આજથી દસેક દાયકા પહેલાંની આ વાત છે. મુંબઈમાં જુનિયર બી.એ.માં ભણતો એક વિદ્યાર્થી. દોઢેક મહિના સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીમાં રોજના પાંચ-છ કલાક બેસીને ભારતીય સંસ્કૃતિની પરંપરા, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો, વગેરે વિષે વાંચે છે, નોંધો કરે છે. કેમ? કારણ, ‘૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ ભારતમાં થયેલી ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષેની નિબંધ હરીફાઈમાં ભાગ લેવાનું તેના અધ્યાપકે કહ્યું છે. ૧૦૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખી સ્પર્ધામાં મોકલે છે, અને ૨૦૦ રૂપિયાનું ઇનામ મેળવે છે.
દાયકાઓ પછી એ વિદ્યાર્થી ગાંધીજી અને આપણા પાંચ સાક્ષરો વિષે પુસ્તક લખે છે. સંદર્ભ માટેનાં એક-બે પુસ્તકો અમદાવાદમાં ક્યાંયથી નથી મળતાં. ‘ચાલશે’ એમ નહીં. આ લખનારને ‘વિનંતી’ કરી મુંબઈની લાયબ્રેરીઓમાંથી તેની ઝેરોક્સ નકલો મેળવીને જ જંપે છે. અને યુવાન વિવેચકો કે સંશોધકોને પણ ઈર્ષા આવે એવું પુસ્તક આપણને આપે છે. પેલો જુનિયર બી.એ.માં ભણતો વિદ્યાર્થી અને ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ પુસ્તકના લેખક તે બંને એક જ – ધીરુભાઈ ઠાકર.
કોડીનાર જેવું ગામડું, જ્યાં જન્મ થયેલો, ૧૯૧૮ના જૂનની ૨૭મી તારીખે. ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૨મી તારીખે આપની વચ્ચેથી વિદાય લીધી. એટલે વરસ ગણો તો આયુષ્ય ૯૬ વર્ષ. પણ નારાયણ દેસાઈએ તેમને ‘ચિરયુવા’ તરીકે અને ‘આજીવન સંશોધક’ તરીકે ઓળખાવ્યા હતા. ધીરુભાઈ ચિરયુવા રહી શક્યા, કારણ આજીવન સંશોધક રહ્યા. જે માણસ સતત નવું નવું શોધતો જ રહે તે જૂનો કઈ રીતે થાય? એટલે ‘જ્ઞાનવૃદ્ધ’ એ જ ધીરુભાઈની સાચી ઓળખ, ‘વયોવૃદ્ધ’ એ એમની સાચી ઓળખ નહીં.
બાળપણનાં વર્ષો ગામડામાં વીત્યાં. શરૂઆતમાં તો ભણવાનું પણ અનિયમિત. પિતાજી સાત ચોપડી ભણેલા. સાહિત્યના સંસ્કાર ક્યાંથી આવ્યા હશે? આજે તવંગરોનાં ઘણાં ઘરમાં પણ જે જોવા નથી મળતાં તે પુસ્તકો એમના ઘરમાં હતાં. વડોદરા રાજ્યની નોકરીમાં ટૂંકો પગાર, પણ પિતાનો વાચનશોખ ટૂંકો નહીં. ભીંતમાં જડેલા કબાટમાં રહેતાં જે પુસ્તકો વાંચેલાં તે દાયકાઓ પછી પણ ધીરુભાઈને યાદ : કપડાનું પૂંઠું ચડાવેલું શ્રીમદ્ ભાગવત, નથ્થુરામ શર્માની ટીકાવાળી ગીતા, સસ્તું સાહિત્યનું મહાભારત, ગિરધરકૃત રામાયણ, ગુજરાતી પ્રેસના કાવ્યદોહનના આઠ ભાગ, સરસ્વતીચંદ્રના ત્રણ ભાગ, વગેરે. આ પુસ્તકોને સંભારીને ધીરુભાઈ કહે છે : “આ પુસ્તકોએ અમારા નાનકડા કુટુંબની વાચનરુચિ ઘડીને સતેજ રાખી હતી.”
અને છતાં બીજા અનેક યુવાનોની જેમ સ્વપ્ન તો જોયું હતું ઈજનેર બનવાનું. ગુજરાત કોલેજમાં સાયન્સનું ભણવા દાખલ પણ થયા. પણ પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન હાથમાંની ક્રૂસિબલ પડીને તૂટી ગઈ અને ગુજરાતી સાહિત્યના સારા નસીબે ધીરુભાઈ પ્રેક્ટિકલમાં નાપાસ થયા. ૧૯૩૬ના જૂનમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટર આર્ટસમાં દાખલ થયા. પણ તેમની કારકિર્દીને ઘાટ આપ્યો તે તો એલ્ફિન્સ્ટન કોલેજ અને તેના ગુજરાતીના અધ્યાપક અને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. કાંતિલાલ બી. વ્યાસે. પછી તો બી.એ. થઈને એ જ કોલેજમાં ધીરુભાઈ અધ્યાપક થયા. પણ પછી વ્યવહારડાહ્યો ગુજરાતી સહેલાઈથી ન લે તેવા નિર્ણયો લીધા. એ વખતે એલ્ફિન્સ્ટન કોલેજ માત્ર મુંબઈની જ નહીં, આખા પશ્ચિમ ભારતની અગ્રણી કોલેજ હતી. પણ તે છોડીને અમદાવાદ આવી ગુજરાત કોલેજમાં જોડાયા. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત કોલેજ આખા રાજ્યની અગ્રણી કોલેજ બની. લગભગ તે જ વખતે બેંતાલીસ વર્ષની ઉંમરે આ કોલેજ છોડી રેલવે સ્ટેશન પણ ન ધરાવતા મોડાસામાં શરૂ થતી નવી કોલેજના આચાર્ય તરીકે જોડાયા. ૧૮ વર્ષમાં એ કોલેજને એવી વિકસાવી કે ઉમાશંકર જોશી મોડાસાને ‘સાબરકાંઠાનું ઓક્સફર્ડ’ તરીકે ઓળખાવતા. નિવૃત્તિ પછી ૬૭મે વર્ષે વિશ્વકોશના મુખ્ય સંપાદકની જવાબદારી સ્વીકારી. અંગ્રેજીમાં કહે છે તેમ ‘ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.’
ધીરુભાઈનો અંગત પરિચય તો છેલ્લાં થોડાં વર્ષોમાં થયો. પણ પાંચેક દાયકા પહેલાં બી.એ. અને એમ.એ.માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેમનાં પુસ્તકો દ્વારા પરોક્ષ પરિચય થયો હતો. પણ તેમાંથી એ વખતે હજી નવું પ્રગટ થયેલું ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ પુસ્તક તો અમારું વિદ્યાર્થીઓનું બાઈબલ હતું. એ પછી તો તેની બારેક આવૃત્તિઓ થઇ છે, પણ એ વખતે વાપરતો એ નકલ સાવ જીર્ણ થઇ ગઈ છે તો ય હજી સાચવી રાખી છે.
મુંબઈ સાથેનો ધીરુભાઈનો સંબંધ થોડાં વરસનો જ. છતાં તેઓ ‘સ્મરણમાધુરી’ પુસ્તકમાં લખે છે: “મુંબઈમાં હુ પાંચ વર્ષ રહ્યો. તે દરમ્યાન મારું બૌદ્ધિક ઘડતર થયું. વિવિધ રસરુચિ અને શક્તિ ધરાવતા પચરંગી (કોસ્મોપોલિટન) જનસમુદાયના સંસર્ગમાં આવવાનું થયું તે મોટી વાત હતી. નવી તાજી હવા માટે મગજનાં બારીબારણાં ખુલી ગયાં હતાં. આશા, ઉત્સાહ, અને પ્રવૃત્તિપ્રેરક ચેતના દેશના વાતાવરણમાં અનુભવાતી હતી તેનો સવિશેષ અનુભવ મુંબઈમાં થતો.”
ધીરુભાઈની તપશ્ચર્યાનાં મૂળ એટલાં ઊંડાં અને મજબૂત કે આજે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ એક વિશાળ વડલો બનીને અનેક દિશાઓમાં પોતાની ડાળીઓ ફેલાવી રહ્યું છે. ચોથી ડિસેમ્બરે તેની સ્થાપનાને ચાલીસ વરસ પૂરાં થાય છે ત્યારે ધીરુભાઈને માનવંદના.
XXX XXX XXX
03 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com
![]()

