Opinion Magazine
Number of visits: 9449329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વ રંગભૂમિ દિન અને ગ્રંથ-વિમોચન

ભરત દવે|Opinion - Literature|3 April 2016

[૨૭ માર્ચ, વિશ્વ રંગભૂમિ દિનના પૂર્વસપ્તાહે ભરત દવે લિખિત રંગભૂમિ-વિષયક ત્રણ પુસ્તકો આધુનિક ભારતીય રંગભૂમિના સર્જકો (પ્રકાશન : ગુજરાત સાહિત્ય અકાદમી), વાસ્તવવાદી નાટક વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં (વિશ્વકોશ પ્રકાશન) અને રંગવિમર્શ(ગૂર્જર પ્રકાશન)નું વિમોચન કરવા માટે વિશ્વકોશ ભવન ખાતે એક કાર્યક્રમ યોજાયેલો. વિમોચનકર્તા હતા સર્વશ્રી રઘુવીર ચૌધરી, હસમુખ બારાડી અને ચિનુ મોદી. આ પ્રસંગે નાટ્યદિગ્દર્શક અને કલાકાર ભરત દવેએ તમામ નાટ્યકલાકારોને ધ્યાનમાં રાખીને ‘વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે જાતે તૈયાર કરેલ એક જાહેર સંદેશાનું પઠન કરેલું. ત્યારબાદ ‘નટ, નાટક અને નાટ્યકાર’ની સમાજલક્ષી ભૂમિકા વિશે કેટલાક મનનીય વિચારો રજૂ કરેલા.]

‘વિશ્વ રંગભૂમિ દિન’નો ઉલ્લેખ કરતાં જ કાર્યક્રમની આરંભે મને બે સદ્દગત પ્રતિભાઓનાં સ્મરણ થાય છે. એક સદ્દગત ધીરુભાઈ ઠાકર 2012થી 9મી એપ્રિલે આ મંચ ઉપરથી જ તેમણે મારા પ્રથમ પુસ્તક ‘મારી રંગયાત્રા’નું વિચોમન કરેલું. ધીરુભાઈને લોકો ભલે સાહિત્યવિવેચન અને વિશ્વકોશની સ્થાપના માટે યાદ કરે પણ હું તો તેમને નાટ્યકલાના મોટા રસિયા અને એટલા જ મોટા જાણકાર તરીકે યાદ કરું છું. તેમની સાથે નાટકની વાત કરો એટલે તેઓ રંગમાં આવી જાય. બીજા છે માર્કન્ડ ભટ્ટ જેમણે હમણાં જ વિદાય લીધી. ચંદ્રવદન મહેતા અને જશવંત ઠાકર પછી ગુજરાતી નાટ્યજગતની એક બહુ મોટી હસ્તી આપણી વચ્ચેથી જતી રહી. (આ વર્ષ જશવંત ઠાકરની શતાબ્દીનું વર્ષ પણ છે.) ગુજરાતી રંગભૂમિ પર આવા વિદ્વાન કલાકારોની હવે ગંભીર ખોટ અનુભવાય છે. રંગભૂમિની આ તમામ પ્રતિભાઓની સ્મૃિતઓને હું વંદન કરું છું.

1961થી શરૂ કરીને દર વર્ષની 27 માર્ચે ‘International Theater Institute’ (ITI – યુનેસ્કો) તરફથી ‘વિશ્વરંગભૂમિ દિન’ની ઉજવણી કરવામાં આવે છે. ‘International Theatre Institute’ એક બિનસરકારી સંસ્થા છે. તેની સ્થાપના 1948માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય રંગકર્મી સમુદાય તરફથી કરવામાં આવેલી. વિયેનામાં ITI ની 9th World Theatre Congress મળેલી. તે વખતે ફિનલેન્ડના આઈ.ટી.આઈ. સેન્ટરના વડા અર્વી કિવિમાએ રંગભૂમિ દિનની વાર્ષિક ઉજવણીનો આ પ્રસ્તાવ રજૂ કરેલો જેને તે કાળે તમામ સ્કેિન્ડનેવિયન દેશોએ સમર્થન આપેલું.

આ દિવસની ઉજવણી પેટે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રંગભૂમિને લગતા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. તેમાં નાટ્યમહોત્સવો, નાટક પરના પરિસંવાદો, નાટ્યગોષ્ઠિઓ, નાટ્યશિબિરો, પ્રદર્શનો, નાટકને લગતાં પુસ્તકોનાં પ્રકાશન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉજવણીનો હેતુ દુનિયાના વિવિધ દેશો વચ્ચે શાંતિ, ભાઈચારો અને સૌહાર્દ વિકસાવવાનો છે.

ઉજવણી માટેની તા. 27 માર્ચ નક્કી કરવા પાછળનું નિમિત્ત 1957માં પેરિસમાં ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટીટ્યુટ તરફથી ફ્રેન્ચ સરકારના સહયોગથી “Theatre of Nations Festival”ની પહેલવહેલી ઉજવણી 27 માર્ચે થયેલી અને તેમાં 10 દેશોની 16 કંપનીઓએ ભાગ લીધેલો. બીજા વિશ્વયુદ્ધ બાદ પશ્ચિમી જગતને પ્રથમ વાર ચીનનું પેકિંગ ઓપેરા, જર્મનીનું બર્લિનેર અન્સેમ્બલ, જાપાનના કાબૂકી અને નોહ, રશિયાનું મૅાસ્કો આર્ટ થિયેટર વગેરે જોવાની તક મળેલી. આ પ્રવૃત્તિ લગભગ 15 વર્ષ લગાતાર ચાલી. સમકાલીન રંગભૂમિ પર દુનિયાભરના વૈવિધ્યને plurality and diversityને સેલિબ્રેટ કરવાનો હેતુ હતો.

‘વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે એક પ્રથા એ ચાલી છે કે દર વર્ષે ITI તરફથી કોઈ વિશ્વવિખ્યાત નાટ્યકાર, દિગ્દર્શક, અભિનેતા કે કોઈ પણ સર્જક વ્યક્તિને આ દિવસ માટે એક ખાસ સંદેશ પાઠવવાની વિનંતિ કરવામાં આવે છે. આ સંદેશ દુનિયાની વીસેક ભાષામાં અનુવાદ પામી તેનું પ્રસારણ રેડિયો, ટી.વી, વર્તમાનપત્રો અને સોશ્યલ મીડિયા પરથી કરવામાં આવે છે. 1961નો સૌ પ્રથમ સંદેશ ઝ્યાં કૉકતોએ આપેલો. કૉકતો વિખ્યાત ફ્રેન્ચ લેખક, નાટ્યકાર, ડિઝાઈનર, આર્ટીસ્ટ અને ફિલ્મમેકર હતો. આ પછી આ સંદેશો પાઠવનારાઓમાં સામેલ હતા વિશ્વવિખ્યાત સર્જકો આર્થર મિલર, પિટર બ્રુક, લૉરેન્સ ઑલિવર, હેલિના વાયગલ, પાબ્લો નેરૂદા, રિચાર્ડ બર્ટન, યુજિન આયોનેસ્કો, માર્ટિન એસલિન, ઑગસ્ટો બૉલ, દારિયા ફૉ વેગેરે. ભારતમાંથી આ સન્માન વર્ષ 2005માં એક માત્ર ગિરીશ કર્નાડને મળ્યું છે. 2016ના આ વર્ષે હજુ સુધી કોઈ સંદેશ જાહેર નથી થયો એટલે એક અદના રંગકર્મી તરીકે હું જાતે જ મારો સંદેશ લખીને આપ સૌ સામે વાંચી સંભળાવું છું.

જ્યાં જ્યાં માનવસમાજ છે ત્યાં ત્યાં, જેને દબાવી કે કચડી ન શકાય, એવી આંતરિક અભિવ્યક્તિનો જુસ્સો અકબંધ છે, અને તે પ્રગટ થયા વગર કેમે ય રહી શકતો નથી. રંગમંચ પર આપણે શાની અભિવ્યક્તિ કરીએ છીએ ? જીવનની જટિલતાઓની, માનવસમાજમાં રહેલ બહુલતા કે વિવિધતાની, આપણી નિર્બળતાઓની – નિર્બળતા Velnerablityના અર્થમાં – જેમ કે – આપણે આસાનીથી કશાકનો ભોગ બની શકીએ છીએ. અને આ અભિવ્યક્તિ આપણે રંગમંચ પર જીવંત રીતે આપણા શ્વાચ્છોશ્વાસથી અને આપણા અંતરમાંથી નીકળતા અવાજ વડે કરીએ છીએ જે અવાજમાં આપણી ઇચ્છાઓ, એષણાઓ, આપણી ગમગીની અને મૂંઝવણો ઘૂંટાયેલી છે. આપણે સૌ થિયેટરમાં સાથે મળીને સ્વેચ્છાએ હસવા, રડવા, બોજિલ બનવા અને સાથોસાથ હળવા થવા, ક્યારેક ખિન્ન થવા, વિચલિત થવા, વિચાર કરતા થવા, તો ક્યારેક સુંદરતા અને કલ્પનાશીલતાનો આનંદ માણવા જઈએ છીએ.

ડેરિયો ફૉ નામનો વિખ્યાત નાટ્યદિગ્દર્શક કહે છે કે થિયેટર હોય, સાહિત્ય હોય કે બીજી કોઈ પણ કલાત્મક અભિવ્યક્તિ હોય – જો તેમાં વર્તમાન સંદર્ભ ન હોય, તેમાં આજની પ્રજાને મૂંઝવતા સવાલો ન હોય, નાગરિકોની નિસબત ન હોય તો એ બધાનું હોવું વ્યર્થ છે.

આજનું આપણું જગત પળેપળ યુદ્ધો, અણુશસ્ત્રોના વિનાશક અખતરાઓ અને આતંકવાદી બોમ્બ ધડાકાઓના ભયંકર ઓથાર હેઠળ જીવી રહ્યું છે. આપણી ચોતરફ એક ભયંકર ડરામણી માનસિકતા વિકસી રહી છે જેમાં એક ગર્ભિત સંદેશ, યા કહો, ધમકી રહેલી છે, “અમારી વાત માનો, નહીંતર અમારો ભોગ બનવા તૈયાર રહો”. આજે આપણો કવિ, લેખક, વિચારક, નાટ્યકાર, ફિલ્મકાર, અભિનેતા કે શિક્ષક કે જે કંઈ બોલે કે વિચાર પ્રગટ કરે તેની પ્રતિક્રિયા બળ કે હિંસાથી આપવાની વાતને ચોતરફથી સમર્થન મળી રહ્યું છે. હજુ દોઢ દાયકા પૂર્વે આપણે ઢોલનગારાના હર્ષનાદો વચ્ચે 21મી સદીમાં, આધુનિક ગણાતી સદીમાં પ્રવેશ કરેલો. આજે લાગે છે કે આપણે મધ્યયુગ તરફ સરકી રહ્યા છીએ. હું માત્ર આપણા દેશ પૂરતી વાત નથી કરી રહ્યો. મારી વાત આખી ય દુનિયાના દેશોને આવરી લેતી વાત છે.

સુપ્રસિદ્ધ બ્રિટિશ નાટ્યકાર હેરૉલ્ડ પિન્ટરે ‘Voices’ નામે તેનું છેલ્લું નાટક લખેલું. તેની પ્રસ્તાવનામાં પિન્ટરે લખેલું, “એક કલાકાર કે સર્જક તરીકે મને લાગે છે કે માનવ સ્વભાવનું તેમ જ વર્તમાન રાજકારણનું એક ઘૃણાસ્પદ લક્ષણ આજકાલ પ્રયોજાતી ભાષાના દુરુપયોગમાં, તેમ જ ભાષાના એક હથિયાર તરીકેના ઉપયોગમાં વ્યકત થાય છે. તમે સૌ સમજો છો હું શું કહેવા માંગું છું? આપણે સમાજને માટે અત્યંત ઘાતક એવા પાયાગત દંભ અને ભાષાની ગેરસમજ અંગે, ભાષાની વિકૃતિ અંગે, અથવા ભાષાના દુરુપયોગ અંગે વાત કરી રહ્યા છીએ. કારણ કે જીવનના દરેક કાર્યમાં આ ભાષા જ આપણને દોરે છે. આજકાલ Freedom, Democracy, Human-Rights, Secularism, Nationalism, Disarmament, Non-proliferation, World-Peace જેવા મોટા મોટા શબ્દો ઉચ્ચારીને છૂટથી દંભી ભષાનો પ્રયોગ થઈ રહ્યો છે. મહાન ઉદ્દેશોના મોટા મોટા નામે કરવામાં આવતી દરમ્યાનગીરી વખતે જે પ્રકારની (દંભી) ભાષા પ્રયોજાય છે એ મને સૌથી વધારે ત્રાસદાયી, ભયજનક અને સાચું કહું તો ઘૃણાસ્પદ લાગે છે.

વાસ્તવમાં તો આ જગતના મૂઠીભર બળિયા દેશો અન્યોની સાર્વભૌમ સત્તાને પોતાના કાબૂ હેઠળ રાખવા, તેમની કુદરતી સંપદાને લૂંટવા તેમ જ પરાજિત શાસકોને ખંડિયા બનાવી વિશ્વસત્તાઓના સમીકરણો જાળવી રાખવાના ઇરાદાથી જ આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે. આવી ભાષાના માધ્યમથી તેઓ વિશ્વ આખાયમાં તેમના હઠ અને બળપૂર્વક કરાયેલાં ગુનાહિત કૃત્યોને ન્યાયોચિત ઠેરવવા મથે છે. અને ભાષાના દુરુપયોગનો આ જીવલેણ રોગ દરેક દેશના સ્થાનિક રાજકારણોમાં પણ ફેલાઈ રહ્યો છે

આજે લાખો કરોડો માણસો ફકત જીવવા માટે, ટકી રહેવા માટે રાતદિવસ સંઘર્ષ કરી રહ્યા છે. લાખો લોકો ધર્મ કે વિચારધારાના નામે લડાઈ રહેલાં યુદ્ધમાં રાતદિવસ મરી રહ્યા છે. લાખો લોકો પોતાનાં ઘરબાર છોડી દુનિયાભરમાં નિરાશ્રિત બનીને ભટકી રહ્યા છે,

જ્યાં કહેવાતાં સુખ‌શાંતિ છે ત્યાં ય પ્રશ્નો ઓછા નથી. ભૂખ્યાંડાંસ જેવો આજનો અકરાંતિયો ઉપભોકતાવાદ પોતાનો માનવીય ચહેરો ગુમાવી રહ્યો છે, ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ મોટી ને મોટી થઈ રહી છે. કાયદાની સમાનતા બંધારણના કાગળ પર છે પણ સાક્ષાત ધરતી પર ઊતારવાની હજુ બાકી છે. આપણાં તમામ જાહેર માધ્યમો સ્વસ્થ ચિંતન અને જ્ઞાન આપવાને બદલે કેવળ ઉત્તેજના, કટ્ટરતા, બેહૂદગી અને નફરત ફેલાવવા જાણે પરસ્પર સ્પર્ધામાં ઊતરેલાં જણાય છે. રોજ રાત્રે ટેલિવિઝન પર રજૂ થતા ઉગ્ર વાદવિવાદોમાંથી સો ટચનું સત્ય તારવવા લોકોને રીતસર વલખાં મારવા પડે એવી આજની સ્થિતિ છે.

દુનિયાભરના તમામ કુદરતી સ્રોતોનું શોષણ થઈ રહ્યું છે. આપણાં જંગલો કપાઈ રહ્યાં છે. આપણી નદીઓનાં જળ સૂકાઈ રહ્યાં છે. હવા, પાણી, આકાશ સર્વત્ર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ઑઝોનમાં ગાબડું મોટુંને મોટું થઈ રહ્યું છે. જીવજગતની કેટલી ય જાતિપ્રજાતિઓનું નિકંદન નીકળી રહ્યું છે.

આપણા બાદલ સરકારે એક વાર એલાન કરેલું એમ, દુનિયાભરના કવિઓ, નાટ્યકારો અને કલાકારો સાબદા બનો. રંગમંચ જેવા જીવંત ધબકતાં માધ્યમ પર આપણને પીડતા-મૂંઝવતા પ્રશ્નોને તાત્કાલિક અભિવ્યકિત આપ્યા વગર છુટકો જ નથી.

એક કલાકાર તરીકે આપણી પાસે જે કંઈ તાકાત કે ક્ષમતા છે તેના વડે આપણે સાધારણ લોકોનાં મનહૃદયને સાચી અને સ્વસ્થ દિશા તરફ દોરી જવા તે આપણો આપદ્ ધર્મ છે. આપણે એક એવા આશાસ્પદ જગતનું નિર્માણ કરવાની જરૂર છે જ્યાં આપણે ખુલ્લાં મનથી, મૈત્રી ભાવે પરસ્પર સહયોગ કરીને આપણી વર્તમાન મુસીબતોમાંથી કોઈ માર્ગ શોધવાનું વિચારી શકીએ.

આજે જ્યારે ચોતરફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો વિકરાળ મોં ફાડીને ઊભા છે ત્યારે ગ્રીક ટ્રેજેડીના સોફોકલીઝને યાદ કરીએ … જેણે કહેલું, “માણસને ઈશ્વરમાં શ્રદ્ધા નહીં હોય તો ચાલશે, ધર્મમાં શ્રદ્ધા નહીં હોય તો ચાલશે, રાજ્યમાં કે સામાજિક નીતિનિયમોમાં શ્રદ્ધા નહીં હોય તો પણ ચાલશે પણ માણસને માણસમાં શ્રદ્ધા હોવી જોઈશે. આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે આપણે સૌ પ્રણ લઈએ કે માણસની માણસ પરની આ શ્રદ્ધા કાયમ ટકી રહે એવા સઘળા પ્રયાસો આપણે કરતા રહીશું”.

નટ, નાટક અને નાટ્યકાર

“આ ત્રણ નાટકો વિશે મારે કંઈ કહેવાનું નથી. એ બધું તે પુસ્તકોમાં જ કહેવાઈ ગયું છે. મારે આ નિમિત્તે માત્ર નટ, નાટક અને નાટ્યકારની મહત્તા વિશે એક નાનકડી વાત કરવી છે. મારી દૃષ્ટિએ રંગભૂમિના કેન્દ્રમાં નટ છે. નટ એ નાટ્યકારનો પારોગામી છે. એટલે કે નાટ્યકાર નહોતો ત્યારે પણ નટ હતો. નાટ્યકાર વગર નટ હશે પણ નટ વગર નાટ્યકારની કોઈ જ સાર્થકતા હશે નહીં. હા, એ કબૂલ કે નાટ્યકારના આગમનને કારણે નટની ઊંચાઈ એકદમ વધી ગઈ. નટને એક વિશેષ મૂલ્ય અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયાં. હવે પછીનો નટ માત્ર ચેનચાળા કે ટાયલાવેડા કરનારો નટ નહોતો. નટ એક ગંભીર વિચાર કે પ્રેરણાનો વાહક બન્યો.

સર્વસામન્ય કલાકારો કરતાં નટ, નાટક અને નાટ્યકાર બાબતે મારો મત જરા જુદો છે જેની જોડે બહુ ઓછા કલાકારો સંમત થશે. એટલે આને માત્ર મારા વ્યક્તિગત મત તરીકે જે સમજવો!

મને મારા અનુભવે લાગ્યું છે કે નાટકનું કામ પૈસા કમાવાનું નથી. પૈસા જ કમાવા હોય તો નાટક કરતાં વધુ ફાયદેમંદ ક્ષેત્રો ટેલિવિઝન અને ફિલ્મો છે. બીજું એ કે નાટ્યનું કામ લોકોને મનોરંજન અને મોજમજા કરાવવાનું નથી, નાટકનું કામ સોશ્યલાઇઝેશન કે ટાઇમપાસ નથી, નાટક લોકપ્રિયતા કે પ્રસિદ્ધિ માટે નથી. નાટક એ “કલા ખાતર કલા” જેવી  પ્રવૃત્તિ પણ નથી. તો પછી નાટક શાના માટે છે?

નાટકના આરંભે પડદો ઊંચકાય, મંચ પર નટ પ્રવેશે, તેના પર સ્પોટ લાઈટનો ઝળહળતો પ્રકાશ ફેંકાય અને હજાર-દોઢ હજાર માણસોની આંખો એકી સાથે ફકત મંચ પર ઊભેલા એક નટ ઉપર જ મંડાય તે કદાચ મારે મન “one of the most privileged moment in actor’s life”. એ ધારે તો તેના કૌશલ્ય વડે અને તેના પાત્રાલેખન વડે તેને જોનારાઓનાં મન પર કેટલો જબરદસ્ત પ્રભાવ પાડી શકે. અને આ કામ એ તેની છટાઓથી કે ચેનવચાળાઓથી નહીં – પણ  જે કોઈ મજબૂત વિચાર કે ભાવનો વાહક બને છે તેનાથી. દરેક સમર્થ નટ જાણે છે કે તેનામાં કેટલું ‘પોટેન્શિયલ’ રહેલું છે, સવાલ એ તેનો કેવો ઉપયોગ કરવા ધારે છે તે અંગેનો છે.

કોઈ વિચારશે કે આવી જ પરિસ્થિતિ જ્યારે એક રાજનેતા, કથાકાર કે ધર્મગુરુ બોલવા ઊભો થાય ત્યારે પણ એને સાંભળવા હજારો લાખો લોકો ઉત્સુક બની જાય છે.

પણ આ બધાની સરખામણી નટ સાથે થઈ તેમ નથી, કારણ કે રાજનેતા, કથાકાર કે ધર્મગુરુનો પોતાનો ‘ફોકસ્ડ એજંડા’ છે. તેઓ લાખો લોકોને વશીભૂત કરે છે, તેમને બાંધે છે, પરાધીન કરે છે, તેમની સ્વતંત્ર વિચારશક્તિને ક્ષીણ કરે છે, તેઓ બધા તેમની શરણાગતિ સ્વીકારે, સમર્પિત થઈ જાય એવું ઝંખે છે. જ્યારે નટ લોકોને પ્રેરિત કરે છે, આઝાદ કરે છે, પોતાના પગ પર ઊભા કરે છે, તેમને તંદ્રામાંથી જગાડે છે, તેમને સ્વતંત્ર રીતે વિચાર કરતા કરે છે, સંવેદનશીલ બનાવે છે. પેલા રાજનેતાઓ કે ધર્મગુરુઓના ભાષણોમાં ક્યાં ય કોઈ સવાલો નથી. શંકાઓ નથી, જિજ્ઞાસા નથી, આશ્ચર્યો નથી, પડકારો નથી, સાહસ નથી, નવી શોધ કે ઉકેલની મથામણ નથી. તેઓ જીવનની તમામ સમસ્યાઓના ઉકેલરૂપી તૈયાર પડીકાં લાખો લોકોને વહેંચે છે. એ લોકોની સભાઓમાં વ્યક્તિનાં મૂળગામી પરિવર્તનની કોઈ ગુંજાઈશ નથી.

એ બધાની સામે નટનો કોઈ ‘ફિકસ્ડ એજન્ડા’ નથી. તે પોતાની સમગ્ર જાત રેડીને કેવળ એક પાત્ર ભજવે છે. અને આ પાત્રનું સર્જન કોઈ કવિનાટ્યકારે કર્યું છે જે એક દૃષ્ટા છે, વિઝનરી છે, સર્જક છે તેનો સંબંધ માણસ જોડે છે – માણસમાં રહેલી સંભાવનાઓ તેમ જ અધૂરપો જોડે. કોઈ જ સર્જક માણસને દેવતા બનાવવા નથી ઇચ્છતો. તે માત્ર માણસમાં પડેલાં દૈવતને જગાડવા પ્રયાસો કરે છે.

કોઈ સાચો સર્જક પ્રેક્ષકોને બોધ આપવા, શીખવાડવા, સંદેશ આપવા, ઉકેલ આપવા નાટક નથી લખતો તે કેવળ જીવનની સંકુલ વાસ્તવિકતાઓને જ આપણી સમક્ષ ખોલી આપે છે. માનવચિત્તના અંધારિયા ખૂણાઓમાં પડલી જટિલતાઓને બહાર લાવીને આપણને જાણે સફાળા જગાડી દે છે.

આપણે કવિ, લેખક, નાટ્યકાર કે કલાકારને સર્જક કહ્યો છે. કારણ કે તે પણ એક સૃષ્ટિનું સર્જન જ કરે છે. આમ જુઓ તો નાટકની સૃષ્ટિ કાલ્પનિક છે. અને છતાં ય તમને નવાઈ લાગશે કે એનાં જેટલી સચ્ચાઈ કે વાસ્તવિકતા જગતમાં બીજે ક્યાં ય નથી.

નટ કે નાટ્યકાર પોતે એક તટસ્થ, નિષ્પક્ષ હસ્તી છે. આનો અર્થ એ પણ નથી કે તે દહીંદૂધમાં પગ રાખે છે. તેનો અર્થ એટલો જ કે તે કોઈ પક્ષ, પંથ, થિયરી, ફૉર્મ્યુલા કે વિચારધારાનો વાહક નથી. તે એક સાક્ષાત જીવાતું જીવન છે – તેની તમામ સબળાઈ-નબળાઈઓ સાથે.

ઈશ્વર કે પરમાત્માને પણ આપણે સર્જક કહ્યો છે. આ સર્જક કે સર્જનહારને આપણે માનીએ છીએ બહુ, પણ તેના વિશે જાણીએ છીએ નહીંવત. મોટા ભાગનાઓ માટે આ સર્જક દૈવી છે, અંતર્યામી છે, સર્વશક્તિમાન છે. જ્યારે આપણો સર્જક તો તમામ દોષો-અધૂરપોથી ભરેલો છે. તે ઉપર આભે ચડીને બેઠો નથી. તે ધરતી પર છે, મર્ત્ય છે, હાડમાંસનો બનેલો છે. તે જિંદગીની જદ્દોજહદનો પ્રતિપળ સામનો કરે છે. તે કોઈ નિશ્ચિત ધર્મ, પંથ, કે વિચારધારાનું સમર્થન નથી કરતો પણ તેમ છતાં ય તેની કૃતિઓમાં તે એક ચોક્કસ ‘સ્ટેન્ડ’ લે છે.

તે કહે છે કે “મારી નજર સામે મને દેખાતી સરેઆમ ખોટી, અન્યાયી અને ઘાતકી દેખાતી બાબત પ્રત્યે મારે મારી સાફ અસંમતિ કે આક્રોશ જાહેર કરવા જ પડે. પછી ભલે એ ઘાતકી બનાવો કે અંધાધૂંધ હિંસાની પછવાડે ટેકારૂપ કોઈ તાર્કિક, શાસકીય, રાજદ્વારી કે ક્યારેક વ્યૂહાત્મક વાજબીપણાંના જાત જાતના બહાના કે દલીલો રહ્યાં હોય! એક સંવેદનશીલ નાગરિક તરીકે મારે કહેવું જ પડે કે “enough is enough!”

પણ આજકાલ વાદવિવાદના ગાઢ ધુમ્મસમાં ઓગળી ગયેલી કે ખોવાઈ ગયેલી સચ્ચાઈ ક્યાં છે. ઘણું વિચારતાં મને લાગે છે કે આ સચ્ચાઈ કેવળ “માણસના માણસ તરીકેના હોવાપણાં”માં છે.

નાટયકાર થોર્નટન વાઈલ્ડરે કહેલું મારી નજરમાં “theatre is greatest of all art forms, આ એક જ કલા એવી છે જેમાં નાટ્યગૃહમાં બાજુ બાજુની બેઠકમાં અડોઅડ બેઠેલા પ્રેક્ષકો નાટક જોતાં જોતાં “માણસ હોવું એટલે શું” – “what is it to be a human being”ની તીવ્રતમ લાગણી એકબીજા સાથે વહેંચે છે.

નટ જેટલો સ્વતંત્ર અને નિર્ભિક આ દુનિયામાં બીજો કોઈ નથી. એ સૌથી મોટો સત્યવકતા છે – પછી એ સત્ય કઠોર હોય કે અણગમતું હોય. તેને કોઈ દંભ નથી કે તે કોઈનો ઓશિયાળો નથી. તેને કોઈની કૃપાદૃષ્ટિની ઝંખના નથી. તે જાતે રંગમંચ ઉપર પોતાનો ક્રોસ ખભા પર ઊંચકી વર્તમાનમાં જીવવાની પ્રેરણા આપી જાય છે.

આજે જ્યારે નેશનલ અને એન્ટીનેશનલની જોરદાર ચર્ચા ચોતરફ ચાલી રહી છે ત્યારે આઈરિશ એકટર સિરિલ ક્યુઝેકની વાત ધ્યાને ધરવા જેવી છે. તે કહે છે કે “I am a nationalist…but my native soil is the theatre” – “હું રાષ્ટ્રવાદી છું, પણ મારો રંગમંચ એ જ મારું રાષ્ટ્ર છે, મારી માતૃભૂમિ છે”. હકીકતમાં સિરિલ ક્યુઝેક કહેવા માંગે છે કે નાટકનો રંગમંચ કોઈ એક રાષ્ટ્રનું નહીં પણ પૂરા વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ અર્થમાં પ્રત્યેક નટ અને પ્રત્યેક સર્જક વિશ્વનાગરિક છે અથવા ઈન્ટરનેશનાલિસ્ટ છે.

ટાગોરની નવલકથા ‘ઘરેબાહિરે’નું એક પાત્ર બોલે છે તેમ “હું મારા દેશને ખૂબ ચાહું છું પણ સત્ય દેશ કરતાં ઊંચું છે. એટલેકે દેશ અને સત્ય વચ્ચે પસંદગી કરવાની હોય તો વિના હિચકિચાટ હું સત્યને પસંદ કરીશ.” એ અર્થમાં રંગમંચ એ સત્યની આરાધ્યભૂમિ છે. આપણે સૌ કલાકારો એ ભૂમિ પર હરહંમેશ સત્યનું મહિમામંડન કરતા રહીએ એજ અભિલાષા સાથે, આપ સૌનો આભાર.

e.mail : bharatdave50@yahoo.co.in

Loading

3 April 2016 admin
← ન રણી, ન ધણી, એ જ કહાણી?
‘ભારતમાતા કી જય’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved