Opinion Magazine
Number of visits: 9449693
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉમન સિવિલ કોડ નહીં સાહેબ, યુનિફૉર્મ સિવિલ કોડ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|10 July 2016

પાર્ટ ૧

કૉમનનો અર્થ થાય છે સર્વસાધારણ. એવું જે એકસરખું પ્રચુર માત્રામાં હોય. એમાં થોડા ભિન્ન અપવાદ હોઈ શકે છે, પણ એની સંખ્યા તો ઓછી જ હોવાની. કૉમનમાં અપેક્ષા એવી છે કે અપવાદે કૉમનને અપનાવી લેવું. યુનિફૉર્મમાં અપવાદ હોતો નથી. અપવાદરહિત એકસરખાપણાને યુનિફૉર્મ કહેવામાં આવે છે. સર્વસાધારણ પ્રચુરતા અનાયાસ મળેલી ચીજ છે, જ્યારે અપવાદરહિત એકસરખાપણાને વિકસાવવું અને અપનાવવું પડે છે

મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે એની ચિંતા કરીને હિન્દુઓએ કરેલી જાહેર હિતની અરજી અંગેની સુનાવણી વખતે મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ.ઠાકુરે ગઈ આઠમી ડિસેમ્બરે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકારને એકસમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ) ઘડવા માટે આદેશ આપવાનો અધિકાર નથી ધરાવતી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેકને સમાન ન્યાય મળે એવો રાષ્ટ્રનો પવિત્ર સંકલ્પ છે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં યોગ્ય સમયે યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવામાં આવે એવો નિર્દેશ રાજ્યને (સરકારને) આપવામાં આવ્યો છે અને એ કામ કરવાની ફરજ કે જવાબદારી કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે એને માટેનો સમય આવી ગયો છે કે નહીં. ન્યાયમૂર્તિ ઠાકુરે ત્યારે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય મળે એ માટે હિન્દુઓએ રસ લેવા માટે કોઈ કારણ નથી. મુસ્લિમ સમાજમાંથી આવી માગણી આવવી જોઈએ.

યોગાનુયોગ એવું બન્યું કે માત્ર ત્રણ મહિનામાં સાયરાબાનો નામની એક મુસ્લિમ મહિલાએ ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવવા માટે એક અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી હતી. સર્વોચ્ચ અદાલતે સુનાવણી દરમ્યાન પહેલી માર્ચે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે ટ્રિપલ તલાકના રિવાજ અને મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે એ અંગે સરકારને શું કહેવાનું છે એની સ્પષ્ટતા કરે.

હવે ખબર આવ્યા છે કે કેન્દ્ર સરકાર બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરીને યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવાનું વિચારી રહી છે. કેન્દ્ર સરકારે કાયદાપંચને આ બાબતનો અભ્યાસ કરીને આમાં શું થઈ શકે એની ભલામણ કરવાનું સૂચન કર્યું છે. કાયદાપંચનું કામ વર્તમાન કાનૂનમાં જરૂરી સુધારાઓ સૂચવવાનું અને જરૂર પડે તો નવા કાયદા ઘડવાની ભલામણ કરવાનું છે. કાયદાપંચનું કામ જ અભ્યાસ કરવાનું અને સલાહ આપવાનું છે એટલે સરકારે કાયદાપંચને યુનિફૉર્મ સિવિલ કોડની સંભાવના તપાસવાનું કહ્યું છે. આઝાદી પછીના ભારતના ઇતિહાસમાં પહેલી વાર કેન્દ્ર સરકારે યુનિફૉર્મ સિવિલ કોડની દિશામાં પ્રાથમિક કદમ ઉઠાવ્યું છે. એ થશે કે નહીં અને થશે તો ક્યારે થશે એ કહેવું અત્યારે મુશ્કેલ છે. જે પહેલ કરવામાં આવી છે એની નિંદા કરવાની જરૂર નથી, કારણ કે આગળ કહ્યું એમ બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સરકાર પાસેથી આવી અપેક્ષા રાખવામાં આવી છે અને સર્વોચ્ચ અદાલત પ્રસંગોપાત્ત આવી ઇચ્છા પ્રગટ કરતી આવી છે.

સર્વોચ્ચ અદાલતે પહેલી વાર આવી અપેક્ષા ૧૯૮૫માં શાહબાનો કેસમાં ચુકાદો આપતાં વ્યક્ત કરી હતી. મુસ્લિમ સ્ત્રીને મન થાય ત્યારે તલાક આપવામાં આવે અને એ પછી શરિયાના કાયદાનો આશ્રય લઈને તલાકપીડિત લાચાર સ્ત્રીને ભરણપોષણ આપવાથી વંચિત રાખવામાં આવે એવી મુસ્લિમ પુરુષોની મનોવૃત્તિ અન્યાયકારક છે એમ ત્યારે અદાલતે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે શાહબાનોનો ભૂતપૂવર્‍ પતિ ભરણપોષણ આપવા બંધાયેલો છે એવો ત્યારે ચુકાદો આપ્યો હતો.

શાહબાનોના કેસમાં ચુકાદો આપનારા એ સમયના મુખ્ય ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડે બે ભૂલો કરી હતી. એક તો તેમણે કારણ વિના કુરાનની આયાતોનું અર્થઘટન કર્યું હતું. ન્યાયમૂર્તિને એમ લાગ્યું હતું કે કુરાનનો હવાલો આપવામાં આવશે તો મુસલમાનો ચુકાદાને કુરાનસુસંગત માનીને સ્વીકારશે. તેમની બીજી ભૂલ પહેલી કરતાં પણ મોટી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ધાર્મિક કાયદાઓ અને સેક્યુલર કાયદાઓ (સરકારે ઘડેલા ધર્મનિરપેક્ષ કાયદાઓ) સામસામે અથડાય ત્યારે સેક્યુલર કાયદાઓ વધારે ગ્રાહ્ય માનવા જોઈએ. અંગ્રેજીમાં તેમણે કહ્યું હતું કે સેક્યુલર લૉ પ્રિવેલ્સ. મુલ્લાઓને અને રૂઢિચુસ્ત મુસલમાનોને આમાં મોરચો માંડવાનો મોકો મળી ગયો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ કુરાનનું અર્થઘટન કરવાની સજ્જતા અને અધિકાર નથી ધરાવતા એ તેમની પહેલી દલીલ હતી અને ધાર્મિક કાયદાઓ સેક્યુલર કાયદાઓ કરતાં સદીઓ જૂના છે, ઈશ્વરદત્ત છે અને હજી અમલમાં છે એ જોતાં અદાલત એમ કઈ રીતે કહી શકે કે સેક્યુલર લૉ પ્રિવેલ્સ. રાજીવ ગાંધીએ મુસલમાનોને રાજી કરવા રૂઢિચુસ્ત મુસ્લિમોના દબાણ હેઠળ સંસદમાં કાયદો ઘડીને શાહબાનો ચુકાદાને ઊલટાવ્યો હતો એ જાણીતી ઘટના છે.

રાજીવ ગાંધીની સરકારે ત્યારે એક મોટી ભૂલ કરી હતી. મુસલમાનોમાં શરિયતના કાયદાનું અર્થઘટન કરનારી ચાર સ્કૂલો છે અને એ ચારેયનાં અર્થઘટનો અલગ-અલગ છે. ખાસ કરીને તલ્લાક પછી ભરણપોષણની બાબતમાં જુદી-જુદી સ્કૂલનો અલગ મત છે. રાજીવ ગાંધીની સરકારે મુસલમાનોમાં ચર્ચા થવા દેવી જોઈતી હતી. જો ચર્ચા થઈ હોત તો પ્રગતિશીલ મુસલમાનોને શરિયતની અંતર્ગત પ્રગતિશીલ અર્થઘટન કરવાનો મોકો મળ્યો હોત. જે કામ મુલ્લાઓના મતે સજ્જતા ન ધરાવતા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કર્યું હતું એ કામ સજ્જતા ધરાવતા પ્રગતિશીલ મુસલમાનો કરી શક્યા હોત અને એ રીતે યુનિફૉર્મ સિવિલ કોડની દિશામાં નાનકડી બારી ખૂલી હોત.

બાય ધ વે, ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ હિન્દુ ધર્મશાસ્ત્રના મોટા પંડિત હતા એટલે તેઓ શરિયતથી સાવ અજાણ્યા હતા કે સજ્જતા નહોતા ધરાવતા એમ કહેવું એ ખોટું છે. એટલે તો વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરની નુક્તેચીની પ્રાસંગિક છે જે આ લેખમાં પ્રારંભમાં ટાંકવામાં આવી છે. હિન્દુઓને મુસ્લિમ સ્ત્રીઓ માટે ગમે એટલી હમદર્દી હોય અને શરિયતની ગમે એટલી જાણકારી હોય, ચર્ચા મુસ્લિમ સમાજમાં થવી જોઈએ અને આપણે એને માટે અનુકૂળતા પેદા કરી આપવી જોઈએ. સુધર, સુધર, હવે ક્યારે સુધરીશ એવા મનોભાવવાળી હમદર્દી અને ઇસ્લામિક ધર્મગ્રંથોની જાણકારી અનુકૂળતા કરતાં પ્રતિકૂળતા વધારે પેદા કરે છે. ન્યાયમૂર્તિ ઠાકુરે કહ્યું હતું કે મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય મળે એ માટે હિન્દુઓએ વિશેષ રસ લેવા માટે કોઈ કારણ નથી.

બીજી વાર લગભગ આવી જ અપેક્ષા ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતે સરલા મુદગલ કેસમાં વ્યક્ત કરી હતી. પહેલી પત્ની હયાત હોવા છતાં હિન્દુ પુરુષ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને બીજાં લગ્ન કરે એની સામે સરલા મુદગલે અદાલતમાં વાંધો ઉઠાવ્યો હતો. હિન્દુ પુરુષ આ રીતે ઇસ્લામનો દુરુપયોગ કરે છે અને પત્નીને અન્યાય કરે છે. આ રીતના દુરુપયોગને અટકાવવો જોઈએ એવી તેણે માગણી કરી હતી. એ કેસમાં ન્યાયમૂર્તિ કુલદીપ સિંહે કહ્યું હતું કે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરીને સરકારે યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ. ન્યાયમૂર્તિ કુલદીપ સિંહનો એ અભિપ્રાય હતો, આદેશ નહોતો; કારણ કે આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતને અધિકાર નથી જેની સ્પષ્ટતા વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિએ ગયા ડિસેમ્બર મહિનામાં કરી હતી. જો કે ન્યાયમૂર્તિ કુલદીપ સિંહ આગ્રહપૂવર્‍ક અભિપ્રાય આપવા માટે જાણીતા હતા એટલે એ સમયે યુનિફૉર્મ સિવિલ કોડ વિશે દેશમાં વ્યાપક ચર્ચા થઈ હતી.

મુસ્લિમ મૌલવીઓએ ત્યારે સરલા મુદગલ માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, પરંતુ એ આંશિક અને મતલબી હતી. માત્ર બીજાં લગ્ન કરવા માટે કરવામાં આવતા ધર્માંતરણને અટકાવવું જોઈએ એમ તેમણે કહ્યું હતું, પરંતુ તેમણે એમ નહોતું કહ્યું કે ભારતમાં મુસ્લિમ સહિત કોઈને પણ પહેલી પત્ની હયાત હોવા છતાં છૂટાછેડા આપ્યા વિના બીજાં લગ્નનો અધિકાર ન હોવો જોઈએ.

આમ ત્રણ દાયકામાં ત્રણ વખત જુદા-જુદા કેસમાં સર્વોચ્ચ અદાલતે યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે. આ સિવાય બીજા અનેક લોકો યુનિફૉર્મ સિવિલ કોડની માગણી કરી રહ્યા છે. દુર્ભાગ્યે આવી માગણી કરવામાં હિન્દુત્વવાદીઓ મોખરે છે એટલે એને કોમવાદી રંગ ચડે છે અને એમાં ન્યાયનો ઉદ્દેશ માર્યો જાય છે. હિન્દુત્વવાદીઓનો ઉદ્દેશ મુસ્લિમ સમાજને પછાત ચીતરવાનો છે એટલે ધ્યેય ઉદાત્ત હોવા છતાં અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં એને માટે નિર્દેશ આપવામાં આવ્યો હોવા છતાં મંઝિલે પહોંચી શકાતું નથી. સુધર, સુધર, હવે ક્યારે સુધરીશ એવા મનોભાવવાળી અનુકંપામાં સાચી અનુકંપા નથી અને જાગૃતિમાં સાચી જાગૃતિનાં લક્ષણો નથી. પ્રગતિશીલતાના વિમર્શમાં મદદરૂપ થવાનું હોય, ચીમટા ખણવાના ન હોય. હિન્દુત્વવાદીઓ મુસલમાનોને ચીમટા ખણે છે અને સરવાળે દેશને આધુનિક બનતો રોકીને કુસેવા કરે છે.

આ લેખમાં દરેક જગ્યાએ સમાન નાગરિક સંહિતાની જગ્યાએ સહેતુક અંગ્રેજીમાં યુનિફૉર્મ સિવિલ કોડ એવો વાક્યપ્રયોગ કરવામાં આવશે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ ૪૪માં પણ એના માટે યુનિફૉર્મ સિવિલ કોડ ફૉર સિટિઝન્સ એવો વાક્યપ્રયોગ કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે કૉમન સિવિલ કોડ અને યુનિફૉર્મ સિવિલ કોડની અર્થછાયા અલગ-અલગ છે. આપણે ત્યાં કૉમન સિવિલ કોડ અને યુનિફૉર્મ સિવિલ કોડ એવો વાક્યપ્રયોગ એક જ અર્થમાં કરવામાં આવે છે એ ખોટું છે. ગુજરાતી શબ્દ સમાનમાં કૉમન અને યુનિફૉર્મનો અર્થભેદ પકડાતો નથી એટલે અંગ્રેજી યુનિફૉર્મ શબ્દ વાપરવો જરૂરી છે. અંગ્રેજી થિસૉરસમાં કૉમનના જે સમાનાર્થી શબ્દો આપવામાં આવ્યા છે એમાં યુનિફૉર્મ નથી અને યુનિફૉર્મના જે સમાનાર્થી શબ્દો આપ્યા છે એમાં કૉમન નથી. આ બન્નેના અર્થમાં ભેદ છે અને બંધારણ ઘડનારાઓએ કૉમન સિવિલ કોડ ઘડવાનો નિર્દેશ નથી આપ્યો, યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવાનો નિર્દેશ આપ્યો છે.

કૉમનનો અર્થ થાય છે સર્વસાધારણ. એવું જે એકસરખું પ્રચુર માત્રામાં હોય. એમાં થોડા ભિન્ન અપવાદ હોઈ શકે છે, પણ એની સંખ્યા ઓછી હોવાની. જ્યારે સર્વસાધારણ ઓળખની વાત આવે ત્યારે લઘુમતી ઓળખે બહુમતી ઓળખમાં ઓગળી જવાની અપેક્ષા રાખવામાં આવે છે. એક કિલો ભીંડાના શાકમાં બે બટાટા નાખવામાં આવ્યા હોય તો એમાં બટાટા હોવા છતાં એને ભીંડાના શાક તરીકે જ ઓળખવામાં આવે છે. કૉમનમાં અપેક્ષા એવી છે કે અપવાદે કૉમનને અપનાવી લેવું. યુનિફૉર્મમાં અપવાદ હોતો નથી. અપવાદરહિત એકસરખાપણાને યુનિફૉર્મ કહેવામાં આવે છે. સર્વસાધારણ પ્રચુરતા અનાયાસ મળેલી ચીજ છે, જ્યારે અપવાદરહિત એકસરખાપણાને વિકસાવવું અને અપનાવવું પડે છે. એક જમાનામાં સ્કૂલોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ધોતિયું પહેરતાં હતાં, કારણ કે સવર્ણ પરિવારોનાં બાળકો પહેલાં ભણતાં થયાં હતાં. પછીથી બહુજન સમાજના વિદ્યાર્થીઓ ભણતા થયા જે ચોરણી પહેરતા હતા. મુસલમાનો પાયજામો પહેરતા હતા અને પારસીઓ પાટલૂન પહેરતા હતા. એક રીતે કહો તો પર્સનલ લૉ જેવી જ સ્થિતિ હતી. જ્યારે શિક્ષણનો પ્રસાર થવા લાગ્યો ત્યારે યુનિફૉર્મની આવશ્યકતા લાગવા માંડી હતી. અડધી ચડ્ડી અને શર્ટનો યુનિફૉર્મ વિકસાવવામાં અને અપનાવવામાં આવ્યો છે, પ્રચુરતા(કોમન)ના પક્ષે અપનાવવામાં આવ્યો નથી.

સુજ્ઞ વાચકને હવે યુનિફૉર્મ અને કૉમન વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હશે. બંધારણ ઘડનારાઓ આપણને કહેતા ગયા છે કે યોગ્ય સમયે દરેક સમાજ માટે યુનિફૉર્મ કોડ ઘડજો. હિન્દુત્વવાદીઓ જાણીબૂજીને યુનિફૉર્મની જગ્યાએ કૉમન શબ્દ વાપરે છે અને કૉમન સિવિલ કોડનો આગ્રહ રાખે છે. મહિના પહેલાં કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે દેશમાં કૉમન સિવિલ કોડ વિશે ચર્ચા થવી જોઈએ અને એ પછી તેમણે ખાસ આગ્રહ કર્યો હતો કે આપણે કૉમન શબ્દ વાપરવો જોઈએ, યુનિફૉર્મ નહીં. સરેરાશ ભારતીય કૉમન અને યુનિફૉર્મને સમાનાર્થી સમજી લે છે એટલે હિન્દુત્વવાદીઓની ચાલાકી ધ્યાનમાં આવતી નથી.

તો મંઝિલ છે યુનિફૉર્મ સિવિલ કોડ, જે વિકસાવવાનો છે અને અપનાવવાનો છે. આ વિકસાવવાની પ્રક્રિયા ખાસી લાંબી લગભગ દોઢ-બે સદી જૂની છે. રાતોરાત આપણે આટલી મંઝિલ નથી કાપી. અંગ્રેજોની અને બંધારણ ઘડનારાઓની કૃપાથી ગિરનારની બધી જ ટૂક આપણે ચડી ગયા છીએ, માત્ર એક જ ટૂક ચડવાની બાકી છે જે હિન્દુ અને મુસલમાનોના કોમવાદી રાજકારણના કારણે સર નથી થતી.

આવતા અઠવાડિયે ગિરનારની અત્યાર સુધીમાં ચડવામાં આવેલી ટૂકોની વાત કરવામાં આવશે. 

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 03 જુલાઈ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-03072016-14

•••••

પાર્ટ  2

યુનિફૉર્મ સિવિલ કોડ સો ટકા શક્ય નથી

યુનિફૉર્મ સિવિલ કોડ અને એક ડગલાનું સંકટ

સવાલ છે ગિરનારની છેલ્લી ટૂક સર કરવાનો તો એ સંપૂર્ણપણે તો શક્ય નથી. જેમ કે મુસલમાનોમાં પિતરાઈ ભાઈ-બહેન લગ્ન કરી શકે છે, જ્યારે હિન્દુઓમાં એ સગોત્ર લગ્ન કહેવાય એટલે પ્રતિબંધિત છે. કોણ બાંધછોડ કરે? શું કામ કરે અને એવો આગ્રહ પણ શા માટે? આમાં કોઈના વ્યક્તિગત અધિકારનું હનન થતું નથી કે કોઈને અન્યાય પણ થતો નથી. ઘણા રિવાજો એવા છે જે નિર્દોષ છે અને એમાં યુનિફૉર્મિટી સાધવી શક્ય નથી અને એ જરૂરી પણ નથી

ભારતની કાયદાપોથીમાં જેમ પર્સનલ લૉઝ છે એમ કસ્ટમરી લૉઝ પણ છે જેના વિશે હિન્દુત્વવાદીઓ બોલતા જ નથી. ભારતમાં આદિવાસીઓ સેંકડો વરસથી પોતાનો કાનૂની વ્યવહાર પોતાના રિવાજ મુજબ કરતા આવ્યા છે. વાચક એક હકીકત નોંધી લે કે ધર્મઆધારિત પર્સનલ લૉઝ કરતાં આદિવાસીઓના પરંપરા આધારિત કસ્ટમરી લૉઝ મોટી સંખ્યામાં છે અને દેશભરમાં કેટલાક આદિવાસી સમાજોમાં લાગુ છે

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે ભારત પર કબજો જમાવવા માંડ્યો ત્યારે અદાલતો તો સ્થપાવા લાગી, પણ ન્યાય કયા કાયદાઓના આધારે તોળવો એ પ્રશ્ન હતો. સાધારણ રીતે ત્રણ પ્રકારના મામલાઓ અદાલતમાં જતા હોય છે. એક છે ખૂન, હિંસા, ચોરી, છેતરપિંડી જેવા ગુનાઓ જેને ફોજદારી ગુનાઓ કહેવામાં આવે છે. બીજા છે બે વ્યક્તિ વચ્ચેના આપસી (મુખ્યત્વે આર્થિક) વ્યવહારમાં થયેલા મતભેદો કે ઝઘડાઓ જેને દીવાની ખટલાઓ કહેવામાં આવે છે. અદાલતમાં જતા મામલાઓનો ત્રીજો પ્રકાર છે કુટુંબની અંદર થતા મતભેદો કે ઝઘડાઓ. પતિ-પત્ની વચ્ચે, બાપ-દીકરા વચ્ચે, મા-બેટા વચ્ચે, ભાઈઓ-ભાઈઓ વચ્ચે, ભાઈ-બહેન વચ્ચે, પુરુષ જો બે પત્ની ધરાવતો હોય તો બે પત્નીઓ વચ્ચે, પુરુષે જો કોઈ સ્ત્રીને લગ્ન કર્યા વિના ઉપવસ્ત્ર તરીકે ઘરમાં બેસાડી હોય તો પત્ની અને ઉપવસ્ત્ર ગણાતી રખાત (બીજો કોઈ શબ્દ સૂઝતો નથી અને કહેવું જરૂરી છે એટલે બહેનો માફ કરે) વચ્ચે, એક જ પિતાના ઓરમાન ભાઈઓ વચ્ચે સંપત્તિ અને અધિકારને લઈને મતભેદ કે ઝઘડા થતા હોય છે. આવા ખટલાઓને કૌટુંબિક ખટલાઓ કહેવામાં આવે છે. એટલે તો પર્સનલ લૉઝને ફૅમિલી લૉઝ તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

હવે પહેલા બે પ્રકારના મામલાઓમાં ન્યાય તોળવા માટે અંગ્રેજો પાસે પોતાને ત્યાંના ઘરઆંગણાના કાયદાઓ હાથવગા હતા. ફોજદારી ગુનાઓમાં અને દીવાની ખટલાઓમાં બ્રિટિશ કાયદા મુજબ સજા કરવામાં આવે કે નિકાલ કરવામાં આવે એની સામે ભારતની પ્રજાને ખાસ કોઈ વાંધો નહોતો. ખૂની ઇંગ્લૅન્ડનો અંગ્રેજ હોય કે ભારતનો હિન્દુ હોય, તેને ફાંસીની સજા કરવામાં આવે તો એની સામે વાંધો હોવા માટે કોઈ કારણ નહોતું. આવી જ રીતે આર્થિક મામલાઓના દીવાની ખટલાઓ ઇંગ્લિશ કાયદાઓ મુજબ સાંભળવામાં આવે અને નિકાલ કરવામાં આવે તો એની સામે પણ વાંધો નહોતો. સમસ્યા હતી કૌટુંબિક ઝઘડાઓના નિકાલની. આમાં જે-તે સમાજના પોતાના કાયદાઓ કે રિવાજ હોય છે અને એ અનુસાર જે-તે સમાજ સદીઓથી ઝઘડાઓનો નિકાલ કરતો આવ્યો છે. મોટા ભાગે આવા કાયદાઓ કે રિવાજો ધર્મશાસ્ત્રોના આધારે વિકસ્યા હોય છે.

ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં કૌટુંબિક ઝઘડાઓનો નિકાલ સમાજની પંચાયત પરંપરાને અનુસરીને પોતાની રીતે કરી લેતી હતી. કોઈ જો રાજા કે બાદશાહ પાસે ફરિયાદ લઈને જાય તો શાસક પોતાને સૂઝે એવો ન્યાય તોળતો હતો. ન્યાયની નિશ્ચિત કરવામાં આવેલી પ્રક્રિયા અને ન્યાયસંસ્થા જેવું કંઈ હતું નહીં અને જે કોઈ વ્યવસ્થા હતી એમાં કૌટુંબિક બાબતોને હાથ ધરવામાં આવતી નહોતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત જુદી હતી. એક તો સંહિતા અને સંસ્થા વિકસાવવી એ અંગ્રેજોના લોહીમાં છે. બીજું, અંગ્રેજો ભારતમાં સ્થાયી થયા વિનાના બાહ્ય પક્ષકારો હતા અને ત્રીજું, તેઓ ભારતમાં મુખ્યત્વે ધંધો કરવા અને લૂંટવા આવ્યા હતા. કૌટુંબિક ઝઘડાઓના નિકાલમાં નાહક કૂંડાળામાં પગ ફસાઈ જાય તો લોકો નારાજ થાય અને ધંધાના હિતને નુકસાન પહોંચે એવું શા માટે કરવું એવી તેમની ગણતરી હતી. કૌટુંબિક બાબતો અત્યંત સંવેદનશીલ હોય છે એ કહેવાની જરૂર નથી. આમ છતાં ફરિયાદીને ન્યાય આપવો જરૂરી હતું અને સંહિતા અને સંસ્થા વિકસાવવી એ તેમના સ્વભાવમાં હતું.

અહીં કૌટુંબિક કે વૈયક્તિક કાયદાઓ આવે છે જેને અંગ્રેજીમાં પર્સનલ લૉઝ કહેવામાં આવે છે. અંગ્રેજોએ ઠરાવ્યું કે ફોજદારી અને દીવાની ખટલાઓનો નિકાલ તેમના કાયદા મુજબ થાય અને કૌટુંબિક બાબતોનો નિકાલ ભારતની પ્રજાના વૈયક્તિક-સામાજિક કાયદા કે રીતરિવાજ મુજબ થાય. જો એક કુટુંબની બે વ્યક્તિ અલગ-અલગ ધર્મ પાળતી હોય કે સંપ્રદાયમાં માનતી હોય અને તેમની વચ્ચે ઝઘડો થાય તો એવી સ્થિતિમાં બચાવ પક્ષના ધર્મ કે સંપ્રદાયના કાયદાને લાગુ કરવામાં આવે.

અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ સવાલ એ હતો કે કયા ધર્મના કાયદા લાગુ કરવામાં આવે? ભારત તો વિવિધતાઓની ખાણ છે. મુસલમાનોમાં શરિયતના કાયદાઓનું અર્થઘટન કરનારી ચાર સ્કૂલ છે. હિન્દુઓમાં મનુસ્મૃિત જેવી બે ડઝન સ્મૃિતઓ છે. મુઠ્ઠીભર પારસીઓમાં કદમી, શહેનશાહી અને ફસલી એવી ત્રણ સ્કૂલો છે અને તેમના રીતરિવાજોમાં ફરક છે. અંગ્રેજોના સંપર્કમાં આવ્યા પછી અસ્તિત્વમાં આવેલી ઍન્ગ્લો-ઇન્ડિયન કમ્યુિનટીના અડધા ખ્રિસ્તી-અડધા હિન્દુ રીતરિવાજો વિકસ્યા હતા. આમ પર્સનલ લૉઝ લાગુ કરવામાં આવે તો પણ એમાં કયા પર્સનલ લૉઝ લાગુ કરવા એ સવાલ હતો. આના ઉપાય તરીકે અદાલતોમાં જ્યારે કૌટુંબિક બાબતોના ખટલાઓ ચાલતા હોય ત્યારે જે-તે ધર્મના પંડિતોને અદાલતમાં બેસાડવામાં આવતા હતા. હિન્દુ પંડિતો, મુસ્લિમ મૌલવીઓ, પારસી દસ્તૂરો અને ખ્રિસ્તી ફાધરો ધર્મઆધારિત કાયદાઓનું અર્થઘટન કરીને ન્યાય કરવામાં અદાલતોને મદદરૂપ થતા હતા.

આ વ્યવસ્થા પણ ફૂલપ્રૂફ નહોતી. અર્થઘટનની અનેક મોકાણ એમાં હતી અને મતભેદો, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થતા રહેતા હતા. જેમ કે પશ્ચિમ ભારતમાં હિન્દુ પંડિતો ધર્મશાસ્ત્રની મીતાક્ષરા સ્કૂલ મુજબ અભિપ્રાય આપતા હતા તો પૂવર્‍ ભારતમાં પંડિતો દયાભાગ સ્કૂલ મુજબ અભિપ્રાય આપતા હતા. સરકારે પશ્ચિમ ભારતના હિન્દુઓ માટે મીતાક્ષરા અને પૂવર્‍ ભારત માટે દયાભાગનો સ્વીકાર કરી લીધો હતો. પરંતુ આવું કેવી રીતે ચાલે? બાર ગાઉએ બોલી બદલાય એમ જો કાયદા બદલાય તો શાસન કેવી રીતે કરવું? પર્સનલ લૉઝમાં લઘુતમ સમાનતા તો લાવવી જ પડે એમ હતી.

આ લઘુતમ સમાનતાનો એક લાંબો ઇતિહાસ છે. એની વિગતોમાં આપણે નહીં જઈએ. એનું અંતિમ પરિણામ મહત્વનું છે. અંગ્રેજોએ કેટલીક કૌટુંબિક બાબતોને પર્સનલ લૉઝમાંથી હટાવી દીધી હતી અને માત્ર લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવાની બાબતો જ પર્સનલ લૉઝમાં આવે છે. ભારતની કાયદાપોથીઓમાં સેંકડો કાયદાઓ છે જેમાંથી ૯૯.૯૯ ટકા કાયદાઓ યુનિફૉર્મ એટલે કે અપવાદ વિના એકસરખા લાગુ કરવામાં આવે છે. માત્ર આ ચાર બાબતોને બહાર રાખવામાં આવી છે. ભારતના મુસલમાનોને, ખ્રિસ્તીઓને, યહૂદીઓને અને પારસીઓને માત્ર આ ચાર બાબતે તેમના ધાર્મિક-કૌટુંબિક કાયદાઓ મુજબ ન્યાય આપવામાં આવે તો શું દેશના ટુકડા થઈ જવાના છે? આવી કાગારોળ હિન્દુત્વવાદીઓ જાણીબૂજીને કરી રહ્યા છે. તેમનો ઇરાદો મુસલમાનોને હીણા ચીતરવાનો છે; સુધર, સુધર, હવે ક્યારે સુધરીશ એવો ટોણો મારવાનો છે. આવો ટોણો મારતી વખતે તેઓ પોતાનો અતીત ભૂલી જાય છે કે તેમણે ૧૯૫૦ના દાયકામાં હિન્દુ સ્ત્રીને છૂટાછેડાનો અને વારસાનો અધિકાર મળે એનો વિરોધ કર્યો હતો. દેશની એકતામાં બાધારૂપ હિન્દુત્વવાદીઓ અને ઇસ્લામિસ્ટો જેવા કોમવાદીઓ છે, પર્સનલ લૉઝ નથી. એવું પણ નથી કે યુનિફૉર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે કે તરત દેશમાં એકતા સ્થપાઈ જવાની છે. ટૂંકમાં, રાષ્ટ્રીય એકતાને અને પર્સનલ લૉઝને કોઈ સંબંધ નથી.

બીજું, ભારતની કાયદાપોથીમાં જેમ પર્સનલ લૉઝ છે એમ કસ્ટમરી લૉઝ પણ છે જેના વિશે હિન્દુત્વવાદીઓ બોલતા જ નથી. ભારતમાં આદિવાસીઓ સેંકડો વરસથી પોતાનો કાનૂની વ્યવહાર પોતાના રિવાજ (કસ્ટમ) મુજબ કરતા આવ્યા છે. અંગ્રેજોને ધાર્મિક પર્સનલ લૉઝની માફક આદિવાસીઓના કસ્ટમરી લૉઝ સાથે પણ કામ પાડવું પડ્યું હતું. એમાં પણ એ જ માર્ગ અપનાવવામાં આવ્યા હતા. બને એટલા કસ્ટમરી લૉઝ હટાવતા જવાના. જ્યાં હટાવવા મુશ્કેલ હોય ત્યાં કોડિફિકેશન કરવાનું. વાચક એક હકીકત નોંધી કે લે કે ધર્મઆધારિત પર્સનલ લૉઝ કરતાં આદિવાસીઓના પરંપરા આધારિત કસ્ટમરી લૉઝ મોટી સંખ્યામાં છે અને દેશભરમાં કેટલાક આદિવાસી સમાજોમાં લાગુ છે. હિન્દુત્વવાદીઓને આદિવાસીઓ માટેના વૈયક્તિક કાયદાઓનું વૈવિધ્ય ખૂંચતું નથી, કારણ કે આદિવાસીઓ મુસલમાન નથી.

ભારતને આઝાદી મળી અને દેશે આધુનિક બંધારણ ઘડ્યું ત્યારે દરેક કોમ માટે યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવાનો મોકો મળ્યો હતો. ભારતનું વિભાજન થયું હતું એટલે રૂઢિચુસ્ત મુસલમાનો બુલંદ વિરોધ કરી શકે એમ નહોતા. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનાં બે જૂથ છે. આર્ટિકલ ૧૪થી બાવીસ વ્યક્તિગત અધિકારોની બાંયધરી આપે છે, જ્યારે આટિકલ પચીસથી ૨૮ ધાર્મિક જૂથોને ધાર્મિક સ્વાતંત્ર્યને લગતા અધિકાર આપે છે. આર્ટિકલ ૧૪ કહે છે કે કાયદા સમક્ષ સૌ સરખા અને આર્ટિકલ ૧૫ કહે છે કે ધર્મ, જ્ઞાતિ, વંશ કે લિંગના ધોરણે ભેદભાવ ન કરી શકાય. બીજી બાજુ આર્ટિકલ પચીસ ધાર્મિક કોમોને પોતાના ધર્મના આદેશ મુજબ જીવવાનો અધિકાર આપે છે.

હવે આમાં પર્સનલ લૉઝનું શું કરવું? પર્સનલ લૉઝ મૂળભૂત રીતે ફૅમિલી લૉઝ છે અને એ રીતે એ ઓળખાય પણ છે. વ્યક્તિ એ સ્વતંત્ર વ્યક્તિ છે, જ્યારે પરિવાર સમૂહ છે અને વધારે મોટા સમૂહ એવા સમાજનું એક અંગ છે. એક મત એવો હતો કે આર્ટિકલ ૧૪ મુજબ પર્સનલ લૉઝ નાબૂદ કરવા જોઈએ. મીનુ મસાણી (પારસી), રાજકુમારી અમૃતકૌર (ખ્રિસ્તી અને મહિલા) અને હંસા મહેતા(મહિલા)એ પર્સનલ લૉઝ નાબૂદ કરીને આર્ટિકલ પચીસ સાથેનો વિરોધાભાસ નાબૂદ કરવાનો આગ્રહ રાખ્યો હતો. બીજી બાજુ રૂઢિચુસ્ત હિન્દુઓએ અને મુસલમાનોએ પર્સનલ લૉઝ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો, કારણ કે પર્સનલ લૉઝ પરિવાર માટેના કાયદા છે અને પરિવાર જે-તે ધાર્મિક કોમનું અંગ છે. આ બાબતે એકમતી બની નહીં એટલે બંધારણ ઘડનારાઓ ભાવિ પેઢીને નિર્દેશ આપતા ગયા હતા કે યોગ્ય સમયે યુનિફૉર્મ સિવિલ કોડ ઘડજો.

આમ યુનિફૉર્મ સિવિલ કોડ ઘડવો એ આપણું દાયિત્વ છે. દાયિત્વ એ માટે છે કે પર્સનલ લૉઝ મુખત્વે મહિલાઓને અન્યાય કરે છે. આને લઘુમતીના અધિકાર અને તુષ્ટિકરણ સાથે સંબંધ નથી, લૈંગિક ન્યાય (જેન્ડર જસ્ટિસ) સાથે સંબંધ છે. હિન્દુત્વવાદીઓ એને ધર્મ સાથે જોડીને મુસ્લિમ મહિલાઓને અન્યાય કરી રહ્યા છે. તેમના કારણે મહિલાઓને મળવો જોઈતો ન્યાય પાછો ઠેલાય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે જ્યારે લોકસભામાં (બંધારણસભા ત્યારે લોકસભા તરીકે પણ કામ કરતી હતી) હિન્દુ કોડ બિલ રજૂ કરીને હિન્દુ સ્ત્રીઓને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સહિતના હિન્દુ ધર્માભિમાનીઓએ એનો વિરોધ કર્યો હતો. હિન્દુ સ્ત્રીને છૂટાછેડાનો અધિકાર મળે એનો તેમણે વિરોધ કર્યો હતો. હિન્દુ સ્ત્રીને બાપના વારસામાં ભાગ મળે એનો તેમણે વિરોધ કર્યો હતો. તેમને સ્ત્રીને એક વ્યક્તિ તરીકે મળવા જોઈતા અધિકારની પરવા નહોતી, પરંતુ હિન્દુઓની સામૂહિક ધાર્મિક ઓળખ કાચી પડે એ વાતની ચિંતા હતી. ધાર્મિક સમજોની ધાર્મિક ઓળખ રીતરિવાજોમાં સમાયેલી છે એવું તેમણે ત્યારે સરળીકરણ કર્યું હતું, પછી ભલે સ્ત્રીઓને અન્યાય થાય. લોકસભામાં બહુમતી ધરાવતા હિન્દુ સવર્ણોએ હિન્દુ કોડ બિલ પાસ થવા દીધું નહોતું અને કહેવાની જરૂર નથી કે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને જન સંઘે હિન્દુ કોડ બિલનો વિરોધ કર્યો હતો.

આજે ગળું ફાડીને યુનિફૉર્મ સિવિલ કોડની માગણી કરી રહેલા હિન્દુત્વવાદીઓએ એટલું તો સ્વીકારવું જોઈએ કે તેમના અને સવર્ણ હિન્દુઓના વિરોધ છતાં હિન્દુ સ્ત્રીને ન્યાય અપાવવાનું શ્રેય જવાહરલાલ નેહરુને જાય છે. સરદાર પટેલ ગુજરી ગયા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિભવનમાં જતા રહ્યા ત્યારે તક જોઈને નેહરુ હિન્દુ કોડ બિલને ટુકડે-ટુકડે પસાર કરાવતા જતા હતા.

હવે સવાલ છે ગિરનારની છેલ્લી ટૂક સર કરવાનો. તો એ સંપૂર્ણપણે તો શક્ય નથી. જેમ કે મુસલમાનોમાં પિતરાઈ ભાઈ-બહેન લગ્ન કરી શકે છે, જ્યારે હિન્દુઓમાં એ સગોત્ર લગ્ન કહેવાય એટલે પ્રતિબંધિત છે. કોણ બાંધછોડ કરે? શું કામ કરે અને એવો આગ્રહ પણ શા માટે? આમાં કોઈના વ્યક્તિગત અધિકારનું હનન થતું નથી કે કોઈને અન્યાય થતો નથી. ઘણા રિવાજો એવા છે જે નિર્દોષ છે અને એમાં યુનિફૉર્મિટી સાધવી શક્ય નથી અને એ જરૂરી પણ નથી. રહી વાત સ્ત્રીઓને થઈ રહેલા અન્યાયોની. તો અન્યાય મુખ્યત્વે લગ્ન અને છૂટાછેડાની બાબતે થઈ રહ્યો છે. ઈમાનદારીપૂવર્‍ક આટલી બાબતે સીમિત રહીને ચર્ચા કરવામાં આવે તો માર્ગ નીકળી શકે છે. રૂઢિચુસ્ત મુસલમાનોના વિરોધની અવગણના કરીને સુધારો લાદવામાં આવે તો એનું પણ હું સ્વાગત કરું છું; પણ એમાં ઈમાનદારી હોવી જોઈએ, કોમવાદી એજન્ડા નહીં.

(સંપૂર્ણ)

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 10 જુલાઈ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-10072016-15

Loading

10 July 2016 admin
← ડિજિટલ ક્રાન્તિનો વર્તારો દેનાર ટૉફલરના થર્ડવેવમાં પાવરશિફ્ટનો ફ્યુચર શોક
એલ્વિન ટોફલર : જ્યોતિષી નહીં, ફ્યુચરિસ્ટ →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved