બલરાજ મધોક : ૧૯૨૦-૨૦૧૬ – મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક નહોતા આવ્યા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે
નવી પેઢીના વાચકોએ કદાચ પ્રોફેસર બલરાજ મધોકનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટીઓનાં આ લક્ષણો છે. એક વાર કોઈ નેતાને ધકેલી દેવામાં આવે તો એ પછી એ નેતાનો અરણ્યવાસ આજીવન હોય છે. ભારત અને વિશ્વભરમાં સામ્યવાદી પક્ષોમાં આવાં સેંકડો ઉદાહરણ મળી આવશે. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરનારાઓમાંના એક શ્રીપાદ અમૃત ડાંગેને પક્ષે બરતરફ કર્યા એ પછી સામ્યવાદીઓ તેમની સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે તેઓ આ ધરતી પર હયાતી જ નથી ધરાવતા. જો કે ડાંગે મરાઠી શબ્દ વાપરીએ તો અક્ટપેલુ વ્યક્તિત્વ (બહુમુખી પ્રતિભા) ધરાવતા હતા એટલે અનેક જગ્યાએ તેમની ઉપસ્થિતિ નજરે પડતી હતી, પરંતુ બિરાદર ડાંગેને તો સાવ વિસરી જવાયા હતા.
ભારતીય જનસંઘમાં અને એ પછી BJPમાં ૧૯૭૩થી બલરાજ મધોકની સ્થિતિ આવી જ હતી. બરાબર ૪૩ વરસનો વનવાસ ભોગવીને બલરાજ મધોક ૯૬ વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા ત્યારે મધોક વિશે જાણનારા લોકોને જાણકારી મળી હશે કે તેઓ હજી હયાત હતા. સામ્યવાદી પક્ષોની જેમ જનસંઘ/BJP પણ ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટી છે એટલે ઉપરથી જ્યારે નિર્ણય લેવાય ત્યારે માણસને જીવતેજીવત ભુલાવી દેવામાં આવે છે. છેલ્લાં વર્ષોમાં ખબર નહીં કયા ગુના માટે પણ સુંદર સિંહ ભંડારીની પણ આવી હાલત કરવામાં આવી હતી. સુંદર સિંહ ભંડારીએ પોતે આવો બળાપો કાઢ્યો હતો. અત્યારે BJPના ભૂતપૂવર્ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ ર્દીઘ અરણ્યવાસ ભોગવી રહ્યા છે. બંગારુ લક્ષ્મણ કરતાં અનેકગણો મોટો ભ્રષ્ટાચાર કરનાર યેદિયુરપ્પાની એક વાર નહીં બે વાર પુન: સ્થાપના કરવામાં આવી છે, પરંતુ બંગારુ લક્ષ્મણની કરવામાં નથી આવતી.
મૂળમાં RSSનો રાજકીય પક્ષ સ્થાપવાનો કોઈ ઇરાદો નહોતો. રાજકીય પક્ષ હિન્દુઓમાં સાવર્ત્રિક માન્યતા અપાવવામાં અવરોધરૂપ નીવડશે એવી તેમની ધારણા હતી અને એ સાચી પણ હતી. પક્ષ હોય તો પક્ષવિરોધી હિન્દુઓ હિન્દુ હોવા છતાં પણ સાથે ન આવે એવું બને. એટલે તો મહાત્મા ગાંધીની હત્યા પહેલાં અનેક કૉન્ગ્રેસીઓ કૉન્ગ્રેસી હોવા છતાં RSS માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા. બિનરાજકીય ચહેરો ધારણ કરીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં જેટલો ફાયદો અને સલામતી છે એટલો ફાયદો પક્ષની સ્થાપના કરવામાં નથી એ સંઘના નેતાઓ જાણતા હતા. સંઘના સ્વયંસેવક રહી ચૂકેલા નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી અને સંઘ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે સંકટની ઘડીએ દિલ્હીમાં સંઘનો અવાજ બને એવા રાજકીય પક્ષની જરૂર છે.
સંઘે ઘણાં વરસો સુધી દૂધ-દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કર્યો હતો કે સંઘ સાંસ્કૃિતક સંગઠન છે, જનસંઘ/BJP સાથે એનો સીધો કોઈ સંબંધ નથી વગેરે જેથી BJPનો વિરોધ કરનારા હિન્દુઓનું સમર્થન ગુમાવવું ન પડે. હવે મોહન ભાગવત સરસંઘચાલક બન્યા પછી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બે મોટાં પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે દોણી સંતાડ્યા વિના હિન્દુ કોમવાદી એજન્ડા અપનાવી લીધો છે અને સંઘે દોણી સંતાડ્યા વિના BJP સાથેના સીધા સંબંધનો સ્વીકાર કરી લીધો છે. મોહન ભાગવત નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ સત્તાકીય વગ ધરાવે છે અને તેમના પુરોગામીઓથી ઊલટું તેઓ એનો આનંદ પણ ભોગવી રહ્યા છે.
જો કે એવો એક સમય હતો જ્યારે સંઘે રાજકીય પક્ષની રચના કરવી પડી હતી અને સંઘ બને ત્યાં સુધી રાજકીય બાબતોમાં મોખરે ન આવવું પડે એનું ધ્યાન રાખતો હતો. સમસ્યા હતી નેતૃત્વની. સંઘ પાસે એવો કોઈ નેતા નહોતો જે રાજકીય પક્ષનું નેતૃત્વ કરી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી ઉંમરમાં અને હેસિયતમાં હજી નાના હતા. તેઓ સંઘ વતી પક્ષમાં પાછળથી દોરીસંચાર કરવા જેટલા સક્ષમ હતા, પરંતુ નેતૃત્વ કરી શકે એટલી તેમની ક્ષમતા નહોતી. ભારતીય જનસંઘના પહેલા બે દાયકા ઉધારના નેતૃત્વના હતા અને એમાં બલરાજ મધોક છેલ્લા હતા. જનસંઘના સ્થાપક-પ્રમુખ શ્યામ પ્રસાદ મુખરજીનું અકાળે અવસાન થયું એ પછી મૌલી ચન્દ્ર શર્મા જેવા સંઘ સાથે સીધો સંબંધ ન હોય એવા માણસોને અધ્યક્ષપદે બેસાડવામાં આવતા હતા. નેતા ગમે તે હોય, સંઘ પાછળથી દોરીસંચાર કરતો હતો. સંઘ સાથે સીધો સંબંધ તો શ્યામ પ્રસાદ મુખરજીનો પણ નહોતો એટલે તેઓ જો લાંબું જીવ્યા હોત તો તેમના હાલ પણ સંભવત: બીજા બહારના ઉધારના નેતાઓના થયા હતા એવા જ થયા હોત.
બલરાજ મધોક સંઘના નેતાઓને પણ ઝાંખા પાડે એવા કટ્ટર હિન્દુત્વવાદી હતા, પરંતુ હતા મૂળમાં આર્ય સમાજી. બલરાજ મધોકનો ૧૯૩૮થી RSS સાથે સંબંધ હતો. સ્વયંસેવક હતા, સક્રિય હતા; પણ તેમના આર્ય સમાજી સંસ્કાર પ્રબળ હતા. સરેરાશ આર્ય સમાજી સ્પષ્ટ વક્તવ્ય માટે અભિમાન ધરાવનારો અને પોતાને બીજા કરતાં અદકેરો માને છે. આ બાજુ સંઘના સંસ્કાર અનેક મોઢે બોલવાના છે અને નીતિ દહીં-દૂધમાં પગ રાખવાની છે. આર્ય સમાજી સ્પષ્ટવક્તા બલરાજ મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક આવ્યા નહોતા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, અરે સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ છે કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે.
બલરાજ મધોક જનસંઘને સાચો હિન્દુત્વવાદી પક્ષ બનાવવા માગતા હતા, પરંતુ સંઘ માટે જનસંઘ જો તક મળે તો સત્તા માટેની નિસરણી હતો અને નહીં તો સંઘના હિતનું રક્ષણ કરનાર દિલ્હીમાંનો રખોપિયો હતો. બલરાજ મધોક આ વાત ક્યારે ય સમજી શક્યા નહોતા. દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી બૅકસીટ-ડ્રાઇવિંગ કરવાની જગ્યાએ પોતે જ ડ્રાઇવ કરી શકે એટલા તૈયાર થઈ ગયા હતા. આ ચારે ય નેતાઓને સંઘના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હતા અને એ સાથે જનસંઘનું નેતૃત્વ સીધું સંઘ પાસે આવી ગયું હતું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2016
http://www.gujaratimidday.com/features/columns/balraj-madhok-wanted-to-create-a-true-hindu-jan-sangh-party-but-for-rss-jan-sangh-just-a-ladder-to-get-power-2