
હેમન્તકુમાર શાહ
અત્યારે ઢોલ પીટીને વારંવાર એમ કહેવામાં આવે છે કે જવાહરલાલ નેહરુને બદલે સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો સારું થાત. સરદાર પ્રથમ વડા પ્રધાન થયા હોત તો દેશની સીકલ કંઈક જુદી જ હોત એવું કહેવામાં આવે છે.
તો ચાલો, હવે એમ પણ કહીએ કે :
(૧) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે લાલકૃષ્ણ અડવાણી વડા પ્રધાન થયા હોત તો ઘણું સારું થાત અને દેશની સીકલ કંઈક જુદી જ હોત.
અથવા
(૨) ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને બદલે મુરલી મનોહર જોષી દેશના વડા પ્રધાન થયા હોત તો કેટલું સારું થયું હોત!
અથવા
(૩) અટલબિહારી વાજપેયી શારીરિક રીતે સશક્ત હોત અને તેઓ જ ફરી ૨૦૧૪માં વડા પ્રધાન થયા હોત તો આવા હળાહળ જૂઠું બેફામ બોલનારા વડા પ્રધાન મળ્યા જ ન હોત.
અથવા
(૪) નરેન્દ્ર મોદી વડા પ્રધાન થયા જ ન હોત અને ભા.જ.પ.માંથી પણ કોઈ વડા પ્રધાન થયું જ ન હોત તો કેટલું બધું સારું થાત!
અને
જવાહરલાલ નેહરુએ કોઈ માર્ગદર્શક મંડળ બનાવ્યું નહોતું અને પોતાનાથી ૧૫ વર્ષ મોટા સરદાર પટેલને એમાં હાલ જેમને બંધ વખારમાં નાખવામાં આવ્યા છે તેમ ધકેલી દીધા નહોતા!
નરેન્દ્ર મોદીએ એ માર્ગદર્શક મંડળની કઈ વ્યક્તિ પાસેથી કેટલું અને કયું માર્ગદર્શન લીધું એની તો કંઈ ખબર જ નથી. કયો માર્ગ કયા દર્શન સાથે એમની જાણ બહાર પકડ્યો એની તો બધી જ ખબર છે!
ઇતિહાસ કંઈ જો અને તો પર ચાલતો નથી. એ તો નક્કર હકીકતોને આધારે ચાલે છે.
હવે વિચારો કે,
નરેન્દ્ર મોદી જો વડા પ્રધાન થયા જ ન હોત તો દેશમાં કેટલાં બધાં ગંદાં, નકામાં, ખર્ચાળ, વાહિયાત કામો થયાં જ ન હોત. જેમ કે, દેશ જૂઠાણા અને નફરતને આધારે આજે ચાલે છે તેમ ચાલતો જ ન હોત, અરુણાચલ પ્રદેશમાં ચીને આખું ગામ વસાવી દીધું ન હોત, દેશ કંઈ અદાણી અને અંબાણીને વેચાઈ ગયો ન હોત …….. વગેરે વગેરે.
ચાલો, જો અને તો રમત જરા લાંબી રમીએ …..
બાબર ત્યારના ભારતમાં, જો કે તે સમયે ભારત હતું જ નહીં, આવ્યો જ ન હોત અને બાબરી મસ્જિદ બની જ ન હોત તો ભા.જ.પ. ક્યાં હોત …
અને હા …
સરદાર પટેલ વડા પ્રધાન થયા હોત તો …..
સરદારે જાતે જ કંઈ બધાં દેશી રજવાડાં ભેગાં કરીને ભારત દેશ બનાવ્યો જ ન હોત અને તેમના કોઈક બીજા ગૃહ પ્રધાને એ કામ કર્યું હોત …..
તો નર્મદાને કિનારે એમનું પૂતળું બન્યું ન હોત?
ઇતિહાસની આ રમતમાં અંચઈ છે, છેતરપિંડી છે; એ વર્તમાનમાં જે કંઈ થઈ રહ્યું છે તેને વિશે કશું નહીં વિચારવા દઈને નાગરિકોના મોંમાં ઇતિહાસના ચણામમરા ભરી દેવાની એ રમત છે, એ રમવા જેવી છે જ નહિ. એ તાનાશાહીનો ખેલ છે, એ શુદ્ધ લોકશાહીની રમત છે જ નહીં.
તા.૦૩-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

