Opinion Magazine
Number of visits: 9665103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યા હોમ કરીને પડો ફતેહ છે આગે

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|10 February 2026

કનૈયાલાલ મુનશી જેમને ‘ગુજરાતનાં ગૌરવ, એકતા, અસ્મિતા, વિવિધતાથી ભરપૂર’ તેમ જ ‘આ ભાવનાઓના અવતાર’ ગણાવે છે એવા રણજિતરામ વાવાભાઈ મહેતાએ ‘ગુજરાતી એકતા’ નામે એક ઊંચેરો નિબંધ આપ્યો છે. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા 1982માં પ્રગટ થયેલા ‘રણજિતરામ ગદ્યસંચય —2’માં એ લેખ સંચવાયો છે.

અગ્રગણ્ય સ્કૉટિશ રાજકીય મીમાંશક ફ્રેડરિક સ્કૉટ ઑલિવરે 1915માં ‘Ordeal by Battle’ નામક એક પુસ્તક આપ્યું હતું. એ પુસ્તક માંહેનું એક અવતરણ ટાંકીને રણજિતરામ પોતાની રજૂઆત માંડે છે. સ્કૉટિશ મીમાંશક લખતા હતા : All nations dream — some more than others; while some are more ready than others to follow their dreams in to action.’ [બધા રાષ્ટૃોને સ્વપ્નાં આવે − કેટલાકને બીજાં કરતાં વધુ આવે; જ્યારે કેટલાક એ સ્વપ્નાંને સક્રિયપણે સાકાર કરવામાં બીજાની સરખામણીએ વિશેષ મથ્યા કરતા હોય છે.]

રણજિતરામ વાવાભાઈ મહેતા

આ ભૂમિકાની પછીતે રણજિતરામ લખે છે :

‘ગુજરાત એટલે માત્ર ભૂગોળની સીમાઓમાં આવેલી જમીન માત્ર નહીં, એ જમીન પર વસતા લોકોનો સમૂહ માત્ર નહીં પણ એ સર્વની સાથે જેઓ ગુજરાતી કહેવાય છે તેમાંના પ્રત્યેક અને તેમના સમગ્ર સમુદાયમાં નિવસતું ચેતન એ ગુજરાત છે. ગુજરાતીઓ ગુજરાતને ચાહે છે અને ગુજરાત ગુજરાતીઓને ચહાય છે. વર્તમાન ગુજરાતીઓનું જ ગુજરાત નથી પણ અતીત અને ભવિષ્યત્‌ ગુજરાતીઓનું પણ ગુજરાત છે. આ ગુજરાતમાં એકતા છે ? હોય તો કેવી છે ? ન હોય તો કેવી રીતે આવે ? એકતા શા માટે જોઈએ છે ? ગૌરવ માટે ? એકતાથી કેવું ગૌરવ પ્રગટે ? આવા આવા પ્રશ્નો મારા દિલમાં ઊઠે છે. એમના સંબંધમાં જે કાંઈ મને સૂઝ્યું છે તે આપને નિવેદન કરી આપની ચર્ચાથી અધિક પ્રકાશ મેળવવાની આશા રાખું છું.’

અને પછી, રણજિતરામ મહેતા, દીર્ઘ પટે, ગુજરાતમાં જે જે ‘એકતા નથી’ તેની વિગતે વાત કરે છે. એમના મત અનુસાર, સામાજિક એકતા નથી. વળી, ગુજરાતના ભાગ્યમાં ધર્મની એકતા પણ નથી. ઝીણી નજરે જોતાં ભૂગોળની એકતા પણ એમને મન નથી. રણજિતરામભાઈ સત્વરે સાબદા બની, પ્રશ્ન પૂછી બેસે છે : ‘… તો પછી એકતાનો પ્રશ્ન શા માટે ચર્ચવો?’ એ ખુદ જવાબ ખોળી બતાવે છે : ‘એક દેશમાં વસતી પ્રજામાં ઐક્ય ઉદ્દભવે અને સ્વાલંબનથી પોતાની પ્રગતિ તે સાધતી હોય ત્યારે પ્રજા મટી રાષ્ટૃ (nation) બને છે. રાષ્ટૃની સ્થિતિ પ્રાપ્ત કરવા અને નિભાવી રાખવા યુરોપનો ઇતિહાસ કેટલાંક સાધનો સૂચવે છે. ગુજરાતના વર્તમાન જીવનમાં એમાંનાં કેટલાં સાધનો હયાત છે, કેટલાં પ્રયાસથી ઊપજાવી શકાય છે અને કેટલાંની જરૂર પડે એમ નથી. …’

રણજિતરામ મહેતા, એ પછીના ફકરે, જણાવે છે : ‘પ્રજા એક જાતિના (race) હોય, એક દેશમાં વસતી હોય, એક ધર્મ પાળતી હોય, એક ભાષા બોલતી હોય, એક જ જાતના સમાજમાં સંઘટિત હોય, એક જ રાજ્યછત્ર નીચે હોય, એક જાતના સાહિત્ય અને કલાના પ્રભાવ નીચે હોય, એક સંકલનાવાળા ઇતિહાસસ્થ પરાક્રમોથી ઉદ્રેકવાળી હોય, એક પ્રકારના વેપારઉદ્યોગમાં મશગુલ હોય, ‘અમારો દેશ’ ફલાણો અને તેમાં વસનારા અમે ફલાણા − અમારે લીધે દેશનાં શ્રેય, કીર્તિ, ઉત્કર્ષ, પ્રભાવ અને દેશને માટે અમારાં શ્રમ, અભ્યાસ, સંપન્નતા, ત્યાગ, સાહસ, સામર્થ્ય એવી અનુપમ નીતિની ભાવનાથી ભરેલી હોય તો તે પ્રજા રાષ્ટૃ થાય છે. ઇતિહાસ કહે છે કે આ સર્વ સ્થિતિ હોય ત્યાં જ રાષ્ટૃ હોય એવું કાંઈ નથી. એમાંની એક સ્થિતિ પ્રબળ હોય તો બસ છે. બીજી સ્થિતિઓ એકમાંથી આવી રહે છે અને કદાચ ન આવે તો નુકસાન થતું નથી.’  

રણજિતરામ મહેતાનો, 35 વર્ષની વયે, જૂન 1917માં દેહાન્ત થયો હતો. આથી આ લખાણને સોએક ઉપરાંત વર્ષોનાં વહાણાં વાયાં જ હોય. એટલે એને આજના સંદર્ભે આ વિચારને ચકાસવા તપાસવાના હોય.

રણિજતરામ મહેતાએ સવાલ કર્યો છે : ‘ગુજરાતની વસ્તી એક જાતિની છે ?’ એમનો જવાબ નકારમાં છે. રણજિતરામ નોંધે છે : ‘ઊંચાઈ, બાંધો (પાતળો કે જાડો), રંગ (ચામડી, વાળ અને આંખનો), મોં અને ખોપરીનો આકાર, નાકનો ઘાટ, વાળની કુમાશ વગેરે સરખાં હોય તો માણસો એક જાતિના ગણાય છે અને ફેર હોય તો ભિન્ન જાતિનાં. અનેક જાતિનો વસવાટ થાય તો અરસપરસના લગ્નસંબંધથી આ બાબતોમાં ફેર પડી જાય છે. ગુજરાતમાં એવું થતું જોવામાં આવે છે. ઘણા પરદેશીઓ ગુજરાતમાં આવી વસ્યા છે અને ગુજરાતી જેવા થયા છે. ગુજરાતીઓ ઘણા પરદેશમાં જઈ વસ્યા છે અને પરદેશી જેવા થઈ ગયા છે. … … આજ લગભગ બારસો વરસથી પારસીઓ ગુજરાતમાં વસે છે છતાં ગુજરાતીઓ નથી થયા અને એમની પૂર્વે આશરે પાંચસો વર્ષ ઉપર આવેલા મગ લોકો આજે તદ્દન હિન્દુ થઈ ગયા છે. આનું મોટું કારણ એ છે કે જ્યારે મગ આવ્યા ત્યારે હિન્દુ સમાજમાં પરદેશીઓને સ્થાન મળતું હતું પણ પારસીઓ આવ્યા ત્યારે તે રિવાજ તદ્દન બંધ પડ્યો હતો. સાથે બીજી મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે પારસીઓ મુસલમાનોથી પોતાના ધર્મનું રક્ષણ કરવા હિન્દુસ્તાનમાં આવ્યા હતા. આમ છતાં પણ જાતિની વિવિધતા રાષ્ટૃીય એકતા સાધવામાં અંતરાયરૂપ થઈ પડતી નથી એવો આ જમાનામાં ઘણા દેશોનો અનુભવ છે. ઘણી વાર ધર્મ, સંસ્કારિતા, આબોહવા, લગ્નસંબંધ વગેરેને લીધે એ વિવિધતા ઓગળી જાય છે. …’

આની સામે પ્રભુદાસ છગનલાલ ગાંધી લિખિત ‘જીવનનું પરોઢ’ તપાસીએ તો લેખક ઠમકોરીને કહે છે કે, ‘સમાજજીવન સૈકાઓ સુધી કુટુંબ અને નાતના ઘટકમાં વહ્યું છે એટલે એની જાણકારી જેટલી મળી શકે એટલી મેળવી લીધી હોય તો ખોટું નહીં.’ અને આ સારુ વિસ્તારના ઇતિહાસ અને ભૂગોળ સમજવા પર એ ભાર મૂકે છે. લેખકને મન આ ‘પ્રદેશની ભૌગોલિક સમૃદ્ધિ જેટલી વિવિધ છે એટલી જ ઉજ્જવળ ત્યાંની ઐતિહાસિક પરંપરા છે.’

પ્રાધ્યાપક જયન્ત મ. પંડ્યાને 24 ઍપ્રિલ 1999ના રોજ એક સવાલ કરેલો : 21મી સદીનો ઉઘાડ થઈ રહ્યો છે તે વેળા પોતીકાં પરાયાં ક્યાં સુધી ? “ઓપિનિયન”ના 26 મે 1999ના અંકમાંની વિગત અનુસાર, જવાબમાં જયન્તભાઈ કહેતા હતા, ‘સવાલનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય કે, જ્યાં સુધી ઓળખની ભિન્નતા છે ત્યાં સુધી.’ એમના મત અનુસાર, ‘ઓળખની ભિન્નતા જુદા જુદા રૂપે પ્રગટે છે એમાં ભાષા, સંસ્કાર, પરંપરાઓ, જીવનશૈલી જેવાં ઘટક તત્ત્વો છે. રંગે, રૂપે, ભાષાએ, વ્યવહારે પ્રગટ થતા સમુદાયને આપણે કોઈક વિશેષ સંજ્ઞાથી ઓળખીએ છીએ જેમ કે ગુજરાતી, પંજાબી, બિહારી, બંગાળી, અંગ્રેજ, હબસી, વગેરે. આ બધી ઓળખની જુદાઈ છે. એ જુદાઈ દીવાલો રચે છે, આત્મ-અભિમાનને પોષે છે, ગમાઅણગમાની ગાંઠો બાંધે છે, પોતાના સિવાયનાં બીજાં પ્રજાજૂથોને ‘ધોળિયા’, ‘કાળિયા’ જેવા તુચ્છકારવાચક સંબોધનોથી નવાજે, પોતાના વર્ણ કે સંપ્રદાયનો મહિમા ઊંચા સ્વરે લલકારે છે અને ઓળખની જુદાઈને જડબેસલાખ ચણી દે છે. આ બધું જોતાં એક બીજા તારણ ઉપર એમ પહોંચી શકાય કે ઓળખની જુદાઈ કરતાં એનું સાંકડાપણું વધારે જોખમી અને ભયંકર છે. જુદાઈનું સાંકડાપણું વ્યક્તિઓ મારફતે જુદાં જુદાં સમાનધર્મી જૂથોમાં વહેંચાય, જૂથોમાંથી પેઢી દર પેઢી નીચે ઊતરતું જાય અને પછી એ સાંકડાપણું જ તરણોપાય છે એવી ગાંઠો મનમાં બંધાતી જાય છે અને છેવટે એ ગાદીપતિ થઈને મહાલે છે. આ ગાદીપતિ કે મથાધિપતિ એ જાતિભેદ અને વર્ણભેદનો વૈતાલિક છે. એના ઝનૂનથી ગાંડા થયેલા માણસો મોતના સોદાગર થઈને વિહરે છે − પ્રજાકીય ભાવનામાં સુરંગ ચાંપે છે, પોતાના માનેલા દુ:શ્મનોને ડરાવવા બૉમ્બ ફોડે છે અને હવે તો પ્રચાર-પ્રસારને માટે ઈન્ટરનેટ જેવા માધ્યમનો ઉપયોગ કરે છે.’

આપણ એક અગ્રિમ વિચારક અને વિશ્લેષક પત્રકાર રમેશ ઓઝા, 31 જાન્યુઆરી 2021ના “ગુજરાતમિત્ર” માંહેની કતારમાં લખતા હતા, ‘ધર્મનું બીજું લક્ષણ એ છે કે એ બીજી કોઈ પણ ઓળખ કરતાં ધાર્મિક ઓળખ વધુ આગ્રહી અને આક્રમક છે. જેમ કે વંશદ્રોહી, ભાષાદ્રોહી, પ્રાંતદ્રોહી, જ્ઞાતિદ્રોહી વગેરે શબ્દો તમારે કાને ભાગ્યે જ પડ્યા હશે પણ ધર્મદ્રોહ અને ધર્મદ્રોહી એવા શબ્દો આપણને રોજ સાંભળવા મળે છે. આને કારણે ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. જે સંસ્થા આગ્રહપૂર્વક, આક્રમક રીતે, આદેશો બહાર પાડીને, પ્રજાને ડરાવી-ધમકાવીને બને એટલો સમય પ્રજાને જોડી રાખવામાં કે જકડી રાખવામાં ઉપયોગી થતી હોય એવી સંસ્થા સ્વાભાવિકપણે શાસકોને વધુ ભાવે છે. ધર્મસંસ્થા આવી એક સંસ્થા છે. આને પરિણામે તમે જોયું હશે કે જે દેશોમાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી રાજકારણ કરવામાં આવે છે ત્યાં પ્રજાને રાષ્ટ્રવાદના ઘેનમાં અને મદમાં રાખવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આજકાલ આવું બની રહ્યું છે.’

વળી, રમેશભાઈ દલીલતા હતા, ‘તો બન્યું એવું કે ઇસ્લામ ધર્મની મહાનતા અને મુસ્લિમ વિશ્વ-બંધુત્વના દાવા કરવામાં આવતા હોવા છતાં પાકિસ્તાન સામે અસ્તિત્વનું સંકટ પેદા થવા લાગ્યું. તેને રોકવા માટે રાજકારણીઓએ અને લશ્કરના જનરલોએ બંગાળી, સિંધી, અફઘાની-પઠાણી, બલુચી અને કબિલાઈ અસ્મિતાઓને દબાવવા માટે ઇસ્લામ ધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમ જેમ ઇસ્લામની ઓળખોને દબાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો એમ એમ ઓળખો વળતી પ્રતિક્રિયારૂપે આક્રમક બનતી જતી હતી અને જેમ જેમ ઓળખો આક્રમક બનતી જતી હતી એમ એમ ઇસ્લામની ઓળખ હજુ વધુ આક્રમક બનવા લાગી હતી. ક્રિયા-પ્રતિક્રિયાનું વિષચક્ર શરૂ થયું. હવે પાછા ફરી શકાય એમ હતું જ નહીં. કાં તો ધર્મ તારે અને કાં ધર્મ ડૂબાડે. અક્ષરશ: ઇસ્લામની પીઠ ઉપર વાઘસવારી શરૂ થઈ.’

વારુ, એક મજેદાર ચોપડી, ’સતીશકુમાર : ઍબન્ડન્ટ લવ’ અબીહલ બહાર પડી છે. જગદીશ રત્તનાની, સુદર્શન આયંગાર તથા લિસા પીઅરસને સતીશ કુમારની લીધેલી વિષદ મુલાકાતોને આધારે પ્રગટ આ પુસ્તકમાં, આશરે પચાસેક વર્ષથી શાંતિ અને પર્યાવરણના મુદ્દાઓ પર ગાંધી – વિનોબાના વિચારો અન્ય સમક્ષ રજૂ કરવાનું કાર્ય કરી રહેલા, યુનાઇટેડ કિંગ્ડમના ડૉવર વિસ્તારમાં આવેલા ટૉટનેસ ગામમાં સ્થપાયેલી શુમાખર કૉલેજના પ્રૉગ્રામ ડિરેક્ટર, સુખ્યાત કર્મશીલ તેમ જ વક્તા સતીશ કુમારની મુલાકાતને આવરી લેવાઈ છે. આ પુસ્તકમાં લેખકો સતીશકુમારને 1962ના અરસામાં યોજાયેલી વિશ્વ સ્તરની પદયાત્રા બાબત પ્રશ્ન કરી રહ્યા છે. દિલ્હીના રાજઘાટથી આરંભાયેલી આ પદયાત્રામાં એમના સાથી ઈ.પી. મેનન પણ હતા. મૉસ્કો, વૉશિંગ્ટન જવાના ઈરાદાવાળી આ શાંતિ યાત્રાના ફલિકરણની ચર્ચા ચાલતી હતી, તેમાં સતીશકુમારે ઉમેર્યું, આ તો મનોરાજ્ય છે. પછી કહેતા રહ્યા, દૃઢનિશ્ચયીપણું સૌથી ઊંચેરી અને ઉમદા શક્તિ છે. આવા નિર્ધાર સાથે કામ પાડવાનું થાય તેને કારણે આવનારી મુશ્કેલીઓનો આસાનીથી સામનો કરી શકાય છે. અને બહુધા આપણે પાર પડીએ પણ છીએ.

અને પછી, એ પુષ્ટિકારી ઉદાહરણો આપતા હતા : ડબ્લિનથી નવી દિલ્હી લગીનો એકાકી સાયકલ પ્રવાસ ખેડનાર ડેર્વલા મરફીએ વચ્ચે આવતા દેશોનો વિકટ પ્રવાસ તો કર્યો અને તે પછી તે આફ્રિકે પણ સાયકથી જ જઈ આવેલાં. Peace Pilgrim પુસ્તકની નોંધ અનુસાર બીજી એક બાઈએ, વળી, અમેરિકામાં જ શાંતિની ખોજમાં એકાકી પદયાત્રા કરી હતી. એ કમાલની મહિલા હતી. તેની દાસ્તાં આ ચોપડીમાં તંતોતંત મળી આવે છે. અને પછી સતીશકુમાર મધર ટેરેસાનો અને કેન્યાનિવાસી વાંગારી માથાઈના દાખલા આપે છે. કેવી કેવી મુશીબતોનો સામનો કર્યા પછી આ મહિલાઓની કામગીરી ઝળાંહળાં થાય છે. એમનાં કામો દીપી ઊઠે છે, અને તદુપરાંત બન્નેને શાંતિ માટેનાં નૉબેલ પારિતોષિકો ય એનાયત કરાય છે.      

ઇતિહાસમાં સાહસવીરોની નોંધ લેવામાં આવે છે, કાયરોની નહિ. કોલંબસે સાહસવૃત્તિથી અનેક આફતોનો સામનો કરીને અમેરિકા ખંડ શોધી કાઢ્યો હતો. તેનસિંગ અને હિલેરી અપૂર્વ સાહસિકતા દાખવીને એવરેસ્ટ પર પહોંચી શક્યા હતા. રશિયન અને અમેરિકન અવકાશયાત્રીઓ પણ એમની રોમાંચક સાહસવૃત્તિને લીધે જ ચંદ્રની યાત્રાઓ કરી શક્યા હતા. સિકંદર, સમુદ્રગુપ્ત, નેપોલિયન વગેરેનાં જીવન અનેક સાહસોથી ભરેલાં છે.

ગુજરાતના જાણીતા કવિ પ્રીતમે યોગ્ય જ કહ્યું છે કે :

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમેં તેં ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા તે રજનીદંન નરખે જોને.

સત્યનો માર્ગ પણ શૂરાનો માર્ગ છે, એમ ક્યાંક વાંચ્યાનું સાંભરે છે. લરખક કહેતા હતા, આ માર્ગે ચાલવા માટે પણ સાહસની જરૂર પડે છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ તેમ જ બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ પયગંબર વગેરે મહાપુરુષોએ એમનામાં રહેલી સાહસિક્તા થકી સત્યની શોધ કરી હતી. મરજીવાઓ એમના જીવને જોખમમાં મૂકીને દરિયામાંથી મોતી શોધી લાવે છે. જો તેઓ પોતાની સલામતીની ચિંતા કર્યા કરે તો તેઓ મોતી ન મેળવી શકે. નિઃશસ્ત્ર અને અહિંસક ગાંધીજી શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે જિદગીભર ઝઝૂમતા રહ્યા હતા.

અહિંસક સત્યાગ્રહના જંગમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલે તેમ જ અનેકોએ એમની અભૂતપૂર્વ સાહસવૃત્તિનો પરિચય આપ્યો હતો. ‘હિંમતે મર્દા, તો મદદે ખુદા.’ અર્થાત્ જે સાહસ કરે છે તેને જ ભગવાન મદદ કરે છે, અંગ્રેજીમાં કહેવત છે : God helps those who helps themselves.

સાહસ કરવાથી માનવીમાં અનેક ગુણોનો વિકાસ થાય છે, તે આત્મવિશ્વાસ કેળવી શકે છે. તેને મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની સૂઝ મળે છે. તેની સર્વાગી પ્રગતિ થાય છે. તેથી તેનો ઉત્સાહ વધે છે અને તે નવાનવા સાહસો કરવા પ્રેરાય છે : સાહસ કરનાર જ નામ અને દામ બંને મેળવી શકે છે.

નર્મદે યોગ્ય જ કહ્યું છે :

“ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.”

સાહસ કરવાનું જરૂરી છે, પરંતુ સાહસ કરનારે પોતાની શક્તિની મર્યાદાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. તમારે તમારો કોટ તમારાં કાપડની મર્યાદા અનુસાર જ બનાવવો પડશે (Cut your coat according to your cloth). એટલે કે માનવીએ પોતાની શક્તિની મર્યાદામાં રહીને જ સાહસ કરવું જોઈએ. દેખાદેખીથી કે લોભથી પ્રેરાઈને પૂરતો વિચાર કર્યા વગર સાહસ કરનારની દશા ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવી થાય છે. વગર વિચાર્યું ગજા ઉપરાંતનો વેપાર કરનારો વેપારી ઘણી વાર આફતમાં સપડાઈ જાય છે. તે ભારે ખોટ કરે છે અને પોતાની મૂડી પણ ગુમાવી બેસે છે. એટલે સાહસ કરતાં પહેલાં બધી બાજુનો, ખાસ કરીને સમય અને સંજોગોનો પૂરેપૂરો વિચાર કરવો જોઈએ. વ્યવસ્થિત આયોજન પણ કરવું જોઈએ.           

પાનબીડું :

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે;

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,

શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;

હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,

જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;

ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,

તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;

સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,

સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;

થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,

સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;

સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,

સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;

સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,

સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;

સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,

સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;

સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

                                                  − નર્મદ

e.mail : vipoolkalyani.opinion@btinternet.com
[શબ્દો : 2,097]              
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ, 01 ઑગસ્ટ 2020 – 27 ઑગસ્ટ 2024

Loading

10 February 2026 Vipool Kalyani
← દમ પતી જાય એને દંપતી કહેવાય 
રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ →

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved