
રવીન્દ્ર પારેખ
ગુજરાતનો અર્થ કોઈ ‘ગુજરેલ’ કરે તો આઘાત ન લાગે એવી સ્થિતિ છે. એક તરફ હજારો હજારો શિક્ષિતો નોકરી માટે ફાંફાં મારી રહ્યા હોય ત્યારે સરકાર, નિવૃત્તોને ફરી નોકરી આપવા તૈયાર થાય એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય? ગયા જુલાઈમાં જ સરકારને એવી ચળ ઊપડેલી કે તેણે શિક્ષકોની ઘટ નિવારવા 62ના નિવૃત્ત શિક્ષકોને નોકરીએ રાખવાની જાહેરાત કરેલી. શિક્ષકો મળતા જ ન હોય ને નિવૃત્તોને રાખવાની લાચારી આવી પડે તે સમજી શકાય, પણ હજારો ઉમેદવારો નોકરી માટે વલખાં મારતાં હોય અને વર્ષો પછી પણ કાયમી શિક્ષકોની ભરતી જ ન થાય ત્યારે, શિક્ષકોની ઘટ પૂરવાને નામે, નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરીએ રાખવાની વાત ગધેડાને તાવ આવે એવી છે. જો કે, એનો ભારે ઊહાપોહ થતા જુલાઈના અંતમાં જ એ ઉપક્રમ પડતો મુકાયેલો ને સરકારે ઠાવકાઈથી U-ટર્ન લઈને પડીકું વાળી દીધેલું.
એ વાતને ઝાઝો વખત નથી થયો, ત્યાં સરકારને ફરી ચળ ઊપડી છે ને આ વખતે તેણે નિવૃત્ત અધિકારીઓની ભરતી કરવા રીતસરની જાહેરાત બહાર પાડી છે. પ્રવાસન કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જુદા જુદા સંવર્ગની કુલ 25 જગ્યાઓ માટે 11 માસના કોન્ટ્રાક્ટ પર, માત્ર વય નિવૃત્ત અધિકારીઓ પાસેથી (નાયબ કમિશનર-4, સહાયક કમિશનર-8, સિવિલ એન્જિનિયર-5 અને જિલ્લા પ્રવાસન અધિકારી-8) અરજીઓ માંગવામાં આવી છે. ઘણુંખરું તો જે પદો પરથી અધિકારીઓ નિવૃત્ત થયા છે, એમને એ જ પદો પર ફરી ઠઠાડવાની વાત લાગે છે. એમનો પગાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ રહેશે. મતલબ કે નિવૃત્તિ વખતે જે પગાર હતો તેના સાંઠેક ટકા જેટલો હોઈ શકે. બીજા શબ્દમાં પેન્શન ઉપરાંત લાખેક બીજા મળે એમ બને.
હાલ તો પ્રવાસન સ્થળો પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલે હંગામી ધોરણે ભરતીની વાત છે, પણ હજુ 54 જગ્યાઓ પર આ રીતે ભરતી થવાની વકી છે. સરકારનાં જ કહેવા મુજબ 568 વિવિધ પદો પર નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી ચૂકી છે, જેમાં 31 આઈ.એ.એસ. છે. છે ને ગમ્મત ! નિવૃત્તને પેન્શન ને ઉપરથી પગાર પણ ! બીજી તરફ માસ્તરને પેન્શન ન આપવું પડે એટલે કાયમી જ ન કરવાનો ને કોન્ટ્રાક્ટ પર પૂરો પગાર પણ ન આપવાનો. એકને ગોળ ને એકને ખોળ – એમને એમ તો નહીં જ કહેવાયું હોય ને !
કેટલાક દલાલો એવી દલીલ કરે છે કે નિવૃત્તો વધુ અનુભવી છે ને કેટલીક જગ્યાઓ પર તો તેઓ હોય તો જ કામ સરળતાથી થાય એમ છે. નવા આવે તો તેને તાલીમ આપવી પડે ને એનો ખર્ચ થાય. એમને એવું પૂછી શકાય કે જે અનુભવી છે તે મફતમાં, પેન્શનના બદલામાં કામ કરવાના છે? વારુ, એ નોકરીએ લાગ્યા ત્યારે તો નવા ને અનુભવ વગરના જ હતા ને ! પછી અનુભવે એ બધા એવા ઘડાયા કે તેમને ફરી લાવવા જાહેરાતો આપવાનો વારો આવ્યો. વેલ, આ નિવૃત્તો માથે મરાય તો એના પછી જેનો ક્રમ આવતો હોય તેનો એ જગ્યા પરનો હક મરાય છે, એવું નહીં? ને એ એટલો જુનિયર નથી કે સાવ શિખાઉ હોય. સિનિયોરિટીમાં તો એ નિવૃત્ત થયો એ અધિકારી પછીના તરતના ક્રમે જ આવે છે, તો તે સાવ બુડથલ હોય એવું તો કેવી રીતે કહેવાય?
બહુ જાહેર નહીં એવી અંદરની વ્યવસ્થા એવી પણ છે કે કોઈ પૂરાં વર્ષ નોકરી કરીને નિવૃત્ત થાય તો થોડા ઓછા પગારે તેને એક્સ્ટેન્શન મળી જાય ને તબિયત સાથ આપે તો સિત્તેરેક વર્ષની ઉંમર સુધી નોકરી ખેંચી પણ લે. આ વ્યવસ્થા જાહેર રીતે ચાલુ રહે તો નિવૃત્તો તો સચવાઈ જાય, પણ પેલા યુવકો વધુ લાંબો સમય શિક્ષિત બેકાર રહે, એવું ખરું કે કેમ? કોણ જાણે કેમ પણ યુવકોની સરકારને ભારે સૂગ છે ને નિવૃત્તો પ્રત્યે એવું વ્હાલ ઉભરાય છે કે એમને પેન્શન મળવાનું છે, છતાં તેમને ફરી નોકરીએ રાખવાની પેરવી થાય છે ને પેલા શિક્ષિતોને તો કામચલાઉ નોકરીનું ય ઠેકાણું નથી ને પેન્શનનું તો સપનું ય નથી ને તેમની કાચી નોકરી માટે ભારે ઉપેક્ષા થાય છે. નથી લાગતું કે આ કોઈ કાવતરૂં છે?
દલીલો તો એવી પણ થાય છે કે નિવૃત્તોને નોકરી અપાય તો એમનો અનુભવ કામ લાગે. સાચું, પણ એ પૂછી શકાય કે વિધાનસભામાં કે સંસદમાં જે મંત્રીઓ બેસે છે તે બધા અનુભવી છે? એ લોકો ઓછા અનુભવે દેશ ચલાવી શકતા હોય તો સ્કૂલ કે પ્રવાસન કમિશનરની કચેરી તરતના ક્રમે આવતા અધિકારીઓ ન ચલાવી શકે? એ ખરું કે સરકાર તો પાંચ વર્ષ જ ચલાવવાની છે, કારણ પાંચમે વર્ષે નવી સરકાર આવે તો તે બાકીનો કારભાર સંભાળે, પણ પ્રવાસન કચેરી કૈં પાંચ વર્ષમાં બંધ થઈ જવાની નથી, તે તો લાંબું ચાલવાની છે, એટલે તેને અનુભવીઓની જરૂર રહેવાની ને અનુભવમાં નિવૃત્તથી વધારે સમૃદ્ધ તો બીજું કોણ હોય? તો, તેમને જ પાછા લાવવાના હોય ને ! પણ કચેરીને એ પુછાય કે આ નિવૃત્તો ક્યાં સુધી કચેરી શોભાવશે? એમને ક્યારેક તો ફરી નિવૃત્ત કરવા પડશે ને ! કે એ ટકી ગયા તો એમને ત્રીજી, ચોથી, પાંચમી વખત નોકરી અપાશે ને અપાયા જ કરશે? એમને જ આપવી જોઈએ, કારણ એમનાથી વધુ અનુભવી તો બીજા છે જ કોણ? આ ઠીક છે? આમ કરવા જેવું ખરું?
આમ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 7 જુલાઈ, 2016ના નિયમ મુજબ કોઈ પણ વિભાગના કુલ સંવર્ગની મંજૂર જગ્યાના 20 ટકાથી વધુ જગ્યા પર નિવૃત્તોને રાખી શકાતા નથી. વળી યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ થતા નિવૃત્તની ભરતી તરત જ રદ્દ થવાને પાત્ર ઠરે છે, પણ એવું વ્યવહારમાં બનતું નથી. બને ત્યાં સુધી લાયક યુવાનોને નોકરી મળે નહીં એની તંત્રો ખૂબ મહેનત કરે છે. જેમ કે, ગયે વર્ષે લેવાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ નવેમ્બર પૂરો થવા આવ્યો તો ય જાહેર થયું નથી. એક તરફ યુવાનોને વગર નોકરીએ ઘરડાં કરવાની કવાયત ચાલે છે ને બીજી તરફ ઘરડાંને ફરી નોકરીએ રાખવાનો વેપલો ચાલે છે. તઘલખ તરંગી હતો, પણ મતલબી કદાચ ન હતો.
વધારે દુ:ખદ તો એ છે કે મીડિયા આવા સમાચારોને ખાસ કવર નથી કરતું ને કરે છે તો નિવૃત્તો ફરી નોકરીએ લાગશે, તો કામકાજ વધુ સારી રીતે કરશે ને અનુભવી અધિકારીઓની મદદથી વિવિધ યોજનાઓને ગતિ મળશે – એવો પ્રચાર કરે છે. એમાં તથ્ય હોય તો પણ, નિવૃત્તો પછીના અધિકારીનો હક મરાય છે કે હજારો યુવા શિક્ષિતોની નોકરીનો પ્રશ્ન વધુ ઘોંચમાં પડે છે એ અંગે એમણે ભાગ્યે જ કૈં કહેવાનું છે. સરકારની ટીકા ના થાય તે સમજી શકાય, પણ ભાટાઈ કરવાનો તો કોઈ અર્થ નથી ને ! એ ખરું કે કેટલીક ચેનલોએ શિક્ષિત બેકારોનો હક મારીને નિવૃત્તોને નોકરી આપવા બાબતે વાંધો ઉઠાવ્યો છે, પણ પ્રિન્ટ મીડિયાએ તો મોટેભાગે ચામડી જ બચાવી છે. એ માન્યું કે નિવૃત્તોએ ઈમાનદારીથી નોકરી કરી હશે, તો પણ કેટલાકે વર્ષો સુધી નોકરીમાં ભ્રષ્ટાચાર પણ કર્યો હશે, તો તેમને ફરી નોકરી આપીને ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપવા જેવું થશે, એવું નહીં?
સરકારે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો હશે, પણ શિક્ષણ અને રોજગારીની બાબતે કોઈ નીતિનિયમો કે ધારાધોરણો રાખ્યાં નથી ને ઘણી વખત તો પોતે બનાવેલા નિયમોમાં પણ વર્તન એવું રહ્યું છે કે U-ટર્ન લીધે જ છૂટકો થાય. મનસ્વીપણું સરકારની વિશેષ નીતિ છે. ઘણીવાર તો સવાલ થાય કે સંસદ કે વિધાનસભા સિવાય મુક્તિ ક્યાં ય છે ખરી? હોય તો આનંદ થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 નવેમ્બર 2025
![]()

