
રવીન્દ્ર પારેખ
નવી શિક્ષણ નીતિ-2020થી લાગુ થઈ, પણ પાંચ વર્ષે ય તે હજી પ્રારંભિક તબક્કામાં જ છે. થયું છે એવું કે નીતિ તો લાગુ કરી દેવાઈ છે, પણ તેને વિષે સ્પષ્ટતા નથી અને જે તે યુનિવર્સિટી ઠીક લાગે તેમ લાગુ કરી રહી છે. તબીબી ક્ષેત્રે ઇન્ટર્નશિપ સંભળાતી હતી, તે ગુજરાત યુનિવર્સિટીએ આર્ટસના 10,800, કોમર્સના 27,000 અને સાયન્સના 2,500 મળીને અંદાજે ચાળીસેક હજાર વિદ્યાર્થીઓને લાગુ કરવાની જાહેરાત કરી છે. સાધારણ રીતે તબીબી ક્ષેત્રનો વિદ્યાર્થી પ્રાયોગિક રીતે પણ સંબંધિત વ્યવસાયના પરિચયમાં આવે એ સમજ ઇન્ટર્નશિપ સંબંધે ફેલાયેલી છે, પણ આર્ટસ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને પોતાનાં શિક્ષણક્ષેત્રનું કયું જ્ઞાન ઇન્ટર્નશિપ સંબંધે અપેક્ષિત કે અભિપ્રેત છે, તે અંગે સમજ કરતાં ગેરસમજ વધુ છે.
ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 6માં ઇન્ટર્નશિપ ફરજિયાત છે. ઇન્ટર્નશિપ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે આચાર્યો અને કુલપતિની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટર્નશિપ સંદર્ભે ચર્ચા-વિચારણા તો થઈ, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે ઇન્ટર્નશિપને લઈને કોઈ આગોતરું આયોજન ન હતું. શિક્ષણ નીતિ 2020માં નક્કી થઈ હોય, ઇન્ટર્નશિપ ફરજિયાત છે એ પણ નક્કી હોય ને આટલા સમય પછી પણ, તેને લગતી ખાસ સ્પષ્ટતા જ ન હોય, તો તે લાગુ કરવાનો અર્થ ખરો? જે નથી તે લાગુ કરવામાં તો જેના તેના તુક્કાઓ જ કામે લાગે ને યુનિવર્સિટીની બેઠકમાં એ જ થયું. વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રવૃત્તિઓને ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડવાનું નક્કી થયું. કંઇ પણ કરો, તો એને ઇન્ટર્નશિપ ગણી લેવાની વાત ઠીક નથી. ઉપરથી આવી પ્રવૃત્તિઓને માન્યતા આપવાનું યુનિવર્સિટીઓ પોતે જ ઠરાવે તે કોઈ રીતે યોગ્ય નથી.
આર્ટસ, સાયન્સ, કોમર્સના 6 સેમેસ્ટરમાં 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત કરાય તેનો વાંધો નથી, પણ કઈ બાબતને ઇન્ટર્નશિપ ગણવી તે અંગે ઝાઝી સ્પષ્ટતા શિક્ષણ નીતિમાં નથી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે ઇન્ટર્નશિપનો હેતુ અલબત્ત ! ઉમદા છે, પણ તે અંગે આગોતરું આયોજન યુનિવર્સિટીઓએ કરવું જોઈએ, તેને બદલે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 6માં આવે તેની રાહ જોઇને છેક હવે ઇન્ટર્નશિપમાં શું કરવું તેની ચર્ચા-વિચારણા કરવા કોલેજના આચાર્યોને તેડવામાં આવે તે બરાબર નથી. ઇન્ટર્નશિપની નવી વ્યવસ્થાનું આ પહેલું વર્ષ છે, એટલે દ્વિધા હોય તે સમજી શકાય, પણ ઇન્ટર્નશિપ લાગુ કરવાને ટાણે જ તેનો વિચાર કરવામાં આવે તે કઈ રીતે યોગ્ય છે? ઇન્ટર્નશિપ લાગુ કરવાની નીતિ તો પાંચ વર્ષ પહેલાંથી નક્કી હતી, તો તે પહેલાં તેનો વિચાર થઇ જ શક્યો હોત, પણ તેવું ન થયું ને છબરડાઓને આમંત્રણ આપવા જેવું થયું. ઇન્ટર્નશિપની જાહેરાત પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી., કોર્પોરેશન, હોટેલો જેવા ઉદ્યોગધંધા સાથે હજી તો વાટાઘાટો શરૂ થઈ છે, એ જોતાં લાગતું નથી કે સેમેસ્ટર પતે તે પહેલાં ગાડી પાટે ચડે.
આમ તો આની બ્લુ પ્રિન્ટ યુનિવર્સિટી તરફથી તૈયાર થવી જોઈએ, પણ કોઈ કોલેજ પોતાની રીતે આયોજન કરે તો તેને પણ માન્ય કરવાની તૈયારી યુનિવર્સિટીની છે. યાદ રહે, આ આર્ટસ, સાયન્સ ને કોમર્સના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપની વાત છે. કોઈ વિદ્યાર્થી પિતાનાં સલૂનમાં 120 કલાક કામ કરે કે કોઈ વિદ્યાર્થિની કોઈ સંબંધીનાં બ્યૂટીપાર્લરમાં 120 કલાક કામ કર્યાનું દર્શાવે તો તેને ઇન્ટર્નશિપ તરીકે ટ્રીટ કરવામાં આવશે તેવું નક્કી થયું છે. તેમાં મહત્ત્વનું એ છે કે જે તે સંસ્થા કે દુકાન ઇન્ટર્નશિપ કરી હોવાનું પ્રમાણપત્ર આપે. દેખીતું છે કે પિતા કે સંબંધી, વિદ્યાર્થી કામ કરે કે ન કરે, પ્રમાણપત્ર આપી દે, તો વિદ્યાર્થીનું તો કામ થઇ જશે, પણ તે શીખશે શું ને કેટલું તે વિચારવાનું રહે. વારુ, આવાં પ્રમાણપત્રો પૈસા વેરીને ન જ મેળવાય તેની કોઈ ખાતરી નથી. બીજું, ઇન્ટર્નશિપનો હેતુ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવાનો હોય તો, પિતા કે સંબંધીની પાસે કામ કરવાથી તે હેતુ કેટલો સચવાય તે પ્રશ્ન જ છે. ઇન્ટર્નશિપનો હેતુ પ્રેક્ટિકલ નોલેજનો હોય ને હેરકટિંગ સલૂનમાં કોઈ વિદ્યાર્થી 120 કલાક કામ કરે તો તે, આર્ટસ માટે કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ ગણાય કે સાયન્સની વિદ્યાર્થિની બ્યૂટી પાર્લરમાં કામ કરે તો તે, સાયન્સનું પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે ગણાય તેની સ્પષ્ટતા થવી ઘટે.
મેડિકલનો કોઈ વિદ્યાર્થી હેરકટિંગ સલૂનમાં કામ કરે તો તે ઇન્ટર્નશિપ ગણાશે? જો નહીં, તો આર્ટસની વિદ્યાર્થિની બ્યૂટીપાર્લરમાં કામ કરે તો તે કઈ રીતે ઇન્ટર્નશિપ ગણાય તેની ચોખવટ થવી ઘટે. કોમર્સનો વિદ્યાર્થી બેંકમાં જઈને કોઈ ગ્રાહકને ફોર્મ ભરી આપવામાં મદદ કરે તો તે કોમર્સની ઇન્ટર્નશિપ ભલે ગણાય, પણ તે કોઈ દુકાને કોઈની દાઢી કરે, તો તે કોમર્સની ઇન્ટર્નશિપમાં કઈ રીતે ખપાવી શકાય? પ્રવૃત્તિ, કોઈ શોખ ખાતર કે જાણવા માટે કરે તેનો તો શો વાંધો હોય, પણ તે જે તે વિદ્યાશાખાના પ્રેક્ટિકલ જ્ઞાનમાં ખપાવાય તો જે તે વિદ્યાશાખાનું અલગ કોઈ મૂલ્ય ખરું કે કેમ? કે બધી વિદ્યાશાખાઓ સરખી જ ગણવાની છે? કોઈ વેચાણ કેન્દ્ર કે એન્ટરપ્રાઈઝ કે સેવાકેન્દ્ર પર અપાયેલી સેવાને ઇન્ટર્નશિપ ગણવાની ઉદારતા એ ઉદારતા નથી, પણ યોજનાના સમુચિત અભાવનું પરિણામ છે, તે સમજી લેવાનું રહે.
ઇન્ટર્નશિપને મામલે યુનિવર્સિટી બેઠકમાં સાયન્સ કોલેજના કેટલાક આચાર્યોએ સમગ્ર પદ્ધતિનો સખત વિરોધ કર્યો, પણ તેમની ચિંતા જે તે પદ્ધતિને ઇન્ટર્નશિપ ગણવા કરતાં, વિદ્યાર્થીઓને કંઇ થાય, તો તેની જવાબદારી કોની એ મામલે વધારે હતી. બીજો વાંધો ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓ એકલી ઇન્ટર્નશિપ માટે બહાર જવા તૈયાર ન થાય કે તેના વાલીઓ એમ અજાણી જગ્યાએ મોકલવા તૈયાર ન થાય તો શું, એનો હતો. એનો તોડ એવો લાવવામાં આવ્યો કે કોઈ એજન્સી કે ઇન્ડસ્ટ્રીને કોલેજમાં મહિના માટે બોલાવીને 120 કલાકની કામગીરી કરાવી શકાય, તો ઇન્ટર્નશિપનો પ્રશ્ન ઉકેલી શકાય, બીજા શબ્દોમાં રવિવાર સહિત બધા દિવસ કામગીરી ચાલે તો પણ ઇન્ટર્નશિપ માટે રોજના 4 કલાક અલગ ફાળવવા પડે. વિદ્યાર્થીઓ એટલો સમય કોલેજ સમય સિવાય આપવા રાજી હોય કે કેમ તે પ્રશ્ન જ છે કે એને જ કોલેજ સમય ગણી લેવાનો છે? એ સાથે જ ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ બહાર જાય ને કંઇ થાય તો તેની જવાબદારી કોની એ સવાલ તો ઊભો જ છે.
ગુજરાત યુનિવર્સિટીનો તો અહીં દાખલો માત્ર છે, પણ ઘણી યુનિવર્સિટીઓમાં ઇન્ટર્નશિપ નવી શિક્ષણ નીતિમાં ફરજિયાત હોવા છતાં લાગુ થઇ ન હોય અથવા તરતમાં જ લાગુ થઇ હોય એમ બને. વારુ, જ્યાં લાગુ થઇ હોય ત્યાં ગુજરાત યુનિવર્સિટી જેવી હાલત હોય, એ પણ સમજી શકાય એવું છે. એમ.એસ. યુનિવતગસિટી, બરોડામાં પણ એવી જ હાલત છે. ત્યાં, આર્ટ્સમાં ટી.વાય.માં ભણતા 900 વિદ્યાર્થીઓ પહેલી વખત હવે ઇન્ટર્નશિપ કરશે. ત્યાં પણ હજી કંપનીઓ કે એન.જી.ઓ. સાથે વાટાઘાટો ચાલે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરે તો મોટા ઉપાડે ઇન્ટર્નશિપ નીતિ જાહેર કરી, પણ યુનિવર્સિટીને યુથ કાઁગ્રેસ અને NSUIએ આવેદન આપ્યું છે. NSUIનું કહેવું છે કે ઇન્ટર્નશિપ અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં અતિશય વિલંબ થયો છે. નવું સત્ર 4 ડિસેમ્બરે શરૂ થતું હોય ત્યારે, 1 ડિસેમ્બરે આચાર્યોની બેઠક કરાય એ કેવું? વળી ભાવનગરમાં મોટા ઔદ્યોગિક એકમો ને કંપનીઓનો અભાવ હોય ત્યારે ઇન્ટર્નશિપ લાગુ કરવામાં પણ મુશ્કેલીઓ છે. એ સ્થિતિમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ એવી NSUIની માંગ છે.
આ જ હાલત રહી તો ઘણાં વિદ્યાર્થીઓ સેમેસ્ટર પતે પછી ઇન્ટર્નશિપ કરે એમ બને. નવી શિક્ષણ નીતિમાં ઇન્ટર્નશિપ ફરજિયાત લાગુ કરવામાં છે, એટલી એકવાક્યતા તેનાં અર્થઘટનમાં નથી, નહિતર, અભ્યાસ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય એવી પ્રવૃત્તિઓ ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડી દેવાનું બને કઈ રીતે? યુનિવર્સિટીઓનું આ મનસ્વી અર્થઘટન ચિંતા ઉપજાવનારું છે. કંઇ પણ શીખવાનો તો વાંધો જ ન હોય, પણ જ્યારે વિદ્યાશાખાઓ ચોક્કસ હેતુસર અસ્તિત્વમાં આવી હોય, તો તેની વિશેષતા ને વિશિષ્ટતા જળવાય તે રીતે સંબંધિત પ્રવૃત્તિઓ થાય તે અપેક્ષિત છે. તેને બદલે મોંમાથા વગરની પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના વિઝન વગર ઠઠાડી દેવાય તે બધી રીતે નિંદનીય છે.
અને છેલ્લે –
આટલી બેદરકારી વિદ્યાર્થીઓ કોઈ બાબતે દર્શાવે તો તેને યુનિવરસિટીઓ ક્ષમ્ય ગણશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2025
![]()

