સંપાદકીય

કેતન રુપેરા
પ્રયોગવીર ગાંધીજીના સત્યના પ્રયોગો જેવા ને જેટલા ચર્ચાયા-પોંખાયા, એવું એમના આહારના પ્રયોગો વિશે બન્યું નથી. પહેલું તો જાણે કે એમની આત્મકથાનું નામ સ્વયમેવ; એટલે એનું અગ્રગામી અને પ્રભાવી હોવું-રહેવું સ્વાભાવિક છે. વળી, “પરમેશ્વર ‘સત્ય’ છે એમ કહેવા કરતાં ‘સત્ય’ એ જ પરમેશ્વર છે એમ કહેવું વધારે યોગ્ય છે”[i] તેમ કહેનાર, જગતના પ્રથમ જણને લલાટે ચળકે તો સત્યનું તેજ જ ને …
… પણ તેથી કંઈ ગાંધીજી, વધુ મૂળમાં જતાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન અને તેની ગતિવિધિઓને ફંફોસવામાં રસ દાખવતા અભ્યાસી માટે, એમના આહારના પ્રયોગો કે પ્રાણપોષક આહાર માટેની એમની ખોજથી અંતર જાળવવાનું સંભવી શકે ખરાં?!
વિશેષ કરીને ત્યારે, જ્યારે એમ પકડાય કે સગીર વયે એક પ્રકારનો આહાર, વધુ ચોક્કસપણે કહીએ તો ‘માંસાહાર’, જે ચોકક્સ સમયમર્યાદા સુધી ત્યાજ્ય ગણ્યો એના મૂળમાં જ સત્યનું પાલન ક્યાં ન હતું! મોહનદાસને મનોમન થયેલા આ સંકલ્પની પિંડબંધાઈ ઘટનામાં એકના છેડે બીજો એક; એવો તર્કપૂર્ણ પ્રલંબ વહેતો મૂકતાં, ‘જો’ અને ‘તો’ની સહાયથી કોઈક છેડે પહોંચવા વિચારી શકાય? આરંભીએ …
જો માતા પૂતળીબાઈએ મોહનદાસને વિલાયત જતાં પૂર્વે, સરવાળે ત્રણમાંની એક એવી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા ન લેવડાવી હોત, તો તેના પાલન સારુ ભૂખ્યા-અધભૂખ્યા રહીને પણ તેઓ શાકાહારની શોધમાં લંડનની ગલીઓમાં ભ્રમણ કરતા રહ્યા હોત?
શાકાહારની શોધમાં ભ્રમણ કરતાં કરતાં લંડનની સેન્ટ્રલ રેસ્ટોરાંએ ન જઈ ચઢ્યા હોત, તો પ્રથમ કેવળ સત્યને જાળવવાને ખાતર અને પછી માતાની પ્રતિજ્ઞા જાળવવાને ખાતર માંસત્યાગ કર્યો હતો, તેમાં ઉમેરણ થઈને પોતે વિચારથી પણ અન્નાહારમાં માનતા થયા એવું પુસ્તક[ii] હાથ લાગ્યું હોત?
માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા પણ હવે તો વિશેષ આનંદદાયી થઈ પડી એવી એ રેસ્ટોરાં અને પુસ્તક હાથે ન લાગ્યાં હોત, તો તે વાટે અન્નાહારમાં માનનાર કેટલાક અગ્રણીઓના પરિચય-સંપર્કમાં આવવાનું ને એની અસર રૂપે આહારના અખતરા કરવાનું થયું હોત?
જો આરંભે આર્થિક અને આરોગ્યની દૃષ્ટિએ થયેલા આ અખતરા કે પ્રયોગો થયા જ ન હોત, તો શું આગળ જતાં તેમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિ પણ ભળી હોત?
ધાર્મિક દૃષ્ટિએ અસ્વાદ અને ફળાહાર તથા દૂધનો ત્યાગ અને ઉપવાસ જેવા પ્રયોગો આધ્યાત્મિક દૃષ્ટિએ ન થયા હોત, તો આ સઘળા પ્રયોગોની પ્રક્રિયા અને પરિણામલક્ષી અસર રૂપે—અવિરત આત્મશુદ્ધિના માર્ગે જવા પ્રયત્નશીલ એવા—જે ગાંધીજી આ દેશ-દુનિયાને મળ્યા તે શું એ જ સ્વરૂપે મળ્યા હોત?
મોહનમાંથી ‘મહાત્મા’, મોનિયામાંથી ‘બાપુ’, મિ. ગાંધીમાંથી ‘ગાંધીજી’ અને પૂતળીબાઈના પુત્રમાંથી ‘રાષ્ટ્રપિતા’ જેવાં ગતિક્રમ સહજ ને અત્યંત આદરસૂચક માન-સન્માન પળભર બાજુ પર રાખીએ તો ય, આત્મશુદ્ધિના પ્રયત્નના કારણે આત્મદર્શન માટેની એમની ઝંખના અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની યત્ના ન રહી હોત, તો જે આભા ને જે પ્રભાવપૂર્ણતા સાથે જગત આખામાં તેઓ ઊભરી આવ્યા, એમ શું થયું હોત?
… અને આ સઘળું ન બન્યું હોત, તો કોઈ કલ્પી શકે ભલા કે શાકાહારની શોધમાં ભ્રમણ કરતો 19 વર્ષીય યુવાન, પછી એ માર્ગે વધુ આગળ વધતાં, એક પછી એક પગથિયાં ચઢતાં-પડતાં, ભૂલો કરતાં-સ્વીકારતાં-સુધારતાં જતાં સૌની નજીક રહેતાં છતાં પણ એટલો દૂ…ર નીકળી ગયો કે તે એના આધ્યાત્મિક પ્રયોગો—”જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજ્ય પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્-ભવી છે”[iii]—બની રહ્યા અને તેના પાયામાં આહારના પ્રયોગો હતા, પ્રાણપોષક આહારની એમની ખોજ રહેલી હતી; અને એના ય પાયામાં હતી માતાની પાસે કરેલી માંસાહાર ન કરવાની પ્રતિજ્ઞા!
1933માં અલગ મતદાર મંડળની આબોહવામાં ઉપવાસ અને આત્મશુદ્ધિ અંગેની ચર્ચા કરતાં મોહનદાસ—ગાંધીજી પોતાની માતાને સંભારે છે ને કહે છે, “નૈતિક સુધારો તપશ્વર્યા અને આત્મશુદ્ધિ જેવાં નૈતિક સાધનોથી જ થઈ શકે… હું તથા મારી મા જે કુટુંબમાં આવા વ્રત રોજની વસ્તુ હતી તેમાં જન્મેલા છીએ.”[iv]
… તો આ મોહનદાસની દૃષ્ટિ છે. એમના ઉપવાસ અને એની પ્રક્રિયા એમને બે સામસામા છેડાના કહેવાતાં ક્ષેત્રો—રાજકીય અને આધ્યાત્મિક—માંય માર્ગદર્શન રૂપ બની આવે છે. અસ્પૃશ્યતા નિવારણ સંબંધે એક તબક્કે સનાતનીઓને ઉદ્દેશીને આપેલા નિવેદનમાં આ વાત વધુ વ્યાપક સ્વરૂપે ઊભરી આવે છે. “મને ઓળખનારાઓએ સમજવું જોઈએ કે, હું રાજકીય, સામાજિક, ધાર્મિક અને બીજા સવાલો વચ્ચે ન ભૂંસાય એવો ભેદ માનતો નથી. મેં હંમેશાં માન્યું છે કે એ સવાલો એકબીજા પર આધાર રાખનારા છે, અને એકના ઉકેલથી બીજાનો ઉકેલ નજકી આપે છે.”[v]
ગાંધીજીનું આરોગ્યની ચાવી તે આવી જ સર્વાંગી દૃષ્ટિ ધરાવતું ને પોતાના રોજેરોજ વધતા જતાં આહાર, ઉપચાર અને આરોગ્યના અનુભવનાં નિચોડ રૂપ પુસ્તક છે…, તો પ્રસ્તુત પુસ્તક ત્યાં સુધી પહોંચવામાં તેઓ કેવી કેવી કસોટીઓ ને પ્રક્રિયા-પ્રયોગોમાંથી પસાર થયા તેનો સંક્ષેપ આલેખ આપવાનો પ્રયાસ—આ સંપાદનમાં ક્યાંક ભૂલ પણ રહી ગઈ હોય એવા સ્વીકાર સાથે,
… અને વિશ્વ-ગુજરાતી વિપુલ કલ્યાણી તરફથી સતત મૂકાતા વિશ્વાસ ને સાતત્યપૂર્ણ ધીરજને સલામ સાથે,
Email: KetanRupera@gmail.com
[i] ગાંધીજી, મંગળપ્રભાત, નવજીવન (2002), પૃ. 1
[ii] A Plea For Vegetarianism And Other Essays by H. S. Salt
[iii] મો. ક. ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, નવજીવન (1998), પૃ. ६
[iv] મહાદેવભાઈની ડાયરી, ભાગ 3 (1949), પૃ. 285
[v] મહાદેવભાઈની ડાયરી, ભાગ 2 (1949), પૃ. 459