કેવી રીતે NATOના વિસ્તરણે યુરોપનો કિલ્લો બનાવ્યો અને યુક્રેનને યુદ્ધના મેદાનમાં ફેરવી દીધું

ચિરંતના ભટ્ટ
જ્યારે માર્ક રટ (Mark Rutte) ગયા અઠવાડિયે દાવોસમાં વૈશ્વિક નેતાઓ સામે ઊભા થયા, ત્યારે તેમના સંદેશમાં NATO(North Atlantic Treaty Organization)ના જનરલ સેક્રેટરી પાસેથી અપેક્ષિત રાજદ્વારી નરમાશ જોવા ન મળી. તેમણે ચેતવણી આપી કે, “આપણે જે ખતરાનો સામનો કરી રહ્યા છીએ તે દેખીતો, વાસ્તવિક અને લાંબા સમય સુધી ટકે તેવો છે.” આ શબ્દોની પાછળ એક એવો પ્રશ્ન છુપાયેલો છે જે બર્લિન વૉલ પડી તે પછી એટલાન્ટિક સંધિને સતાવી રહ્યો છે: શું તમે છત તૂટી પડવાની ચિંતા કર્યા વિના ઘરમાં નવા ઓરડા ઉમેરવાનું ચાલુ રાખી શકો?
અહીં આંકડા જ પુરાવો બને છે. 1949માં 12 સ્થાપક સભ્યો હતા. આજે 32 સભ્યો છે. દરેક નવા સભ્યના ઉમેરાને ઉદાર લોકશાહીની જીત તરીકે વધાવી લેવાયો. છતાં આજના સંજોગો શું છે? રશિયન ટેન્કો યુક્રેનના શહેરોને કચડી રહી છે, NATOના સભ્યો દારૂગોળાના સ્ટૉક માટે ઝઘડી રહ્યા છે, અને ભારત વૉશિંગ્ટન અને મૉસ્કો વચ્ચે સંતુલન જાળવી રહ્યું છે.
તો ભૂલ ક્યાં થઈ? અથવા કદાચ સવાલ એમ થાય કે, અત્યાર સુધી બધું એટલું સાંગોપાંગ ઉતર્યું કે આપણે મૂળ નિયમો જ ભૂલી ગયા?
વ્યૂહાત્મક પ્રલોભનનો અંત અને વિસ્મૃતિની શરૂઆત
NATOના શરૂઆતના વિસ્તરણો (1949-1991) કોઈ આદર્શવાદ નહીં, પરંતુ ઠંડા કલેજે કરેલી ગણતરીઓ હતી. એ વખતે ગ્રીસ, તુર્કી કે જર્મનીને જોડવા પાછળનો હેતુ લોકશાહી ફેલાવવાનો નહોતો, પણ ‘ભૂગોળ’ જીતવાનો હતો. (જુઓ બોક્સ: જ્યારે NATOનું વિસ્તરણ માત્ર ગણતરી હતું).
પરંતુ 1991 પછી વિજયની સાથે વિસ્મૃતિ (Amnesia) પણ આવી. 1990ના દાયકાએ NATOને સંરક્ષણાત્મક ગઠબંધનમાંથી એક એવી સંસ્થામાં ફેરવી દીધું જેને તેના સ્થાપકો ભાગ્યે જ ઓળખી શકે: હવે NATO લશ્કરી તર્કને બદલે રાજકીય ગતિથી ચાલતું ‘વિસ્તરણ મશીન’ બની ગયું હતું.
પોલેન્ડ, હંગેરી અને ચેક રિપબ્લિકથી લઈને બાલ્ટિક દેશો સુધીના ઉમેરા કાગળ પર આકર્ષક હતા; યુવાન લોકશાહીઓ પશ્ચિમી ગેરંટી માટે આતુર હતી. પરંતુ વાસ્તવિકતા જટિલ હતી. નવા જોડાયેલા દેશોની લશ્કરી ક્ષમતાઓ સાધારણ હતી. એસ્ટોનિયા યુદ્ધના મેદાનમાં લગભગ 350 સૈનિકોને જાળવી શકે તેમ હતું. NATOને ઉપયોગી બળ મળ્યું તેના કરતાં વધુ ઝડપથી સભ્યો મળ્યા. અને સૌથી મોટું નુકસાન એ થયું કે ગઠબંધને નિર્ણય લેવાની ઝડપ ગુમાવી દીધી.
રશિયા અને બુખારેસ્ટની ભૂલ
પશ્ચિમી નેતાઓએ આગ્રહ રાખ્યો કે વિસ્તરણ મોસ્કોને નિશાન બનાવીને નથી કરાયું, પણ રશિયાએ એ વાત ન માની. NATOનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેન્ટ પીટર્સબર્ગની અંદર લગભગ 150 કિલોમીટર જેટલે અંતરે ઘૂસી ગયું. 2008માં બુખારેસ્ટ ખાતે નિર્ણાયક ક્ષણ આવી. NATOએ જાહેર કર્યું કે યુક્રેન અને જ્યોર્જિયા “સભ્યો બનશે”, પણ તેમને મેમ્બરશિપ એક્શન પ્લાન (MAP) નહોતા અપાયા. આ બંને માટે સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ: મોસ્કોને ઉશ્કેરવા માટે પૂરતું મજબૂત વચન, પરંતુ રક્ષણ પૂરું પાડવા માટે સાવ નબળું. પરિણામ? ચાર મહિના પછી રશિયન ટેન્કો જ્યોર્જિયામાં હતી.
યુક્રેનનો હિસાબ: જ્યારે બિલ ચૂકવવાનો સમય આવ્યો
24 ફેબ્રુઆરી, 2022એ બે દાયકાના વિસ્તરણથી સર્જાયેલા વિરોધાભાસોને ખુલ્લા કરી દીધા. ફિનલેન્ડ અને સ્વીડનના જોડાણે મોટી ક્ષમતાઓ ઉમેરી, પરંતુ રશિયા સાથે NATOની સરહદ 1,300 કિલોમીટર વધી ગઈ.
આર્થિક ખર્ચ પણ તોતિંગ છે. યુરોપ હવે જી.ડી.પી.ના 5% સુધી સંરક્ષણ ખર્ચ લઈ જવા મજબૂર છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે અર્થતંત્રો ફુગાવો અને દેવા હેઠળ દબાયેલા છે. જર્મની ફરીથી સૈન્યીકરણ શીખી રહ્યું છે અને પોલેન્ડ કોરિયન ટેન્કો પર ભવિષ્ય દાવ પર લગાવી રહ્યું છે.
યુક્રેન આ વિરોધાભાસના કેન્દ્રમાં બેઠું છે. મોસ્કોને અકળાવવા પૂરતું પશ્ચિમી, પરંતુ NATOનું રક્ષણ મેળવવા માટે પૂરતું પશ્ચિમી નહીં. ‘ઓપન ડોર’ નીતિએ એક એવું વચન આપ્યું હતું જે ગઠબંધન પરમાણુ યુદ્ધના જોખમ વિના પૂરું કરી શકે તેમ ન હતું. કિવે (Kyiv) તેની કિંમત ચૂકવી.
દિલ્હીથી દેખાતો નજારો: બ્રસેલ્સથી આગળના બોધપાઠ
ભારત માટે, નાટોના વિસ્તરણની વાર્તા કોઈ મોડેલ જેવી ઓછી, અને ચેતવણીરૂપ કથા જેવી વધુ લાગે છે. જ્યારે ભારત હિંદ–પ્રશાંત પ્રદેશમાં પોતાની વ્યૂહરચના ઘડે છે, ત્યારે બ્રસેલ્સની ભૂલોમાંથી શીખવાનું ઘણું છે, ખાસ કરીને આ સવાલ કે સુરક્ષા માળખાં કેવી રીતે વધુ પડતા વિસ્તરી જાય અને પોતાના જ ભારને દબાઈ જાય છે. તત્કાલિન અસરો દેખાય છે, સસ્તા રશિયન તેલનો ફાયદો મળ્યો છે, પણ તે કાયમી નથી.
વધુ વ્યાપક રીતે જોઈએ તો, યુક્રેન યુદ્ધ સાબિત કરે છે કે પર્યાપ્ત ક્ષમતાઓ વિનાનું વિસ્તરણ શૂન્યાવકાશ પેદા કરે છે. જેમ જેમ ભારત ક્વૉડ (Quad) સહયોગને વધુ ગાઢ બનાવે છે, તેમ તેમ આ બોધ મહત્ત્વના બની જાય છે. ક્વૉડની તાકાત આંશિક રીતે એમાં છે કે તે લશ્કરી ગઠબંધન નથી કે એશિયન NATO નથી. જે સુગમતા અમેરિકન એલાયન્સ મેનેજરોને હતાશ કરે છે તે કદાચ એ જ બાબત છે જે તેને બીજું ‘વધુ પડતું વિસ્તરેલું પ્રતિબદ્ધતાનું માળખું’ બનતા અટકાવે છે.
ચીન પણ આ તમાશો જોઈ રહ્યું છે. જો વિશ્વનું સૌથી શક્તિશાળી ગઠબંધન યુક્રેન માટે દારૂગોળાના પુરવઠા પર સંમત થઈ શકતું નથી, તો તે પશ્ચિમી જગતની મર્યાદાઓ છતી કરે છે. બેઇજિંગ માની રહ્યું છે કે અમેરિકન સુરક્ષાના કમિટમેન્ટ તેની ક્ષમતા કરતાં વધી ગયા છે.
એ દરવાજો જે બંધ નહીં થાય
NATO આ હિસાબમાંથી બચી જશે, પણ 1990ના દાયકાનો વિજયી ઉન્માદ હવે ગયો છે. યુક્રેનનું સભ્યપદ યુદ્ધના મેદાનના પરિણામો પર આધારિત છે. દરવાજો હજુ ખુલ્લો છે, પણ કોઈ બારણે આવકારવા નથી ઊભું.
નવી દિલ્હીએ અમુક બાબતો સમજી લેવી પડશે. બહુધ્રુવીય વિશ્વમાં, કઠોરતા કરતાં સુગમતા વધુ સારી છે. પ્રતિબદ્ધતા કરતાં હેજિંગ (બચાવ) વધુ સારો વિકલ્પ છે. NATOનો આગામી અધ્યાય યુક્રેનની ખાઈઓમાં લખાઈ રહ્યો છે. ભારતનો અધ્યાય હજુ અલિખિત છે; અને તે, અત્યાર માટે, તેનો સૌથી મોટો ફાયદો હોઈ શકે છે.
બાય ધી વેઃ
NATOનું પંચોતેર વર્ષનું વિસ્તરણ છેવટે એ જ બતાવે છે: સુરક્ષાની દુવિધાઓ અદૃશ્ય થતી નથી; તે માત્ર સ્વરૂપ બદલે છે. સોવિયેત સામ્યવાદને હરાવનાર ગઠબંધન હવે રશિયન બદલાની ભાવના (revanchism) સાથે ઝઝૂમી રહ્યું છે. જે વિસ્તરણે પૂર્વ યુરોપને સ્થિર કર્યું તેણે રશિયાની સરહદોને અસ્થિર કરી. જે ખુલ્લા દ્વાર પશ્ચિમી મૂલ્યોનું પ્રતીક હતા તે મહાસત્તા સંઘર્ષનું કારણ બની ગયા છે.
NATOના વિસ્તરણનો ઇતિહાસ: જ્યારે ગણતરી ‘ભૂગોળ‘ હતી, ‘ભાવના‘ નહીં (1949-1991: ધ આર્ટ ઓફ સ્ટ્રેટેજિક સિડક્શન)
NATOના શરૂઆતના દિવસોમાં નવા સભ્યો ઉમેરવા પાછળ કોઈ ઉદારતા નહોતી, પણ પાક્કું લશ્કરી ગણિત હતું:
· તુર્કી (1952): તુર્કીને જોડવું એ લોકશાહી માટે નહીં, પણ બોસ્ફોરસ (Bosphorus) પર નિયંત્રણ મેળવવા માટે હતું. તેનાથી કાળા સમુદ્રમાં સોવિયેત નૌકાદળને રોકી શકાયું અને દક્ષિણ રશિયાની નજીક એરબેઝ મળ્યા.
· પશ્ચિમ જર્મની (1955): જે દેશે બે વિશ્વયુદ્ધો કર્યા હતા તેને ફરીથી સેના અપાઈ કારણ કે ગણતરી સ્પષ્ટ હતી: જર્મન ટુકડીઓ વિના સોવિયેત દળોને રાઈન નદી સુધી પહોંચતા રોકવા અશક્ય હતા.
· સ્પેન (1982): ફ્રાન્કોના મૃત્યુ પછી સ્પેન જોડાયું, પણ મુખ્ય હેતુ જિબ્રાલ્ટર પર નિયંત્રણ અને એટલાન્ટિક બંદરોનો હતો જેથી સબમરીન યુદ્ધમાં ફાયદો મળે.
આ તમામ નિર્ણયો “ઓપરેશનલ સમસ્યાઓ” ઉકેલવા લેવાયા હતા, વચનો પૂરા કરવા નહીં.
સ્રોત : આ વિશ્લેષણ “નાટો એટ 60: ધ પોસ્ટ–કોલ્ડ વોર એન્લાર્જમેન્ટ એન્ડ ધ એલાયન્સ ફ્યુચર“(IOS પ્રેસ, 2010)ના સંશોધન ડેટા અને વ્યૂહાત્મક સમીક્ષાઓ પર આધારિત છે, ખાસ કરીને ફર્ડિનાન્ડો સાનફેલિસ ડી મોન્ટેફોર્ટે, જસ્ટસ ગ્રેબનર અને બાસ્ટિયન ગિગેરિચના સંશોધનો, તેમ જ વર્તમાન ઘટનાક્રમો પર.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જાન્યુઆરી 2026
![]()

