
પ્રવીણભાઈ જે. પટેલ
સોક્રેટિસ અને એક ભારતીય દેશભક્ત વચ્ચેની થોડા સમય પહેલાં એક વાતચીત થઈ હતી. આ ચર્ચા દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ઓળખના સંદર્ભે હતી. તેમાં ભારતીય દેશભક્ત જુસ્સાથી ભારતની પ્રાચીન પરંપરાઓ, તેના અદ્ભુત ધાર્મિક વારસા અને ગૌરવપૂર્ણ ઇતિહાસને આધારે ભારતની મહાનતાનો દાવો કરે છે. સોક્રેટિસ, પ્રશ્ન કરવાની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને, રાષ્ટ્રીય એકતાના અર્થ, વિવિધતાની ભૂમિકા અને પરંપરાના આંધળા પાલનનાં જોખમોની તપાસ કરીને આ દાવાઓને પડકારે છે. આખરે, ભારતીય રાષ્ટ્રવાદી સાચી દેશભક્તિ વિષે ચિંતન કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ બીજા સંવાદમાં ભારતની આઝાદીની લડાઈ સમયના આદર્શો અને વર્તમાન રાજકીય-સામાજિક પરિસ્થિતિ વચ્ચેના તફાવત વિષે ગહન ચર્ચા થઈ હતી.
હવે તે સોક્રેટિસને ફરીથી મળવા આવે છે અને દેશભક્તિ તથા રાષ્ટ્રની શક્તિના સ્વરૂપ વિષે તેની કેટલીક મૂંઝવણો સોક્રેટિસ સમક્ષ રજૂ કરે છે. સોક્રેટિસ પ્રશ્નોત્તરી દ્વારા એના વિચારોને પડકારે છે અને તેને સમજાવે છે કે દેશભક્તિના પ્રતિકાત્મક જાહેર પ્રદર્શન કે અંધ રાષ્ટ્રવાદ કોઈ રાષ્ટ્રને મજબૂત ન બનાવી શકે. સોક્રેટિસ દલીલ કરે છે કે સાચી રાષ્ટ્રીય શક્તિ માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી, ભવ્ય પ્રતિમાઓ બનાવવાથી, શહેરોનાં કે રસ્તાઓનાં નામ બદલવાથી કે પ્રાચીન ઉત્સવોની ઉડાઉ ઉજવણીથી નથી આવતી. કોઈ પણ રાષ્ટ્રની સાચી તાકાત તો ટીકાત્મક અને આલોચનાત્મક વિચારસરણી, સામાજિક કલ્યાણ, શિક્ષણ, નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપવાની ક્ષમતા, અને આર્થિક વિકાસમાં રહેલી છે.
— પ્રવીણ પટેલ
°
પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના શાંત પ્રાંગણમાં સોક્રેટિસ તેમની આદત મુજબ પોતાની મસ્તીમાં આરસના રસ્તા પર લટાર લગાવતા જોવા મળે છે. નજીકમાં વહેતાં ઝરણાં વાતાવરણને મનમોહક બનાવી રહ્યાં છે. ત્યાં તેમનો પૂર્વ પરિચિત ભારતીય દેશભક્ત આવે છે. અને તે ઉત્સાહથી વાતચીત શરૂ કરે છે.
ભારતીય દેશભક્ત : આહ, સોક્રેટિસ! હું એક પ્રશ્ન લઈને આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે ભારત એક મજબૂત અને અતૂટ રાષ્ટ્ર કેવી રીતે બની શકે?
સોક્રેટિસ : આવો મિત્ર, સ્વાગત છે તમારું. પણ મને કહો, ‘મજબૂત’ ભારતનો અર્થ શું છે? શું તમે લશ્કરી શક્તિ, આર્થિક શક્તિ, કે તેના લોકોની એકતાનો ઉલ્લેખ કરો છો?
ભારતીય દેશભક્ત : એક એવું રાષ્ટ્ર જ્યાં દરેક નાગરિક વફાદાર દેશભક્ત હોય, અમારી સંસ્કૃતિ, પરંપરાઓ અને અમારા ભૂતકાળની મહાનતા પ્રત્યે સમર્પિત હોય.
સોક્રેટિસ : તો, તમે એવું માનો છો કે ભારત એક એવું મજબૂત રાષ્ટ્ર બનવું જોઈએ કે જેમાં બધા નાગરિકો તેની મહાનતા વિશે એકસરખું વિચારે. મારી સમજણ બરાબર છે?
ભારતીય દેશભક્ત : હા! એક દેશ ત્યારે જ સમૃદ્ધ અને શક્તિશાળી બની શકે છે જ્યારે તેના લોકો પોતાના રાષ્ટ્ર પ્રતિ કોઈ પણ શંકા વિના સમર્પિત હોય, એક હોય.
સોક્રેટિસ : હું સમજી શકું છું. પણ કોઈ રાષ્ટ્ર આવી શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
ભારતીય દેશભક્ત : પોતાની મહાનતા દર્શાવીને! રાષ્ટ્રભક્તિનું જાહેરમાં પ્રદર્શન કરીને.
સોક્રેટિસ : પણ તમે રાષ્ટ્રભક્તિનું આવું જાહેરમાં પ્રદર્શન કેવી રીતે કરો?
ભારતીય દેશભક્ત : કેમ વળી? અમારા રાષ્ટ્રધ્વજને લહેરાવતા જાહેર કાર્યક્રમો કરીને, અમારા ઐતિહાસિક નેતાઓની ઊંચી અને વિશાળ મૂર્તિઓ બનાવીને, અમારા શહેરોનાં અને રસ્તાઓનાં મુસ્લિમ યુગ અને બ્રિટિશ રાજ્ય સમયનાં નામ બદલીને, મહા કુંભ જેવા અમારા પ્રાચીન ઉત્સવો ઊજવીને, અમારા પ્રાચીન વારસાના શાણપણનું પ્રદર્શન કરીને. મને લગીરે શંકા નથી, સોક્રેટિસ, આમ કરવાથી અમારા દેશનો દરેકે દરેક નાગરિક પોતાના દેશમાં અતૂટ ગર્વની ભાવના અનુભવશે.
સોક્રેટિસ : મને કહો, કોઈ એક માણસ ક્યારે ય તેના પોતાના વિચારો પર શંકા ન કરતો હોય, પ્રશ્ન ન કરતો હોય, તો તેને જ્ઞાની કહી શકાય ?
ભારતીય દેશભક્ત : ના, એક જ્ઞાની માણસે પોતાનું મન ખુલ્લું રાખવું જોઈએ. પ્રશ્નો કરવા જોઈએ. પરંતુ પોતાના રાષ્ટ્ર માટેનો પ્રેમ નિ:શંક હોવો જોઈએ. રાષ્ટ્રપ્રેમ શંકાની બહાર હોય છે!
સોક્રેટિસ : તો તમે માનો છો કે શાણપણ પ્રશ્ન કરવાથી આવે છે. પરંતુ તમારા મત પ્રમાણે દેશભક્તિ નિર્વિવાદ વફાદારીની માંગ કરે છે, તો શું નિર્વિવાદ લોકોનો રાષ્ટ્ર જ્ઞાની હોઈ શકે?
ભારતીય દેશભક્ત : (ખચકાય છે) દેશભક્તિ શાણપણ વિશે નથી! તે દેશ પ્રત્યેના આદર વિશે છે. એક સાચો દેશભક્ત ફક્ત રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે જ પ્રશ્નો પૂછી શકે છે.
સોક્રેટિસ : તો, તમે માનો છો કે રાષ્ટ્રને મજબૂત બનાવે તેવા પ્રશ્ન પૂછવાની મંજૂરી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ એવા પ્રશ્ન પૂછે કે જેથી રાષ્ટ્રની એવી ખામીઓ બહાર આવે જે કેટલાક લોકો નજર અંદાજ કરવા માગતા હોય તો?
ભારતીય દેશભક્ત : તો આવી વ્યક્તિ દેશભક્ત નથી. તે તેની ટીકાથી રાષ્ટ્રને નબળું પાડે છે.
સોક્રેટિસ : પણ શું તમે આગળ કહ્યું નહોતું કે પ્રશ્ન પૂછવાથી રાષ્ટ્ર મજબૂત બને છે? જો કોઈની ટીકા સાચી હોય, તો શું તે નુકસાનને બદલે મદદ નહીં કરે?
ભારતીય દેશભક્ત : (ઉશ્કેરાઈને) કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જરૂરી હોય છે, સોક્રેટિસ! જો લોકો ખૂબ ટીકા કરે તો તેઓ રાષ્ટ્રનું મનોબળ નીચું પાડે છે, રાષ્ટ્રને વિભાજિત કરે છે. દેશભક્તિ એકતા વિશે છે, વિભાજન વિશે નહીં!
સોક્રેટિસ : અને શું એકતા અલગ વિચારનારાઓને ચૂપ કરીને પ્રાપ્ત થાય છે?
ભારતીય દેશભક્ત : ના, પરંતુ શિસ્ત હોવી જોઈએ. એક રાષ્ટ્ર એવા વિચારોને પોષણ ન આપી શકે જે તેનાં મૂળ મૂલ્યોની વિરુદ્ધ જાય.
સોક્રેટિસ : અને આ મૂળ મૂલ્યો કોણ નક્કી કરે છે? શું બધા નાગરિકો સર્વ સંમતિથી ઠરાવે છે કે તે થોડા લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે?
ભારતીય દેશભક્ત : આવાં મૂલ્યોનાં મૂળ અમારી પરંપરાઓ, અમારા ઇતિહાસ, અને અમારી સંસ્કૃતિમાં છે.
સોક્રેટિસ : પરંતુ શું ભારતમાં ઘણી સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મો નથી? જો એમ હોય, તો કઈ પરંપરાને સાચી ગણવી?
ભારતીય દેશભક્ત : (નિરાશ થઈને) હા, ભારત વૈવિધ્ય સભર છે. પરંતુ અમારી રાષ્ટ્રીય ઓળખ એક સહિયારા વારસા પર આધારિત હોવી જોઈએ.
સોક્રેટિસ : તો પછી સહિયારો વારસો કોને કહેવો? માત્ર બહુમતિનો? શું તમારા દેશમાં હિન્દુ બહુમતીથી જુદી પડતી હોય તેવી શીખ સંસ્કૃતિ, બુદ્ધ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, ખ્રિસ્તી સંસ્કૃતિ કે મુસ્લિમ સંસ્કૃતિ ધરાવતા લોકોએ ફક્ત બહુમતીના વારસાને જ સ્વીકારવો જોઈએ? શું તેમણે પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખને ભૂંસી નાખવાની?
ભારતીય દેશભક્ત : તેમણે માતૃભૂમિની પ્રાચીન સંસ્કૃતિનો આદર કરવો જોઈએ! એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ એવા લોકો દ્વારા કરી શકાતું નથી જેઓ તેના પ્રાચીન આદર્શોનો આદર ન કરતા હોય!
સોક્રેટિસ : પરંતુ જો કોઈ રાષ્ટ્રની શક્તિ એકતા દ્વારા માપવામાં આવે, અને એકતા માટે વિવિધતા કે અસંમતિઓને દબાવી દેવામાં આવે તો શું તે ખરેખર એકતા ઊભી કરશે કે ફક્ત ભય?
ભારતીય દેશભક્ત : ચૂપ થઈને વિચારે છે.
સોક્રેટિસ : અને મને કહો, તમે ભારતને એક એવું મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગો છો જ્યાં લોકો વગર વિચારે પ્રાચીન વિચારો અને પરંપરાઓનું પાલન કરે કે પછી તમે એવું રાષ્ટ્ર ઇચ્છો છો જ્યાં લોકો મૌલિક રીતે અને આલોચનાત્મક રીતે વિચારે અને ભૂતકાળની પરંપરાઓ આધુનિક સમય સાથે મેળ ન ખાતી હોય તો તેમાં સુધારો કરે?
ભારતીય દેશભક્ત : (અનિચ્છાએ) એક રાષ્ટ્રે પોતાને સુધારવું જોઈએ, પરંતુ મર્યાદામાં રહીને.
સોક્રેટિસ : અને આ મર્યાદા કોણ નક્કી કરે છે? શાસકો? બહુમતી સમાજ? કે બધા લોકો?
ભારતીય દેશભક્ત : એવા નેતાઓ, જેઓ જાણે છે કે રાષ્ટ્ર માટે શું ઉત્તમ છે!
સોક્રેટિસ : તો પછી જો કોઈ નેતા કટ્ટરપંથી, મૂર્ખ, સ્વાર્થી, સત્તા- લોલુપ અથવા ભ્રષ્ટ હોય તો શું લોકોએ વગર વિચારે તેના આદેશોનું પાલન કરવું જોઈએ?
ભારતીય દેશભક્ત : (ગુસ્સાથી) ના, પણ એક સાચો દેશભક્ત તેના નેતાઓનો વિરોધ કરીને તેના દેશ સાથે દગો ન કરી શકે.
સોક્રેટિસ : શું નેતાને જવાબદાર ઠેરવવો એ પોતાના દેશ સાથે દગો કરવા સમાન છે?
ભારતીય દેશભક્ત : (ગુસ્સે થઈને) તમે શબ્દોને મરોડો છો, સોક્રેટિસ!
સોક્રેટિસ : હું ફક્ત સત્ય સુધી પહોંચવા માટે પ્રશ્ન પૂછું છું. શું એક મજબૂત રાષ્ટ્ર ફક્ત નિર્વિવાદ દેશભક્તિ દ્વારા જ બનાવવામાં આવે છે?
ભારતીય દેશભક્ત : (મૌન, દેખીતી રીતે અસ્વસ્થ) કદાચ… મારે આ વિશે વધુ વિચારવું જોઈએ.
સોક્રેટિસ : અને મને કહો, શું તમે માનો છો કે કોઈ દેશ ફક્ત પોતાની મહાનતાનાં ગાણાં ગાવા માત્રથી મહાન બની શકે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રગતિ કરીને વધુ મજબૂત બને છે?
ભારતીય દેશભક્ત : પણ પોતાના રાષ્ટ્ર માટે ગર્વ હોવો મહત્ત્વપૂર્ણ છે! તે લોકોને એક કરે છે, દેશ પ્રત્યેની તેમની આસ્થાને મજબૂત કરે છે. તેથી તેઓ દેશ માટે મરી ફિટવા પણ તૈયાર રહે છે.
સોક્રેટિસ : અને શું તમારા દેશનાં અસંખ્ય ભૂખ્યાં અને કુપોષિત બાળકો દેશભક્તિનાં ગીતો ગાવા માત્રથી સશક્ત થઈ જશે? શું કોઈ બેરોજગાર પિતા રાષ્ટ્રીય ગૌરવના નારા લગાવ્યા પછી પોતાના પરિવારને ખવડાવવા માટે વધુ સક્ષમ બની જશે?
ભારતીય દેશભક્ત : તે એક અલગ મુદ્દો છે. દેશભક્તિ અને ગરીબી-બેકારી અલગ બાબતો છે.
સોક્રેટિસ : શું ખરેખર એવું છે? મને કહો, જો કોઈ ડૉક્ટર કોઈ મરણશૈયા પર પડેલા માણસને દવા આપવાને બદલે ફક્ત દેશભક્તિનાં ગીતો ગાઈને તેની સારવાર કરે, તો શું તમે તેને જ્ઞાની કહેશો?
ભારતીય દેશભક્ત : ના, અલબત્ત નહીં! તે મૂર્ખામી હશે.
સોક્રેટિસ : તો પછી, શું ભારત જેવા કોઈ ગરીબ રાષ્ટ્રમાં, જ્યાં તેના કરોડો લોકો ભૂખમરા અને કુપોષણથી પીડાતા હોય, બેઘર-બેકાર હોય, ત્યાં તેનાં મર્યાદિત સંસાધનોને ભવ્ય દેશભક્તિનાં પ્રદર્શનોમાં હોમી દેવાં તે ડહાપણનું કામ કહેવાશે ?
ભારતીય દેશભક્ત : પણ લોકોને પ્રેરણાની જરૂર છે! જો તેઓને તેમના રાષ્ટ્રમાં વિશ્વાસ હશે તો તેઓ રાષ્ટ્રની પ્રગતિ માટે વધુ મહેનત કરશે!
સોક્રેટિસ : તો, તમે એમ કહેવા માંગો છો કે ફક્ત રાષ્ટ્રભક્તિ જ સમૃદ્ધિ તરફ દોરી જાય છે? જો કોઈ ખેડૂત ઇન્દ્ર દેવને વરસાદ માટે પ્રાર્થના કરે પણ એક પણ બીજ વાવવાની તસ્દી ન લે તો શું તેને પાક મળશે?
ભારતીય દેશભક્ત : ના, તેણે મહેનત તો કરવી જ જોઈએ. બી વાવવાં જોઈએ અને ખાતર-પાણી પણ આપવાં જોઈએ.
સોક્રેટિસ : તો રાષ્ટ્રે પણ શાણપણથી શાસનનું વાસ્તવિક કાર્ય કરવું ન જોઈએ? શું કોઈ રાષ્ટ્રે પોતાના દેશવાસીઓ માટે સૌથી પહેલાં પોષક ખોરાક, સ્વચ્છ પાણી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુરક્ષિત કર્યા પછી જ રાષ્ટ્રીય ગૌરવ બતાવતા આવા તમાશાઓ પર ખર્ચ ન કરવો જોઈએ?
ભારતીય દેશભક્ત : (અનિચ્છાએ) કદાચ તમારી વાત વાજબી છે. પરંતુ રાષ્ટ્રીય ગૌરવની પણ પોતાની ભૂમિકા છે! જો કોઈ રાષ્ટ્ર પોતાની તાકાત ન બતાવે તો તેને નબળું ગણવામાં આવશે.
સોક્રેટિસ : તો પછી, શું કોઈ દેશભક્તે જ્યારે પોતાના દેશમાં કશુંક ખરાબ થતું હોય તો ચૂપ રહેવાને બદલે પોતાના દેશની ભૂલો સુધારવી જોઈએ નહીં?
ભારતીય દેશભક્ત : પણ સોક્રેટિસ, અસંમતિ દેશને નબળો પાડે છે. તે આંતરિક વિભાજન પેદા કરે છે, અને કેટલાક લોકો ટીકા કરવાના અધિકારનો ઉપયોગ કરીને ભારતને અંદરથી નબળો પાડે છે!
સોક્રેટિસ : મને કહો, શું કોઈ ચિકિત્સક કોઈ માણસને તેના રોગનું નિદાન કરે છે અને ઈલાજ સૂચવે છે ત્યારે તેને નબળો પાડે છે?
ભારતીય દેશભક્ત : ના, તે તેને નીરોગી બનાવવા ચાહે છે.
સોક્રેટિસ : તો પછી, શું કોઈ સાચો દેશભક્ત તેના રાષ્ટ્રની ખામીઓ બતાવે છે ત્યારે તેનો ઈરાદો તે ખામીઓનો ઈલાજ કરીને તેના દેશને મજબૂત બનાવવાનો હોતો નથી?
ભારતીય દેશભક્ત : પણ કેટલાક ટીકાકારો દેશદ્રોહી હોય છે; તેઓ દેશને પ્રેમ કરતા નથી.
સોક્રેટિસ : અને તમે દેશદ્રોહી અને સાચા દેશભક્ત વચ્ચે કેવી રીતે તફાવત કરશો? શું તેમની ટીકા દ્વારા કે તેમના ઇરાદા દ્વારા?
ભારતીય દેશભક્ત : અલબત્ત, તેમના ઇરાદા દ્વારા. જો કોઈ રાષ્ટ્રને સુધારવા માટે ટીકા કરે તો તે સ્વીકાર્ય છે. જો કોઈ તેને નુકસાન પહોંચાડવા માટે આવું કરે છે, તો તે દેશદ્રોહ છે.
સોક્રેટિસ : પણ, મારા મિત્ર, તમે બીજાના ઇરાદાને કેવી રીતે ઓળખી શકો?
ભારતીય દેશભક્ત : એ મુશ્કેલ છે.
સોક્રેટિસ : તો પછી, શું દેશભક્તિનો ઉપયોગ કરીને ટીકાકારો ઉપર દેશદ્રોહીનું લેબલ લગાવી દેવાથી શું રાષ્ટ્રને મજબૂત બનાવતી ચર્ચાઓ અવરોધાતી નથી?
ભારતીય દેશભક્ત : જો કોઈ વગર કારણે ટીકા કરે તો તે રાષ્ટ્રીય એકતાને નબળી પાડે છે અને રાજ્યના દુ:શ્મનોને મદદ કરે છે. સાચા દેશભક્તો તો કોઈ પણ પરિસ્થિતિમાં તેમના રાષ્ટ્રની પડખે ઊભા રહે છે.
સોક્રેટિસ : પરંતુ શું ડોક્ટર ક્યારેક તેના દરદીને સ્વસ્થ કરવા માટે તે દરદીના આહાર-વિહારની ટીકા કરે ત્યારે તમે એમ કહેશો કે ડોક્ટર દરદીનો દુ:શ્મન છે?
ભારતીય દેશભક્ત : ના, પણ એ અલગ વાત છે. ડોક્ટર જ્ઞાની હોય છે. જ્યારે ઘણી વાર ટીકાકારો પોતાના ફાયદા માટે અથવા રાષ્ટ્રને નુકસાન કરવા વાસ્તે ટીકા કરતા હોય છે.
સોક્રેટિસ : પણ, આપણે વાજબી ટીકા અને હાનિકારક અસંમતિ વચ્ચે કેવી રીતે તફાવત કરી શકીએ? શું આપણે તાર્કિક અને ખુલ્લી ચર્ચા દ્વારા તે નક્કી કરવું જોઈએ કે પછી આપણે બધા વિરોધી અવાજોને દબાવી દેવા જોઈએ?
ભારતીય દેશભક્ત : ચર્ચા સારી છે, પરંતુ તે મર્યાદામાં હોવી જોઈએ. વધુ પડતા પ્રશ્નો લોકોના સંકલ્પને નબળા પાડે છે અને અરાજકતા પેદા કરે છે.
સોક્રેટિસ : પણ મને કહો, મારા મિત્ર, શું પ્રશ્ન કરીને આપણે સત્યને અસત્યથી અલગ નથી કરી શકતા? જો દેશભક્તિનો અર્થ રાષ્ટ્રની સાથે ઊભા રહેવાનો થાય છે, તો શું તેનો અર્થ એ પણ નથી કે રાષ્ટ્ર જે ન્યાયી અને સમજદારી ભર્યાં કામો હોય તે કરે તેની ખાતરી કરવી?
ભારતીય દેશભક્ત : કદાચ. પરંતુ વધુ પડતા પ્રશ્નો સત્તાને નબળી પાડે છે. એક મજબૂત રાષ્ટ્રને એકતાની જરૂર છે, અનંત ચર્ચાની નહીં.
સોક્રેટિસ : અને છતાં, શું એ સાચું નથી કે ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જ્યાં નિર્વિવાદ દેશભક્તિ દુ:ખદ સાબિત થઈ હોય? શું કેટલાક રાષ્ટ્રોએ, તેમના અતિશય ઉત્સાહમાં, લઘુમતીઓ પર દમન કરીને અને સત્યને સેન્સર કરીને બિનજરૂરી યુદ્ધો કર્યાં નથી? શું હિટલરના જર્મનીમાં આવું નહોતું બન્યું?
ભારતીય દેશભક્ત : એ દેશભક્તિનો દુર્ભાગ્યપૂર્ણ દુરુપયોગ છે. સાચી દેશભક્તિ દેશના ઉદ્ધાર માટે છે, જુલમ માટે નહીં.
સોક્રેટિસ : તો શું આપણે આવા દુરુપયોગથી બચવું જોઈએ નહીં? જો દેશભક્તિ દેશના ઉદ્ધાર માટે હોય તો શું આપણે એવા લોકોને પડકારવા ન જોઈએ જેઓ રાષ્ટ્ર ભક્તિનો ઉપયોગ પોતાને અણગમતા કે વિરોધી અવાજોને ચૂપ કરવા માટે અને યેન કેન પ્રકારેણ પોતાની સત્તા જાળવી રાખવા માટે કરતા હોય?
ભારતીય દેશભક્ત : પરંતુ દરેક વસ્તુ પર પ્રશ્ન ઉઠાવવાથી શંકા પેદા થાય છે. રાષ્ટ્રને તેની મહાનતામાં વિશ્વાસ હોવો જોઈએ!
સોક્રેટિસ : અને શું વિચાર અને વિવેક વિનાની શ્રદ્ધા સાચી શ્રદ્ધા છે? જો દેશભક્તિનો હેતુ રાષ્ટ્રને મહાન બનાવવાનો હોય તો શું આપણે પહેલાં એ નક્કી ન કરવું જોઈએ કે રાષ્ટ્રને ખરેખર મહાન શું બનાવે છે? શું તે નિર્વિવાદ વફાદારીથી મહાન બને છે કે રાષ્ટ્રના ભાવિ વિષે જવાબદાર અને પડકાર જનક નિર્ણયો લેવાની હિંમત દાખવીને?
ભારતીય દેશભક્ત : (થોભીને) તમે સારી દલીલ કરો છો, સોક્રેટિસ. કદાચ આંધળી દેશભક્તિ ખતરનાક હોઈ શકે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે કોઈ પણ રાષ્ટ્રે તેના બાળકોને પોતાના દેશ માટે ગર્વ કરવાનું શીખવવું જોઈએ.
સોક્રેટિસ : ચોક્કસ. પરંતુ શું ગૌરવ સત્યના ભોગે આવવું જોઈએ? જો કોઈ રાષ્ટ્ર ફક્ત તેની ગૌરવ ગાથાઓ જ શીખવે અને તેની નિષ્ફળતાઓ પ્રતિ આંખ મીંચામણાં કરે તો શું તે ખરેખર તેનાં બાળકોને શિક્ષિત કરે છે, કે છેતરપિંડી કરે છે?
ભારતીય દેશભક્ત : ચૂપ થઈ જાય છે.
સોક્રેટિસ : તો ચાલો આપણે તમારા મહાન રાષ્ટ્રનો વિચાર કરીએ. જો તેના લાખો લોકો ગરીબીથી પીડાય છે, જો બાળકોને યોગ્ય શિક્ષણનો અભાવ હોય, જો હોસ્પિટલો ઓછી હોય અને અપૂરતી હોય, તો નેતાઓએ શું કરવું જોઈએ – ભવ્ય પ્રતિમાઓ બનાવવી જોઈએ અને મહા કુંભોનું આયોજન કરવું જોઈએ કે શિક્ષણ અને આરોગ્ય સંભાળમાં રોકાણ કરવું જોઈએ?
ભારતીય દેશભક્ત : (થોથવાતાં) પરંતુ … પ્રતિમાઓ અને ઉત્સવો અમારું ગૌરવ વધારે છે! તે અમારી શક્તિ અને એકતાનાં પ્રતીકો છે!
સોક્રેટિસ : અને ભૂખે મરતા બાળકને આવા ઠાલા ગર્વનો શું ઉપયોગ છે? શું મૂર્તિના પથ્થર સામે જોવાથી તેની ભૂખ મટે છે? શું કેન્સરથી પીડાતો માણસ મહા કુંભમાં સ્નાન કરીને સાજો થઈ જશે?
ભારતીય દેશભક્ત : (ભવાં ચડાવીને) પરંતુ ગર્વ વિનાનું રાષ્ટ્ર નબળું છે!
સોક્રેટિસ : મને કહો, શું કોઈ શાણો માણસ માત્ર બડાઈ હાંકીને તેના શાણપણને સાબિત કરે કે તેનાં કાર્યો દ્વારા તેનું પ્રદર્શન કરીને?
ભારતીય દેશભક્ત : તેનાં કાર્યો દ્વારા, અલબત્ત.
સોક્રેટિસ : તો શું તે રાષ્ટ્રને પણ લાગુ પડતું નથી? જો ભારત ખરેખર મજબૂત બનવા માંગે છે, તો શું તેણે નિર્જીવ પથ્થરનાં સ્મારકો અને નદીઓમાં સ્નાન કરવા જેવા ઉત્સવોને બદલે તેના લોકોના માનસિક અને શારીરિક વિકાસમાં રોકાણ ન કરવું જોઈએ? વિજ્ઞાન, ઉચ્ચ શિક્ષણની વિશ્વ કક્ષાની ઉત્તમોત્તમ સંસ્થાઓ, અને સંપૂર્ણ સગવડો તથા સુવિધાઓ વાળી હોસ્પિટલોને મહત્ત્વ ન આપવું જોઈએ?
ભારતીય દેશભક્ત : (ઉશ્કેરાઈને) પણ આવી ભવ્યાતિભવ્ય મૂર્તિઓ બનાવવા જેવા પ્રોજેક્ટસ લોકોને પ્રેરણા આપે છે! તેઓ દેશને એક કરે છે!
સોક્રેટિસ : હું તેનો ઇનકાર કરતો નથી. પણ ચાલો આપણે શાંતિથી વિચારીએ. શું એક મજબૂત ભારત એવું હશે જેની ભવ્ય પ્રતિમાઓ માટે પ્રશંસા થતી હોય કે જે તેના લોકોની સુખાકારી, શાણપણ અને શક્તિ માટે આદરણીય બન્યું હશે? ધારો કે કોઈ માણસ, પોતાના ખખડધજ ઘરને સુધારવાને બદલે, પોતાના પૂર્વજોના સન્માનમાં તેના ઘરમાં તેમના મોટા મોટા ફોટા લગાવવામાં જ પોતાનો બધો સમય અને શક્તિ ખર્ચે છે. શું આનાથી તેનું ઘર વધુ રહેવા યોગ્ય બનશે?
ભારતીય દેશભક્ત : ના, પણ …
સોક્રેટિસ : અને ધારો કે કોઈ રાષ્ટ્ર, તેના રસ્તાઓ, તેની શાળાઓ, તેની હોસ્પિટલોને સુધારવાને બદલે, શહેરો અને રસ્તાઓનાં નામ બદલવામાં પોતાની શક્તિનો ખર્ચ કરે છે. શું તે તેને મજબૂત બનાવશે?
ભારતીય દેશભક્ત : (થોભો) કદાચ નહીં, પરંતુ આવી પ્રક્રિયાઓ આપણી ઓળખને ઘડે છે.
સોક્રેટિસ : શું ઓળખ ફક્ત નામો બદલવાથી જ બદલાય છે, કે લોકોના જીવનને વધુ ગૌરવ પૂર્ણ બનાવે તેવાં શિક્ષણ, સ્વાસ્થ્ય, અને સુરક્ષામાં સુધારો કરવાથી ?
ભારતીય દેશભક્ત : (કંટાળીને) તમે કેમ સમજતા નથી, સોક્રેટિસ! એક રાષ્ટ્રે બંને કરવું જોઈએ – તેના ભૂતકાળનું સન્માન કરવું અને તેનું ભવિષ્ય બનાવવું.
સોક્રેટિસ : હું સમજી શકું છું. પણ મને કહો, જો કોઈ પ્રવાસી કોઈ મોટા શહેર સુધી પહોંચવા માંગે છે, તો શું તેણે એવો રસ્તો પસંદ કરવો જોઈએ જે તેને ત્યાં સીધો લઈ જાય કે પછી એવો રસ્તો પસંદ કરવો જોઈએ જે આડો અવળો ફંટાતો હોય અને પ્રવાસીને ગોળ ગોળ ફેરવતો હોય?
ભારતીય દેશભક્ત : સીધો રસ્તો, અલબત્ત.
સોક્રેટિસ : તો પછી શું કોઈ રાષ્ટ્રે પ્રતીકાત્મક ફેરફારોને બદલે વાસ્તવિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને – મજબૂતાઈનો સૌથી સીધો રસ્તો ન લેવો જોઈએ?
ભારતીય દેશભક્ત : (એક ક્ષણ માટે મૌન) પણ લોકોને પ્રતીકોની જરૂર છે! તેમને ગૌરવ પ્રાપ્ત કરવા માટે આવું કંઈક જોઈએ છે.
સોક્રેટિસ : ખરેખર. પણ મને કહો, શું માત્ર પ્રતીકો જ ભૂખ્યા લોકોને પોષણ આપે છે, બીમારોને સાજા કરે છે, યુવાનોને શિક્ષિત કરે છે કે તેમની રોજગારી વધારે છે?
ભારતીય દેશભક્ત : ના, પણ તેઓ લોકોને રાષ્ટ્ર માટે કામ કરવા માટે પ્રેરણા આપે છે!
સોક્રેટિસ : પણ માત્ર પ્રેરણાને બદલે, જો લોકોને ઉત્તમ જીવન જીવવા માટે વાસ્તવિક તકો, તેમની બુધ્ધિમત્તા અને આત્મ ગૌરવને પોષે તેવું શિક્ષણ, અને તેમને સશક્ત બનાવે તેવું આરોગ્ય મળે તો શું તે મોટી સેવા નહીં હોય? મને કહો, મારા મિત્ર, શું માત્ર પ્રતિમાઓ બનાવવી, પ્રાચીન પરંપરાઓ પર આધારિત મેળાવડાઓનું આયોજન કરવું, રસ્તા અને શહેરોનાં નામ બદલવામાં વધુ દેશભક્તિ છે કે લાખો લોકોના જીવનને વધુ સારું અને ગૌરવ પૂર્ણ બને તે માટે બદલવામાં?
ભારતીય દેશભક્ત : ના, કોઈ પણ રાષ્ટ્ર માટે શિક્ષણ અને આરોગ્ય બંને મહત્ત્વપૂર્ણ છે! પરંતુ અમારી પરંપરાઓ પણ પવિત્ર છે!
સોક્રેટિસ : અને શું પરંપરાઓ માટે શાણપણનો ભોગ આપવો જોઈએ? જો કોઈના ઘરમાં આગ લાગી હોય તો તેણે આગ બુઝાવવા માટે પ્રાર્થના કરવી જોઈ કે પાણી લાવવું જોઈએ?
ભારતીય દેશભક્ત ચૂપ થઈને વિચારે છે.
(સમાપ્ત)
001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જૂન 2025; પૃ. 04-07