
હેમન્તકુમાર શાહ
એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે રજા ભોગવતા નથી અને રોજના ૧૮ કલાક કામ કરે છે.
પરંતુ એ ઉજ્જૈન, કાશી, કેદારનાથ, સોમનાથ વગેરે જેવાં ધાર્મિક સ્થળોએ પૂજા કે આરતી કરવા જાય એને શું કહેવાય?
આવાં ધાર્મિક સ્થળોની મુલાકાત નરેન્દ્ર મોદી લે છે અને તે સમયે આમ જુઓ તો તેઓ દેશના વડા પ્રધાન હોવા છતાં વડા પ્રધાન હોતા નથી એમ કહેવાય. એનું કારણ એ છે કે મંદિરોમાં દર્શન કરવાં કે દરગાહ પર ચાદર ચડાવવી એને દેશની શાસન વ્યવસ્થા કે વહીવટ સાથે કશો સંબંધ નથી.
મંદિરોમાં દર્શન કરવાં, ટીલાંટપકાં કરવાં કે આરતીઓ કરવી કે ધજા ચડાવવી કે અજમેર જઈને દરગાહ પર ચાદર ચડાવવી વગેરે એમનું અંગત ધાર્મિક કૃત્ય છે કે જેને દેશના વહીવટ સાથે કશી લેવાદેવા છે જ નહીં. એને એમની ધાર્મિક માન્યતાઓ સાથે સંબંધ છે એટલું જ.
આટલા સવાલ નરેન્દ્ર મોદીનાં આવાં ધાર્મિક કૃત્યોમાંથી ઊભા થાય છે :
(૧) ધર્મસ્થાનોની મુલાકાતે જવું એ એમનો અંગત મામલો છે અને તેને દેશના વહીવટ સાથે કશો સંબંધ નથી તો આવી મુલાકાતોનો ખર્ચ સરકારી તિજોરીમાંથી નહીં, પણ એમના અંગત પગારમાંથી થવો જોઈએ કે નહીં?
(૨) એવો બધો ખર્ચ જો સરકારી તિજોરીમાંથી થતો હોય તો એ એક ધર્મનિરપેક્ષ દેશમાં કેટલું યોગ્ય છે?
(૩) નરેન્દ્ર મોદી ધર્મસ્થાનોની મુલાકાતે જાય તો તેમણે કોઈ સરકારી કામ કર્યું એવું તો ન જ કહેવાય. તો તેમણે એ દિવસે રજા પાળી કહેવાય કે નહીં? એવી છાપ ઊભી કરવામાં આવી છે કે મોદી કોઈ રજા લેતા નથી. તો આવું બધું કર્યા કરે તો એ રજા પાળી ન કહેવાય તો શું કહેવાય?
(૪) નરેન્દ્ર મોદી આવી રીતે અંગત ધાર્મિક યાત્રાઓ કરે તેનો ખર્ચો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની તિજોરીમાં પડે એ કેટલું યોગ્ય કહેવાય? નરેન્દ્ર મોદી આરતી કર્યા કરે એનો ખર્ચ લોકોના ટેક્સમાંથી નીકળે તે કેટલું ઉચિત છે? નાગરિકોએ એનો વિરોધ કરવો જોઈએ કે નહીં?
(૫) વડા પ્રધાન ધર્મસ્થાનોમાં જઈને દર્શન કરે, આરતી કરે કે ચાદર ચડાવે તેનાથી દેશને શો ફાયદો થાય? એનાથી વહીવટમાં કઈ ગુણવત્તા ઊભી થાય?
(૬) નરેન્દ્ર મોદી રોજના ૧૮ કલાક કામ કરે છે એવો પ્રચાર કરવામાં આવ્યો છે. પણ એમાં એમની એવી ધાર્મિક ક્રિયાઓ કરવાના કલાકો અને તેને માટે થતા પ્રવાસના કલાકો બાદ કરવા જોઈએ કે નહીં?
(૭) મોદીના આવા ધાર્મિક પ્રવાસો માટે રાજ્ય સરકારોએ ઘણો બધો સલામતી ખર્ચ કરવો પડે છે. એ રાજ્ય સરકારોના બજેટમાંથી થાય છે. એ ખર્ચ એમના અંગત પગારમાંથી વસૂલ થવો જોઈએ કે નહીં? વળી, એને માટે સરકારી કર્મચારીઓ અને પોલિસના અનેક કલાકો બરબાદ થાય છે. એ બધા કલાકો પેલા ૧૮ કલાકમાંથી બાદ કરવામાં આવે તો મોદી માટે કેટલા કલાકો બાકી બચે?
(૮) મોદી આવી રીતે ધર્મસ્થાનોમાં જાય તો તેમણે રજા પાળ્યા વિના જલસા કર્યા કહેવાય કે નહીં?
અને હા, દેશનાં જંગલોમાં મોદી સિંહ કે ચિત્તો કે પોપટ જોવા જાય એ પણ રજા પાળ્યા વગર જલસા કરવા ગયા એમ કહેવાય કે નહીં?
તા.૧૫-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

