સત્યકથા
તે બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો હતો. અગિયારમા ધોરણમાં પણ તે નાપાસ થયો હતો. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી ઝળહળતું જીવન જીવવાના તેના બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. આમે ય તેની ગણતરી તોફાની બારકસોમાં શ્રેષ્ઠ તરીકે થતી હતી! તે કંટાળીને રાત્રે જગદીશ આશ્રમ પાસેથી પસાર થતી, ભોગાવો નદીના કાંઠે ઊભો હતો.
બીજા કોઈ આમ નાસીપાસ થયેલ જણને આત્મહત્યા કરવાના જ વિચાર આવે; પણ આ તિસમારખાં અલગ જ ખોપરીનો જીવ હતો. અચાનક તેની ખોપરીમાં એક તણખો થયો,
‘ભલે બારમામાં નપાસ થયો, પણ પીએચ.ડી.ની પદવી ના મેળવું તો તો હું જગદીશ નહીં.’
એ રાત્રે પ્રગટેલો એ તણખો કદી ઓલવાયો નથી. જીવનની પરીક્ષામાં એ જગદીશ કદી નાપાસ થયો નથી.
કોણ છે એ જગદીશ? એ તણખાએ એને ક્યાં પહોંચાડ્યો?

જગદીશ ત્રિવેદી
જાણી લીધાને એમને? વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર, લેખક, ફિલસૂફ અને જીવનભેર સેવાનો ભેખ ધારણ કરેલા ડો. જગદીશ ત્રિવેદી જ તો. તે જ્યાં જાય છે, ત્યાં હમ્મેશ હાસ્યની લ્હાણી તો કરે જ છે, પણ અચૂક તણખાનાં માહાત્મ્યનો પ્રચાર પણ કરે છે.
અલબત્ત પીએચ.ડી.ની પદવી ધારણ કરવાનું એનું સ્વપ્ન ત્રેવડાયું છે! આ જણે કદી એક દિવસ પણ નોકરી કરી નથી. માદરે વતન વઢવાણમાં એક રૂપિયાની ત્રણ ફોટો કોપી કરી આપતા એ જગા ઝેરોક્સવાળાએ ૧૪ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. કલા ક્ષેત્રે નાટકોથી શરૂઆત કર્યા બાદ પોતાના ગુરુ માનતા માનનીય શાહબુદ્દીન રાઠોડની પ્રેરણાથી એણે ડાયરાઓમાં મનોરંજન પીરસીને આખા જગતમાં ઠેર ઠેર લોકોને પેટ પકડીને હસાવ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કમાણીનો એક પણ રૂપિયો ગજવામાં ન નાંખવાની પ્રતિજ્ઞા લેનાર આ જણે પંદર કરોડ રૂપિયાનાં દાન સમાજના સાવ નીચલા સ્તરમાં સબડતાં બાળકો માટે કર્યાં છે; સતત કરતા રહે છે.
તેમને અનેક સન્માન અને બહુમાન મળ્યાં છે. એની ચરમસીમા રૂપે પદ્મશ્રીનો ઈલ્કાબ પણ ભારત સરકારે તેમને એનાયત કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ‘મન કી બાત’ પ્રવચનોના એક ભાગમાં એમના જીવન કાર્યને પ્રમાણિત કર્યું છે.
એમની વધારે તો શી વાત અહીં કરવી? આ વીડિયોમાં એમના સ્વમુખે જ એમની જીવનઝાંખી જાણી લો ને?
એમના ઢગલાબંધ વીડિયો તમે યુ-ટ્યુબ પર માણી ખિલખિલાટ હસી શકશો.
તે રાત્રે ભોગાવો નદીને કાંઠે પ્રજ્વલિત થયેલા એ તણખાએ ઠેર ઠેર, અસંખ્ય માનવીઓના દિલો દિમાગમાં જીવનના ઉલ્લાસના દીવા, મીણબત્તી – અરે! મશાલો પ્રગટાવ્યાં છે અને સતત પ્રગટાવતા રહે છે.
પણ એમના આ વિચારને કદી ન ભૂલતા –
મરતાં મરતાં ન જીવો – જીવતાં જીવતાં મરો.
સંદર્ભ
https://drjagdishtrivedi.in/about-me/
https://en.wikipedia.org/wiki/Jagdish_Trivedi
https://www.youtube.com/@jagdishtrivediofficial
e.mail : surpad2017@gmail.com