
હેમંતકુમાર શાહ
ગુજરાત મહિલા કાઁગ્રેસના નેતાઓના તાલીમ કાર્યક્રમમાં ૨૧મી તારીખે હાજરી આપી. ચાર મુસ્લિમ અને દલિત સંગઠનો દ્વારા યોજાયેલા બે કાર્યક્રમોમાં ૨૨મી તારીખે હાજરી આપી. ત્રણેયમાં આપેલાં વ્યાખ્યાનોના મુખ્ય મુદ્દા આ રહ્યા :
(૧) માણસજાતે આશરે ચારસો વર્ષથી જીવન જીવવાની રીતો બદલી નાખી. પહેલાં માણસનો એકમાત્ર મુખ્ય વ્યવસાય ખેતી હતો. આજે એ નથી. એ જ રીતે, પહેલાં લોકો રાજાશાહીમાં જીવતા હતા, આજે લોકો લોકશાહી અને તાનાશાહીમાં જીવે છે. માટે ચારસો વર્ષ પહેલાં ધર્મપુસ્તકોમાં જીવન પદ્ધતિ વિશે જે કંઈ લખાયું છે તે બધું લગભગ નકામું છે. ધર્મોએ જણાવેલ શાશ્વત મૂલ્યો મહત્ત્વનાં, પણ જીવનશૈલી વિશેના તમામ ઉપદેશો નકામા છે. એ પરંપરાઓ આજે કામની નથી. દુનિયાના ૩૩ મુસ્લિમ દેશોમાં લોકશાહી નથી એ શું બતાવે છે? એટલે ધર્મોપદેશને મોટે અંશે બાજુ પર મૂકીશું તો જ લોકશાહી મજબૂત થશે.
(૨) ભારતના બધા ધર્મોના લોકોએ બંધારણને જ સર્વોચ્ચ સમજવાની જરૂર છે. કોઈ ધર્મમાં લોકશાહી છે જ નહીં. ધર્મ અને લોકશાહીને બાપે માર્યાં વેર છે. ઇતિહાસમાં લોકશાહીની નાનીમોટી પરંપરાઓ દેખાય, પણ હકીકતમાં લોકશાહી એ આધુનિક ખોજ છે, સાધુનિક નહીં. ૧૯મી સદીમાં નોટ અને વોટ એમ બે મહાન શોધો થઈ અને તેમણે અર્થતંત્ર અને રાજતંત્રમાં લોકશાહી ક્રાંતિ લાવી લીધી.
(૩) એક પણ ધર્મનો સમાનતા, ન્યાય અને સ્વાતંત્ર્યનાં આધુનિક મૂલ્યો સાથે ઝાઝો મેળ ખાતો નથી. ધર્મોમાં દાનનું મહત્ત્વ છે કારણ કે એ બધા મનુષ્યના સામાજિક, આર્થિક અને રાજકીય શોષણને પોષે છે. એટલે ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો પરની શ્રદ્ધાને ઘરમાં રાખવી જોઈએ, જાહેર જીવનમાં નહીં.
(૪) ભારતનું બંધારણ અજોડ અને અદ્ભુત છે. એને માટે ગાંધી, આંબેડકર, નેહરુ અને સરદાર પટેલ જેવા એ જમાનાના નેતાઓને સલામ મારીએ એટલી ઓછી છે. કારણ એ છે કે દેશમાં લોકશાહી લઈ આવનારા એ નેતાઓ અને એ જમાનાની સંવિધાન સભાના સભ્યો હતા. દુનિયામાં આશરે ૧૨૦ દેશો ૧૯૪૭ પછી આઝાદ થયા. એક પણ દેશમાં આઝાદીની સાથે જ લોકશાહી આવી નહોતી. ભારતમાં આવી એ ભારતના લોકોનું સદ્દનસીબ છે. એ લોકશાહીમાં આજે ભારે ઘસારો પહોંચ્યો છે. એને મજબૂત કરવા માટે લડવાની જરૂર છે, બોલવાની જરૂર છે.
(૫) એક નક્કર હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે આઝાદી સમયનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય પક્ષ કાઁગ્રેસ લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યોમાં માનતો હતો માટે જ આ દેશમાં લોકશાહી આવી અને એ જ આઝાદી પછીના આરંભના દાયકાઓમાં સત્તા પર રહ્યો માટે લોકશાહી ટકી પણ ખરી.
(૬) લોકશાહીનું અગત્યનું અંગ કાયદાનું શાસન (rule of law) છે. કાયદો લખેલો હોય, કાયદા હેઠળની કાર્યવાહી લખેલી હોય, કાયદો બધાને સમાન રીતે લાગુ પડે તેમ જ કાયદામાં સમાનતા હોય તો એને કાયદાનું શાસન કહેવાય. આ સિદ્ધાંતના પાલન સિવાય લોકશાહી શક્ય નથી. આજે ભારતમાં આ સિદ્ધાંતનું ધોવાણ બેફામપણે થઈ રહ્યું છે.
(૭) બંધારણે આપણને કોઈ અધિકારો આપ્યા નથી, આપણે જાતે જ આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે. આપણા અધિકારોમાંથી જ બંધારણનો જન્મ થયો છે. એ અધિકારોનું રક્ષણ કરવા માટે આપણે લડીશું તો જ અધિકારો અને લોકશાહી ટકશે અને મજબૂત થશે. એ લડત લડવી એ જ આપણી સૌથી મહત્ત્વની ફરજ છે. બાકી તો રાજનેતાઓ આપણને મચ્છર બનાવી દેવા તૈયાર જ બેઠા હોય છે.
(૮) ભારતની લોકશાહીને ટકાવવા માટે આપણે ઇશ્વર, અલ્લાહ અને ગોડની ભક્તિમાંથી જરા બહાર આવીએ, અને રાજનેતાઓની ભક્તિ કરવાનું પણ બંધ કરીએ. ભક્તિ લોકશાહીનો સૌથી મોટો દુ:શ્મન છે કારણ કે એ આંખકાન તો બંધ કરે જ છે, પણ એમાં બુદ્ધિ બહેર મારી જાય છે.
તા.૨૩-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

