
હેમન્તકુમાર શાહ
નરેન્દ્ર મોદીએ મે-૨૦૨૪માં એક મુલાકાતમાં એમ કહી નાખ્યું હતું કે :
(૧) તેમને એવો અનુભવ થાય છે કે ઈશ્વરે જ તેમને મોકલ્યા છે.
(૨) તેઓ જે અસાધારણ ઊર્જા ધરાવે છે તે શારીરિક અસ્તિત્વમાંથી આવી શકે નહીં. એ તો કોઈક હેતુ માટે મળેલી દિવ્ય બક્ષિસ છે. એટલે કે પોતે non-biological છે.
(૩) તેઓ પોતાની જાતને ઇશ્વરનું સાધન ગણે છે.
આ નરેન્દ્ર મોદી કંઈ ભૂલથી બોલી ગયા હતા એમ સમજવું જોઈએ નહીં. એ ભારતમાંથી લોકશાહીને ખતમ કરવાની બહુ જ વિચારપૂર્વક કરવામાં આવેલી સાજિશ છે એમ સમજવાનું છે.
રાજાશાહીમાં રાજા ઈશ્વર છે અથવા રાજા ઈશ્વરનો પ્રતિનિધિ છે એમ સમજવામાં આવતું રહ્યું છે. આમ, નરેન્દ્ર મોદી પોતાને ઇશ્વર કે ઈશ્વરે રાજ કરવા માટે મોકલેલા ગણે છે અને લોકોને પોતાની ટીકા નહીં કરવા માટે આડકતરી રીતે જણાવે છે, કારણ કે ઇશ્વર તો કશું ખરાબ કરે જ નહીં.
રાજા સામે કોઈ પણ બાબતે આંગળી ચીંધી શકાય જ નહીં કારણ કે તે માણસ નથી પણ ઈશ્વર છે અથવા ઈશ્વરે લોકોનું કલ્યાણ કરવા માટે મોકલેલ વ્યક્તિ છે. એટલે જ સંઘીઓ અને ભા.જ.પી. લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાને દેશદ્રોહી ગણાવે છે કારણ કે તેઓ નરેન્દ્ર મોદી = ભારત એવું સમીકરણ બનાવે છે.
આ લોકશાહીને ખતમ કરવાની એક ખતરનાક ચાલ છે. પણ એ યાદ રાખવું ઘટે કે ભા.જ.પ. જેના પેટે જન્મ્યો છે તે RSS છે અને તે લોકશાહીમાં માનતું કે તેને અત્યાર સુધીમાં શોધાયેલી સારામાં સારી શાસનપદ્ધતિ તરીકે સ્વીકારતું સંગઠન છે જ નહીં.

સંઘના પાયામાં રાજાશાહી છે, તેમાં વ્યક્તિપૂજાનું ધાર્મિક તત્ત્વ રહેલું છે. તેમાં ઉચ્ચ કક્ષાએથી જે કંઈ કહેવામાં આવે તે આખરી છે એમ સ્વીકારી લેવામાં આવતું હોય છે.
નરેન્દ્ર મોદી RSSના પ્રચારક રહ્યા છે. એટલે એમને રાજાશાહીના સંસ્કાર ગળથૂથીમાં મળેલા છે. જુઓ જરા, RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની શૈલી પણ આવી જ હતી કે જેમણે સંઘના ફેલાવામાં ભારે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ગોલવલકર પોતાની જાતને ભગવાન ગણાવતા થઈ ગયા હતા અથવા સંઘના લોકો તેમને ભગવાન તરીકે ચીતરતા હતા!
મહાત્મા ગાંધીની હત્યા થઈ તે પછી RSS પર પ્રતિબંધ મૂકાયો હતો અને ગોલવલકરની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલાયા હતા. તેઓ જેલમુક્ત થયા પછી તેમને સત્તામાં રસ નથી અને પોતાને તો આધ્યાત્મિક બાબતોમાં જ રસ છે એવું પણ તેઓ બતાવતા હતા.
ગોલવલકરનું ચરિત્ર લખનારા કલકત્તાના સંઘના એક પ્રચારક હેમેન્દ્રનાથ પંડિત તેમનાં સંસ્મરણોમાં લખે છે કે પશ્ચિમ બંગાળમાં સ્વયંસેવકોને એક પ્રચારક દ્વારા એમ કહેવામાં આવતું હતું કે “મહાભારતના માધવ” જ નવા અવતાર સ્વરૂપે માધવ સદાશિવ ગોલવલકર તરીકે આવ્યા છે!
એટલું જ નહીં પણ મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવી રામધૂન પણ ત્યાં બદલી નાખવામાં આવી હતી. “ઈશ્વર અલ્લાહ તેરે નામ”ને બદલે “કેશવ માધવ તેરે નામ” કરી નાખવામાં આવ્યું હતું. કેશવ એટલે RSSના સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક કેશવ બલિરામ હેડગેવાર અને માધવ એટલે બીજા સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર.
જગત એસ. બ્રાઇટ નામના ગોલવલકરના એક ચરિત્રકારે તેમની દેખરેખ હેઠળ જ તેમનું જીવનચરિત્ર ૧૯૫૦માં લખ્યું હતું. તેમાં તેઓ લખે છે કે ગોલવલકરનો દેહ અને તેમની આંખો મહાત્મા ગાંધી જેવાં હતાં! અને તેમની ચાલ ખ્રિસ્તી સંત થોમસ જેવી હતી! સંઘ વ્યક્તિકેન્દ્રી નથી પણ વિચારકેન્દ્રી છે એવું ઢોલ પીટી પીટીને કહેવામાં આવે છે પણ હકીકત કંઈક જુદી જ છે.
“હર હર મોદી” નામનું સૂત્ર એ આકસ્મિક રીતે આવી પડેલું નથી, પણ એ આ જ તાનાશાહી નફરતી વિચારધારાનું ફરજંદ છે.
તા.૧૭-૧૨-૨૦૨૫.
કાર્ટૂન સૌજન્ય : રાકેશ રંજન
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

