એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરવા સોશ્યલ મીડિયા પર રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે
નરેન્દ્ર મોદીનું આ સદ્ભાગ્ય છે કે દુર્ભાગ્ય એ તો તેઓ જાણે, પરંતુ તેમની સરકાર રચાઈ ત્યારથી તેઓ સતત કસોટીની એરણ પર છે. આવું આ પહેલાં ભારતમાં ક્યારે ય નથી બન્યું. એવો એક પણ દિવસ નથી ગયો કે લોકોએ નરેન્દ્ર મોદીનાં વચનોને યાદ ન કર્યા હોય કે ન કરાવ્યાં હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમના બચાવમાં ખાસ રચવામાં આવેલા સાઇબર સેલે કામ કરવું પડે છે અને ભક્તોએ બચાવ કરતા મેસેજિઝ ફૉર્વર્ડ કરવા રોજ સરેરાશ એક કલાક ખર્ચવો પડે છે. ભગવાનને બે પગે ઊભા રાખવા માટે ભક્તોએ જહેમત ઉઠાવવી પડે એવો અપૂર્વ પ્રસંગ ભારતમાં જોવા મળી રહ્યો છે.
ભગવાન અને ભક્તની વાત આવી એટલે તુલના ખાતર મને રશિયન સામ્યવાદી શાસનની યાદ આવે છે. ૧૯૧૭માં બૉલ્શેિવક રેવલ્યુશન પછી જગતને કહેવામાં આવ્યું હતું કે સર્વહારા વંચિત માણસે હવે કલ્પનાના ઈશ્વર પાસે હાથ જોડવાની કે ભીખ માગવાની જરૂર નથી. માણસ પોતે સ્વપુરુષાર્થ દ્વારા પોતાનું ભાગ્ય બદલી શકે છે અને એની શરૂઆત રશિયામાં થઈ ગઈ છે. દુનિયા હવે લૂંટનારાઓ અને સરખે ભાગે વહેંચનારાઓ વચ્ચે વહેંચાઈ ગઈ છે અને એક દિવસ વહેંચનારાઓ જગતને જીતી લેશે અને એ સાથે લૂંટનારાઓનો અને તેમની મતલબી વિચારધારાનો અંત આવી જશે.
બૉલ્શેિવક રેવલ્યુશને જગતમાં પ્રચંડ આશા પેદા કરી હતી. ઘડી ભર લોકો લોકતંત્રના અભાવને અને હિંસાને ભૂલી ગયા હતા. મસમોટું સપનું તો ‘સ્ટેટ વિલ વિધર અવે’ એટલે કે રાજ્યના અસ્તનું હતું. લોકોનું રાજ્ય હશે અને સંપત્તિની સરખે ભાગે વહેંચણી થશે. આ સપનું સાકાર કરવા માટે થોડો સમય તાનાશાહી, હિંસા, અરાજકતા સહન કરી લેવી જોઈએ. વિશ્વના અનેક મેધાવી વિદ્વાનો સામ્યવાદ તરફ આકર્ષાયા હતા. ભારત જેવા ગુલામ દેશોના નેતાઓ આઝાદી પછી નૂતન સમાજરચનાના નવા વિકલ્પને તપાસવા રશિયા જતા હતા. આશા એવી પેદા કરવામાં આવી હતી કે પૃથ્વીના ગોળા પર ઉત્તરના છેડે રામરાજ્યની રચના થઈ રહી હોય.
દિવસો અને વર્ષો વીતતાં ગયાં, પરંતુ ઉત્તરના છેડેથી ગુપ્તતાની લોખંડી દીવાલો વચ્ચેથી હિંસા સિવાય કોઈ ખબર બહાર આવતા નહોતા. રામરાજ્યના તો કોઈ સગડ નહોતા મળતા, પરંતુ સાઇબીરિયામાં વિરોધીઓને સતાવવામાં આવી રહ્યા છે એવા સમાચાર આવતા હતા. ધીરે-ધીરે હતાશા વધવા માંડી અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાંની સાથે જ જાણીતા સાહિત્યકાર અને વિચારક આર્થર કાસ્લરે ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની ઘોષણા કરી દીધી. જાણીતા બ્રિટિશ સાહિત્યકાર જ્યૉર્જ ઓરવેલે ૧૯૪૫માં ઍનિમલ ફાર્મ નામનું પ્રહસન લખીને કહ્યું હતું કે રશિયન સામ્યવાદમાં બધા લોકો સમાન છે, પણ થોડા લોકો વધારે સમાન છે. બાય ધ વે, આર્થર કાસ્લર અને જ્યૉર્જ ઓરવેલ એક સમયે સામ્યવાદી શાસનના પ્રસંશક નહીં, ભક્ત હતા.
ભક્તોનો ભ્રમ ભાંગ્યો અને ઘોષણા થઈ : ગૉડ ધૅટ ફેઇલ્ડ. આર્થર કાસ્લર દ્વારા સંપાદિત ‘ધ ગૉડ ધૅટ ફેઇલ્ડ’ નામના પુસ્તકમાં સામ્યવાદના એક સમયના છ વિદ્વાન સમર્થકોએ રશિયન સામ્યવાદનું મૂલ્યાંકન કર્યું હતું અને એ પછી તો ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ સામ્યવાદની નિષ્ફળતાનું મહાવાક્ય બની ગયું હતું. જો બીજું વિશ્વયુદ્ધ વચ્ચે ન આવ્યું હોત તો ઈશ્વરની નિષ્ફળતાની જાહેરાત પશ્ચિમમાં ઘણી વહેલી થઈ ગઈ હોત.
મને ખબર નથી કે આને નરેન્દ્ર મોદીનું દુર્ભાગ્ય કહેવું કે કવિન્યાય, પણ બે જ વર્ષમાં આપણે ત્યાં ‘ગૉડ ધૅટ ફેઇલ્ડ’ની જાહેરાત કરવી પડે એવો સમય આવી ગયો છે. આમ તો ગયા વર્ષે જ HDFCના અધ્યક્ષ દીપક પારેખે કહ્યું હતું કે એકંદરે સંજોગો આશા વધારનારા નથી
તો બાયોકોનનાં અધ્યક્ષા કિરણ મઝુમદાર-શૉએ કહ્યું હતું કે હજી એક વરસ રાહ જોવી જોઈએ. હવે બીજું વર્ષ પૂરું થવા આવ્યું છે અને સંજોગો નિરાશાજનક છે. અહીં કવિન્યાય શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ સ્થિતિ માટે નરેન્દ્ર મોદી પોતે જવાબદાર છે. જનમાનસમાં તેમણે પ્રચંડ આશા પેદા કરી હતી. તેઓ નેતા તરીકે નહીં પણ સવર્શક્તિમાન ભગવાન તરીકે અવતર્યા હોય એવી છાપ પ્રજામાનસમાં તેમણે પેદા કરી હતી.
નેતા હંમેશાં આપણેની ભાષામાં વાત કરે છે અને સમર્થ સાથીઓની ટીમ બનાવીને લોકોનું નેતૃત્વ કરે છે. ભગવાન સ્વનામધન્ય હોય છે એટલે તે ભક્તોનો ભૂખ્યો હોય છે, તેને સાથીની જરૂર હોતી નથી. બૉલ્શેિવક રેવલ્યુશન વખતે એના નેતા વ્લાદિમીર લેનિને ક્યારે ય કહ્યું નહોતું કે તેઓ ક્રાન્તિ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે વિચારમાં ક્રાન્તિ છે અને જો એ વિચાર અપનાવશો તો ક્રાન્તિ થશે. લેનિને રશિયનોને પ્રેરિત કર્યા હતા અને તેમનું નેતૃત્વ કર્યું હતું. ક્રાન્તિનો જનક વિચાર હતો, ક્રાન્તિ લોકોએ કરી હતી અને લેનિને નેતૃત્વ કર્યું હતું. બે વિશ્વયુદ્ધ વચ્ચેની અમેરિકન મંદી વખતે અને એ પછી તરત થયેલા બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે ક્યારે ય કહ્યું નહોતું કે તેમની પાસે સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ જાદુઈ ચિરાગ છે. તેમણે કહ્યું હતું કે જો અમેરિકનો સંગઠિત થઈને કૃતનિશ્ચય કરે તો સંકટનો સામનો સફળતાપૂવર્ક થઈ શકે એમ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે આપણે સરહદે લડીશું, શહેરોની ભાગોળે લડીશું, જરૂર પડશે તો ગલીઓમાં લડીશું; પણ મેદાનમાંથી ભાગીશું નહીં. હજી હમણાં ૨૦૦૮માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી વખતે ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર તરીકે બરાક ઓબામાએ કહ્યું હતું કે આપણે ધારીએ તો પડકારોનો સામનો કરવા સક્ષમ છીએ. ‘વી કૅન ડૂ’નો ફ્રેઝ જગતભરમાં તેમના થકી જાણીતો થયો છે.
‘વી કૅન ડૂ ઍન્ડ નૉટ આઇ વિલ ડૂ’. નેતા જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે એને દુર્ભાગ્ય કહેવાય. સ્વનામધન્ય વ્યક્તિ જ્યારે સમાજ અને સંજોગોની વાસ્તવિકતા ઓળખ્યા વિના ગજાબહારના અવ્યવહારુ દાવાઓ કરે અને નિષ્ફળ નીવડે તો એને કવિન્યાય કહેવાય. નરેન્દ્ર મોદી સાથે કવિન્યાય થઈ રહ્યો છે. એટલે તો ભગવાનનો બચાવ કરવા ભક્તોએ રોજ એક કલાક સોશ્યલ મીડિયા પર ફાળવવો પડે છે. આ અપૂર્વ ઘટના છે. આવું આ પહેલાં જગતમાં ક્યારે ય જોવા મળ્યું નથી.
આપણે બૉલ્શેવિક રેવલ્યુશનની વાત કરતા હતા. ૧૯૧૭માં રશિયામાં થયેલી બૉલ્શેિવક ક્રાન્તિ અને ૨૦૧૪માં ભારતમાં થયેલી સપનાંના વાવેતરની ક્રાન્તિ પરિણામોની બાબતમાં સમાંતર ચાલે છે. ક્રાન્તિ પછી તરત જ લેનિનનું અવસાન થયું હતું અને સત્તા જોસેફ સ્ટાલિનના હાથમાં આવી હતી. સ્ટાલિનને સામ્યવાદ કરતાં સત્તામાં વધારે રસ હતો. સ્ટાલિન કોઈ પણ કિંમતે સત્તામાં ટકી રહેવા માગતો હતો. આ બાજુ આશા નિરાશામાં ફેરવાતી જતી હતી અને લોકોમાં અસંતોષ વધતો જતો હતો. સ્ટાલિને સત્તા ટકાવી રાખવા રશિયન સમાજની અંદર દીવાલો બાંધવાનું અને વિભાજનની રેખાઓ ખેંચવાનું શરૂ કર્યું હતું. વિચારનારા લોકો, યુનિવર્સિટીઓ જેવાં વિચાર-વિમર્શનાં સંસ્થાનો, વિચારને કલાત્મક પણ સ્વતંત્ર અભિવ્યક્તિ આપનારા સાહિત્યકારો-કલાકારો અને એવી સંસ્થાઓ સ્ટાલિનને આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યાં હતાં.
ધીરે-ધીરે આવા સ્વતંત્ર લોકોને પ્રતિક્રિયાવાદી, સર્વહારાના દુશ્મન, મૂડીવાદના એજન્ટ, રનિંગ ડૉગ ઑફ કૅપિટલિઝમ જેવાં લેબલ ચોંટાડવામાં આવ્યાં હતાં જેમ આપણે ત્યાં અત્યારે દેશદ્રોહનાં લેબલ ચોંટાડવામાં આવી રહ્યાં છે. જૂઠા પ્રચારની પ્રચંડ યંત્રણા ઊભી કરવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હતા. મારી પેઢીના વાચકોએ ‘સોવિયેટ લૅન્ડ’ નામના મફતમાં આવતા સામયિકના અંક જોયા હશે જેમાં રશિયાના ઝડપી વિકાસની જૂઠી વાર્તાઓ આવતી હતી. ‘સોવિયેટ લૅન્ડ’ એકલી ગુજરાતી ભાષામાં નહીં, જગતભરની લગભગ બધી ભાષામાં નીકળતું હતું; કારણ કે નિષ્ફળ નીવડી રહેલા ગૉડને બચાવવાનો હતો. અત્યારે ‘સોવિયેટ લૅન્ડ’ની જગ્યા સોશ્યલ મીડિયાએ લીધી છે.
ડિલિવર ન કરી શકતા હો તો સમાજમાં વિભાજન પેદા કરો. અસંતોષનો તાપ સહન ન થતો હોય તો અસંતોષીઓ સામે જ અસંતોષ પેદા કરો. ઘરવાપસી, લવ-જેહાદ, ગોમાતા, બીફ, દેશદ્રોહ, ભારત માતા વગેરે અસંતોષ વ્યક્ત કરનારાઓ સામે અસંતોષ પેદા કરીને ઠેકાણે પાડવાની રમત છે. દેશદ્રોહનો પ્રશ્ન ઉઠાવીને કન્હૈયાકુમારો સામે એટલી હદે અસંતોષ પેદા કરો કે એમાં ડિલિવરી વિશેનો અસંતોષ ઢબૂરાઈ જાય. ૨૦મી સદીમાં પહેલા ભગવાન તરીકે અવતરેલા સામ્યવાદી ભગવાને આ બધા હથકંડા સોવિયેટ રશિયામાં અજમાવી લીધા છે. પ્રજા વચ્ચે દીવાલો પેદા કરવામાં આવી હતી, ટીકાકારોના કપાળ પર દુ:શ્મનનું લેબલ ચોંટાડવામાં આવતું હતું અને અસંતોષનો અવાજ ઉઠાવનારાઓ સામે પ્રચંડ અસંતોષ પેદા કરીને તેમને મૂંગા કરવાનો પ્રયાસ થતો હતો. એ જ રમત છે જેને આધારે આર્થર કાસ્લર અને લુઇ ફિશર જેવાઓએ કહ્યું હતું કે ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને આજે એ જ રમતના આધારે અહીં કહેવું પડે છે કે ભારતમાં ઈશ્વર નિષ્ફળ નીવડ્યો છે અને ૨૦૧૪માં ભારતની પ્રજા છેતરાઈ હતી.
વડા પ્રધાન ગુસ્સાને પાત્ર નથી, દયાને પાત્ર છે. શું અપેક્ષા પેદા કરી હતી અને લોકોનો કેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ૧૯૮૪ પછી પહેલી વાર ભારતની પ્રજાએ સ્પષ્ટ બહુમતી આપીને શાસક પક્ષની વરણી કરી હતી. એ બહુમતી ભારતીય જનતા પાર્ટીને નહોતી મળી, નરેન્દ્ર મોદીને મળી હતી અને આવું ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર બન્યું હતું. સ્પષ્ટ બહુમતી હોય, લોકોનો પ્રેમ અને શ્રદ્ધા હોય, પક્ષ પર પૂરી પકડ હોય, વિરોધ પક્ષ નિર્બળ હોય તો બીજું જોઈએ શું? પડકારો વિકટ હતા, પણ પડકારોનો સામનો કરવા માટેની અનુકૂળતા પૂરી હતી. પી. વી. નરસિંહ રાવથી લઈને ડૉ. મનમોહન સિંહને જે અનુકૂળતા નહોતી એ નરેન્દ્ર મોદી પાસે હતી. આમ છતાં નરસિંહ રાવ, વાજપેયી અને મનમોહન સિંહ વધારે કામ કરતા ગયા છે એ હકીકત છે.
શું ખૂટે છે વડા પ્રધાનમાં અથવા તો તેઓ કઈ ચીજનો શિકાર બની રહ્યા છે એની વાત :
— 2 —
નરેન્દ્ર મોદી પાસે જો કોઈ વિઝન હોત તો નીતિ આયોગ દ્વારા દેશ સમક્ષ પ્રગટ થયું હોત. નીતિ આયોગનું નામ જ છે નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા
એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન તે જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે
એક પ્રશ્ન થાય છે અને કદાચ તમને પણ થતો હશે કે નરેન્દ્ર મોદી ગજાબહારનાં વચનો આપ્યાં એટલે હાસ્યાસ્પદ બની રહ્યા છે કે પછી વચનપૂર્તિ માટેનું ગજું નથી એટલે બદનામ થઈ રહ્યા છે? બહુ મહત્ત્વનો સવાલ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૂલ્યાંકન કરવા માટે. ચૂંટણીના રણમેદાનમાં સામે માનવમેદની જોઈને ઘણા લોકો બહેકી જતા હોય છે અને પોતાને સમર્થ સાબિત કરવા ગજાબહારનાં વચનો આપવા લાગે છે. નરેન્દ્ર મોદીમાં પણ આ મર્યાદા છે અને તેમણે ગજા બહારનાં અનેક વચનો આપ્યાં હતાં એ આપણે જાણીએ છીએ. જ્યારે આવાં વચનો આપવામાં આવતાં હતાં ત્યારે જાણકારોને જાણ હતી કે આ બનવાનું નથી, આ તો લોકોને ભરમાવીને સત્તા સુધી પહોંચવાનો બેત છે.
બીજો સવાલ એ થાય છે કે શું તેમણે આપેલાં બધાં જ વચનો સત્તા મેળવવાના નશામાં આપેલાં ગજાબહારનાં હતાં? ના, એવું નથી. એવાં ઘણાં વચનો હતાં જે વ્યવહારુ અમલમાં મૂકી શકાય એવાં છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં એવાં કેટલાંક વચનો છે જે કેન્દ્ર સરકાર ધારે તો અમલમાં મૂકી શકે એમ છે. જો કે ચૂંટણીઢંઢેરાની આજકાલ કોઈ કિંમત નથી રહી એ જુદી વાત છે, અને હવે તો શાસકો પણ એને વાંચતા નથી.
એક ત્રીજો સવાલ પણ ઉપસ્થિત થશે કે એવા કોઈ પ્રશ્નો છે જેનાં વચનો આપવાં જોઈતાં હતાં, પણ નથી આપવામાં આવ્યાં? ખાસ કરીને અમલમાં મૂકવાં શક્ય હોય અને એ છતાં એવાં વચનો આપવામાં ન આવ્યાં હોય, એવું ખરું? જી હા, એવા ઘણા પ્રશ્નો છે જેને કાં તો યાદ કરવામાં આવ્યા નથી અને કાં મૅનિફેસ્ટોમાં કોઈક જગ્યાએ નાનકડી અપ્રસ્તુત જગ્યા ફાળવવામાં આવી છે.
ચોથો સવાલ પણ અહીં ઉપસ્થિત થઈ શકે કે એવા કોઈ મુદ્દા ખરા જેનો હરફ પણ ઉચ્ચારવામાં ન આવ્યો હોય, પણ લાગુ કરવામાં આવતા હોય? જી હા, આવું પણ બની રહ્યું છે અને મોટા પ્રમાણમાં બની રહ્યું છે. ટીકાકારો આને પાછલા બારણેથી લાગુ કરવામાં આવતો ‘હિડન એજન્ડા’ કહે છે.
નરેન્દ્ર મોદીની સરકારનાં બે વર્ષને આ ચાર પ્રશ્નોની એરણે માપવા જોઈએ, પણ એ પહેલાં આ ચાર પ્રશ્નોનું સ્વરૂપ અને એનાં પરિણામો સમજી લેવાં જોઈએ. 1. ગજાબહારની વાતો કોઈ પણ માણસની ઠેકડી ઉડાડવાનું કારણ બને. 2. આપણા ગજાનાં, લાગુ કરી શકાય એવાં વ્યવહારુ વચનો આપવામાં આવે અને એના પર અમલ કરવામાં આવે તો એવો શાસક વ્યવહારવાદી સફળ શાસક તરીકે અમર થતો હોય છે. 3. જેને હાથ લગાડવામાં જોખમ છે અને સામાન્ય શાસકો જેને હાથ લગાડતાં ડરતા હોય એવાં મૂળભૂત વ્યવસ્થાકીય વચનો જે આપી શકે અને અમલમાં મૂકી શકે એવા શાસકો મહાન શાસક તરીકે અમર થતા હોય છે. 4. એ તો દેખીતી વાત છે કે પ્રજાને વિશ્વાસમાં લીધા વિના નહીં જાહેર કરવામાં આવેલો ‘હિડન એજન્ડા’ લાગુ કરવામાં આવે તો એ કોઈ પણ સરકારને બદનામ કરી શકે છે. આ પ્રજા સાથેની છેતરપિંડી છે.
હવે કહો કે બે વરસ દરમ્યાન નરેન્દ્ર મોદીની પોતાની અને તેમની સરકારની કઈ ઇમેજ બની છે? એક ઇમેજ ગજાબહારનાં વચનો આપનાર, ચોવીસે કલાક પોતાને કેન્દ્રમાં રાખનાર અને અવસર મળ્યે મોટી વાતો કરનાર ફેકુ તરીકેની છે અને બીજી ઇમેજ RSSનો એજન્ડા લાગુ કરનાર ફાસિસ્ટ તરીકેની છે. આ ઇમેજ બની છે તો એના માટે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર જવાબદાર છે, વિરોધ પક્ષો કે તેમના ટીકાકાર જવાબદાર નથી. એવાં અનેક કામો છે જેના દ્વારા અચ્છે દિન આવી શકે એમ છે, પરંતુ એ કરવામાં આવતાં નથી અને જે કરવામાં આવશે એમ કહેવામાં પણ નહોતું આવ્યું એ થઈ રહ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે વિકાસલક્ષી મંત્રાલયો લગભગ નિષ્ક્રિય છે અને જેમાં RSSને રસ છે એવાં શિક્ષણ અને સંસ્કૃિતને લગતાં મંત્રાલયો સક્રિય છે. વિકાસલક્ષી મંત્રાલયો એ છે જે ભારતીય નાગરિકના ભૌતિક વિકાસ કરવા માટે કામ કરે છે; જેમ કે નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, ખેતી વગેરે. શિક્ષણ અને સાંસ્કૃિતક બાબતોને લગતાં મંત્રાલયો ભારતીય નાગરિકના ચિત્તપ્રદેશને તત્ત્વનિષ્ઠાની ઉપાસના કરતાં શીખવાડીને વિકસાવે છે કાં કુપ્રચાર કરીને અભડાવે છે.
વડા પ્રધાન સતત ઇલેક્શન મોડમાં રહે છે, કારણ વિના દુનિયા ઘૂમી રહ્યા છે. જ્યારે બોલે ત્યારે સાંભળનાર જો સમજદાર હોય તો ઘા ખાઈ જાય અને ઘેલો હોય તો રાજીનો રેડ થઈ જાય એવી મોટી-મોટી વાતો કરે છે અને સરકાર? સરકાર પાછલા બારણેથી RSS ચલાવે છે. નરેન્દ્ર મોદીના ટેકેદારોને આ ન ગમે તો માફ કરે, પણ આજની આ વાસ્તવિકતા છે. ફેકુ અને ફાસિસ્ટની ઇમેજ જો બની છે તો એને માટે તેઓ સ્વયં જવાબદાર છે. સરકારમાં RSS સૌથી વધુ સક્રિય છે. દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓને કબજે કરવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં ચડ્ડીધારીઓને બેસાડવામાં આવ્યા છે જેમનામાં પોતાનામાં શૈક્ષણિક સજ્જતાનો અભાવ છે એટલે ધીરે-ધીરે શિક્ષણસંસ્થાઓ બુદ્ધિદરિદ્રતાનો ભોગ બની રહી છે. વિરોધ કરનારાઓને સતાવવામાં આવે છે. પ્રતિષ્ઠિત વિદ્વાનોને હટાવવામાં આવી રહ્યા છે.
ભારતમાં પાઠ્યપુસ્તકોનું પાકિસ્તાનીકરણ કરવું હોય તો બે ચીજ અનિવાર્ય છે. એક તો એવા લોકો શિક્ષણ સંસ્થાઓમાં હોવા જોઈએ જેઓ સંઘની શાખાઓમાં તૈયાર થયા હોય અને જેમનામાં સ્વતંત્ર રીતે વિચારવાની આવડત જ ન વિકસી હોય. એ લોકો વિદ્વાન ખરા પણ રોબો જેવા. ચાવી આપો એટલે શાખામાં સાંભળેલું બોલી દે. બધું જ સાંભળેલું હોય, વિચારેલું કંઈ જ ન હોય. હા, તેમની સ્મરણશક્તિને દાદ આપવી હોય તો બીજી વાત છે. બીજી લાયકાત બાળકના કુમળા મનમાં ઝેર રોપવા જેટલી નિદર્યતા હોવી જોઈએ. સંઘની શાખાઓમાં અનેક દીનાનાથ બાત્રાઓ તૈયાર થયા છે જેઓ આવી બન્ને લાયકાત ધરાવે છે. રાજસ્થાનમાં રોબોએ પાઠ્યપુસ્તકમાંથી જવાહરલાલ નેહરુનું પ્રકરણ હટાવી દીધું છે અને એ પણ ભારત માતા પરનું પ્રકરણ. કદાચ તેમને નેહરુનાં ભારત માતા મૅડમ જેવાં લાગ્યાં હશે. નેહરુનું પ્રકરણ હટાવવાથી નેહરુને કોઈ નુકસાન થવાનું નથી. જે નુકસાન થશે એ ભારતના આવતી કાલના નાગરિકોને થવાનું છે. પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સંસ્થાઓમાંથી ઉદારમતવાદીઓને હટાવીને પાકિસ્તાને જેવી બે પેઢી પેદા કરી છે એવી સંઘ ભારતમાં પેદા કરવા માગે છે. સંઘનો આ ખતરનાક ખેલ છે અને આપણા વડા પ્રધાન જે-તે ઇવેન્ટ યોજીને પોતાની પબ્લિસિટીના ખેલ પાડવામાં મસ્ત છે.
આમ આવતી કાલના નાગરિકને ઘડવાનું કામ વડા પ્રધાને RSSને સોંપી દીધું છે અને સ્મૃિત ઈરાની સાથે મળીને સંઘ એ કામ પૂરી સક્રિયતાથી કરી રહ્યો છે. આ બાજુ વિકાસલક્ષી મંત્રાલયોએ બે વર્ષમાં કયું મોટું કામ કર્યું એ બતાવો કે આપણે આફરીન થઈ જઈએ? મોટા ભાગના પ્રધાનોમાં આવડત નથી અને જેમનામાં આવડત છે તેમને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ હોવા છતાં કશું નોંધપાત્ર બનતું નથી. ભાવ ઘટતા નથી, બેરોજગારીમાં ઘટાડો થતો નથી. ઇન્ફ્રા-સ્ટ્રક્ચરમાં કોઈ નવા ઉપક્રમ હાથ ધરવામાં આવ્યા નથી, ખેડૂતો આત્મહત્યા કરતા અટક્યા નથી, મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવતું નથી, સંસદ ચાલતી નથી, ખરડાઓ પસાર થતા નથી. આના કરતાં તો અટલ બિહારી વાજપેયીએ અને પહેલી મુદત દરમ્યાન ડૉ. મનમોહન સિંહે વધારે મોટાં કામ કર્યા હતાં. હજી બે વરસ વીતવા છતાં જાણે કે દેશમાં નવી-નવી સરકાર આવી હોય એમ જાહેરાતો જ થઈ રહી છે. ્’મેક ઇન ઇન્ડિયા’, ‘સ્કિલ ઇન્ડિયા’ વગેરે હજી આજે પણ જાહેરાતના જ સ્તરે અટકેલી છે.
નીતિ આયોગ તો સૌથી મોટું ફારસ છે. મોટા ઉપાડે આયોજન પંચને વિખેરી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ રચવામાં આવેલા નીતિ આયોગે શું કામ કરવાનું છે એ જ સ્પષ્ટ નથી. ‘નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ઑફ ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’ આયોગ એ નીતિ આયોગનું પૂરું નામ છે. પહેલી વાત તો એ કે આ ઇન્સ્ટિટ્યુશન છે કે આયોગ છે? કમિશન અને ઇન્સ્ટિટ્યુશનમાં જમીન-આસમાનનો ફરક છે અને કદાચ એટલે જ નીતિ આયોગ નક્કી નથી કરી શકતું કે એણે કરવાનું શું છે? નીતિ આયોગ રચાયે ૧૫ મહિના વીતી ગયા છે, પરંતુ હજી વિઝન-ડૉક્યુમેન્ટની રાહ જોવાય છે જે આપણને કહે કે ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા કઈ રીતે કરવાનું છે. લોકો નીતિ આયોગને ભૂલી ગયા છે. જૂના આયોજન પંચના બૌદ્ધિક યોગદાન સાથે નીતિ આયોગની કોઈ તુલના જ થઈ શકે એમ નથી. આશ્ચર્ય એ છે કે આજે ૧૫ મહિના પછી પણ નીતિ આયોગની પૂરી રચના કરવામાં આવી નથી. નવાની નિર્મિતિ કર્યા વિના જૂનાને તોડવાથી કોઈ ફાયદો થતો નથી.
તો પ્રારંભમાં ચાર લક્ષણો કહ્યાં એમાંથી વડા પ્રધાન ઇલેક્શન મોડમાં મોટી વાતો કરે છે અને ફેકુની ઇમેજને વધારે મજબૂત બનાવી રહ્યા છે અને કન્હૈયાકુમારની ભાષામાં મનુસ્મૃિત ઈરાની RSSની સાથે મળીને ભારતનું પાકિસ્તાનીકરણ કરી રહ્યાં છે. જે પ્રશ્નો સહેજે હાથ ધરી શકાય એમ છે અને જે વડા પ્રધાનને સફળ વડા પ્રધાન સાબિત કરી શકે એમ છે એના પર ધ્યાન આપવામાં નથી આવતું. નરેન્દ્ર મોદીને સફળ વડા પ્રધાન બનાવનારા પ્રશ્નો હાથ ન ધરાતા હોય ત્યાં નરેન્દ્ર મોદીને મહાન વડા પ્રધાન તરીકે અમર કરનારા મુદ્દાઓ હાથ ધરવામાં ન આવે એ સ્વાભાવિક છે.
એક વાત યાદ રાખજો, આ દેશમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી અને કદાચ તેમના કરતાં પણ વધુ મહાન વડા પ્રધાન એ જ સાબિત થવાનો છે જે સિસ્ટમને હાથ લગાડવાની અને સુધારવાની હિંમત કરશે. 56ની છાતીની ખરી કસોટી ત્યાં થવાની છે. નરેન્દ્ર મોદીએ હજી સુધી તો એવી હિંમત બતાવી નથી અને જે પહેલાં બે વરસમાં ન બતાવી શકે એ પછીનાં ત્રણ વરસમાં બતાવી શકે એવી બહુ ઓછી શક્યતા છે. બીજું, આને માટે વિઝનની અને વિરોધીઓને પણ જીતવાની આવડત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી એ દિલ્હી, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અને એ ઉપરાંત સંસદમાં સાબિત થઈ ગયું છે. ખરું પૂછો તો નરેન્દ્ર મોદીની ત્રીજી એક ઇમેજ સરમુખત્યારની છે.
ટૂંકમાં, હરખાવા જેવું તો કંઈ જ નથી. ઊલટું સંઘ દ્વારા પાછલા બારણેથી ફાસિસ્ટ એજન્ડા લાગુ કરવામાં આવતો હોવાથી ચિંતાજનક સ્થિતિ છે. જાણીબૂજીને સમાજમાં તિરાડો પાડવામાં આવશે અને અથડામણનું રાજકારણ અપનાવવામાં આવશે; કારણ કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત જેવાં નિર્ણાયક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ૨૦૧૭નું વર્ષ દેશ માટે અને નરેન્દ્ર મોદી માટે નિર્ણાયક નીવડવાનું છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 08 મે 2016 તેમ જ 15 મે 2016
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-08052016-7
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-15052016-12