આ ટારઝન જેવા કોઈ કાલ્પનિક પાત્રની કે ઘનઘોર જંગલમાં રહેતા કોઈ ચીલાચાલુ આદિવાસી માણસની વાત પણ નથી. આ એવા એક માણસની વાત છે કે, જેણે બ્રહ્મપુત્રા નદીમાં સાવ બંજર બની ગયેલા ટાપુ પર આખેઆખું જંગલ ઊગાડ્યું છે! એણે ખાલી વૃક્ષો જ વાવ્યાં નથી, પણ એવી સૃષ્ટિ ખડી કરી છે; જેમાં વન્ય પ્રાણીઓ પોતાની જાતે વસવા આવી ગયાં છે – હરણ, વાંદરા, સસલાં, સાપ, વાઘ, હાથી અને ગેંડા સમેત!
૩૧, ઓક્ટોબર – ૧૯૫૯ના રોજ આસામના જોરહટ જિલ્લાના કોકિલામુખ નજીક આવેલા એક ગામમાં મિશિન્ગ જાતિમાં જન્મેલ જાદવ પિયાન્ગ ૧૯ વર્ષનો હતો; ત્યારે એના ગામની નજીક બ્રહ્મપુત્રા નદીમાં આવેલા સાવ વેરાન પણ વિશાળ ટાપુ પર તેણે પૂરના કારણે તણાઈ આવેલા મરેલા સાપ જોયા. તેને ખ્યાલ આવ્યો કે, આ સાપ ભૂખના કારણે મરી ગયા હતા. એ વિશાળ ટાપુ પર સમ ખાવા માટે પણ કોઈ વૃક્ષ કે નાનાં સરખાં જાનવર કે પક્ષીઓ ન હતાં. તેના મગજમાં વિચાર આવ્યો કે, અહીં વૃક્ષો વાવે તો જાનવરો અને પક્ષીઓ રહેતાં થાય.
બસ, આ જ એક વિચાર અને તેણે વાંસનાં બી લાવીને ૨૦ રોપા વાવ્યા અને મોટા થયા ત્યાં સુધી તેમની માવજત કરી. થોડાંક જ વર્ષ થયાં અને આવી વિશાળ નદી અને ભરપૂર વરસાદના સબબે એક નાનકડું વાંસનું જંગલ ઝડપભેર ફેલાવો કરવા લાગ્યું. લગ્ન થયા બાદ તેની નવોઢા બિનિતા સાથે તેણે આ બગીચામાં એક ઝૂંપડું બાંધ્યું અને પોતાના ગામમાંથી ઢોર લાવી રહેવા લાગ્યો. પશુપાલનમાંથી બન્નેનો ગુજારો થવા લાગ્યો અને સાથે સાથે અવનવી જાતનાં વૃક્ષોની વસાહત પણ બન્ને ઉમેરવા લાગી ગયાં.
થોડાંક જ વર્ષોમાં એ નાનકડું વન એની મેળે વિસ્તરવા લાગ્યું. એમાં પક્ષીઓ, વાંદરા, સસલાં વગેરે જીવો પણ વસવાટ કરવા લાગ્યાં. અને લો! દૂર દૂરથી આકર્ષાઈને એક ગેંડા દમ્પતી પણ એમનું પાડોશી બની ગયું! અને શિકારની શોધમાં આવીને આ જંગલમાં વાઘ પણ વસવા લાગ્યા. ૨૦૦૮ની સાલમાં ૧૧૫ હાથીઓના એક ધણે એક ગામમાં થોડોક વિનાશ કર્યો હતો, તેની શોધ કરતાં કરતાં આસામના વન વિભાગના અધિકારીઓને, જ્યાં હાથીઓએ કામચલાઉ નિવાસ કર્યો હતો તેવા આ વનની જાણ થઈ. દર વર્ષે છ મહિના માટે હાથીઓ આ વનની મુલાકાત લે છે.
અલબત્ત આ જંગલમાં રહીને પશુપાલન કરવાનું જોખમી હતું, એટલે બન્ને જણ તેમનાં ત્રણ સંતાનો સાથે હવે નજીકના મિશિન્ગ ગામમાં પાકું મકાન બાંધીને રહે છે, અને પશુપાલન અને ખેતીથી તેમનો જીવન નિર્વાહ સરસ રીતે થાય છે.

જાદવે ૧૯૭૯માં શરૂ કરેલા આ નાનકડા અભિયાનને કારણે તેને ભરપૂર પ્રસિદ્ધિ મળી છે. ૧,૩૯૦ એકરમાં હવે વિસ્તરેલું આ વન તેના નામના એક અંશ પરથી મોલાઈ વન તરીકે વિશ્વ વિખ્યાત થયું છે. અનેક એવોર્ડોથી જાદવના કામની નવાજેશ થઈ છે. ૨૦૧૨ની સાલમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં તેને એનાયત કરવામાં આવેલ એવોર્ડની સાથે તેના વાઈસ ચેન્સેલર સુધીર કુમાર સોપોરીએ તેને ‘Forest man of India’ના નામથી ઓળખાવ્યો હતો. ત્યારથી આખી દુનિયામાં તે આ નામથી જાણીતો થયો છે. એની ચરમસીમા રૂપે ૨૦૧૫ની સાલમાં રાષ્ટ્ર્પતિના હસ્તે તેને ‘પદ્મશ્રી’ ઇલ્કાબ એનાયેત થયો હતો.

૨૦૧૮ની સાલમાં બહુ જાણીતી બનેલી ફિલ્મ ‘હાથી મેરે સાથી’ એના કામના આધાર પર અને મોલાઈ વનમાં બનાવવામાં આવી હતી. જાદવના આ કામનો ચિતાર આપતા એક બાળ પુસ્તકમાં એની આ તસ્વીર એને મળેલી પ્રસિદ્ધિનો ખ્યાલ આપે છે –
વાચકોને એ જાણીને નવાઈ થશે કે, આ પરિચય લખનારને અમેરિકાના એક સાવ નાના સ્થાનિક પુસ્તકાલયના બાળ વિભાગમાં નીચેના પુસ્તકમાંથી થઈ હતી!

https://www.youtube.com/watch?v=MptiEZ36024
સંદર્ભ –
https://www.oneearth.org/reforestation-hero-jadav-payeng/u
https://en.wikipedia.org/wiki/Jadav_Payeng
e.mail : surpad2017@gmail.com
![]()

