
હેમન્તકુમાર શાહ
હું ઉત્તરાખંડના દેહરાદૂન પછીના વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા આશરે સાત લાખની વસ્તી ધરાવતા અને દિલ્હીથી નૈનિતાલ જતાં રસ્તામાં આવતા શહેર હલદ્વાનીના એસ.ટી. બસ સ્ટેન્ડ પર દિલ્હી જતી બસની રાહ જોતો ગઈ કાલે બપોરે બેઠો હતો.
એનો એક માત્ર રૂમ આશરે ૫૦ ફૂટ પહોળો અને ૭૦ ફૂટ લાંબો હશે. આખું બસ સ્ટેશન ૨૦૦ ફૂટ પહોળું અને ૩૦૦ ફૂટ લાંબું હશે. કેટલી બધી બસ ઊભી, આડી અને ત્રાંસી ઊભી હોય અને અંદર આવવા કે બહાર જવા માટે મોટાં મોટાં હોર્ન વગાડતી હોય.
હું જે પ્રતીક્ષાલયમાં બેઠો હતો તેમાં વચ્ચે હોલ અને ત્રણ બાજુ નાનીમોટી ખુલ્લી કે બંધ ઓફિસો હતી.
ત્યારે મારી નજર પડી એકમાત્ર એવા એક સંસ્કૃત વાક્ય પર કે જે એની દીવાલ પર ચીતરેલું હતું. અહીં એનો ફોટો આપ્યો છે. એ વાક્ય હતું : कचराम् अत्र तत्र न क्षिपेत्। તેનો અર્થ થાય છે કે “કચરો અહીં તહીં ફેંકો નહીં.”

મેં સંસ્કૃતના મારા વિદ્વાન મિત્ર ડો. રવીન્દ્ર ખાંડવાલાને પૂછ્યું તો તેમણે કહ્યું કે કચરો શબ્દ સંસ્કૃત ભાષામાં નથી. તેને માટે સંસ્કૃતમાં શબ્દ છે अवकर. પછી તેમણે કહ્યું કે બોલચાલના વ્યવહારમાં कचराम् શબ્દ લખવામાં આવ્યો છે. એ રીતે સંસ્કૃતમાં અંગ્રેજી કે ગુજરાતીના કે બીજી ભાષાઓના શબ્દો વપરાય ખરા. સરસ. પણ આ લખાવનારને अवकर શબ્દની ખબર હશે? કદાચ એને એમ થયું હશે કે જો अवकर શબ્દ લખવામાં આવશે તો તો આખું કોળું શાકમાં જશે! કોઈને કશી સમજણ જ નહીં પડે. એટલે कचरा શબ્દની પાછળ म् લગાડી દીધો! હિંદુ રાષ્ટ્રના માંધાતાઓને એનાથી સંતોષ થાય!
આખા પ્રતીક્ષા ખંડમાં આ એક જ વાક્ય સંસ્કૃતમાં લખેલું. રાજ્યના બસ નિગમે એમ ધારી લીધું હશે કે આ વાક્યથી લોકોને આટલું સંસ્કૃત તો આવડી જ જશે. વાક્ય વાંચીએ તો क्षिपेत् એટલે શું એની ખબર તો આપોઆપ જ પડી જ જાય ને!
રાજ્યની ભા.જ.પ.ની સરકારોને લોકોને સંસ્કૃત શીખવવા માત્ર કચરો જ મળ્યો એ જોઈને આશ્ચર્ય થયું. બાકી આખા હલદ્વાની શહેરમાં એના મુખ્ય માર્ગ પર ક્યાં ય સંસ્કૃત દેખાય નહીં, સરકારી કચેરીઓનાં પાટિયાં ઉપર પણ નહીં! લોકોને સંસ્કૃત શીખવવાનો ભા.જ.પ.ની સરકારોનો અભરખો તો જુઓ!
ઉત્તરા ખંડમાં ૨૦૧૦માં હિન્દીની સાથે સાથે સંસ્કૃતને સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી. પણ ૨૦૧૮માં સંસ્કૃત બોલનારા લોકો આખા રાજ્યમાં લગભગ સવા કરોડની વસ્તીમાં માત્ર ૪૨૨ છે એમ જાણવા મળે છે. ૧૫ વર્ષમાં આટલો વિકાસ તો થયો જ!
ઉત્તરા ખંડને ત્યાંના લોકો વળી પાછા દેવભૂમિ કહે છે! એ પણ એક જબરી વાત છે. આ પણ હમણાં હમણાં જ વધારે ચલણમાં આવ્યું છે. ત્યાં પ્રસિદ્ધ ચાર ધામ છે એટલે જ એવું હશે. પણ સવાલ એ થાય કે શું ભારતની બાકીની ભૂમિ દાનવભૂમિ છે?
અને દેવભૂમિમાં સંસ્કૃત ભાષાને આવી રીતે માત્ર કચરો નાખવા માટે જ વાપરવાની? હિંદુ રાષ્ટ્ર આવી રીતે જ બને ને!
તા.૧૦-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

