6 ડિસેમ્બર આંબેડકર નિર્વાણ દિને જ ગાંધીવાદી ભાનુભાઈ અધ્વર્યુના નિધનને રચના અને સંઘર્ષનો સુભગ સંયોગ કહીએ કે બીજું કાંઇ? 1921થી 1965 સુધીના 64 વર્ષની એમની જીવનયાત્રા નકરી ગાંધીવાદી સાદગીભરી જ્યારે, વ્યાપક ક્ષિતિજો વિસ્તારતી તેમની લેખનયાત્રાએ વિષમતા નિર્મૂલનની ઘણી દિશાઓ ઇંગિત કરેલી. એમના ગયાના 40 વર્ષે પણ એ એટલી જ કારગત છે. એમની આ લેખનયાત્રા એટલે “રુદ્રવીણાનો ઝંકાર”.
ઉમાશંકર જોશીના ઇડર પાસેના વતન બામણા ગામની હાઇસ્કૂલના આચાર્ય બન્યા અને 1980માં ત્યાંથી જ નિવૃત્ત થયા, પણ એમની પાઠશાળા આટલી નાની ન હતી. અને એમણે બાળકોને શાળા અભ્યાસ જ કરાવવાનો ન હતો. 1942ની આઝાદીની ચળવળમાં બે વર્ષ જેલવાસ વેઠ્યો એ તો એમના જીવનની પાઠશાળાનું પહેલું પગથિયું હતું. જીવનના નમતા પહોરે 1980માં તેમણે “શ્રમજીવી સમાજની” સ્થાપના કરી. ગોરા અને કાળા બંને અંગ્રેજો સામે આજીવન ઝઝૂમતા રહ્યા અને છેલ્લે જીવલેણ બીમારી સામે પણ ઝઝૂમવાનું હતું.
આદિવાસીઓના લઘુત્તમ વેતન અને ભૂમિહિનોના હક માટે ખેડ સત્યાગ્રહ એ એમના જીવનના અનુભવો અને આવું જીવનભાથું બાંધતા તેમણે દુનિયાને જેવી જોઇ એવી લખી. કેવળ લખી નહિ પણ જરૂર જણાય ત્યાં તેને બદલવાના અથાક પ્રયત્નો કર્યા. દલિત પેંથર્સના પ્રમુખ રમેશચંદ્ર પરમારે સમયના તકાજે ઊગતા કવિઓની કવિતાઓ સાથે પ્રકાશિત કરેલા “આક્રોશ” કાવ્યસંગ્રહને પ્રથમ અગ્નિશિખા કહી, ખોબલે ખોબલે સ્વાગત કરેલું.
ગ્રામીણ વિસ્તારની વરવી વાસ્તવિકતાની વાત કરતા ભાનુભાઈ લખે છે, “ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ માટી ખોદે અને ચાર ચોપડી ભણેલા ખોદકામનો હિસાબ રાખે એની ભવ્ય ક્રાંતિ યુદ્ધના ધોરણે પંચાયતી રાજમાં જ થઇ શકે.“ 1980 પછી આજની શિક્ષિત બેરોજગારી માટે પણ આ વાત એટલી જ સાચી છે.
“વચનોના આભલા: અમલના અખાડા.” એ શીર્ષક જ દેશના દંભી રાજકારણનો અરીસો છે. બિહારના ભાગલપુરમાં અંડરટ્રાયલ કેદીઓ પર થયેલા અમાનુષી અત્યાચાર વિશે બયાન કરતા ભાનુભાઈ લખે છે, “બિહારની પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં સામંતવાદના બધા અવશેષો કાયમ રાખી તેના પર લોકશાહીનું ધરૂવાડિયુ કરવામાં આવ્યું છે.”
વિકાસના નામે થતા પર્યાવરણના વિનાશ સામે તેમણે વેધક શબ્દોમાં લાલ બત્તી ધરી છે. “જેમ દરેક યજ્ઞમાં કોઇ બકરાએ બલિનો બકરો બનવું પડે તેમ ગુજરાતની અસ્મિતા ખીલવતા ગિરિ મથક સાપુતારાના વિકાસ યજ્ઞમાં સ્થાનિક આદિવાસીઓને બલિના બકરા બનાવવામાં આવ્યા છે. 1975થી પૂરું વળતર મેળવવા આ લોકો પ્રયત્ન કરે છે, 71 ઘરની 450ની વસ્તીમાં માત્ર બેને ઇલેકટ્રીક ફીટીંગ અને એકને પટાવાળા તરીકે નોકરીમાં લેવામાં આવ્યા છે.”
વ્યવસાયે આજીવન શિક્ષક રહેલા ભાનુભાઈએ શિક્ષણ જગતને આરપાર જોયું છે. તેઓ લખે છે, “શિક્ષણને ખાનગી હાથોમાં જ રાખવા માગતા તત્ત્વોની એક વિચિત્ર પ્રકારની સાંઠગાંઠ ઊભી થઇ છે.” તે વખતે ખાનગી શાળાઓ જ હતી. આજે તો ખાનગી યુનિવર્સિટીઓની પણ ભરમાર છે. શિક્ષણ ક્ષેત્રે આવી હરણફાળ ભરી છે.
પરિવર્તનની એક ચાવી રંગભૂમિ પણ છે. કલકત્તાની રંગભૂમિના પ્રગતિશીલ નાટ્યકાર બાદલ સરકાર વિષેના લેખમાં ભાનુભાઈ લખે છે, “ગર્મ હવાથી શરૂ કરીને ચક્ર સુધી પહોંચેલા ફિલ્મ જગતના ન્યુ વેઇવને આવી નાટ્ય પ્રવૃત્તિએ પવન પૂરો પાડ્યો છે”.
બિહારનો લાંબો પ્રવાસ ખેડ્યા પછી તેમણે લખેલી લેખમાળામાં સમગ્ર બિહારની કુટિલ વ્યૂહનીતિથી ગુંથાયેલી સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓની ઘટમાળ બયાન છે. ગુજરાત, મહારાષ્ટ્ર કે બંગાળની જેમ બિહારની અસ્મિતા કદાપિ ઉપસી નથી તેનો તેમને રંજ છે. “કામમેં સુસ્ત ઔર કાગઝમેં ચુસ્ત” વાળી રાજનીતિથી રાજ્યો કેટલા પછાત રહી ગયા તેમ કહેતા તેઓ લખે છે, “ગ્રામગરીબોની ચેતનાને દબાવવાના પ્રયત્નો નિષ્ફળ જતાં આતંકવાદી પ્રવૃત્તિ જમીનદારો દ્વારા જ શરૂ થઇ છે. 1971માં જમીનદારોએ પોતાના પાકના રક્ષણ માટે ભૂમિ સેના રચી. તેણે પ્રથમ હલ્લો સાંતાલ ગણોતિયાના વાસ પર કર્યો. સાંતાલોના 44 ઝૂંપડાં જલાવી દીધાં અને 14ને જીવતાં સળગાવી દીધાં. 4 વર્ષ પછી અદાલતમાં બધા નિર્દોષ છૂટ્યા. ગરીબોનું કામ કરતા કાર્યકરોના મોટા પ્રમાણમાં ખૂનો થવા લાગ્યા. તંત્ર અને કોર્ટોમાં ન્યાય નહિ મળે તેમ લાગતા ગરીબો પણ સંગઠિત થઇ શક્ય હોય ત્યાં વળતા પ્રહારો કરવા માંગ્યા.”
હિંસક પ્રતિરોધનું આવું વરવું સત્ય લખનાર કદાચ આ પહેલા ગાંધીવાદી હશે. આવો પ્રતિરોધ કરતા એક કાર્યકરના શબ્દો ટાંકતા તેઓ લખે છે, “અમારું કામ કેવી રીતે બતાવીએ? અમારે ઘર જ નથી તો આશ્રમ કે ઓફિસ ક્યાંથી હોય? અમારી અસરવાળા ગામડામાં દલિતોના ટોલાં-ફળિયામાં જાવ. એની હવામાં અમારા કામની ગંધ આવશે.” આજે તો આવી શાબ્દિક રજૂઆત કરનારને પણ રાજદ્રોહના આરોપસર જેલ થાય છે. તેઓ લખે છે ”જમીનની માલિકીનું સૌથી વધુ કેન્દ્રીકરણ અહીં જ જોવા મળે છે. વિનોબાની કરુણા અને સરકારના કાનૂન બંને કરુણરીતે નિષ્ફળ ગયા છે”.
બિહારના ભોજપુર જિલ્લાના સહાર તાલુકાના એકલારા ગામના એમ.એસ.સી. થઇને સરકારી હાઇસ્કૂલમા વિજ્ઞાન શિક્ષકની નોકરી કરતા જગદીશ નામના દલિત યુવાનનું જીવન વૃત્તાંત લખતા ભાનુભાઈ લખે છે, “જગદીશના દિલની આગ સમજવા જગદીશનો પરિવેશ સમજવો પડે”. એમ.એસ.સી. થયેલા હોનહાર ભાવિને કાબિલ જગદીશ કેવી રીતે પળિયો બની ગયો તે વાત આ ગાંધીવાદી ફકીરની કલમે અવતરી છે.
આદિવાસીઓના ભગવાન સમા બિરસા મુંડાને પણ તેમણે યાદ કર્યો છે. અંગ્રેજ શાસનકાળમાં આદિવાસી પ્રજા પર થતા જોરજુલમ સામે બહારવટે ચડેલા બિરસા મુંડાના આજે સરકારી ભવનો છે અને સ્વદેશી સાંપ્રત સરકાર સામે શબ્દોથી પ્રતિરોધ કરનારાને જેલમાં બંધ કરી દેવાય છે. એ પણ વદતો વ્યાઘાત છે.
ગુજરાતના રાજપીપળા અને ડાંગના ધરમપુરના આદિવાસીઓની કરમ કથા પણ ભાનુભાઈએ વિગતે લખી છે. મામૂલી વળતર સામે ખેતમજૂર કે ચાકર તરીકે સવારથી રાત સુધી કામ કરતા આદિવાસીઓ અને પાણિયારી તરીકે કામ કરતી ચાકરની પત્નીની ઝીણવટભરી વિગતો, કપાસની પૂમડી જેવી નાનકડી ચોરી કરતાં 16 વર્ષના કિશોરનું લીંચીંગ એવી ઘણી વાતો ગરીબી, અસમાનતા અને દમનનું વરવું સ્વરૂપ રજૂ કરે છે. તો સામે રણચંડી બનેલી બહેનોએ જમીનમાલિકને ઘેરીને પીટી નાખ્યાની ઘટનાનું આલેખન પણ તેમની કલમે થયું છે.
નીતિ નિયમો નવે મૂકીને આડેધડ જંગલો કાપીને ઉઘાડી લૂંટને રેગ્યુલરાઇઝ કરવા ઘડવામાં આવેલા ફોરેસ્ટ એક્ટ, 1927થી માંડીને નવી રાષ્ટ્રીય નીતિ સુધી થયેલી વન વિરોધી ગતિવિધિઓની પણ તેમણે આકરી ટીકા કરી છે. આવી ઘણી વિષમતાઓ રુદ્રવીણા સમી તેમની કલમની અડફેટે ચડી છે. દલિત લેખક ચંદુભાઈ મહેરિયા દ્વારા સંપાદિત ભાનુભાઈ અધ્વર્યુનો લેખ સંગ્રહ “રુદ્રવીણાનો ઝંકાર”આજે પણ પથદર્શક છે.
e.mail : sanita2021patel1966@gmail.com
![]()

