
રમેશ ઓઝા
ગયા સપ્તાહના મારા લેખમાં, મેં કનૈયાલાલ મુનશીના લેખમાંથી એક નાનકડું અવતરણ ટાંક્યું હતું અને એમ કહ્યું હતું કે જો ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અને નેહરુસરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. એ કથન વાંચીને કેટલાક વાચકોના મનમાં પ્રશ્ન થયો હશે કે શું હતી નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા, એનું સ્વરૂપ કેવું હતું અને એ જળવાઈ કેમ નહીં? બીજો પ્રશ્ન ગાંધીજીએ વિકસાવેલો સર્વસમાવેશી મધ્યમમાર્ગ અર્થાત્ સુવર્ણ-મધ્ય (જેને મુનશી કેન્દ્ર Center તરીકે ઓળખાવે છે.) જળવાયો કે નથી જળવાયો અને જો નથી જળવાયો તો તેની સાથે ચેડાં કોણે કર્યા? મને એમ લાગે છે કે અહીં એ વિષે થોડી વાત થવી જોઈએ.
અહીં સંક્ષેપમાં નેહરુ-સરદારના વિચાર અને અભિગમમાં જે ફરક હતો એ સમજી લઈએ. જવાહરલાલ નેહરુ ડાબેરી સમાજવાદી વિચારધારા પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા અને સરદાર પટેલ જમણેરી મૂડીવાદ તરફ. નેહરુ સમાજિક સુધારાઓની બાબતે ઉતાવળા હતા (જો કે ડૉ. આંબેડકર, સમાજવાદીઓ અને બીજા લોકોને એમ લાગતું હતું કે નેહરુ જોઈએ એટલી તત્પરતા નથી ધરાવતા. આને કારણે તો ડૉ. આંબેડકરે નેહરુના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.) તો સરદાર ધીરે ધીરે આગળ વધવામાં માનતા હતા. નેહરુ પ્રખર સેક્યુલારિસ્ટ હતા તો સરદારને એમ લાગતું હતું કે ગૈરહિંદુ ધર્મઝનૂનીઓ સેક્યુલરિઝમનો દુરઉપયોગ ન કરે એના પર ચાંપતી નજર રાખવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ. નેહરુ પ્રમાણમાં વધારે વૈશ્વિક હતા અને સરદાર પ્રમાણમાં વધારે ભારતીય હતા. મજબૂત કેન્દ્ર અને રાજ્યની વધારે પડતી તાકાત પ્રજાના અધિકારોનું અને સંઘભાવનાનું હનન કરે છે એટલે તે મર્યાદિત હોવું જોઈએ જ્યારે સરદાર તેમનાથી ઊલટું વિચારતા હતા. એમ પણ કહેવાય છે કે નેહરુ સપનાં જોનારાં સ્વપ્નીલ હતા અને સરદાર વ્યવહારુ.
મુનશી એ લેખમાં લખે છે કે ગાંધીજીએ વિકસાવેલું સુવર્ણ-મધ્ય અને નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જળવાઈ રહેશે તો ભારતનાં લોકતંત્ર પર કોઈ જોખમ નહીં આવે. જો એ નહીં જળવાય તો સામ્યવાદીઓ હાવી થઈ જશે અને એ સંજોગોમાં સામ્યવાદીઓને પરાસ્ત કરવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મદદરૂપ થઈ શકે છે. અને જો એ જળવાઈ રહેશે તો સામ્યવાદીઓને કોઈ સફળતા નહીં મળે અને એ સંજોગોમાં આર.એસ.એસ.ની કોઈ પ્રાસંગિકતા જ નહીં રહે અને તેણે પણ ટકી રહેવા માટે છેવટે મધ્યમમાર્ગ અપનાવવો પડશે. કદાચ એવું પણ બને કે ગાંધીજીનો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદાર વચ્ચેની પરસ્પર પૂરકતા ન જળવાય તો આર.એસ.એસ.ને સફળતા મળે અને લોખંડી ફાસિસ્ટ રાજ્ય અસ્તિત્વમાં આવે, પણ એવી શક્યતા નહીંવત્ છે. મુનશીએ આ શબ્દો સાથે લેખ પૂરો કર્યો હતો.
નેહરુ અને સરદાર વચ્ચેના અભિગમમાં જે અંતર ઉપર ગણાવ્યાં એ ઉપરાંત એક મોટું અંતર આ હતું. નેહરુને સામ્યવાદ કરતાં આર.એસ.એસ.ના ફાસીવાદનો ડર વધુ લાગતો હતો અને સરદારને આર.એસ.એસ.ના ફાસીવાદ કરતાં સામ્યવાદનો ડર વધુ લાગતો હતો. નેહરુને એમ લાગતું હતું કે ઇતિહાસમાં સતત પરાજિત હિંદુઓના દૂઝતા ઘાવનો અને તેમની અંદર વિકસેલી લઘુતાગ્રંથિનો ઉપયોગ કરીને હિન્દુત્વવાદીઓ પોતાની જગ્યા બનાવી શકે છે. તેઓ હિંદુ માનસમાં ખોટો ભય પેદા કરી રહ્યા છે અને એટલી જ ખોટી બહાદુરી અને મિથ્યાભિમાન. આ સિવાય હિંદુ સમાજ ઊંચનીચની શ્રેણીથી ગ્રસિત છે જેમાં આધુનિક મૂલ્ય વ્યવસ્થાને કારણે જેમણે સામાજિક વર્ચસ ગુમાવ્યું છે એ લોકો અને સામંતી વ્યવસ્થાની જગ્યાએ સમાનતા આધારિત નવી વ્યવસ્થામાં આર્થિક-રાજકીય વગ ગુમાવનારા રાજવીઓ અને જમીનદારો આધુનિકતાના દુ:શ્મનો છે અને તેઓ હિન્દુત્વવાદીઓને મદદ કરી શકે છે.
બીજી બાજુ સરદારને અને તેમના અનુયાયીઓને એમ લાગતું હતું કે દેશ પર મોટો ભય સામ્યવાદનો છે. તેઓ સંગઠિત છે, તેમની પાસે કેડર છે, તેઓ સાધનશુદ્ધિમાં મનાતા નથી, હિંસા કરી શકે છે, તેમને રશિયા અને ચીનની મદદ મળી રહી છે, સામ્યવાદ આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે વગેરે વગેરે. મૂડીવાદી દેશોએ પણ અબજો રૂપિયા ખર્ચીને સામ્યવાદવિરોધી પ્રોપેગેન્ડા કરીને એક નેરેટિવ વિકસાવ્યું હતું અને હાઉ ઊભો કર્યો હતો. ઓછામાં પૂરું ૧૯૫૭ની ચૂંટણીમાં સામ્યવાદીઓએ કેરળમાં સરકાર બનાવી. એ પછી તો સરદારના અનુયાયીઓ અને જમણેરીઓ સામ્યવાદના ભયથી આતંકિત હતા. તેઓ વધારે ને વધારે આર.એસ.એસ. તરફી થવા લાગ્યા. તેમને એમ લાગતું હતું કે આ ધરતી પર સૌથી વધુ વિવધતા ધરાવતા દેશમાં કોઈ એક પ્રજાનું રાજ્ય શક્ય જ નથી. હિન્દુત્વવાદીઓ ઘેલા છે, પણ સામ્યવાદને ખાળવા માટે આપણા માટે કામના છે.
નેહરુ અને સરદારના અભિગમમાં જે અંતર હતું એ કોઈ આઝાદી પછી વિકસ્યું નહોતું. ગાંધીજીની હયાતીમાં જ હતું. ગાંધીજીની જે દિવસે હત્યા કરવામાં આવી એ જ દિવસે સરદાર ગાંધીજીને મળવા ગયા હતા અને મતભેદના કારણે સરકારમાંથી રાજીનામું આપવાની ગાંધીજી પાસે રજા માગી હતી. દેશમાં સુવર્ણ-મધ્ય વિકસાવનારા ગાંધીજીએ સરદારને સમજાવ્યા હતા કે તેમની વચ્ચેની પરસ્પર પૂરકતાની પણ દેશને જરૂર છે. સાંજે ગાંધીજીની હત્યા કરવામાં આવી. ગાંધીજીના મૃતદેહ પાસે લોર્ડ માઉન્ટબેટનની હાજરીમાં સરદારના ખોળામાં માથું મૂકીને નેહરુ રડ્યા હતા અને ક્યારે ય એકબીજાનો સાથ નહીં છોડવાનું બન્નેએ માઉન્ટબેટનને વચન આપ્યું હતું. આ ઘટના ૧૯૪૮ના જાન્યુઆરી મહિનાની છે અને ૧૯૫૦ના ડિસેમ્બરમાં સરદાર અવસાન પામ્યા. બે અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતા વિકસાવવા માટે જોઈએ એટલો સમય ન મળ્યો.
વિભિન્ન અભિગમો વચ્ચે પરસ્પર પૂરકતાનો ગાંધીજીનો પ્રયોગ એટલો જ મૌલિક હતો જેટલો સુવર્ણ-મધ્ય વિકસાવવાનો હતો. ગાંધીજી અનેક રીતે પોતાના યુગને અતિક્રમતો મહામાનવ છે એમાં આ એક મોટું કારણ છે. પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને માનસિક અને શારીરિક રીતે હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. તેમણે એ બતાવી આપ્યું હતું અને જિંદગીના છેલ્લા દિવસે નેહરુ અને સરદારને એ બતાવી આપવાની સલાહ આપી હતી.
પણ સરદારના અનુયાયીઓ સરદાર નહોતા. મુનશીએ ૧૯૪૯માં લખેલા લેખમાં પરસ્પર પૂરકતાની જરૂર પર ભાર મૂક્યો છે, પરંતુ તેઓ પોતે જ એ નહોતા જાળવી શક્યા. સી. રાજગોપાલાચારી અને તેમના જેવા બીજા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. આશ્ચર્યની વાત તો એ છે કે કાઁગ્રેસની અંદર રહેલા કાઁગ્રેસીઓ પણ એ નહોતા જાળવી શક્યા. તેઓ નેહરુનો હળવો સમાજવાદી અભિગમ નહોતા ખમી શકતા. જમીન સુધારા, જમીન ટોચમર્યાદા, અમર્યાદિત સંપત્તિના અધિકાર પર નિયંત્રણ તેમના માટે અસહ્ય હતાં. તેમને નેહરુની આધુનિકતા, આધુનિક મૂલ્યો અને જીવનદૃષ્ટિ માટેનો આગ્રહ સ્વીકાર્ય નહોતો. તેમને નેહરુની સહિષ્ણુતામાં નબળાઈ નજરે પડતી હતી. અલગ અલગ લોકોના અણગમાનું પ્રમાણ અલગ અલગ હતું. પણ અણગમો તો હતો જ. નેહરુના અનુયાયીઓની વાત કરીએ તો મોટાભાગના લોકોને સત્તામાં જ રસ હતો અને બાકીના લોકોનો જમણેરીઓ માટેનો અણગમો જમણેરીઓનો જેવો ડાબેરીઓ માટે હતો એવો જ હતો. પણ એમાં એવું કશું જ નહોતું કે રસ્તા ફંટાય. કામ અઘરું હતું, પણ અશક્ય નહોતું. ગાંધીજી કહીને ગયા હતા કે પોતાનું સત્ય એ જ અંતિમ સત્ય એમ માનીને હિંસક બનવા સુધી જે માણસ ન જતો હોય એની વચ્ચે પરસ્પર પૂરકતા શક્ય છે. નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા વિકસી હોત તો આજના માઠા દિવસો ન જોવા મળત. મુનશીએ ફાસિસ્ટ સ્ટેટનો ભય બતાવ્યો હતો એને સાચો ઠેરવવામાં એ લોકોએ જ ફાળો આપ્યો હતો.
અંતે લેખ પૂરો કરતાં પહેલાં અહીં બે જણને યાદ કરવા જોઈએ. એક છે, ડૉ. અશોક મહેતા અને બીજા વિનોબા ભાવે. ૧૯૫૨ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદીઓનો કારમો પરાજય થયો એ પછી સમાજવાદીઓ હતાશ થયા હતા અને નેહરુ-કાઁગ્રેસની સામે આક્રમક વલણ અપનાવવાની વાતો થવા લાગી હતી. ડૉ. રામ મનોહર લોહિયા આક્રમકતાના પુરસ્કર્તા હતા. આની સામે ડૉ. અશોક મહેતાએ ‘Compulsion of backward economy and areas of cooperation નામની થિસીસ રજૂ કરી હતી. ભારત જેવા ગરીબ અને સમસ્યાગ્રસ્ત દેશમાં કાઁગ્રેસ અને સમાજવાદીઓએ પરસ્પર પૂરકતા વિકસાવવી જોઈએ. સંઘર્ષ અને આક્રમકતા અંતિમવાદી પરિબળોને તાકાત આપશે. ડૉ. લોહિયાએ તેમની વાત સ્વીકારી નહોતી અને સરદારના અનુયાયીઓની માફક તેમણે પણ સંઘને આંગળી ધરી. વિનોબા ભાવેએ કહ્યું હતું કે જે દેશે ઇતિહાસમાં આ પહેલાં આસેતુહિમાલય રાજકીય અખંડતા જોઈ જ નથી એ દેશે રાજકીય એકતા જાળવી રાખવી હોય તો સામાજિક એકતા વિકસાવવી જોઈએ. હજુ તો સ્વતંત્ર ભારત નામનું બાળક ઘોડિયામાં છે ત્યારે વિચારધારાઓની મલ્લીનાથી, આક્રમકતા અને અથડામણનો માર્ગ અપનાવવામાં જોખમ છે. વિનોબા ભાવેને પણ નેહરુની માફક સામ્યવાદ કરતા હિંદુ ફસીઝ્મનું જોખમ વધારે મોટું નજરે પડતું હતું.
કનૈયાલાલ મુનશી અને બીજાઓ ધારતા હતા કે નેહરુ-સરદારની પરસ્પર પૂરકતા જાળવી રાખીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અપ્રાસંગિક બનાવી દેશે અને સંઘે પ્રાસંગિક બનવા માટે મધ્યમ માર્ગ સ્વીકારવો પડશે. બન્યું એનાથી ઊલટું જેનો તેમણે ભય વ્યક્ત કર્યો હતો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 સપ્ટેમ્બર 2025