બેસતે પખવાડિયે, ૯મી ઑગસ્ટે મણિપુરની મશાલમૂર્તિ ઇરોમ શર્મિલા એનાં સોળ સોળ વરસનાં અનશન (ખરું જોતાં ભૂખ હડતાળ) છોડશે. આમ તો, એણે દર પખવાડિયે પોલીસ હાજરી ભરવાની હોય છે તે ક્રમમાં આ એક તારીખ છે. પણ એનો જોગાનુજોગ મજેનો બની આવ્યો છે, અને તે પણ એક નહીં બે રીતે … એક તો, દેશની તવારીખમાં આ એ તારીખ છે જ્યારે ‘હિંદ છોડો’નો નારો અને નેજો લહેરાયા હતા. હજુ પણ કેટકેટલાં વાનાંને હિંદ છોડાવવાપણું છે એની એક મિસાલ અને મશાલ ઇરોમ શર્મિલાએ કાયમ કીધી છે. અલબત્ત, જે.એન.યુ.-ખ્યાત કન્હૈયાકુમાર કહેશે તેમ આ મથામણ ‘હિંદથી નહીં’ પરંતુ ‘હિંદમાં આઝાદી’ની છે.
જો આફ્સ્પા(આર્મ્ડ ફોર્સિઝ સ્પેિશયલ પાવર્સ ઍક્ટ)માંથી મુક્તિની વાત છે, ચાલુ ‘ક્વિટ ઇન્ડિયા’ની વાત છે, તો ૯મી ઑગસ્ટનો દિવસ પાછો આંતરરાષ્ટ્રીય સ્તરે મૂળ વતનીઓનો દિવસ પણ છે. જતીઆવતી પ્રજાઓ, સરજાતાં સામ્રાજ્યો, ધરાર થોપાતાં સંસ્થાનો એ વિશ્વઇતિહાસની એક પ્રક્રિયા રહી છે. આ બધામાં વિજેતાઓ-શાસક એટલે જ શોષક-મૂળ નિવાસીઓને વતનમાં બેવતન જેવા કરી મૂકતા હોય છે. ક્યારેક પૂર્વ બંગાળને જેમ ઇસ્લામાબાદના વલણમાં સાંસ્થાનિક શોષણશાહી અને સામ્રાજ્યશાહીનો અનુભવ થયો અને બાંગલાદેશ રૂપે સ્વરાજઘટના આકાર પામી એમ દુનિયાના કેટકેટલા દેશોમાં કેટકેટલા પ્રદેશો આવી દુ:ખદુવિધામાંથી પસાર થતા હશે, ન જાણે !
ડિસ્ટર્બ્ડ એરિયા ઍક્ટથી માંડીને આર્મ્ડ ફોર્સિઝ સ્પેિશયલ પાવર્સ ઍક્ટ હેઠળની જોગવાઈઓ નેહરુથી નમો લગીના સ્વતંત્ર ભારતમાં સંખ્યાબંધ વિસ્તારો વાસ્તે ‘અઘોષિત કટોકટી’ જેવી રહી છે. અલબત્ત, નેહરુ કે શાસ્ત્રીના સંદર્ભમાં તમે ઇંદિરાઈ કટોકટી કલ્પી શકતા નથી એ એક વિચારણીય મુદ્દો છે તેમ કટોકટીરાજ સામે લડી આજે સત્તારૂઢ થઈ શકેલાઓ કેમ નાગરિક સ્વાધીનતાની દાઝ જાણી શકતા નથી એ એવો જ બીજો વિચારણીય મુદ્દો છે. કદાચ, પહેલું સ્વરાજ અને બીજું સ્વરાજ એવો જે ઉલ્લેખ આપણે ૧૯૪૭ અને ૧૯૭૭ના સંદર્ભમાં કરીએ છીએ તે સાચો હોવા છતાં નવસંસ્કરણ માગે છે. સ્વરાજ એ કદાચ એવી સંઘર્ષ-અને-રચના-સાધના છે જેમાં ઇતિ નહીં પણ અવિરતિનો નાગરિક અભિગમ છે.
આ મામલો સ્વરાજની બાકી નહીં પણ ચાલુ લડાઈનો છે. આફ્સ્પા હેઠળ લશ્કરને મનમાનીનું જે કવચ મળે છે તેમાં નાગરિકના રક્ષણ કે બળવાખોર ઉઠાવકારોના નિર્દલન સિવાય વધુ તો એક મનમુરાદશાહીનો અને એથી સામાન્ય નાગરિકને ભયનો ને અલગાવ(એલિયેનેશન)નો અનુભવ થાય છે. થોડાં વરસ પર સી.બી.આઈ.એ કેટલાક લશ્કરી અફસરો ઉપર કામકાજ માટે સરકારની વિધિસર રજા જરૂરી હોવાનું કહ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે સી.બી.આઈ.ને (પ્રકારાન્તરે સરકારને) ઘઘલાવી હતી કે અફસરો બળાત્કાર આચરે છે, લૂંટફાટ અને એવી મનમાની ચલાવે છે એ કંઈ સ્પેિશયલ પાવર્સ ઍક્ટ હેઠળની એમની કામગીરીનો હિસ્સો નથી. લૂંટ અને બળાત્કાર એ રીતસરના ગુના છે, અને ફોજદારી કાયદા હેઠળ નસિયતપાત્ર છે. આમાં સરકારની રજા લેવાની વાત ક્યાં?
જુલાઈના પહેલા પખવાડિયામાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લશ્કર હસ્તકનું હર મોત – પછી તે ગુનાખોરનું હોય, લડાયક વ્યક્તિનું હોય, આતંકવાદીનું હોય કે બળવાખોર ઉઠાવકાર(ઇન્સર્જન્ટ)નું હોય – પૂરેપૂરી તપાસ માગી લે છે. જેણે આક્રમક (હિંસ્ર) કારવાઈ કરી તે સામાન્ય નાગરિક હોય કે ખુદ સરકાર, કાયદો બેઉને સમાનપણે લાગુ પડે છે. એટર્ની જનરલે કહ્યું કે ‘યુદ્ધ જેવી પરિસ્થિતિ’માં તો સરકારે (લશ્કરે) સક્રિય કારવાઈ કરવી જ પડે ને. સુપ્રીમ કોર્ટની વળતી ટિપ્પણી હતી કે આંતરિક ગરબડ અને તનાવ તે કંઈ યુદ્ધ નથી.
આફ્સ્પા ઉઠાવી લેવા માટે ભૂખ હડતાળના નિર્ધારનો ધક્કો ઇરોમ શર્મિલાને એના અઢારમાં વરસે (નવેમ્બર ૨૦૦૦માં) એટલે કે ‘વીસે વાન’ના ઉંબરગાળામાં લાગ્યો હતો. દસ સામાન્ય નાગરિકોને લશ્કરી મનમાનીથી સાગમટે ભૂંજી દેવાયા ત્યારે શર્મિલાને ઉંબરે ઊભી જે વાલમબોલ સંભળાયા તે આફ્સ્પા હેઠળની અઘોષિત કટોકટીના પ્રતિકારના હતા. ૨૦૦૫માં લશ્કરી આતંક (બેરોકટોક બળાત્કારવાદ) સામે મણિપુરની મહિલાઓએ નિર્વસ્ત્રવત્ દેખાવવાનો રાહ લીધો હતો તે પાણી કઈ હદે નાડથી ઉપર ગયાં હશે એ સૂચવે છે.
સંવેદનબધિર, લશ્કરાધીન સરકાર, આ ભૂખહડતાળનાં ચારે વરસે (એન.ડી.એ. ગયા પછી યુ.પી.એ.ના થોડા મહિને) જાગી અને એણે જસ્ટિસ જીવન રેડ્ડી સમિતિને આફ્સ્પાની તપાસ સોંપી. નવેમ્બર ૨૦૦૪માં રચાયેલી રેડ્ડી સમિતિએ પ્રમાણમાં ઝડપથી, જૂન ૨૦૦૫માં આફ્સ્પા નાબૂદીની ભલામણ કરતો હેવાલ સોંપ્યો. એ વણજાહેર પડ્યો રહ્યો. યુ.પી.એ.નાં બે કાર્યકાળ પૂરાં થયાં. ઇરોમની ભૂખ હડતાળ(અને પરાણે પાન – ફોર્સ ફીડિંગ)નો દોર પણ આપઘાતની કોશિશના ગુના હેઠળની હૉસ્પિટલના એક કમરામાં હાઉસ એસ્ટેટ સાથે ચાલુ રહ્યો. વળી એન.ડી.એ.ના સત્તારોહણ સાથે જે આશા હતી તે ફેબ્રુઆરી ૨૦૧૫માં બહુ ખરાબ રીતે ભોંયપછાડ પામી. નવી સરકારે જસ્ટિસ રેડ્ડી સમિતિના હેવાલનો સત્તાવાર અસ્વીકાર કર્યો.
અનશની ઇરોમનાં સોળ સોળ વરસે પણ સરકારને સાન ન આવી ત્યારે એણે ૯મી ઑગસ્ટથી ભૂખ હડતાળ બંધ કરવાની જાહેરાત કરી છે. ‘હવે મારે સાધારણ જિંદગી જીવવી છે.’ નોર્મલ જિંદગીની એની વ્યાખ્યામાં આયુર્યાત્રાના આ મુકામે (ચુંમાલીસમે વરસે) સ્વાભાવિક જ લગ્ન કરવાનોયે સ્વીકાર છે. ગોઅન મૂળના, ઝાંઝીબાર પહોંચેલ માબાપના સંતાન એવા એક બ્રિટિશ નાગરિકને એના સંઘર્ષ અને યાતનાએ આકર્ષ્યો, અને બંને સંપર્કમાં છે. પણ નોર્મલ જિંદગી બસર કરવાની ઇરોમની વ્યાખ્યા આટલી સાદી અને સપાટી પરની નથી : “હું ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી ‘આફ્સ્પા હટાવો’ના મુદ્દે નિર્દલીય ઉમેદવાર તરીકે લઢીશ.”
તો, સોળ વરસે ભૂખ હડતાળ ભંગનો નિર્ધાર એ કોઈ હારી ખાવાની વાત નથી. આટલા કષ્ટસહનની સામે સંવેદનબધિર સત્તાતુર પેશ આવેલા સત્તા-પ્રતિષ્ઠાનની ખુદની વૈધતા અને સ્વીકૃતિને સવાલિયા દાયરામાં મૂકતી આ બીના છે. લોકોના અંતરાત્માને જગવવાની કષ્ટસહન પ્રક્રિયાને રાજકીય સ્તરે વિધિવત્ વાચા આપવાની ઇરોમની કોશિશ આપણા રાજકીય અગ્રવર્ગ અને એકંદર રાજકારણમાં, છતી ચૂંટણીએ ને છતી બહુમતીએ, જનતા સાથે જે જુવારાં માલૂમ પડે છે એ ભાંગવાની છે. આ કોશિશ કદાચ કાલિદાસની એ નાયિકાના કુળની છે જેના પાદપ્રહરે અશોકવૃક્ષ પુષ્પિત થઈ ઉઠે છે. સંગઠિત હિંસા (સેનાપ્રમત્ત શાસન) સામે નાગરિકનો એ નરવો નક્કુર નિર્ભીક અવાજ છે. ચૂંટણી મોરચે અને અન્યથા એને કેવાક કાન મળી રહે છે તેમાંથી આપણી લોકશાહી યાત્રાનું એક માપ અને મૂલ્યાંકન મળી રહેશે … કદીયે પૂરી નહીં થતી યાત્રાનો એક સંબલસથવારો જાણે!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 02 અને 12