
હર્ષ સંઘવી
હાલ ચાલી રહેલા સંસ્કાર અને અસંસ્કારના વિવાદના સંદર્ભમાં આપને આ ખુલ્લો પત્ર લખવા પ્રેરાયો છું.
(૧) કાયદાનું પાલન એ લોકશાહીનો સિદ્ધાંત તો ખરો જ, પણ એ લોકશાહીનો સંસ્કાર પણ છે. આ ‘સંસ્કાર’ શબ્દ હિન્દુ સંસ્કૃતિનો છે એટલે એ તમને બહુ ગમે અને સિદ્ધાંત વિશે કશી પતીજ તમને નહીં પડે તો ચાલશે. પણ સંસ્કાર કહો તો સંસ્કાર, એ હોવો તો જોઈએ ને!
(૨) ગુજરાતમાં દારૂબંધી અંગે એક કાયદો છે. એ કાયદાની આપને જાણ હશે જ, રાજ્યના એક ગૃહ પ્રધાન તરીકે. કાયદાનું પાલન થાય તેની જવાબદારી સરકારની એટલે કે સીધી રીતે તમારી છે કારણ કે આપ ગૃહ પ્રધાન છો. કાયદાનું પાલન થાય અને ન પાલન કરનારને કાયદામાં લખેલી હોય તેવી સજા થાય એને લોકશાહી કહેવાય. એને લોકશાહીનો સંસ્કાર કહેવાય.
(૩) આપ કેટલું ભણેલા છો એ તો મારે માટે મહત્ત્વનું છે જ નહિ. પણ વાયબ્રન્ટ ગુજરાતમાં અત્યારે ૧૦૦ વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ થાય તો કોલેજમાં જનારા માત્ર ૨૬ વિદ્યાર્થીઓ જ છે. તમે એક શહેરી, એકંદરે આર્થિક રીતે સમૃદ્ધ એવા જૈન પરિવારમાંથી આવો છો છતાં પણ એ ૨૬માં તમે નથી એનું આશ્ચર્ય પણ છે અને દુઃખ પણ છે. કયા સંસ્કારને કારણે આપ માત્ર પ્રાથમિક શિક્ષણ જ લઈ શક્યા અને આગળ અભ્યાસ કરી શક્યા નહીં એ ખરેખર સમજાતું નથી. જો કે, આપ જેટલું ભણેલા છો એટલું જ ભણતર દેખાડો છો એ સુસંસ્કારની હું ભારોભાર પ્રશંસા કરું છું.
(૪) તમે ૨૦૧૨થી સુરત શહેરમાંથી ધારાસભ્ય છો. તમારા સુરતના મતવિસ્તારમાં દારૂના ગેરકાયદે અડ્ડા નથી એવી કોઈ ખાતરી તમે આપી શકો તો એને સંસ્કાર કહેવાય. ન આપી શકો તો એ અસંસ્કારી બાબત ન કહેવાય?
(૫) તમે ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી જ પ્રધાન છો. અને અનેક ખાતાં સાથે તમે ગૃહ પ્રધાન પણ છો. તો દારૂના ગેરકાયદે અડ્ડા આખા રાજ્યમાં ન હોય અને હોય તો તે બંધ થાય તેની તમે જવાબદારી નિભાવો તો એને સંસ્કાર કહેવાય. અને ન નિભાવો તો એ બાબત અસંસ્કારી ન કહેવાય?
(૬) આપે ગૃહ પ્રધાન તરીકે આ સાત કરોડની વસ્તીવાળા ગાંધી અને સરદારના ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના કેટલા અડ્ડા બંધ કર્યા અને એ ચલાવનારને કેટલી સજા કાયદા હેઠળ થઈ તે જાહેર કરો તો એને લોકશાહી સંસ્કાર કહેવાય કે નહીં?
(૭) જો તમે ગૃહ પ્રધાન તરીકે દારૂના અડ્ડા બંધ કરી શકતા નથી તેમ છતાં પણ આપ ગૃહ પ્રધાન તરીકે ચાલુ રહો તો એ કયા સંસ્કાર કહેવાય? સત્તા સંસ્કાર કહેવાય?
અને છેલ્લે, હા, દેશના વડા પ્રધાન તરીકે જે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણું બોલતાં સહેજે શરમાતા નથી એમની જ પાર્ટીમાં તમે છો અને પાછા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ છો. આખી ભા.જ.પ. પાર્ટી અત્યારે જુઠ્ઠાણા પર ચાલે છે. એમાં તમે સુખેથી પ્રધાનપદું ભોગવો છો એ શું સંસ્કારી બાબત કહેવાય?
હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારની વાત આવે છે. આ અસત્ય એ ભા.જ.પે. ઊભો કરેલો સત્તરમો સંસ્કાર લાગે છે. તમને એ સંસ્કારમાં રાચવામાં મઝા આવતી લાગે છે. સત્તા બધા સંસ્કાર ભૂલવી દે છે એ તો હાલના ભા.જ.પ.ને જોઈને કોઈ પણ વ્યક્તિ, જો તેણે બુદ્ધિ ગીરવે મૂકી ન હોય તો, સમજી શકે.
વળી, આપ જૈન છો એવી ખબર છે એટલે એની યાદ અપાવું કે જૈન ધર્મ એમ કહે છે કે કર્મના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો આત્માના મોક્ષ થકી સત્ય મળે. તે એમ પણ કહે છે કે સાચી શ્રદ્ધા, સાચા જ્ઞાન અને સાચા વર્તનથી એ અંતિમ સત્ય પ્રાપ્ત થાય. હવે સવાલ એ છે કે સાચા વર્તન દ્વારા તમારે સત્ય પ્રાપ્ત કરવું છે? શું તમે એ સંસ્કાર સિદ્ધ કરો છો કે નહીં? આત્માના મોક્ષનો સવાલ છે હોં!
સહેજ પણ હર્ષ વિના લખાયેલા આ પત્રને આપ સંસ્કારી રીતે જ જોશો એવી મને શ્રદ્ધા છે.
તા.૨૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

