સ્વાયત્ત મહિલા ચળવળમાં સાચાં ‘સહિયર’ પર્યાવરણ સુરક્ષા, અન્યાય સામેની જુબાન
રવિવારે આવનાર પર્યાવરણદિને ગુજરાતને જળ-જંગલ-જમીન બચાવવા માટે મથનાર કર્મશીલ તૃપ્તિબહેન શાહની ખોટ સાલશે. કુદરતના જીવવૈવિધ્યની જાળવણી ઉપરાંત નારીઅધિકાર, સામાજિક ન્યાય, વિસ્થાપન, સેક્યુલારિઝમ જેવા અનેક મોરચે ચાળીસ વર્ષથી લડતાં રહેનારાં તૃપ્તિબહેનનું છવ્વીસમી મેએ ચોપ્પન વર્ષની ઉંમરે વડોદરામાં ફેફસાંના કૅન્સરથી અવસાન થયું. તેમનાં સ્નેહી નેહા શાહ નોંધે છે કે દોઢ વર્ષ પહેલાં જ્યારે કેન્સરનું નિદાન થયું ત્યારે એક હળવાશની પળે તૃપ્તિબહેને એક મિત્રને કહ્યું હતું કે ‘આપણે કહેતા જ રહ્યા છીએ કે આ પ્રદૂષણયુક્ત પર્યાવરણથી કેન્સરની શક્યતા વધી જાય છે, જુઓ ને આ તો આપણને જ થઈ ગયું !’
તૃપ્તિબહેનની આખરી સફર પણ એમનાં કામ અને વિચારધારાને છાજે એવી જ રહે એની તેમના કર્મશીલ જીવનસાથી રોહિતે કાળજી રાખી. ગુજરાતભરમાંથી નિસબત ધરાવતા નાગરિકો, ડાબેરી, ગાંધીવાદી, સર્વોદયી કાર્યકરો અને સ્નેહીઓ હતા. કવિ-ગાયક યુગલ ચારુલ-વિનયે જનવાદી ગીતો ગાયાં. પછી સહુએ ભેગાં મળીને બે ગીતો ગાયાં – ભારતના બંધારણના વિચારોને સમાવી લેતું ગીત ‘હમ લોગ: વી ધ પીપલ …’ અને ત્યારબાદ કિશોરકુમારનું ‘આ ચલ કે તુઝે, મૈં લેકે ચલું, એક ઐસે ગગન કે તલે …’ તૃપ્તિબહેને સ્થાપેલા નારીવાદી સંગઠન ‘સહિયર’ની બહેનોએ તેમનાં દેહ પર સંસ્થાનું બૅનર ઓઢાડ્યું. સાથી રોહિત, પુત્ર માનવ, ભાઈ ચિરાગ તેમ જ કાર્યકર દીપાલી અને શિલ્પાએ કાંધ આપી. બીમારીને કારણે હૉસ્પિટલે મૃતદેહને સ્વીકાર્યો નહીં, એટલે દેહદાનની ઈચ્છાનો આદર ન થઇ શક્યો. અંતિમક્રિયા કારેલીબાગ ખાતેના સ્મશાનમાં ક્રાન્તિકારી સલામ સાથે કરવામાં આવી.
ડૉ. તૃપ્તિબહેન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાણિજ્ય અને સમાજકાર્ય વિભાગમાં અર્થશાસ્ત્રનાં અધ્યાપક હતાં. યુનિવર્સિટીમાં વિમેન્સ સ્ટડીઝ રિસર્ચ સેન્ટરનાં સંયોજક તરીકેની જવાબદારી ઉત્તમ રીતે નિભાવ્યા બાદ ‘સહિયર’ ને વધુ સમય આપવા માટે તેમાંથી મુક્ત થયાં. તેમના સંશોધન મહાનિબંધનો વિષય હતો ‘ઇકોનૉમિક સ્ટેટસ ઑફ વિમેન ઇન ઇન્ફૉર્મલ સેક્ટર – અ સ્ટડી ઑફ બરોડા સિટી’. વળી તેમણે અંગ્રેજી પ્રકાશનોમાં મહિલા સશક્તિકરણ , બેરોજગારીભરી વૃદ્ધિ, સ્ત્રીઓ પરની હિંસા, કોમવાદ જેવા વિષયો પર નક્કર સંશોધન લેખો લખ્યાં છે. લેખક તરીકે તેમનું બહુ મહત્ત્વનું પ્રદાન એટલે કુલ ચારસોથી વધુ પાનાંમાં લખાયેલ ‘નારી આંદોલનનો ઇતિહાસ’ (ઉન્નતિ અને સહિયર, 2009). તેનાં ચાર મોટાં કદનાં પુસ્તકો ભારત સહિત વિશ્વભરની જાણી-અજાણી નારી-મુક્તિ ચળવળો અને અત્યારના નારીઆંદોલન સામેના પ્રશ્નોને આવરી લે છે. તેની હિન્દી આવૃત્તિ પણ છે. સાત પાત્રો વચ્ચે સંવાદના સ્વરૂપે લખાયેલાં આ અજોડ પુસ્તકો તૃપ્તિબહેને ખાસ તો પાયાના ક્ષેત્રીય કાર્યકરો માટે તૈયાર કર્યાં છે. તેમાં સારલેખન, જોડકણાં, સૂત્રો, ચિત્રો, ગીતો જેવી સામગ્રી પણ છે. વિચારોની ગહનતા અને વ્યાપ છતાં આ પુસ્તકોની અંદરની સમજની સફાઈ અને બાનીની સાદગી તાજ્જુબ કરાવનારી છે. અમદાવાદની ‘ઉન્નતિ’ સંસ્થામાં મળતાં તેમ જ તેની વેબસાઈટ પરથી ડાઉનલોડ થઈ શકતાં આ પુસ્તકો સહુએ વાંચવા જેવાં છે.
જાહેર જીવનમાં સામેલગીરી તૃપ્તિને વારસામાં મળી હતી. પિતા ઠાકોરભાઈ શાહ સામાજિક અન્યાય સામે લડવા માટે પત્રકાર તરીકેની કારકિર્દી અને ગાંધીવાદી વિચારધારા છોડીને માર્ક્સિસ્ટ- ટ્રૉટ્સ્કાઇસ્ટ અને ટ્રેઇડ યુનિયનિસ્ટ બન્યા હતા. માતુશ્રી સૂર્યકાન્તાબહેન પણ લોકો વચ્ચે કામ કરતાં. તૃપ્તિને ચળવળનો પહેલવહેલો અનુભવ 1973માં અગિયાર વર્ષની ઉંમરે થયો. વડોદરામાં દૂધના ભાવમાં કરવામાં આવેલા એક રૂપિયાના વધારાની સામેના વિરોધ દરમિયાન મોટેરાં સાથે તૃપ્તિ અને બીજી ચાર છોકરીઓને અટકાયતમાં લઈને ત્રણ દિવસ માટે બાળસુધાર ગૃહમાં રાખવામાં આવી હતી. આગળ ઉપર તેણે નવનિર્માણ માટેના અને કટોકટી વિરોધી આંદોલનોમાં પણ ભાગ લીધો હતો. અઢાર વર્ષની ઉંમરે તૃપ્તિ ફોર્થ ઇન્ટરનૅશનલ સંગઠનની ભારતીય પાંખ કમ્યુિનસ્ટ લીગની સહુથી નાની ઉંમરની કાર્યકર્તા બની. ફોર્થ ઇન્ટરનૅશનલે આખી દુનિયામાં સ્વાયત્ત મહિલા ચળવળની હિમાયત કરી હતી.
સ્વાયત્ત મહિલા ચળવળ માટેની તૃપ્તિની તીવ્ર આકાંક્ષાને આકાર આપવાનું કામ કમ્યુિનસ્ટ લીગનાં નારીવાદી સંશોધક-અધ્યાપક વિભૂતિ પટેલે કર્યું. વિખ્યાત સમાજશાસ્ત્રી નીરા દેસાઈનો પણ તેના પર મોટો પ્રભાવ હતો. મથુરા રેપ કેસમાં થયેલા અન્યાય પછી બળાત્કાર અંગેના કાયદામાં સુધારા માટે દેશભરમાં જાગેલા જુવાળમાં વડોદરામાંથી તૃપ્તિ મોખરે હતી. સ્વાયત્ત મહિલા આંદોલનના 1980માં મુંબઈમાં મળેલા પહેલા સંમેલનમાં તૃપ્તિ સહુથી નાની ઉંમરની ડેલિગેટ હતી. સંમેલનમાંથી તેની એ માન્યતા પાકી થઈ કે સ્ત્રીઅધિકાર માટે વડોદરામાં કંઈક અલગ કરવું પડશે. થોડાંક વર્ષોની મથામણ બાદ તૃપ્તિબહેને મ.સ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમવિચારી સાથીઓએ ‘સહિયર’ સ્થાપ્યું. તેનું ધ્યેય સમાનતા, અન્યાય અને અત્યાચારથી મુક્ત એવા એક સમાજ માટે મથવાનું હતું કે જ્યાં સ્ત્રીઓને માણસ તરીકેનું ગૌરવ અને સ્વીકૃતિ મળતાં હોય. સ્વાભાવિક રીતે જ યૌન હિંસાનો પ્રતિરોધ સંગઠનનો મહત્ત્વનો મુદ્દો બન્યો. સંગઠને સાગબારા અદિવાસી મહિલા બળાત્કાર (1986) અને છોટાઉદેપુરમાં બળાત્કારના હરિવલ્લભ પરીખ પ્રકરણ (1996)માં ન્યાય માટે મહત્ત્વની ભૂમિકા ભજવી. કોમવાદ સામેની લડત એ બીજું મહત્ત્વનું કાર્યક્ષેત્ર હતું.
કોમી હિંસા વખતે વસ્તીઓમાં જઈને કરેલાં કોમવાદ વિરોધી નાટકો, ભ્રૂણહત્યા વિરોધી આંદોલન અને જાતિ-પરીક્ષણ પર પ્રતિબંધની માંગ, આંબેડકરનગર ઝૂંપડાવાસીઓના રહેણાક હક્ક માટે આંદોલન, નાનાપુરા ગામમાં રસ્તો બનાવવાનું કામ, નારીવાદી શેરી નાટક મહોત્સવ જેવાં કામને નેહા યાદ કરે છે. લોકોમાં જાગૃતિ લાવવા તૃપ્તિબહેન ‘સહિયર’ વતી કાર્યશાળાઓ, તાલીમ શિબિરો, સહભાગી સંશોધન-પ્રકાશન, કિશોરીઓ અને મહિલાઓ માટે સલાહ તેમ જ કાનૂની સહાય જેવાં કામ વર્ષો સુધી સતત કરતાં રહ્યાં. ‘ઝુબાન’ સંસ્થાના ઉપક્રમે બહાર પડેલા એક સ્વકથનમાં તૃપ્તિબહેન લખે છે : ‘સમસ્યાઓ અને પડકારો વધુ જટિલ થતાં જાય છે. મૅક્રો લેવલ પર જમણેરી પરિબળો વધી રહ્યાં છે અને આર્થિક નીતિઓને કારણે હાંસિયામાં ધકેલાતા લોકોનું પ્રમાણ વધ્યું છે. આ બંનેના સંયોજનથી સ્ત્રીઓ પરનું પુરુષસત્તાક દમન વધ્યું છે … ’
પર્યાવરણ સુરક્ષા સમિતિમાં પણ તેઓ એક આધારસ્તંભ હતાં. વિકાસના નામે પર્યાવરણ અને નાનાં માણસોના વિનાશ તરફ દોરી જનારી યોજનાઓ પર તેમણે ઊંડું સંશોધન કરીને પછી વિરોધ કર્યો હતો. સ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને ગરુડેશ્વર વિયરને કારણે સિત્તેરેક ગામોના આદિવાસીઓ જમીનવિહોણા બની રહ્યા છે. તેની સામેના વિરોધમાં તેમણે સમિતિના કાર્યકરો સાથે અટકાયત વહોરી. મીઠી વીરડી પાસે સૂચિત અણુવિદ્યુત મથક, સ્પેિશયલ ઇનવેસ્ટમેન્ટ રિજન (સર)નો કાયદો, ગોલ્ડન કૉરિડોરમાં ઔદ્યોગિક પ્રદૂષણ જેવી અનેક વિઘાતક બાબતો સામેની ચળવળોમાં તે જોડાતાં રહ્યાં હતાં. છેલ્લા દિવસોમાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે નદીના મૂળથી મુખ સુધી આખી જીવસૃષ્ટિને થનારા નુકસાન અંગે તેઓ વ્યથિત હતાં. વારંવાર કહેતાં : ‘બહેનોના અધિકારની વાતો લોકો નથી સમજતા … નદી, પર્યાવરણની વાત લોકો નથી સમજતા … સમજે તો સારું …’
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 03 જૂન 2016