
ચિરંતના ભટ્ટ
જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર, ખુલ્લેઆમ, તેના જ ‘નાટો’ (NATO) સહયોગી એવા પ્રદેશ પર બળજબરીથી નિયંત્રણ મેળવવાની વાત કરે, ત્યારે તે કોઈ એકલદોકલ કે અવગણવાની ઘટના નથી; તે આવનારા સમયની બ્લુપ્રિન્ટ છે. ગ્રીનલેન્ડ, બરફથી ઢંકાયેલો એવો ટાપુ જેને નકશામાં શોધવામાં પણ મોટાભાગના ભારતીયોને મુશ્કેલી પડે, પણ આ ટાપુ અત્યારે સ્પષ્ટ રીતે બતાવી રહ્યો છે કે આવનારા દાયકાઓમાં મહાસત્તાઓ ખરેખર કેવું વર્તન કરશે. પછી ભલે દુનિયા ‘નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા’નાં બણગાં ફૂંકે.
જાન્યુઆરીમાં, યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ હસ્તગત કરવાનો વિચાર વહેતો મૂક્યો, અને આ વખતે તેમણે લશ્કરી કે આર્થિક દબાણનો ઉપયોગ કરવાની શક્યતા નકારી નહોતી. જવાબમાં યુરોપીયન સાથીઓએ આ ટાપુ પર સૈનિકોની નાની ટુકડીઓ મોકલી; જે એક ચેતવણી સંકેત પણ હતો અને સાથે જ એ સ્વીકૃતિ પણ કે ડેનમાર્ક એકલા હાથે આ વિશાળ પ્રદેશનું રક્ષણ કરી શકે તેમ નથી. બીજી તરફ, ગ્રીનલેન્ડના નેતાઓ સ્પષ્ટ હતા : આ ટાપુ “વેચાણ માટે નથી”.
આ માત્ર ટ્રમ્પની વ્યક્તિગત ધૂન નથી. ગ્રીનલેન્ડ અત્યારે વૈશ્વિક સત્તાને નવી દિશામાં વાળતા ત્રણ પરિબળોના ટકરાવના કેન્દ્રમાં છે : આબોહવા પરિવર્તનથી બદલાતું ભૂગોળ, સપ્લાય-ચેઈન પર નિયંત્રણ માટેનો સંઘર્ષ અને મહાસત્તાઓની ‘ડિનાયલ સ્ટ્રેટેજી’ – એટલે પ્રતિસ્પર્ધીને વ્યૂહાત્મક જગ્યા મળવા ન દેવાની રણનીતિ. ભારત માટે આ એક અસ્વસ્થ કરનારો બોધપાઠ છે, જેને અવગણવાની લક્ઝરી આપણી પાસે નથી : જટિલ જિઓ-પોલિટિકલ વ્યૂહાત્મક પ્રદેશ અંતે તેનો જ હોય છે જે તેને સુરક્ષિત રાખી શકે.
ગ્રીનલેન્ડ માટેનો જંગ શા માટે મહત્ત્વનો છે?
ગ્રીનલેન્ડનું મૂલ્ય લાગણીશીલ નથી; તે એક ગણતરી છે. અમેરિકાને મામલે એ કહેવત યાદ રાખવી જોઈએ, “લાલો લાભ વગર લોટે નહીં.”
લશ્કરી ભૂમિતિ (Military Geometry)
અમેરિકા ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં ‘પિટુફિક સ્પેસ બેઝ’ (Pituffik Space Base—અગાઉનું થુલે એર બેઝ) ચલાવે છે, જે મિસાઈલ વોર્નિંગ અને સ્પેસ સર્વેલન્સ માટેનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. યુરેશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચેના ઘણા ટ્રાન્સપોલર મિસાઈલ હુમલાના સૌથી ટૂંકા માર્ગો સીધા આર્કટિક પરથી પસાર થાય છે. હાઈપરસોનિક શસ્ત્રોના યુગમાં, જ્યારે નિર્ણય લેવા માટે મિનિટોનો જ સમય હોય છે, ત્યારે ‘ફોરવર્ડ સેન્સર’ હોવા એ કોઈ વિકલ્પ નથી, તે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્ય છે.
GIUK – ગેપ
ગ્રીનલેન્ડ, આઈસલેન્ડ અને યુ.કે. (UK) વચ્ચેનો આ કોરિડોર આર્કટિકના પાણીને ઉત્તર એટલાન્ટિક સાથે જોડતો વ્યૂહાત્મક માર્ગ છે. શીતયુદ્ધ દરમિયાન, સબમરીન વિરોધી યુદ્ધ માટે આ કેન્દ્ર હતું. આજે, રશિયન સબમરીનની પ્રવૃત્તિઓ ફરી વધી રહી છે ત્યારે, આ GIUK – ગેપ ફરીથી મહત્ત્વનો બની ગયો છે. જે આ માર્ગને નિયંત્રિત કરે છે તે સમગ્ર એટલાન્ટિક થિયેટરને નિયંત્રિત કરે છે.
ક્રિટિકલ મિનરલ્સ
જો કે આ મુદ્દો પરંતુ સામાન્ય રીતે સમજાય છે તેવા કારણોસર અગત્યનો છે તેમ નથી. ગ્રીનલેન્ડમાં અંદાજે ૧૫ લાખ મેટ્રિક ટન રેર-અર્થ ખનીજોના ભંડાર છે. આ આંકડો પશ્ચિમી નીતિ ઘડનારાઓને આકર્ષે છે, પરંતુ વાસ્તવિકતા કઠોર છે. અહીં ખાણકામ મોંઘું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે અને પ્રોસેસિંગ ક્ષમતામાં ચીન હજુ પણ વર્ચસ્વ ધરાવે છે. એટલે તાત્કાલિક ઉદ્દેશ ઉત્પાદનનો નથી.
અસલી રમત ‘ડિનાયલ’ની છે : ચીન કે રશિયા ગ્રીનલેન્ડના સંસાધન ક્ષેત્રમાં કે રાજકીય વ્યવસ્થામાં પગપેસારો ન કરી શકે તેની તકેદારી રાખવી. મહાસત્તાઓ ખાણો તૈયાર થાય તેની રાહ જોવામાં માનવાની નથી. તે તો ભવિષ્યના લાભ માટે આજથી જ સોગઠાં ગોઠવી દે છે.
ક્લાઇમેટ ચેન્જ માત્ર બેકગ્રાઉન્ડ નથી પણ ટ્રિગર છે
ગ્રીનલેન્ડ અત્યારે જ કેમ કટોકટીનું કેન્દ્ર બન્યું? કારણ કે બરફ ઓગળી રહ્યો છે.
જેમ જેમ આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, આ પ્રદેશ થીજેલા અવરોધમાંથી નેવિગેબલ (વહાણવટા યોગ્ય) જળમાર્ગમાં પરિવર્તિત થઈ રહ્યો છે. નોર્ધન સી રૂટ (Northern Sea Route) જેવા માર્ગો હવે સૈદ્ધાંતિક નથી રહ્યા; ભવિષ્યમાં તે યુરોપ અને એશિયા વચ્ચેનું અંતર સુએઝ કેનાલની સરખામણીમાં ઘણું ઘટાડી શકે છે. આ ક્યારે થશે તેની સમયરેખા અસ્પષ્ટ છે, પરંતુ દિશા નક્કી છે.
આ માત્ર ગ્લેશિયર પીગળવાની વાર્તા નથી. આ એક નવા સમુદ્રી ક્ષેત્રના ઉદ્દભવની વાત છે; જે વેપાર, ઊર્જા પ્રવાહ, અંડર-સી કેબલ્સ અને લશ્કરી ટ્રાફિકનું વહન કરી શકશે.
આ દૃષ્ટિએ જોવામાં આવે તો, વોશિંગ્ટનનો ગ્રીનલેન્ડ પ્રત્યેનો રસ જમીન ખરીદવાની ઇચ્છાથી ઓછો અને આર્કટિક પૂરેપૂરું ખૂલે તે પહેલાં તેનું શું થશે તેના પરિણામો નક્કી કરવાની વ્યૂહરચનાથી વધુ છે. ડેનિશ સબસિડી પર નિર્ભર અને બરફ ઓગળતાંની સાથે વ્યૂહાત્મક રીતે ખુલ્લું પડતું ગ્રીનલેન્ડ એક નબળી કડી બને છે; એવી જગ્યા જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ, સંસાધન કરાર અને રાજકીય દબાણ દ્વારા પ્રભાવ સ્થાપિત થઈ શકે.
અમેરિકાનું પગલું ‘પ્રિ-એમ્પટિવ પોઝિશનિંગ’ છે : ઉદ્દેશ માત્ર માલિકીનો નથી, પરંતુ જ્યારે આર્કટિક સક્રિય બને ત્યારે ત્યાં પશ્ચિમનો પ્રભાવ અડગ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ડેનમાર્કની દ્વિધા ભારત માટે પ્રિવ્યૂ છે
ડેનમાર્કની સમસ્યા વિચારધારાની નહીં, પરંતુ માળખાકીય છે. ગ્રીનલેન્ડ જાહેર સેવાઓ અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે ડેનમાર્કની બ્લોક ગ્રાન્ટ પર મોટાપાયે નિર્ભર છે. તાજેતરનાં વર્ષોમાં ડેનમાર્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય ક્ષેત્રે વધારાનું રોકાણ પણ જાહેર કર્યું છે. આમ કરવા પાછળ વ્યૂહાત્મક ચિંતા અને ઘરઆંગણે જવાબદારી બંનેનો સમાવેશ થાય છે.
ભારતીય વાચકો માટે આ પેટર્ન જાણીતી લાગશે. મર્યાદિત આર્થિક ક્ષમતા ધરાવતો વ્યૂહાત્મક પ્રદેશ મહાસત્તાઓના આકર્ષણનું કેન્દ્ર બને છે—યુદ્ધ દ્વારા નહીં, પણ નિર્ભરતા અને વાટાઘાટો દ્વારા.
ત્રણ બોધપાઠ જેની ભારત અવગણના ન કરી શકે
પહેલો : નિયમો આધારિત વ્યવસ્થા શરતી હોય છે.
જ્યારે કોઈ અમેરિકી પ્રમુખ નાટોના સહયોગી પર દબાણની વાત કરે છે, ત્યારે તેનો સંદેશ સ્પષ્ટ છે : આંતરરાષ્ટ્રીય નિયમો ત્યાં સુધી જ માન્ય છે જ્યાં સુધી તે વ્યૂહાત્મક જરૂરિયાતોની આડે નથી આવતા. ભારતે આઘાત પામવાનું નાટક કરવાની જરૂર નથી. દક્ષિણ ચીન સમુદ્ર, ક્રિમિયા અને આપણા પડોશમાં પણ આ જ તર્ક કામ કરે છે. બોધ નિરાશાનો નથી, પરંતુ વાસ્તવવાદનો છે.
બીજો : ભૂગોળનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેને સૈન્યબળથી સુરક્ષિત કરવામાં આવે.
ગ્રીનલેન્ડ અમૂલ્ય પ્રદેશ છે, પરંતુ તેની સ્વ-રક્ષણ ક્ષમતા મર્યાદિત છે. તેથી જ યુરોપીયન સાથીઓ ત્યાં હાજરી મજબૂત કરી રહ્યા છે, માત્ર પ્રતીકાત્મક એકતા માટે નહીં, પરંતુ વ્યૂહાત્મક શૂન્યાવકાશ ભરવા માટે.
ભારત પાસે તેનું પોતાનું ગ્રીનલેન્ડ છે : આંદામાન અને નિકોબાર ટાપુઓ.
જેમ પિટુફિક (Pituffik) આર્કટિક પર નજર રાખે છે, તેમ નિકોબારના દક્ષિણ છેડે આવેલું ‘INS બાઝ’ (INS Baaz) મલક્કા સ્ટ્રેટ પર નજર રાખે છે; જે ઇન્ડો-પેસિફિકનું સૌથી વ્યસ્ત ચોકપોઈન્ટ છે અને જ્યાંથી પૂર્વ એશિયાનો મોટાભાગનો વેપાર અને ઉર્જા પસાર થાય છે. રણનીતિકારો લાંબા સમયથી આ ટાપુઓને ભારતનું “અનસિંકેબલ એરક્રાફ્ટ કેરિયર” (ડૂબે નહીં તેવું જહાજ) ગણાવે છે, પરંતુ માત્ર રનવે હોવાથી દુ:શ્મન ડરતો નથી.
આર્કટિકનો પાઠ ગંભીર છે : કાયદાકીય માલિકી અને વ્યૂહાત્મક નિયંત્રણ એક જ વસ્તુ નથી. ચીનની કહેવાતી “સ્ટ્રિંગ ઓફ પર્લ્સ” એ ભારત જે ભૂગોળ પર કુદરતી પ્રભુત્વ ધરાવે છે તેને બાયપાસ કરવાનો પ્રયાસ છે. જો વ્યૂહાત્મક પ્રદેશને ઓછી સુરક્ષામાં રાખવામાં આવે, તો તે હરીફને આમંત્રણ મળી જાય છે.
ત્રીજો : ક્રિટિકલ મિનરલ્સ એ સાર્વભૌમત્વનો મુદ્દો છે, કોમોડિટી નહીં.
ભારત હજુ પણ તેની રેર-અર્થ જરૂરિયાતો માટે ચીન પર નિર્ભર છે. ગ્રીનલેન્ડ બતાવે છે કે ખનીજો કેટલી ઝડપથી બજારના તર્કમાંથી વ્યૂહાત્મક સંઘર્ષમાં ફેરવાઈ જાય છે. સાચી સુરક્ષા માત્ર ખાણકામથી નહીં, પણ રિફાઇનિંગ, બેટરી ટેક્નોલોજી અને સપ્લાય ચેઇનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવાથી આવશે.
હવે શું થશે?
ગ્રીનલેન્ડમાં રાતોરાત ધ્વજ બદલાય તેવી શક્યતા ઓછી છે. વધુ શક્યતા એ છે કે ત્યાં અમેરિકાનો પ્રભાવ ધીમે ધીમે વધશે : પિટુફિક બેઝનો વિસ્તૃત ઉપયોગ, ગુપ્તચર સંકલન અને ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં અમેરિકન કંપનીઓને અગ્રતા. આ “માલિકી સિવાય બધું જ” – everything-but-ownership – એ પ્રકારનું મોડલ છે.
ડેનમાર્ક કદાચ આ સ્વીકારી લેશે. યુરોપિયન સાથીઓ થોડો વિરોધ કરશે, પછી સ્વીકારશે. કારણ કે યુ.એસ.એ.નો વિકલ્પ એટલે કે ચીનનો પગપેસારો, વધુ ખરાબ સ્થિતિ ઊભી કરી શકે છે.
પરંતુ મહત્ત્વનું એ છે કે ગ્રીનલેન્ડ એક જીવંત ઉદાહરણ બની ગયું છે કે આર્કટિક હવે એક હરીફાઈનું મેદાન છે.
દિલ્હીએ શા માટે ચિંતા કરવી જોઈએ?
ભારતે ગ્રીનલેન્ડ પર નજર રાખવી જોઈએ, એટલા માટે નહીં કે આપણે આર્કટિકમાં પ્રભાવ જમાવવો છે, પરંતુ એટલા માટે કે ત્યાં જે રમત રમાઈ રહી છે—આગોતરી પોઝિશનિંગ, નાના દેશો પર દબાણ અને સાથીદારોની કસોટી—તેનો પડઘો ઇન્ડો-પેસિફિકમાં પણ પડશે.
બાય ધી વે :
ભવિષ્યની સ્પર્ધા માત્ર સરહદો પર નહીં, પણ અંડર-સી કેબલ્સ, સેટેલાઇટ ઓર્બિટ્સ અને દરિયાઈ માર્ગો પર થશે. ગ્રીનલેન્ડનો પીગળતો બરફ માત્ર ખનીજો જ ખુલ્લા નથી કરતો. તે યુદ્ધ પછીના સંયમનું ધોવાણ અને જૂના તર્કનું પુનરાગમન દર્શાવે છે : જે મહત્ત્વનું છે તેના પર નિયંત્રણ રાખો, પ્રતિસ્પર્ધીને રોકો અને જ્યારે દાવ મોટો હોય ત્યારે કાયદાકીય વિવેકને વચ્ચે ન આવવા દો.
કોઈ બીજું આપણો નકશો નક્કી કરે તે પહેલાં ભારતે આ પાઠ ધ્યાનથી ભણી લેવો જોઈએ. કોઈ બીજું આપણો નકશો નક્કી કરે તે પહેલાં, ભારતે આ સંજોગોમાંથી જરૂરી બોધપાઠ ધ્યાનથી શીખી લેવા જોઈએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 જાન્યુઆરી 2026
![]()

