
વાલજીભાઈ પટેલ
કહેવત તો છે કે ડાહી માનો ડાહ્યો દીકરો. પણ કોઇક ઘટના સાવ જુદી હોય છે. અહીં તો ગાંડી માએ ડહાપણની દાઢ રોપેલી. અને તે દાઢે કાયમ ડહાપણ જ સુઝાડ્યું. તેર વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને માનું ગાંડપણ ચરમસીમાએ પહોંચેલું. મા અને એક બહેનની જવાબદારી તેર વર્ષનાં તરુણ પર આવી પડી. શાળા અભ્યાસ છોડી બૂટપોલિશ કરી. દવાખાનામાં કમ્પાઉન્ડરની નોકરી કરી. ઘેર ઘેર છાપાં નાખવાનું કામ કર્યું. મા, બહેન અને પોતાના જીવન નિર્વાહનો બોજો નાની ઉંમરે જ ઉપાડી લીધો. આ તરુણ તે મારા પિતા વાલજીભાઈ પટેલ.
નાનપણમાં પરિવારની જવાબદારી જેટલી સંવેદનાથી નિભાવી એટલી જ સંવેદનાથી પોતાના સમાજને ય એવો તો હૈયે રાખ્યો કે એ સમાજદાઝ હજી અકબંધ રહી છે. યુવાવયે ગામ પ્રવૃત્તિઓમાં સક્રિય પપ્પાએ ખૂબ નાની વયે તેમના ગામ દરિયાપુરમાં ડો. બાબાસાહેબ આંબેડકરને સાંભળેલા. અને એમની સામાજિક નિસબત ગાંઠે બાંધી લીધી. ડો. આંબેડકરનું શક્ય એટલું કવન આત્મસાત કરી પોતાના વ્યવહારમાં ય મુક્યું. શાળા અભ્યાસ છોડ્યા પછી સીધી મેટ્રિકની પરીક્ષા આપી. સ્નાતક થયા પછી એલ.એલ.બી. શરૂ કર્યું. એલ.એલ.બી. અભ્યાસ તો પૂર્ણ ન કર્યો પણ કાનૂનને સ્વધર્મ ગણ્યો.
ડો. આંબેડકર ચીંધ્યા કાનૂની માર્ગે દલિત ઉત્થાન જોયું. આ વિશ્વાસનાં પારખાં ય કરતાં રહ્યા. ગરૂડ સામયિકમાં લખતા રહ્યા. તે પછી દલિત પેન્થર્સમા સક્રિય થયા. અમારું ઘર ઘર કરતાં પેન્થર્સ કચેરી વધારે હતું. દરિયાપુર ગામ શહેરની મધ્યે હતું અને એટલે ભૌગોલિક રીતે સૌને અનુકૂળ તો હતું જ અને અમારા પરિવારની સામાજિક નિસબતે ય કાંઈ ઓછી ન હતી. ગુજરાતના રણમલપુર જેવાં ગામડાંમાં સ્ત્રી અત્યાચારનો બનાવ હોય કે દલિત આંદોલનની પ્રયોગશાળા સમા જેતલપુરની વાત હોય. તમામના એજન્ડા અહીં જ ઘડાયા.
દલિત આંદોલનના સીમાચિહ્ન રૂપ જેતલપુર ગામમાં 1974થી દલિત પેન્થર સક્રિય હતું. વાલજીભાઈ પટેલ તેમના પુસ્તક ‘જલતું જેતલપુર’માં લખે છે, “સ્વમાનભેર જીવવા માટે અસ્પૃશ્ય દલિતમાંથી ધર્માંતર કરી ખ્રિસ્તી થયેલા યાકૂબભાઈ દલિતોને ઉશ્કેરે છે એમ કહીને રૂઢિચુસ્તોએ ઘરમાં પેસી સશસ્ત્ર હુમલો કર્યો અને તેમના પત્ની રેહાનાબેન અને પુત્ર સહિત યાકૂબભાઈને જખમી કર્યા.” ત્યારથી દલિત પેન્થર જેતલપુર ગામમાં સક્રિય થયેલું. જેતલપુરના દલિતો તે વખતથી કાનૂની લડાઈના પાઠ ભણી ચૂકેલા. ત્યાંના દલિત યુવકોએ દલિત પેન્થર જેતલપુર શાખા શરૂ કરેલી. સરકાર સમક્ષ રજૂઆત પછી 22/10/1974ના રોજ તેમની મંડળીને એક વર્ષ માટે દસ એકર બાવીસ ગૂંઠા જમીન અપાવવા દલિત પેન્થર સફળ થયેલું.
સામૂહિક ખેતીનો સફળ પ્રયોગ એટલે જેતલપુર ગામના જમીન વિહોણા ખેતમજૂરોની મંડળી. આ એક પહેલો પ્રયોગ હતો પણ પ્રયોગ સફળ કરતાં કંઈક કેટલાં ય પાણી વહી ગયેલાં. વર્ષોથી જમીનદાર બની બેઠેલા ઉજળિયાતોએ કેટલાં ય રોડાં નાખેલા. સભા, સરઘસો અને કાનૂની રાહે જેતલપુરમા ન્યાયની મિસાલ ઊભી કરેલી. આ પ્રયોગશાળાથી પપ્પાનો વિશ્વાસ દૃઢ થયો. એ પછી તો સૌરાષ્ટ્ર પંથકના અમરેલી જિલ્લાને એમની કર્મભૂમિ બનાવી. અમરેલી જિલ્લાના કોટડી ગામના દલિતોને નવ વર્ષની લાંબી કાનૂની લડત પછી બે એકર ગામતળ જમીન અપાવી. જાતિવાદી વહીવટી તંત્ર અને સમૃદ્ધ ખેડૂતોની સાંઠગાંઠ ઉકેલવા જે કંઈ કર્યું તે તવારીખ તો કેટલાં ય પાનાં ભરાય એટલી છે.
1999માં અમદાવાદના દાણીલીમડાના એકતા નગર નામની વસાહતને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી નાખવાનું નક્કી કર્યુ. 36 વર્ષથી બિનસાંપ્રદાયિકતાના ગઢ સમા એકતા નગર માટે કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસના સેક્રેટરી તરીકે પપ્પાએ કાનૂની રીતે ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી. હરુભાઈ મહેતા અને જીતેન્દ્ર મલકાણ જેવા સીનિયર એડવોકેટ વહારે આવ્યા અને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કારણદર્શક નોટિસ પાઠવી અને એકતા નગર રેગ્યુલરાઇઝ કરવાનો આદેશ આપ્યો.
મેડિકલમાં અભ્યાસ માટે ઓપન કેટેગરીમાં લાયક હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ અપાવવાના તેમના પ્રયત્નો ય કારગત નિવડ્યા.
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા નામની વસાહતમાં વસતા મંજુલાબહેન કડિયાકામ વખતે જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં. આ આઘાત સહન ન થતાં તેમના પતિ પણ તે પછીના એક મહિનામાં ગુજરી ગયા. તેમના બે અનાથ બાળકો એકલા થઈ જતાં અસામાજિક તત્ત્વોએ તેમનું ઘર છીનવી લેવા જમીન આસમાન એક કર્યા. કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ વતી પપ્પાએ હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા અને આ અનાથ બાળકોનું તેમની જમીન પર પુનઃસ્થાપન કરવાનો અને તેમના નામે રૂપિયા પાંચ હજારની થાપણ મુકવાનો આદેશ કર્યો.
અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં મોતિયાના છ દર્દીઓની સર્જરી નિષ્ફળ જતાં તેમને આંખ ગુમાવવાની નોબત આવેલી. આ લડતમાં પણ પપ્પા સફળ થયેલા અને એ છ દર્દીઓને અદાલતી રાહે વળતર અપાવેલુ.
આવી તો કંઈ કેટલી ય સાર્થક જનહિત અરજીઓ કરી. ખાસ કહેવા જેવી વાત તો એ છે કે આ કાનૂની લડતો માટે પપ્પાએ ઓ.એન.જી.સી.ની નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું. મમ્મીએ નોકરી ન છોડવા સમજાવેલા, પણ માનેલા નહિ. મોટી નાણાંકીય ખોટ વહોરીને જાતને કાનૂની લડાઈમાં સમર્પિત કરેલી. સામાન્ય માણસ કોર્ટ કચેરીથી દૂર રહેવાની આશા રાખે. પણ સમાજ ખાતર ‘આ બેલ મુજે માર’ની ઉક્તિ ખરી કરતા, મારા પપ્પા નોકરી છોડીને એવા તો કાનૂની લડાઈ માટે કટિબદ્ધ થઈ ગયા કે એ જ એમનુ જીવન છે એવું માની લીધેલું.
ઓ.એન.જી.સી.ની નોકરીમાં અગિયાર વર્ષ અપડાઉન કરેલું. રોજ પાંચ કલાક ટ્રેન મુસાફરી કરવાની થતી. તેમ છતાં ‘દલિત મિત્ર’ સામયિક લાંબો સમય ચાલુ રાખ્યું. રાતના બે વાગ્યા સુધી કામ કરીને સવારે આઠ વાગ્યાની ટ્રેન પકડતા. સાજે ઘરે આવે ત્યારે કહેતા ટ્રેનની ભીડમાં એક પગે ઊભા રહીને આવ્યો. અને આ સાંભળી અમે બેઉ બહેનો તેમના પગે માલિશ કરવા બેસી જતી. નોકરી છોડ્યા પછી ગામડાઓ ખૂંદવા નીકળતા તો મમ્મી હંમેશાં ટોણો મારતી, હવે તમારા પગ નથી દુખતા. પણ સાંભળ્યું ન સાભળ્યું કરી દેતા. તેમની સૌથી મોટી વિશેષતા તો એ કે હાથમાં લીધેલું કામ પૂરું કરીને જંપે. નાનામાં નાની વિગત ધ્યાન બહાર ન રહી જાય એ એમનો જીવનમંત્ર. કેસનો તલસ્પર્શી અભ્યાસ કરવાના તેમના વલણથી જ તે એક લીગલ માઇન્ડ બન્યા.
લેખક તરીકે તેમનુ યોગદાન ખાસું. ‘ગરૂડ’, ‘પેન્થર’, ‘દલિતમિત્ર’ સામયિકોમાં તેમનાં લખાણ તેમની લેખન ક્ષમતાના પુરાવા છે. નેવુંના દાયકામાં બાબરી ધ્વંસ નહોતો થયો તે પહેલાંની વાત છે. અમદાવાદનુ ભગવાકરણ કરવા રથયાત્રાનું માધ્યમ હિન્દુવાદીઓ માટે હાથવગું હતું. ભગવાન જગન્નાથજીના રથ વધુમાં વધુ હિન્દુ વિસ્તાર આવરી લે તે સુઝાવ તોફાનીઓને માન્ય ન હતો. રથયાત્રા જેવી મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થાય કે તરત ઉશ્કેરણીજનક નારા શરૂ થઈ જતાં. તેના પગલે તોફાન શરૂ થતાં. પોલીસ અત્યાચાર પણ મુસ્લિમ લોકો પર થતાં. મુસ્લિમ ઘરોમાં છેક બાથરૂમમાં ગોળીબારના નિશાન હતા. તે સમયના ‘દલિત મિત્ર’ના અંકમાં ‘રથયાત્રા કે શરમ યાત્રા’ શીર્ષક હેઠળ તેમનો લેખ બિનસાંપ્રદાયિક વિચારધારાનો સાક્ષી છે. 1981ના અનામત વિરોધી આંદોલન વખતે સરકારી વલણ આવું જ હતું. દલિતો પોલીસ ગોળીબારનો ભોગ બનેલા. ‘ખાંભીઓ ડૂસકાં ભરે છે’ શીર્ષક હેઠળ લેખમાં તેમની દલિત સંવેદના વ્યક્ત થઈ છે.
ડો. આંબેડકર લિખિત ‘રીડલ્સ ઓફ રામ એન્ડ ક્રિષ્ના’નો પપ્પાએ ‘રામ અને કૃષ્ણનું ગૂઢ રહસ્ય’ નામે અનુવાદ કરેલો. આ પુસ્તિકા બાબરી ધ્વંસ પહેલાંની. પુસ્તિકાનું પ્રાપ્તિ સ્થાન પહેલું અમારું નિવાસસ્થાન અને બીજુ કલીમ બુક ડિપો. પુસ્તિકા ઘણી વંચાઇ. તે વખતે અમારા ઘરે સવારથી ધમકીભર્યા ફોન આવતા અને ઘર આખું ડિસ્ટર્બ થઈ જતું. અમારા ઘર પછી તરત મુસ્લિમ વસતી શરૂ થતી. 2002ના રમખાણોમાં કેટલાક અસામાજિક તત્ત્વો અમારા ગામના ચોકમાં આવી ઊભા. પપ્પા ગામના થોડાક લોકો સાથે પહોંચી ગયા. અને કહ્યું, લડવું હોય તો પહેલા અમારી સાથે લડો પછી આગળ જાવ. પરિણામે મોટી હોનારત થતી અટકેલી.
ધરાતલ પર કામ કરવાની ભૂમિકા જ જુદી હોય છે. આ ભગવાકરણને રોકવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે. ફિલ્મ દિગ્દર્શક આનંદ પટવર્ધન ‘રામ કે નામ’ ફિલ્મ બનાવી રહેલા. ભગવાકરણના અપપ્રયાસોનું દસ્તાવેજીકરણ કરવાનું બીડું તેમણે ઝડપેલું. અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાનું શુટિંગ કરવાનો મનસૂબો કરેલો. પપ્પા તેમના દિવસભર માર્ગદર્શક રહ્યા. છદ્મ નામે અમદાવાદના જમાલપુર ખાતેના જગન્નાથજીના મંદિરના મહંતનો ઇન્ટરવ્યુ પણ પપ્પાએ લીધો. સંજોગોવસાત તેમની ડાયરી ત્યાં જ રહી ગઈ અને ત્યાંથી પાછી ન મેળવી શક્યા. દિવસભરની નાનામાં નાની વિગત ડાયરીમાં લખવાનું ભૂલતા નહિ. સામાન્ય માણસ અતૂટ નિસબત અને ખંતથી એક સંસ્થા બની શકે તે મિસાલ પપ્પાએ કાયમ કરી.
19/11/2025થી નેવું વર્ષની દિશામાં જતા પપ્પાને આજના જન્મ દિવસે ઘણી શુભેચ્છાઓ.
e.mail : sanita2021patel1966@gmail.com
![]()

