
નાતાલના દિવસોમાં ત્રણ મહામાનવોના જીવનને તેમની સાથે સંબંધિત સ્થળોની મુલાકાત લઈને વધુ સમજવાનો પ્રયાસ કર્યો :
આંબેડકર :
નાગપુરમાં ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ભીમરાવ આંબેડકરે જે સ્થળે ૧૫મી ઓક્ટોબર-૧૯૫૬ના રોજ હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી તે દીક્ષા ભૂમિ તરીકે ઓળખાતા સ્થળની ચારેક દાયકા પછી બીજી વાર મુલાકાત લીધી. ત્યાંના ટ્રસ્ટ દ્વારા આંબેડકરના જીવનનું અલપઝલપ પ્રદર્શન મૂકાયું છે તે જોયું. આંબેડકરના આખા જીવનને દર્શાવતું પ્રદર્શન ત્યાં નથી. હોવું જોઈએ એમ લાગ્યું.
‘જય ભીમ’ નારો આજકાલ સંઘર્ષનું પ્રતીક બન્યો છે એના કરતાં આંબેડકરની ભક્તિનું પ્રતીક વધારે બની ગયેલો લાગે છે. આંબેડકરે તો ન્યાય માટે સંઘર્ષ કરવાનું શીખવ્યું હતું, ભક્તિ કરવાનું નહીં. તેમણે પોતે બંધારણ સભામાં તા.૨૫-૧૧-૧૯૪૯ના રોજ છેલ્લું ભાષણ આપતાં કહ્યું હતું કે, “ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.” આ માણસની ભારત વિશેની દીર્ઘદૃષ્ટિ તો જુઓ! આજના અંધ રાજકીય ભક્તિયુગને કેવી રીતે જોવો જોઈએ?
હિંદુ ધર્મની મહાનતાની જ્યાંથી છડી પોકારવામાં આવે છે અને હિન્દુ રાષ્ટ્રનું નગારું જ્યાંથી વગાડવામાં આવે છે એ જ નાગપુરમાં આંબેડકરે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો એનું જોરદાર પ્રતીકાત્મક મહત્ત્વ તો છે જ અને એમાં કોઈ પણ જાતના અન્યાયને ધર્મને નામે સાંખી નહીં લેવાની પ્રતિબદ્ધતા છે.
દીક્ષા ભૂમિના દર્શને સેંકડો લોકો આવે છે એ જોઈને ખરેખર આનંદ થયો.
વિનોબા ભાવે :
૧૯૭૭ અને ૧૯૭૮ એમ બે વર્ષ વિનોબા ભાવેને નાગપુરથી નજીક વર્ધા પાસે આવેલા તેમના બ્રહ્મ વિદ્યા મંદિર આશ્રમ ખાતે જોવાનો અને સાંભળવાનો મોકો મળેલો એ યાદ આવી ગયું, કે જ્યારે ફરી વાર એની મુલાકાત લીધી. આ હતો પ્રવાસનો બીજો પડાવ. ત્રીજી વખત આવ્યો અહીં.
મહાન વિદ્વાન ભાષ્યકાર અને ૧૯૪૧ના અંગ્રેજ શાસન સામેના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી એવા વિનોબા ભાવેએ જગતના ઇતિહાસનું એક અભૂતપૂર્વ આંદોલન ચલાવ્યું હતું : ભૂદાન આંદોલન. તેમાં ૧૯૫૦ના દાયકામાં દેશના ધનવાન ખેડૂતોએ ગરીબ ખેતમજૂરોને પોતાની ૫૦ લાખ એકર જમીન દાનમાં આપેલી અને હજારો ગરીબો જમીનના માલિકો બનેલા. આવી અહિંસક ક્રાંતિ જગતના ઇતિહાસમાં, તેની અનેક મર્યાદાઓ છતાં, થઈ હોવાનું જાણમાં નથી.
જગતના ધર્મો ધનવાનોને દાન આપવાનું કહે છે, પોતાની મિલકતનો ત્યાગ કરવાનું નહીં; અથવા કહે છે તો લોકો એ શીખતા પણ નથી. સાવ દૂબળાપાતળા વિનોબામાં ધનવાનો પાસે પોતાની મિલકતનો ગરીબો માટે સ્વેચ્છાએ ત્યાગ કરાવવાની એ તાકાત હતી કે જે દુનિયાના કોઈ નેતા કે ભગવાન કે દેવદૂત કે સંદેશવાહક પાસે પણ નહોતી.
સંત તરીકે ઓળખાતા વિનોબા ભાવેના આશ્રમમાં હજારો લોકો મુલાકાતે આવે છે એ સાંભળીને આશ્ચર્ય પણ થયું. વિશ્વ માનવ હતા તેઓ. એટલે તેઓ *જય હિંદ* નારાથી આગળ વધેલા અને *જય જગત* નારો આપેલો. વિનોબાએ એ રીતે ધર્મની, નાતજાતની, ચર્મરંગની અને ભૂગોળની સરહદોને પાર જઈને જીવવાનું માનવજાતને શીખવ્યું હતું.
મહાત્મા ગાંધી :
“કાગડાકૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું.” – એમ કહીને મહાત્મા ગાંધી અમદાવાદનો સાબરમતી આશ્રમ ૧૯૩૦માં દાંડી કૂચ કરીને છોડી ગયેલા. એ પછી એમણે નાગપુરની નજીક વર્ધા પાસે સેવાગ્રામ આશ્રમની સ્થાપના ૧૯૩૬માં કરેલી. પ્રવાસનો એ ત્રીજો પડાવ. ચોથી વખત આવ્યો અહીં.
સાબરમતી આશ્રમના હૃદયકુંજ કરતાં પણ વધારે સાદગીયુક્ત લાગે આ આશ્રમ. એમ થાય કે આવો મહાન માણસ આવી ઝૂંપડીમાં રહેતો હતો! આશ્રમની સૌ પ્રથમ ઝૂંપડી એટલે આદિ નિવાસ. સો રૂપિયાથી વધુ ખર્ચ ન જ થવું જોઈએ એ બાંધવામાં એવી એમણે સૂચના આપેલી! એ ઝૂંપડામાં જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ સહિતના કેટકેટલા મહાન નેતાઓ આવતા હતા!
અંગ્રેજ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે જેને ૧૯૩૧માં “અર્ધનગ્ન ફકીર” કહેલો તે આ મહાત્માના આશ્રમમાં સેંકડો લોકો આવે છે. ત્યાં મોહનદાસ રક્તપિત્તથી પીડાતા સંસ્કૃતના વિદ્વાન પરચૂરે શાસ્ત્રીની સેવા કરતા હતા આ આશ્રમની એક અલાયદી કુટિરમાં. એ ભયંકર ચેપી રોગથી પણ ડર્યા વગર જે સેવા કરતા હતા તે જ એમ બતાવે છે કે મોતનો ડર તેમણે ખંખેરી નાખ્યો હતો. જે રક્તપિત્તથી ન ડરે એ અંગેજોથી કેવી રીતે ડરે?
આ મહાત્માએ એક વાત શીખવી અને તે એ કે ઈશ્વર સત્ય છે એમ નહીં કહેવાનું પણ સત્ય ઇશ્વર છે એમ કહો તો બધા ધર્મો વચ્ચેના ઝઘડા પતી જાય! અસત્ય જેમનો નિષ્ઠાપૂર્વકનો આધાર છે તેવા ગોડસેવાદીઓ અને સાવરકરવાદીઓને આ ન સમજાય એ સ્વાભાવિક છે.
શું આ ત્રિધામ જાત્રા હતી? ના, ભક્તિ સહેજે નહીં. આ તો એ ત્રણેય મહામાનવોની અન્યાય સામે પ્રતિકાર કરવાનું શીખવતી જીવનયાત્રા વિષેની સમજણ વધારવાનો પ્રવાસી પ્રયાસ હતો.
૨૦૨૬ મુબારક હો!
તા.૦૧-૦૧-૨૦૨૬
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

