
હેમન્તકુમાર શાહ
ઉત્તરાખંડમાં કૌસાનીના લક્ષ્મી આશ્રમ ખાતે ૭-૮ નવેમ્બરના રોજ ‘ગાંધી કથા’ નામક કાર્યક્રમ યોજાયો. તેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સહિતના ૬૦ જેટલા નાગરિકો સમક્ષ ગાંધીવિચાર વિશે આશરે આઠેક કલાક કરેલી વાતચીતના મુખ્ય મુદ્દા:
(૧) માનવજાતના ઇતિહાસમાં મહાત્મા ગાંધી એવી પહેલી વ્યક્તિ છે કે જેણે સત્ય અને અહિંસાને રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તન માટેનું સાધન બનાવવા માટેના પ્રયોગો કર્યા. કરુણા, સત્ય અને અહિંસા એ વ્યક્તિગત આચારનાં મૂલ્યો હતાં, ગાંધીએ એમને પરિવર્તન માટેનાં મૂલ્યો બનાવ્યાં.
(૨) ગાંધીએ રામરાજ્યની કલ્પના કરી. રામ ઇતિહાસપુરુષ હતા કે નહીં તેની તેઓ ચિંતા કરતા જ નથી. ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા. ગાંધીનું રામરાજ્ય એટલે ‘હિંદુ રાષ્ટ્ર’ નહીં.
(૩) ગાંધીએ ઈશ્વર સત્ય છે એને બદલે સત્ય એ જ ઇશ્વર છે એમ કહીને ઇશ્વરને નામે થતા ઝઘડાનો ઉકેલ લાવી દીધો. સત્ય અને અહિંસા એક જ સિક્કાની બે બાજુ છે એમ કહીને અહિંસાને ઇશ્વરની તોલે મૂકી દીધી.
(૪) ગાંધી માનતા હતા કે સત્ય અને અહિંસા સ્વાભાવિક છે, સાહજિક છે. અસત્ય અને હિંસા અસ્વાભાવિક છે અને તેથી તે ત્યાજ્ય છે. જો અહિંસા અને પ્રેમ વિના મનુષ્ય જીવન શક્ય જ નથી. આજે ૧,૧૦૦થી અણુબોમ્બ જેવાં ખતરનાક અને ઘાતક શસ્ત્રોથી હાલની ૮૦૦ કરોડની વસ્તીને ચાર વાર મારી શકાય તેમ છે ત્યારે અહિંસા જ મનુષ્યને બચાવી શકે તેમ છે.
(૫) ગાંધી ટેક્નોલોજીના વિરોધી નહોતા. પરંતુ તેની પાછળના પાગલપનના વિરોધી હતા. ગાંધીએ તેમના પુસ્તક હિંદ સ્વરાજમાં રેલવેને ગાળો આપી છે, પણ તેઓ ટ્રેનમાં પ્રવાસ કરતા જ હતા. દેશની ૩૩ કરોડની વસ્તીમાં માત્ર ૮૨,૦૦૦ ફોન હતા ત્યારે તેમની પાસે ફોનનું કાળું ડબલું હતું. જે ટેક્નોલોજી અન્યાય અને શોષણ કરે છે તેની સામે તેમનો વિરોધ હતો.
(૬) ગાંધીનું સ્વદેશી આજના આત્મનિર્ભરતાના નારા કરતાં જુદું હતું. શક્ય તેટલા વધુ પ્રમાણમાં સ્થાનિક સંસાધનો દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદન અને સ્થાનિક સ્તરે વપરાશ એ ગાંધીનું સ્વદેશી હતું. એવું કશું આજના નારામાં નથી. જો આજના ભારતમાં ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓ હોય તો તે અદૃશ્ય ગુલામી છે એમાં કોઈ શંકા નથી.
(૭) ગાંધી એટલે સ્વદેશી, સત્યાગ્રહ અને સર્વોદય. બજારનું શોષણ અને રાજ્યની સત્તાના દબાણ સામે વ્યક્તિની આઝાદી તેઓ આ ત્રણ સાધનો દ્વારા ઇચ્છતા હતા. તેમને માટે દેશની આઝાદી કરતાં વ્યક્તિની આઝાદી વધારે મહત્ત્વની હતી. એટલે જ તેમણે ૧૯૦૯માં લખેલા ‘હિંદ સ્વરાજ’ પુસ્તકમાં મૂળ મુદ્દો “દરેક જણે સ્વરાજ ભોગવવાનો” છે – એમ લખ્યું હતું.
(૮) ગાંધી, આંબેડકર, નેહરુ અને સરદાર જેવા નેતાઓ હોત નહીં તો કદાચ આ દેશમાં આઝાદી મળતાંની સાથે આવું બંધારણ ઘડાત નહીં અને લોકશાહી આવત જ નહીં. ભારત પછી ૧૨૦ દેશો આઝાદ થયા પણ એકેય દેશમાં આઝાદીની સાથે લોકશાહી વ્યવસ્થા ઊભી થઈ નહોતી. સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા તથા લોકશાહીનાં મૂલ્યોની સમજ એ ચારેયમાં ભારોભાર હતી. આ લોકશાહીને ટકાવવી અને સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાય સામે અને તાનાશાહી સામે લડવું એ જ ગાંધીવિચારનો પાયો છે.
તા. ૦૯-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

