનસંસ્પર્શ નોંધ્યો તમે?
એક કર્મશીલ લેખિકા તરીકે મહાશ્વેતાદેવીનું દીર્ઘકાલીન અર્પણ એમણે પહેલી બીજી સ્વરાજકથામાં નિબદ્ધ નહીં રહેતાં બાકી અને અનિરુદ્ધ સ્વરાજલડાઈમાં ઇંધણ અને ઊંજણની જે અક્ષર કામગીરી કરી એને કારણે રહેશે. ડાબેરી લેખાતાં આ લેખિકાએ નંદિગ્રામમાં પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારને જે રીતે પડકારી હતી તે હર, રિપીટ, હર સત્તાપ્રતિષ્ઠાન સંદર્ભે આપણા સમયમાં એક સ્વતંત્ર બૌદ્ધિક હોવું તે શું એની મિસાલ છે, અને મશાલ પણ.
એમનાં અસ્થિ તેજગઢમાં સમાધિસ્થ થશે એવા હેવાલ છે. ખરું જોતાં ખાંભી નહીં પણ વૃક્ષ — અને એ પણ મહુડો — બનીને એ આપણી વચ્ચે હોવાં જોઇએ.
સૌજન્ય : ‘સ્વરાજલડાઈ’, “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2016