
હેમંતકુમાર શાહ
PUCL દ્વારા અમદાવાદમાં ગઈ કાલે SIR વિશે યોજાયેલી એક સભામાં આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા :
(૧) ગુજરાત સહિતનાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનો વિશેષ સઘન સુધાર (SIR) કાર્યક્રમ ચોથી નવેમ્બરથી ત્યારે શરૂ થયો છે કે જ્યારે બિહારમાં SIRની જે પ્રક્રિયા થઈ છે તેની કાયદેસરતા અને બંધારણીયતા વિશે સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ છે. અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે ત્યારે શા માટે ૧૨ જગ્યાએ એ જ પ્રક્રિયા થઈ રહી છે? ચૂંટણી પંચને આટલી ઉતાવળ કેમ છે?
(૨) મતદાર યાદીમાં પોતાનાં નામ ચકાસવા માટે ચૂંટણી પંચ દ્વારા વેબસાઇટ આપવામાં આવી છે. ગુજરાતમાં કેટલા લોકો કોઈ પણ વેબસાઇટ જોતા હશે? એ જ રીતે, ટોલ ફ્રી ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. પણ એ વારંવાર એન્ગેજ્ડ આવે અથવા કોઈ ફોન ઉપાડે જ નહીં તો શું?
(૩) મૂળભૂત સવાલ તો મતાધિકારનો છે. બિહારમાં ૬૫ લાખ લોકોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત કરી નાખવામાં આવ્યાં છે. કેમ રદ્દ કરવામાં આવ્યાં તેનું કોઈ કારણ તેમને આપવામાં આવ્યું જ નથી. આમ, કોઈ મતવિસ્તાર નહીં, કોઈ એક બેઠક નહીં પણ આખું રાજ્ય કબજે કરવાનો ભા.જ.પ.નો કારસો છે, કાવતરું છે અને તે ચૂંટણી પંચની મિલીભગતથી અમલમાં મૂકાઈ રહ્યું છે.
(૪) લોકશાહીનો ખાતમો બોલાવવાની જે પ્રક્રિયા ગુજરાતમાં ૨૫ વર્ષથી અને દેશમાં ૧૧ વર્ષથી ચાલી રહી છે, SIR તેનો જ ભાગ છે. લોકશાહીમાં લોકો મતાધિકાર ધરાવે છે અને પોતાના શાસકને ચૂંટે છે. હવે એ અધિકાર ઝૂંટવી લેવામાં આવી રહ્યો છે એમ લાગે છે. બહુમતી મત પોતાને જ મળે અને પોતાની જ સરકારો રચાય એવી ભા.જ.પ.ની લુચ્ચી ચાલમાં ચૂંટણી પંચ SIR દ્વારા સાગરીત બની રહ્યું છે.
(૫) ચૂંટણી પંચનું કામ તો મતદાર યાદી તૈયાર કરવાનું છે. એને બદલે એ કોઈ વ્યક્તિ ભારતની નાગરિક છે કે નહીં તે ચકાસી રહ્યું છે. એ તેનું કામ છે જ નહીં.
(૬) ગુજરાતમાં માત્ર ત્રણ મહિના અને ચાર દિવસમાં મતદાર યાદીઓ સુધારવાની આ આખી પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે! કેટલી બધી ઉતાવળ છે આમાં! આ ઝડપ આશ્ચર્યજનક છે કારણ કે અગાઉ જ્યારે પણ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે તે ઓછામાં ઓછી છ મહિના ચાલી હતી. ખાસ કરીને નાગરિકો માટે પુરાવા ભેગા કરવાનું કામ આસાન હોતું નથી.
(૭) ઝડપ થાય તો ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને અન્ય બીજા ઘણા નાગરિકો મતદાર યાદીમાંથી બાકાત થઈ જાય એવી સંભાવના રહે જ છે. દેશમાં આશરે ૧૫ કરોડ સ્થળાંતરિત મજૂરો છે.
(૮) ૧૯૪૮ની માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાની કલમ-૨૧ કહે છે કે, “દરેક વ્યક્તિને સીધી રીતે અથવા તો મુક્ત રીતે પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતાના દેશની સરકારમાં ભાગીદાર થવાનો અધિકાર છે.” SIR દ્વારા મતાધિકારથી વ્યક્તિને વંચિત રાખવામાં આવે તો તે તેનો પાયાનો આ અધિકાર ખોઈ બેસે છે.
(૯) ભારતના બંધારણમાં કલમ-૧૯(એ)માં નાગરિકનો અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર લખવામાં આવ્યો છે. મતાધિકારનો ઉપયોગ કરીને નાગરિકો શાસકો પ્રત્યે અને રાજવહીવટની વ્યવસ્થા પ્રત્યે પોતાનો મત અભિવ્યક્ત કરે છે. હવે જો મતાધિકારથી જ નાગરિક વંચિત રહી જાય તો નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જ લોપ થઈ જાય છે.
(૧૦) અત્યારે ૨૦૦૩ની મતદાર યાદીને આધાર ગણવામાં આવી રહી છે. તેમાં જેનું નામ નહીં હોય તેણે પુરાવા આપવા પડશે. આ પુરાવામાં આધાર કાર્ડને ઓળખનો પુરાવો ગણવામાં આવશે, નાગરિકતાનો નહીં. આધાર કાર્ડ કઢાવવા માટે જે પુરાવા આપવા પડે છે તે પુરાવા હવે ચૂંટણી પંચ માગે છે! જો પુરાવો ન અપાય તો તેનું નામ મતદાર યાદીમાંથી રદ્દ થઈ જાય! હવે એ વ્યક્તિએ આ ૨૨ વર્ષના ગાળા દરમ્યાન પંચાયતો કે પાલિકાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મત આપ્યો હોય અને સરકારો રચવામાં ફાળો આપ્યો હોય તો તેનો અર્થ શું?
(૧૧) રેશન કાર્ડને પણ ચૂંટણી પંચ પુરાવા તરીકે ગણવા તૈયાર નથી એ એક આશ્ચર્ય છે. એમ કરીને પંચ સામાન્ય માણસોને હેરાન કરી રહ્યું છે.
૦૬-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

