
પ્રવીણભાઈ જે. પટેલ
ભારતીય રાજકારણી અને સોક્રેટિસ વચ્ચે થયેલ અગાઉની બે કાલ્પનિક મુલાકાતોમાં સંશોધન અને ટેકનોલોજીમાં ચીનની પ્રગતિ સાથે તાલમેલ જાળવવામાં ભારતની નિષ્ફળતા અંગે ચર્ચા થઈ હતી. પહેલી મુલાકાતમાં સોક્રેટિસે તેને સમજાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની પ્રગતિને અવરોધતાં પરિબળો વાસ્તવમાં ભારતની જૂની-પુરાણી શિક્ષણ પ્રણાલી, અપૂરતું સંશોધન ભંડોળ અને ભારતીય રાજકારણીઓની ટૂંકા ગાળાની રાજકીય માનસિકતા છે. વધુમાં, સોક્રેટિસે જણાવ્યું હતું કે વિવેચનાત્મક વિચારસરણી અને ટેકનિકલ નવીનતા ત્યારે જ ખીલી શકે છે જ્યારે યોગ્ય રીતે તેનું પોષણ કરવામાં આવે. તેથી તેમણે સૂચવ્યું હતું કે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે જો ભારતે સતત પ્રગતિ કરવી હોય તો ભારતીય નેતાઓએ જ્ઞાન, શિક્ષણ અને સંશોધન માટે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ તથા તે માટે ઉદાર અને વ્યૂહાત્મક રોકાણને પ્રાથમિકતા આપવી જરૂરી છે. જ્યારે બીજી મુલાકાતમાં ભારતીય રાજકારણી સ્વીકારે છે કે ભારત તેની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ક્યાંક ગોથું ખાઈ ગયું છે તે માટે ભારતની લોકશાહી અને રાજકીય સંસ્કૃતિમાં રહેલી ખામીઓ જવાબદાર છે. અને સોક્રેટિસ તેને ભારપૂર્વક સમજાવે છે કે સારા ભવિષ્ય માટે આત્મનિરીક્ષણ અને વિવેચનાત્મક વિચારસરણી જરૂરી છે. ભારતની રાજકીય અને શાસનપ્રણાલીમાં આત્મનિરીક્ષણ અને વાસ્તવિક સુધારાના આહ્વાન સાથે સંવાદ સમાપ્ત થાય છે.
હવે સોક્રેટિસ સાથેના આ ત્રીજા કાલ્પનિક સંવાદમાં ભારતીય રાજકારણી આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રગતિ કરવા વાસ્તે ભારતે ચીન જેવી સરમુખત્યારશાહી અપનાવવી જોઈએ તેવો વિચાર રજૂ કરે છે. પણ સોક્રેટિસ તેને સરમુખત્યારશાહીની મર્યાદાઓ અને લોકશાહીના ગુણો સમજાવે છે અને સ્થાપિત કરે છે કે લોકશાહી રાષ્ટ્રો પણ સુશાસન દ્વારા સારી એવી આર્થિક પ્રગતિ કરી શકે છે.
— પ્રવીણ જ. પટેલ
•
પાર્શ્વ ભૂમિ : સોક્રેટિસ સ્વર્ગના એક અલૌકિક લીલાછમ વૃક્ષ નીચે બેઠા છે, ઊંડા વિચારમાં ડૂબેલા છે. તેમના પૂર્વ પરિચિત ભારતીય રાજકારણી તેમને જોઈને મંદ મંદ સ્મિત સાથે તેમની પાસે આવે છે.
ભારતીય રાજકારણી : આહ, સોક્રેટિસ! હું તમને અહીં મળવાની આશા રાખતો હતો. ચીનના વૈજ્ઞાનિક અને આર્થિક વિકાસ પરની ચર્ચા પછી થયેલી ભારતીય લોકશાહી ઉપરની આપણી છેલ્લી ચર્ચા ખરેખર જ્ઞાન – વર્ધક હતી. પરંતુ મારે કબૂલ કરવું જોઈએ કે ત્યાર પછી પણ મને કેટલાક પ્રશ્નો ઊભા થયા છે.
સોક્રેટિસ : આવો, આવો બંધુ. પ્રશ્નો શાણપણની નિશાની છે. શું પરેશાન કરે છે તમને?
ભારતીય રાજકારણી : એક ભારતીય નેતા તરીકે, મેં મારા રાષ્ટ્રને મજબૂત કરવા માટે વર્ષો સુધી મહેનત કરી. મેં મારું આખું રાજકીય જીવન ભારતની પ્રગતિ થાય તે માટે પ્રયત્નો કર્યા. છતાં, ચીન દરેક ક્ષેત્રમાં અમારા કરતાં આગળ વધી રહ્યું છે. તેણે માત્ર અત્યાધુનિક ટેકનોલોજી જ વિકસાવી નથી પણ મોટાં મોટાં અને ભવ્ય શહેરો બનાવ્યાં, માળખાગત સુવિધાઓ વિકસાવી, આર્થિક અને લશ્કરી મહાશક્તિ તરીકે તો તે હવે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર અમેરિકાને પણ હંફાવી રહ્યું છે. તેનો વૈશ્વિક પ્રભાવ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે અમારું ભારત આટલું અસ્તવ્યસ્ત કેમ છે? ભારતમાં ભયંકર બિનકાર્યક્ષમતા, બેશુમાર ભ્રષ્ટાચાર, અને રાજકીય ઝઘડાઓ નિરંતર ચાલુ જ રહે છે. મને ઘણી વાર થાય છે કે – ચીનની આવી ભવ્ય સફળતા પાછળ શું રહસ્ય છુપાયેલું છે? એ અંગે વિચારતાં, મને લાગે છે કે તેનો જવાબ તેમની રાજકીય વ્યવસ્થામાં છે. તેમની એક મજબૂત કેન્દ્રિય સત્તા અમારી ખામીયુક્ત લોકશાહી કરતાં વધુ સારી છે. મને થાય છે કે શું ભારતે તેની સખળડખળ લોકશાહીને છોડીને ચીન જેવી વધુ શિસ્તબદ્ધ, કેન્દ્રિય વ્યવસ્થા ન અપનાવવી જોઈએ? ચીનની રાજ્યવ્યવસ્થા ભલે સરમુખત્યારશાહી હોય, પણ આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રભાવમાં અમારા લોકશાહી દેશ કરતાં ચીન ઘણું આગળ નીકળી ગયું છે. તેમના નેતાઓ ઝડપી નિર્ણયો લે છે, કોઈ પણ દખલગીરી વિના નીતિઓ લાગુ કરે છે અને તેમનું રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે. તેમની માળખાકીય સગવડો રેકોર્ડ સમયમાં બનાવવામાં આવે છે, તેમની યુનિવર્સિટીઓ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં ગણાવા લાગી છે, તેમની અર્થવ્યવસ્થા રાજકીય ચર્ચાના અવરોધો વિના વિકાસ પામે છે. તેનાથી વિપરીત, અમારી લોકશાહી સતત ચૂંટણીઓ, વિરોધ પ્રદર્શનો, વાદ-વિવાદ, રાજકીય પક્ષોના અનંત ઝગડા, ભ્રષ્ટાચાર, અને બિન-કાર્યક્ષમતાથી ખરડાયેલી છે.
સોક્રેટિસ : તો, મને લાગે છે કે તમે એમ કહેવા માગો છો, મારા મિત્ર, કે કાર્યક્ષમતા અને આર્થિક સમૃદ્ધિ માટે સરમુખત્યારશાહી સારી ગણાય. બરાબર?
ભારતીય રાજકારણી : ચોક્કસ! ભારતમાં, અતિશય લોકશાહીને કારણે બધું ધીમું ચાલે છે. ભારતમાં લોકશાહીને લીધે અંત વિહીન ચર્ચાઓ અને વાદ-વિવાદ થાય છે. જેને કારણે નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી પડે છે. શું તમને નથી લાગતું, સોક્રેટિસ, કે ચીનનું શાસન-વ્યવસ્થાનું મોડેલ શ્રેષ્ઠ છે? શું ભારતે એ મોડેલનું અનુકરણ ન કરવું જોઈએ? એક મજબૂત નેતા અને એક મજબૂત શાસન.
સોક્રેટિસ : તમે એક રસપ્રદ દાવો કરો છો, મારા મિત્ર. પણ મને કહો, ‘શ્રેષ્ઠ’નો અર્થ શું છે? તમે કેમ એવું માનો છો કે ભારત ચીનના મોડેલને અનુસરે તો તે વધુ સારું બનશે?
ભારતીય રાજકારણી : પુરાવા જુઓ! ચીને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ બનાવી છે અને વૈશ્વિક આદર મેળવ્યો છે. આજે યુ.એસ.એ. જેવી વિશ્વની મહાસત્તાને પણ ચીન હંફાવે છે. દરમિયાન, ભારત રાજકીય ઝઘડા, ભ્રષ્ટાચાર અને બિન-કાર્યક્ષમતામાં ફસાયેલું છે. કાર્યક્ષમતા અને પ્રગતિ રાષ્ટ્રીય શક્તિ માટે જરૂરી છે! સરકાર એવા નિર્ણયો લેવા સક્ષમ હોવી જોઈએ જે દેશને માટે ફાયદાકારક હોય. જ્યારે અનંત ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો અમારી પ્રગતિને અવરોધે નહીં. ચીનમાં સરમુખત્યારશાહીને લીધે ઝડપી નિર્ણય લેવાય છે. અને અમારી લોકશાહીમાં અમે જે પ્રકારની અરાજકતા જોઈએ છીએ તેથી મને લાગે છે કે અમારો કોઈ ભલીવાર થવાનો નથી. સ્વતંત્રતા શું કામની? ભાડમાં જાય એવી સ્વતંત્રતા જો તેનાથી અમારો કોઈ ભલીવાર ન થતો હોય તો.
સોક્રેટિસ : મારા મિત્ર, તમે શું માનો છો ? લોકો પર શાણપણથી શાસન કરવું જોઈએ કે બળથી?
ભારતીય રાજકારણી : આદર્શ રીતે તો શાણપણથી.
સોક્રેટિસ : તો ચાલો આપણે તપાસ કરીએ કે ચીનની વ્યવસ્થા શાણપણને પોષે છે કે ફક્ત આજ્ઞાપાલન. તમે મને કહો, મિત્ર, જો કોઈ જહાજને તોફાનમાંથી પસાર થવું પડે, તો શું તેના કેપ્ટને ક્રૂ પાસેથી સલાહ લેવી જોઈએ, કે પછી તેણે બીજા કોઈને પૂછ્યા વિના એકલા જ વહાણ હંકારવું જોઈએ?
ભારતીય રાજકારણી : જો કેપ્ટન જ્ઞાની અને સક્ષમ હોય તો તેણે જહાજને એકલા ચલાવવું જોઈએ. ઘણા બધાની સલાહ લેવાથી વિનાશ થઈ શકે છે.
સોક્રેટિસ : અને જો કેપ્ટન અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની સમજતો હોય તો? મૂર્ખ હોય તો? ઘમંડી હોય તો? અથવા જો તે ફક્ત પોતાનો ફાયદો કે સ્વાર્થ જોતો હોય, ક્રૂને છેતરતો હોય અને જહાજને વિનાશ તરફ દોરી જતો હોય તો ?
ભારતીય રાજકારણી : તો ક્રૂએ તેને બદલવો જોઈએ.
સોક્રેટિસ : પરંતુ જો તેણે પહેલેથી જ જહાજ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હોય તો ક્રૂ શું કરી શકે? શું તેઓ તેના શાસન હેઠળ ફસાઈ જશે નહીં? શું તેઓ કેપ્ટનને પ્રશ્ન કરવા કે દૂર કરવામાં સમર્થ રહેશે? શું તે જહાજની દશા એક હાઈજેક કરેલા વિમાન જેવી નહીં હોય?
ભારતીય રાજકારણી : હું સમજું છું કે તમારો મતલબ શું છે. પરંતુ ચીનના નેતાઓ સક્ષમ છે; તેમની સિસ્ટમ કાર્યક્ષમતાને પુરસ્કારે છે. તેથી જ તેઓ સફળ થાય છે.
સોક્રેટિસ : અને શું તમે માનો છો કે ચીનમાં દરેક નેતા ન્યાયી અને જ્ઞાની છે? ચીનમાં દરેકની સાથે ન્યાયી વ્યવહાર થાય છે?
ભારતીય રાજકારણી : કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી હોતી, સોક્રેટિસ. પરંતુ તેમની સિસ્ટમ શિસ્ત અને સ્થિરતા લાવે છે. ભારતમાં, ઘણા બધા પરસ્પર વિરોધી વિચારોથી અમારી સિસ્ટમને લકવો થઈ ગયો છે.
સોક્રેટિસ : હા, શિસ્ત અને સ્થિરતા જરૂરી છે. પણ મને કહો, મિત્ર, શું સરમુખત્યારશાહીએ પેદા કરેલ શિસ્તબદ્ધ સમાજ સ્વતંત્ર સમાજ કરતાં ખરેખર ન્યાયી હોય છે?
ભારતીય રાજકારણી : ના. એ જરૂરી નથી. સરમુખત્યારશાહી શાસન દમનકારી હોઈ શકે છે. તે વ્યક્તિગત સ્વતંત્રતાઓને મહત્ત્વ આપતી નથી. લોકશાહી, તેની ખામીઓ હોવા છતાં, માનવીની સ્વતંત્રતા અને તેના ગૌરવને જાળવી રાખે છે.
સોક્રેટિસ : અર્થાત્, એકહથ્થુ શાસન વધુ કાર્યક્ષમ હોઈ શકે છે, પણ તે વ્યક્તિગત સ્વતંત્રતાઓ અને માનવીય ગૌરવનો ભોગ લઈને આમ કરે છે. તો પછી, શું તમે મારી સાથે સંમત થશો કે તમારી સમસ્યાને ઉકેલવા માટે લોકશાહીને નાબૂદ કરવાની જરૂર નથી પણ તેને સુધારવાની અને વધુ મજબૂત કરવાની આવશ્યકતા છે?
ભારતીય રાજકારણી : હા, હું એમ માનું છું. આપણે લોકશાહીને સંપૂર્ણ રીતે છોડી દેવાને બદલે તેને વધુ અસરકારક બનાવવી જોઈએ. પરંતુ જ્યારે સ્વતંત્રતા અવ્યવસ્થા તરફ દોરી જાય છે ત્યારે તેનો ફાયદો શો? લોકો તેનો દુરુપયોગ કરે, જૂઠાણું ફેલાવે, અને પ્રગતિમાં અવરોધો ઊભા કરે તો?
સોક્રેટિસ : તો શું તમે કહેશો કે સ્વસ્થ ચર્ચા અને સામૂહિક જવાબદારી પર ભાર મૂકતી લોકશાહી કરતાં એકહથ્થુ સત્તા સારી કહેવાય?
ભારતીય રાજકારણી : જરૂરી નથી, પરંતુ વધુ પડતી ચર્ચા ગૂંચવણ અને નિષ્ક્રિયતા તરફ દોરી જાય છે.
સોક્રેટિસ : અને છતાં, શું તાર્કિક અને સ્વસ્થ ચર્ચા દ્વારા આપણે સાચા નિર્ણયો લેવા સક્ષમ બની શકતા નથી? જો કોઈ માણસ સત્ય જાણવાનો દાવો કરે અને બીજાઓને તેના પર પ્રશ્ન ઉઠાવવાની મનાઈ કરે તો આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે તે છેતરપિંડી કરતો નથી?
ભારતીય રાજકારણી : તમે સારી દલીલ કરો છો, સોક્રેટિસ. પરંતુ ચીનાઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અદ્ભુત પ્રગતિ કરી છે. ટૂંક સમયમાં અભૂતપૂર્વ આર્થિક અને લશ્કરી તાકાત ઊભી કરી છે. શું તેમની સિસ્ટમની સફળતાના આ પુરાવાઓ નથી?
સોક્રેટિસ : અને જો સમૃદ્ધિ ન્યાયના ભોગે આવે તો? સ્વતંત્રતાના ભોગે આવે તો? માનવીય ગૌરવને ભોગે આવે તો? શું તમે ભૌતિક લાભ માટે આવી અ-માનવીય વ્યવસ્થા સહન કરશો?
ભારતીય રાજકારણી : પણ સોક્રેટિસ, ભારત તરફ જુઓ! અમારી લોકશાહી દરેક મૂર્ખ વ્યક્તિને અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ આપે છે. અમારું અમલદારી તંત્ર નિયમોના આટાપાટામાં જ ગૂંચવાયેલું રહે છે, અમારી અદાલતો ઘણી ધીમી ચાલે છે અને ઘણી વાર તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થાય છે. શું આવી અરાજકતા ખરેખર પ્રશંસનીય કહેવાય?
સોક્રેટિસ : ચાલો આની વધુ તપાસ કરીએ. તમે કહો છો કે ચીનની કાર્યક્ષમતાનું કારણ તેના નેતાઓને ચર્ચા દ્વારા અવરોધવામાં આવતા નથી તે છે. બરાબર?
ભારતીય રાજકારણી : હા, ચોક્કસ.
સોક્રેટિસ : તો, શું મૂર્ખાઈ અને અન્યાયને અટકાવી શકે તેવા સ્વસ્થ વિચાર-વિમર્શને રૂંધે તેવી રાજકીય વ્યવસ્થા શ્રેષ્ઠ કહેવાય? જે રાજકીય વ્યવસ્થા માત્ર આર્થિક સમૃદ્ધિ જ આપે પણ ન્યાય, જવાબદારી, અને કાયદાના શાસનની અવગણના કરે તેને કેવી રીતે શ્રેષ્ઠ કહી શકાય?
સોક્રેટિસ : વળી, તમે મને કહો, જો કોઈ રાષ્ટ્રમાં ન્યાયતંત્ર સ્વતંત્ર ન હોય, તો શું કાયદો બધા પર ન્યાયી રીતે લાગુ કરી શકાય?
ભારતીય રાજકારણી : ચીનમાં તો રાજ્યના નિયંત્રણથી તેનું ઔદ્યોગિકીકરણ ઝડપી બન્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં તે અત્યંત સમૃદ્ધ બન્યું છે. અત્યારે તે વિશ્વની બીજી સૌથી મોટી મહાશક્તિ બની ગયું છે. અને અમને પણ લાલ આંખ બતાવે છે. શું લોકશાહી ક્યારે ય આર્થિક રીતે ખરેખર સફળ થઈ શકે છે? અમારામાંથી ઘણા લોકો માને છે કે આર્થિક સમૃદ્ધિ માટે મજબૂત રાષ્ટ્રીય ઓળખ, સશક્ત રાજકીય નેતા, અને કેન્દ્રીય નિયંત્રણ જરૂરી છે. ચીન તેનું જ્વલંત ઉદાહરણ છે. ત્યાં લોકશાહી નથી, છતાં તે દેશ આગળ વધી ગયો છે. જ્યારે ભારત જેવા ઘણા લોકશાહી દેશો સંઘર્ષ કરે છે. શું એ સ્પષ્ટ નથી કે આર્થિક સફળતા માટે શિસ્તની જરૂર છે, અતિશય સ્વતંત્રતાઓની નહીં?
સોક્રેટિસ : (હસીને) તમારી વાત રસપ્રદ છે. તો શું તમે એમ કહેવા માગો છો કે કોઈ લોકશાહી દેશ આર્થિક રીતે સફળ ન થઈ શકે? શું તમે સ્વીડન, નોર્વે, ન્યુઝીલેન્ડ, અને યુરોપના અન્ય લોકશાહી દેશો વિશે જાણો છો? શું તેઓ મજબૂત લોકશાહી નથી? અને શું તેઓ આર્થિક રીતે સફળ નથી?
ભારતીય રાજકારણી : કદાચ. પરંતુ, તે નાના દેશો છે. તેમનું મોડેલ અમારા જેવા વિશાળ રાષ્ટ્ર પર લાગુ કરી શકાતું નથી.
સોક્રેટિસ : તો, શું લોકશાહી અને આર્થિક સફળતા એકસાથે રહે તે માટે દેશનું કદ નાનું હોવું અનિવાર્ય છે?
ભારતીય રાજકારણી : ફક્ત કદ જ નહીં, પરંતુ જટિલતા. ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ, ભાષાઓ, ધર્મો, અને આર્થિક પડકારો છે. અમને રાષ્ટ્રીય એકતાને નબળી પાડે તેવી વધુ પડતી સ્વતંત્રતાઓ પરવડી શકે નહીં.
સોક્રેટિસ : અને છતાં, શું યુનાઇટેડ સ્ટેટ્સ વિશાળ અને વૈવિધ્ય – સભર દેશ નથી? શું તે એક મહાન આર્થિક તાકાત હોવા છતાં એક મજબૂત લોકશાહી દેશ નથી? મને કહો, જો લોકશાહી પોતે આર્થિક સફળતામાં અવરોધ હોત, તો શું આ બધા લોકશાહી દેશો અત્યાર સુધીમાં આર્થિક રીતે નિષ્ફળ ન થયા હોત?
ભારતીય રાજકારણી : કદાચ કેટલાક સફળ લોકશાહી દેશો ભાગ્યશાળી હોય છે.
સોક્રેટિસ : મારા મિત્ર, સફળતાનું શ્રેય માત્ર નસીબને આપવું શું શાણપણભર્યું છે? સ્વીડન, નોર્વે, ન્યુઝીલેન્ડ, યુરોપના અનેક લોકશાહી દેશો, અને અમેરિકા અકસ્માત નથી. તેઓ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવે છે. શું આપણે આની તપાસ ન કરવી જોઈએ?
ભારતીય રાજકારણી : તો તમે જણાવો આ રાષ્ટ્રો કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે?
સોક્રેટિસ : સૌ પ્રથમ તો, તેઓ કાયદાના શાસનનું સમર્થન કરે છે. ત્યાં કાયદા અને બંધારણનું ચુસ્ત પાલન થાય છે. અને સાથેસાથે તે દેશો વ્યક્તિગત સ્વતંત્રતાઓનું રક્ષણ પણ કરે છે. આ દેશો ખાતરી કરે છે કે લોકો મનસ્વી દમનના ડર વિના તેમના અર્થતંત્રમાં યોગદાન આપે. બીજું, તેઓ શિક્ષણ અને આરોગ્ય સંભાળમાં ભારે રોકાણ કરે છે. તેમના નાગરિકોને સશક્ત, શિક્ષિત, અને ઉત્પાદક બનવા દે છે. ત્રીજું, તેઓ શાસનમાં પારદર્શિતા જાળવી રાખે છે, ભ્રષ્ટાચાર ઘટાડે છે. ચોથું, ત્યાંના શાસકો મોટેભાગે લોકોને જવાબદાર હોય છે. તેઓ વૈચારિક સ્વતંત્રતાને ઉત્તેજન આપીને નવીન વિચારોને પ્રોત્સાહન આપે છે. અને છેલ્લે, આ બધા જ લોકશાહી દેશો માનવીય ગરિમાને મહત્ત્વ આપે છે; અનેક સામાજિક કલ્યાણની યોજનાઓ જાળવી રાખીને પણ બજારોને મુક્તપણે કાર્ય કરવા દે છે. માટે, મિત્ર, લોકશાહી અને કાર્યક્ષમતા પરસ્પર વિરોધી નથી.
ભારતીય રાજકારણી : પરંતુ, સોક્રેટિસ અમારી સમસ્યા જટિલ છે. અમારા લોકોની અપેક્ષાઓ અમર્યાદિત છે જે અમે અમારાં મર્યાદિત સંસાધનો વડે સંતોષી શકતા નથી.
સોક્રેટિસ : બહુ સરસ. મેં સાંભળ્યું હતું કે ભારતના તમારા જેવા રાજકારણીઓ બહુ હોંશિયાર હોય છે. એટલે વાતને બીજા પાટે ચડાવતાં તેમને સારું આવડે છે. વાંધો નહીં. આપણે મર્યાદિત સંસાધનોનો ઉત્તમ ઉપયોગ કેમ કરી શકાય તેની ચર્ચા કરીએ. મને કહો, મારા મિત્ર, શું કોઈ પણ રાષ્ટ્ર માટે શાણપણ અને શિક્ષણ વધુ મૂલ્યવાન નથી?
ભારતીય રાજકારણી : શિક્ષણ મહત્ત્વપૂર્ણ છે, અલબત્ત. પરંતુ આર્થિક વિકાસ વિના, અમે શિક્ષણને કેવી રીતે ભંડોળ પૂરું પાડી શકીએ? અમારાં મર્યાદિત સંસાધનોનો અમે બેદરકારીથી ખર્ચ ન કરી શકીએ.
સોક્રેટિસ : તો, તમે કહો છો કે ભારત શિક્ષણ અને સંશોધન પર વધુ ખર્ચ કરી શકતું નથી કારણ કે તેની પાસે નાણાંકીય સંસાધનોનો અભાવ છે?
ભારતીય રાજકારણી : ચોક્કસ! અમારે વ્યાવહારિક બનવું પડે છે. અમે આવશ્યક સેવાઓમાંથી ભંડોળ હટાવી શકતા નથી.
સોક્રેટિસ : પણ મને કહો, શું બધા સરકારી ખર્ચા જરૂરી છે? શું તમારે ત્યાં દરેક રૂપિયો શાણપણથી ખર્ચવામાં આવે છે?
ભારતીય રાજકારણી : અમે અમારા મર્યાદિત ભંડોળને સમજદારી-પૂર્વક ફાળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. સુશાસન માટે અમારે અમારી પ્રાથમિકતાઓને સંતુલિત કરવી પડે છે.
સોક્રેટિસ : તો પછી, ચાલો આમાંની કેટલીક પ્રાથમિકતાઓની તપાસ કરીએ. શું તમારા દેશના રાજકારણીઓ જાહેર ખર્ચે વ્યાપક મુસાફરી ભથ્થાંનો લાભ લે છે?
ભારતીય રાજકારણી : હા…, પણ શાસન માટે તે જરૂરી છે! નેતાઓએ વિકાસની દેખરેખ માટે મુસાફરી કરવી જ જોઈએ.
સોક્રેટિસ : અને શું તેમને જે મોંઘી દાટ સુરક્ષા મળે છે, જે ઘણી વાર સામાન્ય જરૂરિયાત કરતાં વધુ નથી હોતી?
ભારતીય રાજકારણી : અલબત્ત! નેતાની સલામતી શાસનમાં સ્થિરતા સુનિશ્ચિત કરે છે.
સોક્રેટિસ : પણ, ઘણી વાર સુરક્ષાને બહાને તેઓ લોકોને તેમનો દબદબો અને મોભો બતાવવા માગતા નથી? અને શું જાહેર ભંડોળ બિન-જરૂરી ભવ્ય સમારંભો અને મેળાવડાઓ માટે વપરાતું નથી?
ભારતીય રાજકારણી : આ તો રાજદ્વારી વહીવટનો ભાગ છે!
સોક્રેટિસ : હું સમજું છું. અને જાહેરાતોનું શું – શું સરકારો પોતાની અને ખાસ કરીને નેતાઓની પ્રસિદ્ધિ અને પ્રચાર માટે મોટી રકમ ખર્ચ કરતી નથી?
ભારતીય રાજકારણી : લોકશાહીમાં જન જાગૃતિ ઝુંબેશ જરૂરી હોય છે!
સોક્રેટિસ : અને મને કહો, શું તમારા ધારાસભ્યો અને સંસદના સભ્યો ટૂંકા ગાળા માટે સેવા આપ્યા પછી પણ આજીવન પેન્શન અને વિશેષાધિકારો મેળવવાના હકદાર છે?
ભારતીય રાજકારણી : તે સાચું છે, પરંતુ તેઓએ રાષ્ટ્રની સેવા કરી છે!
સોક્રેટિસ : અને શું વિદ્યાર્થીઓની પેઢીઓને શિક્ષિત કરનાર શિક્ષકોને કે નવી નવી શોધો કરતા વૈજ્ઞાનિકોને આવી બધી સગવડો અને આટલું ઉદાર પેન્શન મળે છે?
ભારતીય રાજકારણી : ના, પરંતુ તેમના પગાર અલગ રીતે રચાયેલ છે.
સોક્રેટિસ : આહ, તો જેઓ રાષ્ટ્રનો બૌદ્ધિક પાયો બનાવે છે તેઓ ઓછા અધિકાર મેળવે છે, જ્યારે જેઓ રાજકારણમાં થોડા સમય માટે સેવા આપે છે અને મોટે ભાગે અનૈતિક ખટપટોમાં રચ્યા-પચ્યા રહે છે તેઓ આજીવન વિશેષાધિકારોનો આનંદ માણે છે. શું આ વાજબી લાગે છે?
ભારતીય રાજકારણી : (ગેંગે ફેંગે થઈને) તે સંપૂર્ણપણે વાજબી ન કહેવાય.
સોક્રેટિસ : અને તમે લોકો ચૂંટણીઓ પાછળ લાખો કરોડનો ખર્ચ કરો છો તેનું શું?
ભારતીય રાજકારણી : પરંતુ અમારી વિશાળ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીઓ પર મોટા ખર્ચની જરૂર છે. સરકારને પણ લખલૂટ ખર્ચો કરવો પડે છે. અને અમારા જેવા રાજકારણીઓએ પણ ચૂંટણી જીતવા માટે વ્યક્તિગત રીતે ખૂબ ખર્ચ કરવો જ પડે.
સોક્રેટિસ : આહ! તો, તમે કહો છો કે ચૂંટણીખર્ચ પણ તમારા મર્યાદિત રાષ્ટ્રીય સંસાધનોને ખાઈ જાય છે. તો શું આ ખર્ચ ઘટાડવામાં સમજદારી નથી? હું સમજું છું કે લોકશાહીમાં ચૂંટણીઓ અનિવાર્ય હોય છે. પણ શું રાષ્ટ્રના વિશાળ હિતમાં ચૂંટણીપ્રથામાં બુદ્ધિપૂર્વકના સુધારા ન કરી શકાય, જેથી ચૂંટણીઓ ઓછી ખર્ચાળ બને ?
ભારતીય રાજકારણી : તે આદર્શ હશે, પરંતુ રાજકીય વાસ્તવિકતા તેને અશક્ય બનાવે છે. લોકશાહી માટે પ્રચારની જરૂર છે, અને પ્રચાર માટે ભંડોળની જરૂર છે. પ્રચારખર્ચ ઘટાડવો શક્ય નથી. લોકશાહીમાં રાજકારણીઓએ સ્પર્ધા કરવી જ જોઈએ.
સોક્રેટિસ : અને છતાં, શું ઓછા ખર્ચથી ન્યાયી ચૂંટણીઓ ન થઈ શકે? અને શું ન્યાયી અને સ્વસ્થ સ્પર્ધા ધનબળ કરતાં વિચારધારા પર આધારિત ન હોવી જોઈએ? જો ચૂંટણીઓ પાછળ થતા વધુ પડતા ખર્ચમાં ઘટાડો કરવામાં આવે, તો શું રાષ્ટ્રની પ્રગતિ માટે બચાવેલાં સંસાધનો ઉપલબ્ધ નહીં થાય?
ભારતીય રાજકારણી : આદર્શ રીતે, હા.
સોક્રેટિસ : તો પછી મને કહો, મારા મિત્ર, જો આપણે આ બધા ઉડાઉ ખર્ચાઓ – વૈભવી મુસાફરીઓ, અતિશય ખર્ચાળ સમારંભો અને મેળાવડાઓ, નેતાઓની અત્યંત ખર્ચાળ સુરક્ષા, સ્વ-પ્રચારાત્મક જાહેરાતો, સંસદસભ્યો અને ધારાસભ્યોને અમર્યાદિત પેન્શન અને વિશેષ લાભો, ચૂંટણીઓમાં થતા લખલૂટ ખર્ચા વગેરેની ગણતરી કરીએ તો શું તે લાખો કરોડ જેટલી રકમ નહીં બને? મારા મિત્ર, શું આવા બિનજરૂરી ખર્ચાઓ અને નેતાઓના વિશેષાધિકારો ઘટાડવાથી શિક્ષણ અને સંશોધનમાં વધુ રોકાણ કરવાની સવલત નહીં મળે?
ભારતીય રાજકારણી : કદાચ, બને. કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. પરંતુ આ ખર્ચાઓ સંપૂર્ણપણે બંધ કરી શકાતા નથી.
સોક્રેટિસ : મારા ભાઈ, તમે કહો છો કે ટીપે ટીપે સરોવર ભરાય. તે જ રીતે જો ઉપરોક્ત દરેક બાબતમાં થોડો થોડો ઘટાડો કરવામાં આવે, તો શું તેનાથી શિક્ષણ અને સંશોધન માટે પૂરતું ભંડોળ ન મળી રહે?
ભારતીય રાજકારણી : (અનિચ્છાએ) તે શક્ય લાગે છે.
સોક્રેટિસ : અને જો ભારત તેના શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવે, તો શું તે લાંબા ગાળે આર્થિક અને વ્યૂહાત્મક રીતે વિકાસ કરશે નહીં?
ભારતીય રાજકારણી : તે સંભવ છે.
સોક્રેટિસ : તો પછી, શું એનો અર્થ એ નથી કે નકામા અને ઉડાઉ ખર્ચમાં ઘટાડો કરીને અને શાણપણમાં રોકાણ કરીને તમારું રાષ્ટ્ર નવીનતામાં ચીન સહિત અન્ય દેશોને પાછળ છોડી શકે છે?
ભારતીય રાજકારણી : તે થઈ શકે છે. પરંતુ તે પૂરતું નથી. આવા બધા ખર્ચાઓ ઘટાડવામાં આવે તો પણ અમને વધુ આવકની જરૂર પડશે.
સોક્રેટિસ : તો પછી ચાલો બીજા માર્ગની તપાસ કરીએ. શું ભારતમાં જાહેર ક્ષેત્રનાં સાહસો કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે?
ભારતીય રાજકારણી : હંમેશાં નહીં. ઘણાં એકમો બિનકાર્યક્ષમ અને નુકસાનકારક છે. તેમાં ભ્રષ્ટાચાર પણ વ્યાપક છે.
સોક્રેટિસ : જો આ બિનકાર્યક્ષમતા સુધારવામાં આવે અને ભ્રષ્ટાચાર રોકવામાં આવે તો શું સરકાર આવાં એકમોમાંથી નોંધપાત્ર ભંડોળ મેળવી શકે નહીં?
ભારતીય રાજકારણી : હા, પરંતુ સુધારા મુશ્કેલ છે. અમલદારશાહી અને રાજકીય હસ્તક્ષેપ કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડે છે.
સોક્રેટિસ : પરંતુ શું મુશ્કેલીનો અર્થ અશક્યતા છે? જો સરકારી એકમોની બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં આવે, તો શું તે રાષ્ટ્રીય પ્રગતિમાં ફાળો નહીં આપે?
ભારતીય રાજકારણી : તે થશે. પરંતુ તેમ છતાં પણ અમારો દેશ બહુ મોટો છે. અમને વધુ આવકની જરૂર પડશે.
સોક્રેટિસ : ચાલો વધુ આવક મેળવવા માટે વિચાર કરીએ. શું ધનપતિઓ અને ઉદ્યોગપતિઓ ઉપર વધુ ટેક્સ નાખવાથી રાષ્ટ્રના વિકાસ માટે વધુ ધન મળી શકે નહીં?
ભારતીય રાજકારણી : કોર્પોરેટ ટેક્સમાં વધારો વિવાદાસ્પદ છે. કોર્પોરેશનો દલીલ કરે છે કે ઊંચા કરવેરાથી વિકાસ માટે જરૂરી રોકાણ ઘટે છે અને આર્થિક વૃદ્ધિ ઘટે છે.
સોક્રેટિસ : પણ મને કહો, તમે તમારા દેશમાં એક બાજુ કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો કરો છો અને બીજી બાજુ મોટા મોટા ધનપતિઓનાં લાખો કરોડોનાં દેવાં માફ કરો છો તેનું શું ? શું કોર્પોરેટ ટેક્સમાંથી ઊભાં કરેલ નાણાં શિક્ષણ અને સંશોધનમાં વપરાય તો કોર્પોરેશનોને શિક્ષિત અને કાર્યક્ષમ કામદારો તથા નવાં સંશોધનોથી થયેલ ટેકનોલોજીકલ પ્રગતિથી ફાયદો નહીં થાય?
ભારતીય રાજકારણી : થઈ શકે છે.
સોક્રેટિસ : અને જો વધુ સારું શિક્ષણ અને નવું સંશોધન ઉદ્યોગ-વ્યવસાયની સંભાવનાઓમાં સુધારો કરે તો શું કોર્પોરેશનોએ તે માટે તેમનો ફાળો આપવો જોઈએ નહીં?
ભારતીય રાજકારણી : સિદ્ધાંતમાં, હા. પરંતુ આવાં પગલાં અમલમાં મૂકવાં એ એક મોટો પડકાર બની જશે.
સોક્રેટિસ : મિત્ર, કોઈ પણ દેશ પડકારો ઝીલ્યા વિના મહાન બની શકે છે? શું તમે લોકો નથી કહેતા કે, ‘મન હોય તો માળવે જવાય?’ તમે વિચાર કરો મિત્ર, જો તમે તમારી યુનિવર્સિટીઓને અને સંશોધન સંસ્થાઓને ચીનની માફક પૂરતું ભંડોળ આપીને વિશ્વકક્ષાની બનાવશો તો દર વર્ષે પરદેશ જતા તમારા વિદ્યાર્થીઓ જે વિદેશી શિક્ષણ માટે લાખો કરોડનો ખર્ચ કરે છે તે નહીં બચે? અને ભારતમાં જ રહીને નવી નવી ઉત્તમ શોધો કરીને તમારા આર્થિક વિકાસમાં અમૂલ્ય ફાળો નહીં આપી શકે?
ભારતીય રાજકારણી : સોક્રેટિસ, તમે મને ઘણાં કડવાં સત્યોનો સામનો કરવા મજબૂર કરો છો. હવે હું સમજી શકું છું કે ચીનની પ્રગતિની બરાબરી કરવામાં ભારત નિષ્ફળ રહ્યું છે તેનું કારણ બુદ્ધિમત્તા કે ક્ષમતાનો અભાવ નથી, પરંતુ અમારી રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ તથા શિક્ષણ અને સંશોધનમાં અપૂરતું રોકાણ છે.
001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 મે 2025; પૃ. 04-07 તેમ જ 14