“આપણી સ્ત્રીઓમાં એવી અનેક ચીજો છે કે જે મને દુઃખી કરે છે. જોને, આ પુરુષો આપણને નકામી સમજે છે.” – અંબા
“હા, આપણે ખરેખર છીએ.” – અંબાની એક સાથી મહિલા.
આવા એક સંવાદથી શરૂ થતું નાટક ‘અંબા’ ગઈ કાલે સાંજે મેં મુંબઈમાં જુહુ ખાતે આવેલા વિખ્યાત પૃથ્વી થિયેટરમાં જોયું.
યુદ્ધગ્રસ્ત બે રાજ્યો વચ્ચે યુદ્ધ રોકવા માટે આ નાટકમાં કામવાસનાનો ઉપયોગ સ્ત્રીઓએ કર્યો છે. શાંતિ અને સૌહાર્દ ઝંખતી અંબા નામની એક સ્ત્રી બંને રાજ્યોની સ્ત્રીઓને એકત્ર કરે છે અને તેમને યુદ્ધખોર પુરુષો સામે બંડ પોકારવાનું કહે છે. તેમનું સાધન છે સેક્સ, જાતીય ઇચ્છા. અને એની હડતાળ!
સ્ત્રીઓ નક્કી કરે છે કે તેઓ પોતાની કામેચ્છાને વશમાં રાખવાનો પ્રયાસ કરશે અને પુરુષોને તેમની કામેચ્છાના સંતોષથી વંચિત રાખશે. એમ કરીને તેઓ યુદ્ધને રોકશે. અંતે તેમાં તેઓ સફળ થાય છે.
અંબા બધી સ્ત્રીઓની નેતા તરીકે કહે છે કે જો બે રાજ્યોના પુરુષો શાંતિ માટે કરાર કરવા સંમત થાય તો જ કામેચ્છાનો સંતોષ, નહીં તો નહીં. અને છેવટે પુરુષો એ વાત સ્વીકારે છે.
આ નાટકમાં સ્ત્રીઓ કંઈક આવા શબ્દોમાં ઘણુંબધું બોલે છે :
“તમે તો યુદ્ધમાં મરી જાવ છો, પછી અમારી શી હાલત થાય છે તેની તમને ખબર છે?”
“આ યુદ્ધ તો રાજાઓ માટે થાય છે, તમે તો હથિયાર છો એમનું.”
“અમે યુદ્ધનો વિરોધ કરીએ તો રાજા કહેશે કે તમે દેશદ્રોહી છો. ભલે કહે. એ તો એમ જ કહે ને. એને બીજું આવડે શું?”
મૂળ નાટક તો ઇ.સ. પૂર્વે ૪૦૦ના સમયમાં થઈ ગયેલા એરિસ્ટોફેન્સ નામના એક ગ્રીક નાટકકાર દ્વારા લખાયું છે કે જે પ્રહસન નાટકોના પિતા તરીકે પાશ્ચાત્ય જગતમાં જાણીતા છે. એ નાટકનું નામ છે: લીસિસ્ટ્રેતા. તે જમાનાના એથેન્સના ભદ્રલોકને એ નાટક પસંદ પડ્યું નહોતું અને તે ભજવવા પર પણ રાજાએ પ્રતિબંધ મૂક્યો હતો.
આ નાટકને હિંદી-બુંદેલી મિશ્ર ભાષામાં લઈ આવનાર છે અતુલ કુમાર અને કુમુદ મિશ્રા.
અદ્ભુત સંવાદો સાથે ભારતની આજની સ્થિતિને ‘અંબા’ નાટકમાં આબેહૂબ વણી લેવાઈ છે. માલેતુજાર લોકોનાં દેવાં માફ કરવાની અને શોષણની વ્યવસ્થાનો ભોગ બનતા સામાન્ય લોકોની વાત એમાં શબ્દો ચોર્યા વિના કહેવાઈ છે, મૂળ નાટકને સહેજ પણ હાનિ ન પહોંચે તે રીતે. કારણ કે અદ્ભુત હાસ્ય અને કટાક્ષો સાથે મૂળ લેખક પણ એ જ વિભાવના રજૂ કરે છે.
આમ તો ભારતમાં એક હિંદુ દેવી તરીકે અંબા કે દુર્ગા એટલે અનેક હાથોમાં શસ્ત્રોવાળી દેવી કે જેનું સર્જન ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કરેલું. પણ અહીં અંબાને મારામારી, યુદ્ધ કે હિંસા ખપતાં નથી, શાંતિ જોઈએ છે! નાટકનું નામ યોગ્ય જ છે. અંબા દેવીને અહિંસક બનાવી દીધી નાટકકારે; કે જેમ મહાત્મા ગાંધીએ સત્ય=અહિંસા=ઈશ્વર=રામ કહીને ધનુષધારી ભગવાન રામને અહિંસક બનાવી દીધા હતા તેમ! અદ્ભુત!
હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોને માત્ર પુખ્ત વયના દર્શકો માટેનું આ દોઢ કલાકનું હાસ્ય અને વ્યંગથી ભરપૂર નાટક તેના કેટલાંક સંવાદો અને દૃશ્યોને કારણે અભદ્ર ચોક્કસ લાગે, પણ એમને સમાજમાં ચાલુ અને નરી આંખે દેખાતી પિતૃસત્તાક અભદ્રતા દેખાતી નથી એ આ નાટક છતું કરે છે.
તા.૧૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

