
રમેશ ઓઝા
અફઘાનીસ્તાનના વિદેશ પ્રધાન આમીર ખાન મુત્તાકી એક અઠવાડિયા માટે ભારતની સતાવાર મુલાકાતે આવી ગયા. તેઓ ભારત સરકારનાં સત્તાવાર આમંત્રણ સાથે ભારત આવ્યા હતા. તેમણે હૈદરાબાદ હાઉસમાં ભારતના વિદેશ પ્રધાન જયશંકર સાથે વાતચીત કરી હતી. તેમણે પત્રકાર પરિષદ પણ બોલાવી હતી જેમાં મહિલા પત્રકારોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. એ પછી તેમણે દારુલ ઉલૂમ દેવબંદની મુલાકાત લીધી હતી.
વિશ્વદેશોમાં આજકાલ જે ઝડપથી અને અનપેક્ષિત રીતે સંબંધો બદલાઈ રહ્યા છે એ જોતાં આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. ખાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં બીજીવાર પ્રમુખ તરીકે આવ્યા એ પછી તો વિદેશ નીતિ ફારસ બની ગઈ છે. ગુરુવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રશિયા પાસેથી ખનીજ તેલ નહીં ખરીદવાનો ભારતે નિર્ણય લઈ લીધો છે. ભારત વતી જાહેરાત ટ્રમ્પ કરે. ભારત સરકારે હજુ સુધી આમ કહ્યું નથી કે રદિયો પણ આપ્યો નથી. તો સંબંધોમાં શાશ્વતી નથી કે નથી સાતત્ય. આ સ્થિતિમાં અફઘાનિસ્તાનની તાલેબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. માત્ર પત્રકાર પરિષદ બાબતે ભારતે સાવધાન રહેવું જોઈતું હતું. ભારતની ધરતી પર ભારતના કાયદા અને બંધારણને અતિક્રમીને ધર્મના નામે ભેદભાવ કરવાની ઘટના નહોતી બનવી જોઈતી હતી. ભારત સરકારે કહી દેવું જોઈતું હતું કે કાં ખુલ્લી પત્રકાર પરિષદ કરો અથવા પસંદગીના પત્રકારોને અંગત મુલાકાત આપો.
રહી વાત દેવબંદની મુલાકાતની તો એનો તો લાંબો ઇતિહાસ છે અને હિન્દુત્વવાદીઓ તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દારુલ ઉલુમ દેવબંદના અસ્તિત્વ સામે જ વાંધો છે. આ લોકો મુસલમાનોના વૈશ્વિક બંધુત્વમાં માને છે અને રાષ્ટ્રનો અસ્વીકાર કરે છે. જગતમાં મુસલમાનો માટે માત્ર એક જ ઓળખ છે અને તે મુસલમાન હોવાની. બાકીની ઓળખ ગૌણ છે. ભારતીય મુસ્લિમ મુસ્લિમ પહેલો છે અને ભારતીય પછી. ભારતીય હોવાપણું એ એક અકસ્માત માત્ર છે. એટલે તો તેમણે ભારતના કોમી વિભાજનનો વિરોધ કર્યો હતો. ટુ નેશનનો સવાલ જ ક્યાં છે જ્યારે ઇસ્લામ પોતે જ એક નેશન છે. એ છતાં ય જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે તેમણે પાકિસ્તાન પર કબજો જમાવ્યો હતો. પાકિસ્તાનને તેઓ સાચું અને આદર્શ ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગતા હતા જે રીતે હિન્દુત્વવાદીઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. આપણો વારો હવે આવ્યો છે.
દેવબંદની વિચારધારાએ પાકિસ્તાનની જે દુર્દશા કરી છે એ તમારી સામે છે. આ વિચારધારાનો અમરિકાએ પણ સોવિયેત રશિયા સામે પેટ ભરીને ઉપયોગ કર્યો હતો. અમેરિકા અને પાકિસ્તાને મળીને ઇસ્લામિક મૂળભૂતવાદ અને ત્રાસવાદ પેદા કર્યા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સાથે લેવાદેવા નહોતી એ અરેબિક અને બીજા દેશોના મુસલમાનો પાકિસ્તાનમાં જીહાદ કરવા આવ્યા હતા. ખાસ પ્રકારના ઇસ્લામના તત્ત્વો આરોપીને તેમના દિમાગ પર કબજો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન જીહાદીઓ પેદા કરવાની ફેક્ટરી બની ગયું હતું. ૧૯૮૮-૮૯માં સોવિયેત રશિયાએ અફઘાનીસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચ્યું એ પછી નવરા પડેલા જીહાદીઓએ ભારતને ટાર્ગેટ બનાવ્યું હતું. જીહાદ દ્વારા તેઓ કાશ્મીરને મુક્ત કરવા માગતા હતા.
૯/૧૧ પછી અમેરિકાએ અફઘાનીસ્તાનને તાલેબાનોથી મુક્ત કરવા લશ્કરી ઓપરેશન શરૂ ર્ક્યું હતું, પણ એમાં તેને સફળતા મળી નહોતી. અફઘાનીસ્તાન જગતનો એક એવો દેશ છે જેને આજ સુધી કોઈ દેશ જીતી શક્યો નથી કે કબજો કરી શક્યો નથી. રશિયા પછી અમેરિકાએ પણ પીછેહઠ કરવી પડી અને ૨૦૨૧માં તાલિબાનોએ અફઘાનીસ્તાન પર પાછો કબજો જમાવ્યો હતો. અફઘાનીસ્તાનમાં ભારત હંમેશાં નોધર્ન એલાયન્સ તરીકે ઓળખાતા ઉત્તર અફઘાનીસ્તાનના કબીલાઈ નેતાઓને અને દળોને મદદ કરતું આવ્યું છે, પણ અત્યારે તેઓ હાંશિયામાં ધકેલાઈ ગયા છે. તાલિબાનો સરસાઈ ધરાવે છે.
તાલિબાનો પાકિસ્તાનનું સર્જન હતું, પરંતુ હવે તેમની વચ્ચે દુશ્મની છે. અમરિકાને ઇશારે થોડો સમય અફઘાનીસ્તાન-પાકિસ્તાનની ધરી રચાઈ હતી, પણ પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારથી ક્યારે ય પાકિસ્તાન અને અફઘાનીસ્તાન વ્ચ્વ્ચે મધુર સંબંધો નહોતા. બલુચિસ્તાન અને એક સમયે વાયવ્ય સરહદ પ્રાંત તરીકે ઓળખાતા ખૈબર પખતુનવા તરીકે ઓળખતા પ્રાંતમાં વસતા પઠાણો અને બીજી કબીલાઈ પ્રજા અફઘાનીસ્તાન માટે સહાનુભૂતિ ધરાવે છે. આ સિવાય અફઘાનીસ્તાને ક્યારે ય અફઘાનીસ્તાન અને એ સમયના અવિભાજિત હિન્દુસ્તાન વચ્ચે અંગ્રેજોએ ખેંચેલી ડુરાંડ લાઈન સ્વીકાર્ય નહોતી. આમ અત્યારે અફધાનીસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તંગદિલી છે. હજુ બે દિવસ પહેલાં જ તે બે દેશ વચ્ચે યુદ્ધવિરામ થયું છે જે તકે એવું લાગતું નથી.
આ સ્થિતિમાં ભારતની હિંદુ રાષ્ટ્રવાદી સરકારે અફઘાનીસ્તાનના તાલિબાની વિદેશ પ્રધાનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. દુશ્મનનો દુશ્મન મિત્ર એ ન્યાયે. વૈચારિક રીતે હિન્દુત્વવાદીઓ અને દેવબંદીઓ સામેના છેડે હોવા છતાં. ભારતે અફઘાનીસ્તાનની તાલિબાની સરકારને માન્યતા નથી આપી, પણ એલચી કચેરી ખોલી છે અને હવે તેને પૂરા કદની એલચી કચેરીનો દરજ્જો પણ આપ્યો છે. રશિયાએ અફઘાનીસ્તાનની સરકારને માન્યતા આપી છે. ચીન પાકિસ્તાનની સાથે છે એટેલ ભારત અફઘાનીસ્તાનની સાથે છે.
આવું છે જગતનું રાજકારણ. ટ્રમ્પ પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન માટે બોલાવે અને પેટ ભરીને વખાણ કરે. માન્યામાં ન આવે રીતે ભારત વિરોધી વલણ અપનાવે. ચીન ઓપરેશન સિંદૂરમાં પાછળ રહીને પાકિસ્તાનને સાથ આપે. ઈરાન ઇઝરાયેલ અને અમેરિકા બન્ને સામે એક સાથે ઝીંક ઝીલે અને અમેરિકાએ અને ઇઝરાયેલે પીછેહઠ કરવી પડે. આ સ્થિતિમાં ભારતને દક્ષિણ એશિયામાં મિત્રની જરૂર છે. છેલ્લે એક બંગલા દેશ હતું જે પણ હાથમાંથી ગયું.
હિંદુ રાષ્ટ્રવાદીઓને ભૌગોલિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રનિષ્ઠામાં નહીં માનનારાઓને રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવું પડે એ કેવી વિડંબના! એક વાતે તાલિબાનોને સલામ કરવી જોઈએ. તેમની દૃષ્ટિએ યોગ્ય ઇસ્લામિક તત્ત્વોને અનુસરીને તેમણે સ્ત્રીઓને પત્રકાર પરિષદમાં નહીં આવવા દીધી અને હિન્દુત્વવાદીઓની ફિલસૂફીને અને તેમની રાજનીતિની ઐસીતૈસી કરીને દેવબંદની મુલાકાત લીધી. વિચારનિષ્ઠામાં આ જે પ્રમાણિકતા છે એ હિન્દુત્વવાદીઓમાં નથી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઑક્ટોબર 2025