
ચિરંતના ભટ્ટ
આપણને દરેકને કોઈને કોઈ માપદંડની ટેવ હોય – એ માપદંડ માનસિક હોય – આપણે આપણા અનુભવોથી બનાવ્યા હોય એવા જ હોય. કોઇ એક મોટું કામ પતશે પછી આમ કરીશું અથવા તો આ ગોઠવી દઇને પછી પેલું નવું કામ શરૂ કરીશું, નવા વર્ષે જીમમાં જઇશું કે પછી દિવાળી પછી ચાર મહિના સુધી ગળ્યું નહીં ખાઈએ, વગેરે – મોટે ભાગે આવું બધું નક્કી કર્યા પછી થોડો વખત ગાડું બરાબર ચાલે પણ વાસ્તવિકતા એ છે કે તારીખ કે પંચાગ કે સ્થિતિ બદલાય તેને માપદંડ બનાવનારા આપણે જો અંદરથી ન બદલાઇએ તો પછી આ બધું નક્કી કરવાનો કોઈ અર્થ નથી રહેતો.
આપણે ગયા અઠવાડિયે નૂતનવર્ષાભિનંદના મેસેજીઝના જવાબ આપીને અને લોકોને સામે શુભેચ્છાઓ મોકલીને આપણે મોટા ભાગની રજાઓ ગાળી. આપણે મનમાં વિચાર્યું હશે કે જેમ ઘરની આખા વર્ષની સાફ-સફાઇ કરી તેમ અમુક બાબતો દિવાળી પછી બદલી નાખવી છે. આપણે જાતને રીસેટ કરવા ઇચ્છતા હોઈએ, સ્ટ્રેસને નેવે મૂકવો હોય, અમુક ઉશ્કેરી નાખતી બાબતને કાબૂમાં લઇને સંતુલિત કરવા ચાહતા હોઈએ તેમ પણ બને. પારંપરિક ચાઇનીઝ મેડિસીનના પાયામાં એક વિચાર છે જેને કહે છે – ‘ચી’ – એક પ્રકારની ઉર્જા, યુનિવર્સ કે બ્રહ્માંડનો શ્વાસ – આધ્યાત્મિક અને દુન્યવી વિશ્વ વચ્ચેની એક કડી એટલે કે ‘ચી’ – આપણે આજકાલ એવું ફ્રિકવન્સી, બ્રહ્માંડની ઉર્જા સાથે મેળ ખાઇ શકાય એવી રીતે જીવવું – વિચારવું – એવી વાઇબ રાખવી પ્રકારની વાતો સાંભળીએ છીએ – કદાચ અમુક હદે સમજીએ પણ છીએ પણ એ ઊર્જા, એ સંતુલન, – એ ચી – મેળવવાના રસ્તા આપણને ખબર હોવા છતાં ય માળું ક્યાંથી શરૂ કરવું એ નથી સમજાતું. આંતરિક શાંતિ શોધવાની વાત છે, આપણું કેન્દ્ર શોધવાની વાત છે – આમ તો આ માણસની મૂળભૂત જરૂરિયાત છે – એક એવું મન જે ક્યારે ય ન થોભતી દુનિયામાં શાંત હોય, આરામમાં હોય. આપણી પ્રાચીન પરંપરાઓ પાસે આ જવાબો હંમેશાંથી રહ્યા છે અને હવે આધુનિક ન્યુરોસાયન્સ પણ આ જવાબો શોધવા મથે છે. યુવલ નોઆ હરારી જેવા લેખકોએ યુદ્ધો અને ટેકોનોલૉજી જેવા વિષયો પર લાંબાં પુસ્તકોને અંતે વાત તો મેડિટેશન એટલે કે ધ્યાનની જ કરી છે.
મનની શાંતિ મેળવવા મથતો માણસ, અત્યાધુનિક સવલતોમાં પણ એ જ શોધવાનો પ્રયાસ કરતો રહે છે – પણ મનની શાંતિ કોઇ મુકામ નથી, કોઇ ગંતવ્ય સ્થાન નથી જ્યાં તમે એક સરસ મજાની સવારે બધા પ્રોબ્લેમ્સ ઉકેલીને પહોંચી જશો – આ એક એવી ચીજ છે જે રોજ નાની બાબતોમાં ફેરફાર કરવાથી, નાની આદતો કેળવવાથી મળી શકે છે. મનની શાંતિ મોટેભાગે બહુ જ સામાન્ય ક્ષણોમાં મળતી હોય છે. આજે આપણે રાજકારણ કે અર્થતંત્રથી પર જઇને દસ એવી આદતોની વાત કરીએ જેનું અનુસરણ આપણને મનની શાંતિ – આપણા કેન્દ્ર – આપણા ચી સુધી લઇ જવામાં કામ લાગશે.
1. ધીમી સવાર
સવાર શાંત હોય તેનાથી મોટું સુખ કંઇ નથી. પણ એ શાંત છે એ જોવા માટે આપણે સજાગ હોઈએ તે જરૂરી છે. ઊઠીને તરત ફોન હાથમાં લેવાને બદલે કે તરત બારણું ખોલીને છાપું કે દૂધ લેવાને બદલે આપણે પથારીમાં બેઠા થઇને પહેલા જાતને સાંઇઠ સેકંડ આપવી જોઇએ. જરા તમારા હોવાનો અનુભવ કરો, સવારથી જ આખા દિવસનો સૂર સેટ કરો. તમારા દિવસમાં ખેંચાઈ જવાને બદલે તમે તમારા રિધમમાં તમારા દિવસમાં પ્રવેશો.
2. કૃતજ્ઞતાનું એન્કર
ગ્રેટિડ્યુડ એટલે કે કૃતજ્ઞતાનો બીજો વિકલ્પ નથી. દિવસમાં એકવાર, સમય કાઢીને કોઇપણ ત્રણ એવી બાબત લખો જેના માટે તમે આભારી હો. એ માત્ર વસ્તુઓ માટેનો આભાર ન હોઈ શકે, તમે તમારી આરામદાયક પથારીનો આભાર માની શકો છો કે તમારી હાઉસ હેલ્પનો જેણે દિવાળીમાં રજા ન પાડી હોય કે પછી સવારની સારી ચાનો. જે છે તેને માટેનો ભાવ વ્યક્ત કરવો જરૂરી છે, જે નથી તેના અભાવો ગણાવવામાં સાર નથી. ગ્રેટિટ્યુડ માટે નાની નોટબુક રાખી શકાય. કૃતજ્ઞતા મુશ્કેલીઓ નકારશે એમ નથી પણ તમને તેનાથી સારું જોવાની ટેવ પડશે એ ચોક્કસ.
3. શારીરિક હલનચલન
જિમ મેમ્બરશીપ નથી ચાલશે, ઘર પાસે બગીચો નથી ચાલશે, ઘરમાં યોગ મેટ નથી ચાલશે – પણ છતાં ય વીસ મિનીટ માટે તમે એવી કોઇપણ શારીરિક એક્ટિવિટી કરી શકો છો જેમાં તમારું શરીર માત્ર સારું ફીલ થાય એટલે હલન-ચલન કરતું હોય. ડાન્સ હોઇ શકે, સ્ટ્રેચિંગ હોઇ શકે, બે વાર દાદરા ચઢ-ઉતર કરી શકાય. કસરતથી માત્ર એન્ડોર્ફિન્સ છૂટા પડીને આનંદ આપે છે એમ નથી, તેનાથી નકારાત્મકતા ખંખેરાય છે અને તમારી સ્થિર થઇ ગયેલી ઉર્જામાં ચેતન આવે છે. આંતરિક રીતે કશુંક અટવાયું હોય તો તેને છૂટું પાડવા માટે કસરત અકસીર ઇલાજ છે.
4. સિંગલ–ટાસ્કિંગનું મહત્ત્વ
આપણને બધાંયને મલ્ટિટાસ્કિંગનો મોહ છે, સમય એવો છે કે એ કરવું ય પડે છે. પણ રોજ કોઇપણ એક કામ એવું કરો કે તમે જ્યારે એ કરતા હો ત્યારે એ સિવાય બીજું કંઇ જ કરતા હો. ચા પીતી વખતે બીજું કંઇ ન કરો, કપડાંની ગડી વાળો તો માત્ર એ જ કરો, કોઇની વાત સાંભળો ત્યારે ફોનમાં જોવાનું ટાળીને પૂરું ધ્યાન ત્યાં આપો વગેરે. આપણી લાઇફમાં વિક્ષેપો કાયમી છે, આ માઇન્ડફુલનેસથી – કોઇ એક સમયે એક કામ કરવા વાળી આદત આ વિક્ષેપો સામેનો બળવો છે. એક કામ આ રીતે કરો બાકી મલ્ટીટાસ્કિંગમાં મચ્યા રહેવું પડે એ સમજી શકાય છે.
5. ડિજિટલ સૂર્યાસ્ત
એક સમય નક્કી કરો—કદાચ સૂતા પહેલાં એક કલાક—જ્યારે સ્ક્રીન્સ તમારી આંખોથી દૂર થાય. એટલા માટે નહીં કે ટેકનોલોજીની અસરો માઠી હોય છે – એવાં ગાણાં ગાવાનો વખત ગયો કારણ કે એના વગર ચાલે એમ નથી. પણ આ એટલા માટે કરવાનું કારણ કે તમારી નર્વસ સિસ્ટમને દિવસભરની દોડાદોડ અને રાતની ઊંઘ વચ્ચે એક બફરની જરૂર હોય છે. આ કલાક દરમિયાન લાઇટ મ્યુઝિક કે વાંચન કરી શકાય. ઇમેઇલ કે મેસેજિઝ આવતા રહેશે – ફોન તમારી સુવિધા માટે છે – તમને ખડે પગે રાખવા માટે નથી.
6. મન ભરીને ખાવ
મન ભરીને ખાવું એટલે દાબવું નહીં – માત્ર હેલ્ધી ખાવું એ પણ નહીં. – જો કે હેલ્ધી ખાવાથી મન ઠેકાણે રહે છે એ પણ એટલું જ સાચું છે. દિવસના જે પણ મીલ્સ લો, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર – કોઇપણ એક મીલ શાંતિથી ખાવ. આપણે બધા દોડાદોડમાં ઉડઝૂડિયા થઇ ગયા છીએ. ઓન ધી ગો ખાવાની ટેવ પડી છે. પણ કોઇ એક મીલ આપણે આપણી રીતે, શાંતિથી, બરાબર ચાવીને ખાઇ શકીએ તો શરીરને સમજાય કે તમે તેને ઇંધણ આપતી વખતે સજાગ છો અને તમે તમારા શરીરનું મૂલ્ય છે – તમે તેને ગ્રાન્ટેડ નથી લેતા.
7. શ્વાસની ક્ષણો
દિવસમાં ત્રણ વખત—સવારે, બપોરે અને સાંજે—પાંચ ઊંડા શ્વાસ લો. સિગ્નલ પર ઊભા રહીએ ત્યારે અકળામણ થાય પણ આ સિગ્નલ તમારા અકસ્માત ટાળવા માટે હોય છે. એટલે જ દિવસ દરમિયાન થોડી સેકંડો તમારા શ્વાસને અનુભવવા માટે આપો. નાકથી શ્વાસ લઇ મ્હોંથી કાઢો – સ્પિરિચ્યુઆલિટી અનુસાર આમ કરવાથી નકારાત્મક ઊર્જા ઓછી થાય છે. નકારાત્મક ઊર્જા તમારી ન હોય પણ લોકોને મળો, રિક્ષા માટે રાહ જોવી પડે, કાર બગડી જાય કે ઑફિસમાં કોઇ મગજની નસો ખેંચે ત્યારે જે અકળામણો થઇ હોય તેના ફાઇનટ્યુનિંગ માટે આ ઊંડા શ્વાસ જરૂરી છે. આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમ પર રીસેટ બટન દબાવવા જેવી છે. તેમની કોઈ કિંમત નથી અને સાવ થોડ સમય લાગે પણ ખરેખર તો તે તમારી બાયોકેમિસ્ટ્રી બદલે છે.
8. પ્રકૃતિ સાથે જોડાઓ
આપણે કોંક્રિટના જંગલમાં રહેતા હોઇએ તો પણ, દરરોજ કુદરતની નજીક જવાના રસ્તા શોધવા જોઇએ. અઘરું છે પણ અશક્ય નથી. ઘરમાં એકાદ કૂડું તો રાખી શકાય. છોડને પાણી આપો. ક્યાંક જતા હો તો જરા આકાશ ભણી નજર કરો. બગીચો મળે તો ઉઘાડા પગે એક નાની લટાર મારો. આપણે પણ પ્રકૃતિ જ છીએ અને માટે આ કડી જરૂરી છે. સતત હાઇ સ્ટ્રંગ રહેતા આપણે એ યાદ કરીએ કે કુદરત આપણાથી કંઇક ગણી વધારે છે અને આપણી ચિંતાઓ તેની સામે સૂક્ષ્મ છે.
9. સાંજ પડે દિવસ ખીંટી પર લટકાવો
દરેક સાંજે, આખા દિવસ કેવો રહ્યો તે યાદ કરવા પાંચ મિનિટ ગાળો. તમારી જાતને જજ કરવા કે વિશ્લેષણ કરવા માટે નહીં, પરંતુ સભાનપણે વિતી ગયેલા દિવસને બાજુમાં મુકવા માટે. કોઇ વાતની અકળામણ, અધૂરાં કાર્યો, તમે હજી પણ રિહર્સલ કરી રહ્યા છો તે વાતચીતને નેવે મૂકવાની કલ્પના કરો. આ તમામને ભૌતિક વસ્તુઓ તરીકે વિઝ્યુઅલાઈઝ કરો જેને તમે બાજુ પર મૂકી રહ્યા છો. આવતીકાલ તેના પોતાના પડકારો લાવશે; આજે રાત માટે બધું બાજુમાં મૂકીને હળવા થાવ.
10. રોજ કંઇક સરસ કરો
દરરોજ કંઇક એવું કરો જે કર્યા પછી તમને લાગે કે વાહ તમે કંઇક સરસ કર્યું – અથવા તો એમ કહીએ કે કોઇ વસ્તુને વધારે સુંદર બનાવી. ફૂલો ગોઠવો, ટેબલ સાફ કરો, સુગંધી મીણબત્તી કરો, સૂર્યાસ્ત જુઓ, કવિતા વાંચો – સૌંદર્ય એક અમૂલ્ય દવા છે – તે આપણને યાદ અપાવે છે કે કામ પૂરાં કરવા અને સમસ્યાઓ હલ કરવા કરતાં જીવન કંઇગણું વધારે છે અને તેને સાર્થક બનાવવા માટે બહુ મોટી ચીજોની જરૂર નથી પડતી.
બાય ધી વેઃ
આ બાબતો ગુપ્ત નથી, આ મેં તમને કીધી એટલે તમે જાણી એમ નથી – બસ ક્યારેક કોઈ આપણને આ ચીજો યાદ કરાવે તો સારું પડે એટલે મેં યાદ કરી અને તમને યાદ કરાવી. જો કે જે ચીની હું વાત કરું છું એ મારા હાથમાંથી પણ છટકી જાય છે. રજાઓમાં લેપટોપ લઇને સતત કામ કરવાથી મનનું કેન્દ્ર કે મુકામ નથી મળતા પણ અમુક બાબતો આપણે માથે મારી લઇએ છીએ – આપણને એમ લાગે કે ના પાડીશું તો કેવું લાગશે – પણ આપણને કેવું લાગે છે એમ વિચારવાનું આપણે શીખ્યા નથી. મારે પણ આ લેખ નહોતો લખવો – શ્વાસ લેવો હતો પણ એવું થઇ ન શક્યું – દિવાળી આવી અને લેપટોપની કીઝના અવાજ વચ્ચે બહારગામની ટ્રીપથી માંડીને બધું જ થયું – હા મને રીસેટ કરવાનો સમય નથી મળ્યો અને મુંબઈની દોડાદોડ શરૂ પણ થઇ ગઇ છે. ચાલો પ્રયત્ન કરીએ સાથે મળીને – પોત પોતાના ખૂણામાં કે આ મેનેજ કરી શકીએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2025
![]()

