
રવીન્દ્ર પારેખ
આજે દિવાળી ! આ દીપોત્સવી પર્વનાં અને આવી રહેલાં વિક્રમ સંવત 2082નાં સૌને હૃદયપૂર્વકનાં અભિનંદનો. નવું વર્ષ સૌને અનેક રીતે સ્વસ્થ અને સફળ નીવડે તેવી શુભેચ્છાઓ. આજે કોઈ રાજકીય કે શૈક્ષણિક વાત નથી કરવી. આજે મારી વાત કરવી છે. મારી પણ નહીં, મારી કવિતાની વાત કરવી છે. કવિતા પણ દીવાની, તેનાં અજવાળાંની ને તેને લગતી લાગણીઓની …
આમ તો અમાસ અંધારી હોય છે, પણ આસોની અમાસ દીવાઓથી ઝળહળે છે. કોઈ અમાસ દિવાળી જેટલી ઊજળી નથી. એ રાત્રે એટલા દીવા ઝગમગે છે કે આકાશના તારાઓ પણ તેના ઉજાસમાં શરમાઈને મોં છુપાવી લે છે. આજે ઝાકઝમાળની દુનિયામાં એક સ્વિચ દબાવો ને બધું પળવારમાં ઝળઝળ થઈ ઊઠે છે ! આંખો આંજી નાખતાં બેશુમાર અજવાળાં વચ્ચે આપણે દીવો કરીએ છીએ, એટલું ઓછું હોય તેમ ઇલેક્ટ્રિક દીવાઓ પણ કરીએ છીએ. સ્વિચ ઓન કરો કે ઝીણાં બલ્બની જ્યોત દીવાની જેમ જ હાલવા લાગે છે. આ બધું છતાં દિવાળીએ માટીનાં કોડિયાં પ્રગટાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે. તેનું નાજુક કારણ એ છે કે કોડિયાં વેચનારનો ધંધો આપણી ખરીદી પર નિર્ભર છે. આપણે ત્યાં કોડિયાં સળગે છે, તો, એને ત્યાં ચૂલો સળગે છે.
દિવાળીએ બીજાં અનેક ઇલેક્ટ્રિક તોરણોથી આપણું આંગણું ઝગમગે છે, તો ય ગોખમાં કે ઉંબરા પર કે તુલસી ક્યારે દીવો કરીએ છીએ. એ દીવાનું તેજ પેલી ઝાકઝમાળ સુધી બહુ પહોંચતું પણ નથી, તો ય દીવો કરીએ છીએ. કેમ? એવું જ આરતીનું છે. ભરચક અજવાળું હોય તો પણ, મંદિરોમાં આરતી થાય છે, જે વધારે ચાલતી પણ નથી, તો ય કરીએ છીએ. ઘણાં તો સૂર્યપૂજા વખતે પણ સૂરજની સામે દીવો કરે છે. આમ તો સૂરજની સામે દીવાનું તેજ કોઈ વિસાતમાં નથી, તો ય સૂર્યની આરતી ભાવથી ઉતારીએ છીએ. તે એટલે કે ગમે તેવો તેજસ્વી જ કેમ ન હોય, સૂર્ય રાત્રે કામ આવતો નથી. રાતનો અંધકાર તો નાનકડો દીવો જ દૂર કરે છે. પેલાં ઇલેક્ટ્રિક દીવા ચલાવવા હોય તો ચોવીસે કલાક ચલાવી શકાય, પણ ચોક્કસ કારણોસર બલ્બ નથી સળગાવતા. તેને બદલે અખંડ દીવો કરીએ છીએ. અખંડ દીવો માત્ર દીવો જ નથી, સંકલ્પ પણ છે. આમ દીવો ના કરીએ, તો ચાલે, પણ તેનું સ્નિગ્ધ તેજ અનેક ભડકાઉ અજવાળાં વચ્ચે ધ્યાન ખેંચે છે. દીવાનું તેજ શાતા આપનારું છે. તેનું અજવાળું આંજી નાખતુ નથી. તેની ધીમી સોનેરી જ્યોત આંખોને અજવાળે છે.
એક કાળે પ્રિયની રાહ જોતી પ્રેમિકા સામે ફિલ્મોમાં સતત સળગતો દીવો બતાવાતો. એ રીતે દીવો પ્રતીક્ષાનો સૂચક હતો. એ જ રીતે કોઈની નિષ્ફળતા કે કોઈનું મૃત્યુ દર્શાવવા પવનથી હોલાતો દીવો પણ બતાવાતો. આમ પણ દીવાની આવરદા ઓછી જ હોય છે. નથી તેની બનાવટ કાયમી કે નથી તેનું અજવાળું કાયમી. તેનું તેલ પૂરું થાય ત્યાં સુધી જ તે પ્રકાશે છે. મનુષ્યનું પણ એવું જ છે ને ! શ્વાસ હોય ત્યાં સુધી પ્રકાશે છે ને પછી હોલવાઈ જાય છે. કાયમી તો અંધકાર જ છે, પણ તેને દૂર કરવાનું કામ દીવો કરે છે. દીવો જ એ સંકેત આપે છે કે પ્રચંડ કે દીર્ઘકાલીન જ કેમ ન હોય, એક નાનકડી જ્યોત અંધકારને તો દૂર રાખી જ શકે છે. આપણને ખબર છે કે આગળ જતાં દીવો હોલવાવાનો જ છે, તો ય તેને નદીનાં જળ પર તરતો મૂકીએ છીએ. કોઈ પ્રેમીની સ્થિતિ હાલકડોલક હોય, તો પ્રેમિકા જળ પરનાં દીવા જેમ ભીતર કંપતી અનુભવાય છે :
જાણે જળ પર દીવો હો,
એમ તું ભીતર હાલે છે.
પ્રેમ સનાતન અને સૂનો છે. ઘર સૂનું હોય ત્યાં આવી સ્થિતિ પણ હોય છે :
સૂના ઘરમાં દીવા કરી રાત ગાળી,
ભલા એથી જુદી તો શું હો દિવાળી?
જગત તો ઉત્સવનું અજવાળું કરે, પણ જેનાં મનમાં ઉદાસી છે, નિરાશા છે, અંધકાર છે, તેને શો ફેર પડશે?
તું દીવો કર, પણ ન અજવાળું થશે,
મનનું અંધારું વધુ કાળું થશે.
દિવાળી આમ તો રામ અને લક્ષ્મી સાથે સંકળાઈ છે. રામ વનવાસ પછી અયોધ્યા પધાર્યા ને પ્રજાએ તેનો ઉત્સવ ઉજવ્યો, ત્યારથી દિવાળીની શરૂઆત થઈ એમ મનાય છે, તો લક્ષ્મી પણ સમુદ્ર મંથનની પ્રાપ્તિ છે. એ રીતે દીપોત્સવ ઐશ્વર્ય સાથે સંકળાયો છે. આવાં ઐશ્વર્ય વચ્ચે નાનકડા દીવાને સાથે એટલે રાખ્યો છે, કારણ અજવાળાં વગર ઐશ્વર્ય દર્શન શક્ય જ નથી. દીવો પણ પ્રગટે તો જ પરખાય, તે વગર તો ખૂણામાં તેનું મૂલ્ય જ નથી. મનુષ્યનું પણ એવું જ છે ને !
હું દીવો થઈને ય પરખાયો ન હોત,
જો મને થોડો ય સળગાવ્યો ન હોત !
ઘણી વાર તો દીવો આવો પણ હોય છે –
જળની વચ્ચે જેમ મરજીવો હશે,
એમ કો’ અંધારમાં દીવો હશે.
આવા જ પ્રાસ લઈને એક ગીત પણ લખ્યું :
હું છું દીવો
૦
હું છું દીવો –
લો, મારો આધાર લઈને તમે ય થોડું જીવો…
હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બ્હાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો…
હું છું દીવો –
હું જાણે એક નૌકા છું ને મારી બ્હાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઈ મરજીવો …
હું છું દીવો
૦
દીવો કહે છે કે અંધારામાં અટવાવા કરતાં મારો ટેકો લઈને તમે ય થોડું જીવો. દીવો પોતાની અંદર જ નથી રહેતો. તે તો બહાર પણ પ્રકાશ આપે છે. જે ફેલાય તે પોતાની અંદર રહે જ કેવી રીતે? એનું તો ફેલાવામાં સાર્થક્ય છે. ગીતમાં દીવો પોતાને કેવો લાગે છે? કહે છે – હું જાણે એક નૌકા છું. એવી નૌકા જેની બહાર જળને બદલે અજવાળું છે. એ અજવાળામાં કોઈ મરજીવો પડે તો બને કે મોતી જેવું ભવિષ્ય હાથ લાગે. દીવો કાયમી નથી. સહેજ પવન વધે કે તેની જ્યોત થરથરવા લાગે છે. આમે ય હોલવાવાની નજીક હોય ને પવન ધસે છે –
જ્યોત આ બૂઝતા દીવાની છે,
ને ઉપરથી હવા તૂફાની છે.
પરિણામ શું હોય તે કહેવાની જરૂર છે?
જ્યોત સહેજ હાલે છે ને ભીંત પર પડતો પડછાયો પણ હાલી ઊઠે છે –
જ્યોતનું થરકી જવું ને ભીંત પર-
સ્હેજ મારું હાલવું, તમને ખબર?
પ્રેમી પણ રાહ જોવામાં રોજ લોહી ફૂંકે છે, જેમ દીવો તેલ બાળે છે – રાતને અજવાળવા.
રોજ લોહી અગર નહીં બાળું,
તો તને કેમ થાય અજવાળું?
દીવા પર ગીત લખ્યું છે, એમ જ ગઝલ પણ લખી છે. તેના થોડા શેર જોઈએ :
દીવો
૦
એક દીવો હાથમાં લઈ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લાવ તું.
હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.
એટલાથી જાત કૈં પરખાય ના,
સેંકડો દીવા ભલે પ્રગટાવ તું.
એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.
૦
દીવાને ગર્વનો અધિકાર નથી. તે એવા ભ્રમમાં રાચી ન શકે કે તે આભ અજવાળે છે. આભ અજવાળવાનું કામ તેનું નથી. તેનું કામ ઘર અજવાળવાનું છે. એવું જ મનુષ્યનું પણ છે. તે ઘર અજવાળવા સૂર્યની આશ કરે તો નિરાશ થાય, ઘરમાં તો દીવો જ કામ આવે. છેલ્લા શેરમાં મૃત્યુનો સંદર્ભ છે. મૃત્યુ કોઈને જોઈ તપાસીને લઈ જતું નથી. કદાચ તેને પૂરું દેખાતું ય નહીં હોય ! એટલે કહ્યું છે કે એ ભલે મૃત્યુ હોય તો પણ, તેને દીવો બતાવો, જેથી તેણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકે.
દીવો રદીફ રાખીને પણ ગઝલ લખી છે. તેના થોડા શેર જોઈએ :
ગઝલ
૦
સૂર્યની છોડી આશ, કર દીવો,
ઘરમાં તો કામ આવે, ઘર દીવો.
દ્વાર ખૂલતાં પ્રકાશ ફેલાતો,
એમ લાગે કરે સફર દીવો.
રોશની થાય દૂર જળ પર તો,
તારી આપે મને ખબર દીવો.
તું ભલે માળિયે ચડાવી દે,
ત્યાં ય દેખાડશે અસર દીવો.
કોઈ જોનાર હો ન એને તો,
હોય કાયમ લઘરવઘર દીવો.
યાદ જો ઘાસ જેવી સૂકી હો,
તો નથી રાખતો કસર દીવો.
દુખ થતે ના, પવનમાં હોલાતે,
પણ બુઝાયો હવા વગર દીવો.
૦
વધારે પવનમાં દીવો હોલાય તે તો સમજાય, પણ કેટલાક દીવા હવા વગર સળગતા જ નથી, જેમ કેટલાક જીવોને જન્મ વગર જ મરવાનું થાય છે, એ વાત છેલ્લા શેરમાં કહી છે. બધા શેરો સરળ છે, એટલે એ અંગે વધુ કહેવાની જરૂર નથી. છેલ્લે, ફરી એક વાર સૌને દીપોત્સવ અને નૂતન વર્ષ અનેક રીતે ફળદાયી નીવડે એવી અનંત શુભકામનાઓ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑક્ટોબર 2025