
આ માણસ સાવ સામાન્ય દેખાય છે ને? ખરેખર તેમ જ છે – અને નથી પણ!
તામીલનાડુના સાવ નાનકડા શહેરમાં, એક કોલેજના પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે જીવનનો આખો સક્રીય ભાગ વિતાવનાર આ જણ પદ્મશ્રી ધારક છે!
કારણ?
તેની આ જીવનકથની
લાખો નહીં, કરોડોમાં
એક જેવી છે.
તામિલનાડુના તિરૂનવેલી જિલ્લાના મેરાકાલીવેલ્મકુરમ નામના સાવ નાનકડા ગામમાં, ઓગસ્ટ, ૧૯૪૦માં જન્મેલ પાલમે નાની વયમાં જ પિતાને ગુમાવ્યા હતા. વિધવા માતાએ (તાયમ્મલ) કાળી મજૂરી કરીને તેને ભણાવ્યો. પણ જાતે વેઠેલી ગરીબીના પ્રતાપે તેણે આ એકના એક દીકરામાં ગરીબોને મદદરૂપ થવાના સંસ્કાર રેડ્યે જ રાખ્યા.
આ કારણે પાલમના રક્તકણોમાં કર્ણત્વ પાંગરતું ગયું.
મદ્રાસ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ સાથે લાયબ્રેરી વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ, તેણે ધાર્યું હોત તો કોઈ પણ મોટા શહેરમાં મોટા પગારે નોકરી મેળવી શક્યો હોત. પણ આધુનિક કર્ણ એવા આ જણની ખોપરી સાવ જુદી જાતની હતી. પોતાના મૂળને તે વફાદાર રહેવા માંગતો હતો. તુતુકુડી જિલ્લાના શ્રીવાઈકુન્તમ જેવા સાવ નાનકડા શહેરની આર્ટ્સ કોલેજમાં તેણે ગ્રંથપાલ તરીકે કામગીરી શરૂ કરી.
ત્યાં કામ કરતાં કરતાં (નિવૃત્ત થયા પછી નહીં!) ૩૫ વર્ષની કામગીરીની આખી કમાણી તેણે દાનમાં સમર્પી દીધી છે! પોતાની સાવ સામાન્ય જરૂરિયાતો માટે તે ફાજલ સમયમાં નાનકડાં કામ કરી ભાત અને રસમ મેળવી લેતો હતો. જરૂરિયાતો ન વધે માટે તેણે આજીવન અપરિણીત રહેવાનું વ્રત પણ લીધું જ હતું ને?
નિવૃત્ત થયા બાદ પેન્શનમાં મળેલ ૧૦ લાખ રૂપિયા પણ તેણે દાનમાં આપી દીધા. તેની આ સરાહનીય સેવાની જાણ થતાં અમેરિકાની એક સંસ્થા દ્વારા તેને ૩૦ કરોડ રૂપિયાનો પુરસ્કાર એનાયત થયો હતો. પણ આ દાનવીરે સહેજ પણ સંકોચ વિના તે રકમ દાનમાં સમર્પી દીધી.
એટલું જ નહીં, પણ પોતે ન હોય ત્યારે પણ દાનનો આ ઝરો ન સૂકાય તે માટે તેણે પાલમ (તમિળમાં ‘પૂલ’) સંસ્થા સ્થાપી છે, જેમાં આવાં દાન સ્વીકારવામાં આવે છે, અને તેનો યોગ્ય વહિવટ કરવામાં આવે છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેને સર્વોત્તમ માનવ તરીકે નવાજ્યો છે. આ ઉપરાંત પણ તેને અનેક સન્માન અને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આવા માનવ રત્નને ૨૦૨૩ની સાલમાં પદ્મશ્રીનો ખિતાબ, યથોચિત, આપવામાં આવ્યો છે.
https://www.youtube.com/shorts/FzOVlrOcoAA
ચેન્નાઈના સૈદાપેટ વિસ્તારમાં તે નાનકડા મકાનમાં રહે છે, અને બની શકે તેટલી સેવા કરતો રહે છે.
સલામ! આ અદના કર્ણને ….
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Palam_Kalyanasundaram
https://www.mangaloretoday.com/opinion/Man-of-the-Millennium-73-year-old-librarian-donated-Rs-30-crore-to-the-poor.html
e.mail : surpad2017@gmail.com
![]()

