
રાજ ગોસ્વામી
સિનેમાના ઇતિહાસમાં, 1950નો અને 1960ની શરૂઆતનો દાયકો ફિલ્મી સંગીતનો સુવર્ણયુગ કહેવાય છે. તે વખતે ફિલ્મોમાં ગીતોનું રાજ હતું. એક ફિલ્મમાં આઠ-આઠ ગીતો હોવાં સામાન્ય વાત હતી. એક ફિલ્મ ‘બૈજુ બાવરા’માં 17 ગીતો હતાં. ‘જોગન’ ફિલ્મમાં 15 હતાં.
તે વખતે એક તરફ કે.એલ. સાયગલ, ખુર્શીદ, સુરૈયા, નુરજહાં જેવા ‘સિંગિંગ સ્ટાર’ પણ હતાં, જે ખુદ ગાતાં હતાં અને ખુદ અભિનય પણ કરતાં હતાં, તો બીજી તરફ શંકર-જયકિશન, મદન મોહન અને ઓ.પી. નૈયર જેવા સંગીતકારો હતા જે એક પછી એક મધુર ગીતો પેદા કરતાં હતા.
તે વખતે ફિલ્મો સંગીતની આસપાસ બનતી હતી, કારણ કે દર્શકો ગીતોનાં કારણે થિયેટરમાં ખેંચાતા હતા. જે વખતે કોઈ નિર્માતા-નિર્દેશક ગીત-સંગીત વગર ફિલ્મનો વિચાર પણ કરી શકતા નહોતા, ત્યારે બલદેવ રાજ ચોપરા ઉર્ફે બી.આર. ચોપરાએ ગીત વગરની પહેલી હિન્દી ફિલ્મ ‘કાનૂન’ બનાવીને પરંપરાને તોડી. એટલું જ નહીં, તેમણે એ પણ સાબિત કર્યું કે વાર્તામાં જો દમ હોય તો ગીતો વગર પણ ફિલ્મ હિટ જઈ શકે છે.
બી.આર. ચોપરા સાહસિક અને પ્રયોગશીલ ફિલ્મ સર્જક હતા. તેમણે ‘અફસાના,’ ‘નયા દૌર,’ ‘ધૂલકા ફૂલ,’ ‘ગુમરાહ’ અને ‘હમરાઝ’ જેવી નવા વિષયોવાળી ઘણી ફિલ્મો બનાવી હતી. ‘કાનૂન’ તેમની નવમી ફિલ્મ હતી. આ ફિલ્મ આવી તે વખતે મુઘલે-આઝમ, કોહિનૂર, ગંગા-જમુના, જંગલી, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનો જેવી ફિલ્મોનાં ગીતો ધૂમ મચાવી રહ્યાં હતાં.
વાત તો એવી પણ છે કે ચોપરા સાહેબ જર્મન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં એક વિદેશી મહેમાને એવી ટિપ્પણી કરી હતી કે ભારતની ફિલ્મોમાં ગીતો સિવાય કશું હોતું નથી. એટલે ચોપરા સાહેબને તેમાં એક પ્રકારની ચેલેન્જ દેખાઈ હતી.
માત્ર એટલું કારણ પણ નહીં જ હોય. તેમને ‘કાનૂન’ની પટકથામાં પણ એટલો જ ભરોસો હશે. ફિલ્મ સસ્પેન્સ-થ્રિલર હતી, એટલે તેમાં ગીતોની આમ પણ જરૂર નહોતી. નામ પરથી સ્પષ્ટ છે તેમ ફિલ્મનો વિષય કાનૂન હતો.
આ ફિલ્મમાં એક પણ ગીત નહોતું એ તો નવાઈની વાત હતી જ, તેમાં તેમણે પહેલીવાર મૃત્યુદંડની જોગવાઈના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યો હતો. ફિલ્મ એક સવાલ પર શરૂ થતી હતી – એક માણસને એક અપરાધ માટે બે વાર સજા થઇ શકે? (વર્ષો પછી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અંધા કાનૂન’માં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો). તે પછી ફિલ્મ સંયોગિક પુરાવાઓની સચ્ચાઈ પર દલીલો પેશ કરે છે અને અંતે મૃત્યુદંડ સામે પ્રશ્નાર્થ કરે છે.
ફિલ્મમાં, ગણપત નામના માણસનું ખૂન થઇ જાય છે. તેના હત્યારા કાલિદાસ(જીવણ)ની, જે દસ વર્ષની સજા ભોગવીને હમણાં જ જેલમાંથી બહાર આવ્યો છે, આ હત્યા બદલ ધરપકડ થાય છે. તેને જજ બદરી પ્રસાદ(અશોક કુમાર)ની અદાલત સમક્ષ પેશ કરવામાં આવે છે. તે જજ સામે અપરાધ કબૂલ કરે છે, પણ દલીલ કરે છે કે અદાલત તેનો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. કેમ? કારણ કે તેણે આ જ માણસની હત્યા બદલ સજા ભોગવી લીધી છે.
કાલિદાસ તે પછી અદાલત સમક્ષ તેની વાર્તા કહે છે. દસ વર્ષ અગાઉ, ગણપતની હત્યા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેણે તેની નિર્દોષતા બૂમો પાડીને જાહેર કરી હતી, પણ કોઈએ તેને સાંભળ્યો નહોતો. તેણે જેલના સળિયા પાછળ દસ વર્ષ ગુમાવ્યાં એટલું જ નહીં, તેની પત્ની (લીલા ચિટનીસ) અકાળે વૃદ્ધ થઇ ગઈ. શું કાનૂન આ નુકશાની ભરપાઈ કરશે? અને જો ના, તો તેણે તેનો આ સમય કેમ છીનવી લીધો? કાલિદાસ કઠેડામાંથી આદૃસ્વરે તેની આપવીતી કહે છે અને જજની સામે જ ફસડાઈ પડીને મૃત્યુ પામે છે.
આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બને છે. બે જજ ઝા (દિવાન શરાર) અને સાવરકર (ઈફ્તેખાર) આ કેસની ચર્ચા કરે છે. ક્યારે ય મૃત્યદંડની સજા ન સંભળાવનારા જજ પ્રસાદ બંને સહયોગીઓ સાથે આ બાબત દલીલો કરે છે. બદરી પ્રસાદ કહે છે કે કાનૂન જો માણસને જીવતો ન કરી શકે, તો તેને તેનો જીવ લેવાનો હક નથી. ઝા કહે છે કે મૃત્યુદંડના ડર વગર અપરાધ પર લગામ કસવી અઘરી છે.
તેમની વચ્ચેનો વાદ-વિવાદ ઝાની એક વિચિત્ર શરત પર આવીને અટકે છે – ઝા કહે છે કે બદરી પ્રસાદ ખૂન કરીને જો કાનૂનના હાથથી બચી જાય તો તે તેમનો આખો પગાર હારી જશે.
ફિલ્મ અહીંથી વળાંક લે છે. બદરી પ્રસાદની એક દીકરી છે, મીના (નંદા) . તેના વિવાહ એક યુવાન વકીલ કૈલાશ (રાજેન્દ્ર કુમાર) સાથે થયેલા છે. બદરી પ્રસાદનો દીકરો વિજય (મહેમૂદ) ધનીરામ (ઓમ પ્રકાશ) નામના શ્રોફ પાસેથી મોટી ઉધારી લે છે અને પછી કૈલાશને વિનવણી કરે છે કે તે તેને દેવામાંથી ઉગારે.
કૈલાશ ધનીરામને મળવા જાય છે અને તેના આઘાત વચ્ચે તે જજ બદરી પ્રસાદને ધનીરામનું ખૂન કરતા જોઈ જાય છે. જજ ત્યાંથી જતા રહે છે અને એ ખૂન માટે એક મામુલી ચોર(નાના પલસીકર)ને પકડવામાં આવે છે. કૈલાશ હવે આ નિર્દોષ માણસને બચાવવા માટે કમર કસે છે. એની સામે નૈતિક સંકટ છે; સસરાનો પક્ષ લેવો કે કાનૂનનો?
ચોપરા સાહેબે બી.આર. ફિલ્મ્સની પરંપરા હતી તે પ્રમાણે સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવી હતી અને તેમાં તેમને ગીતો અડચણરૂપ લાગ્યાં હતાં, પરંતુ તેમણે તેમના વિતરકોને આ ફિલ્મ પહેલાં બતાવી હતી. વિતરકોને ફિલ્મનો જકડી રાખતો કોર્ટરૂમ ડ્રામા પસંદ આવ્યો હતો અને તેમણે ચોપરા સાહેબને કહ્યું હતું કે ફિલ્મમાં કોઈ ગીત ઉમેરતા નહીં. જો કે અંદરથી ચિંતિત ચોપરા સાહેબે છેલ્લી ઘડીએ દર્શકોને ‘રાહત’ આપવા માટે એક બેલે ડાન્સનો ઉમેરો કર્યો હતો.
એવું જ અમિતાભ બચ્ચનની ‘ડોન’ ફિલ્મમાં પણ થયું હતું. એમાં બીજા ભાગમાં કોઈ ગીત નહોતું. નિર્દેશક ચંદ્રા બારોટે તેમના ગુરુ મનોજ કુમારને ફિલ્મ બતાવી, તો ‘ભારત કુમારે’ કહ્યું હતું કે ઇન્ટરવલ પછીની ફિલ્મમાં ‘લૂ બ્રેક’ નથી! તે વખતે ગીતો એટલા માટે મુકવામાં આવતાં હતાં કારણ કે દર્શકો બાથરૂમમાં જઈને સિગારેટ પી શકે!
મનોજ કુમારના આ સૂચન પછી ‘ડોન’માં ‘ખઈ કે પાન બનારસ વાલા …’ ઉમેરવામાં આવ્યું હતું. એ ગીત લૂ બ્રેક ના બન્યું. ઊલટાનું, દર્શકો એ ગીત જોવા માટે જ થિયેટરમાં આવતા હતા અને આમ ‘ડોન’ની સફળતામાં પાન-ગીતે મોટી ભૂમિકા ભજવી હતી.
‘કાનૂન’માં ગીત નહીં મૂકીને ચોપરા સાહેબે પણ જુગાર જ ખેલ્યો હતો, અને તે તેમાં સફળ રહ્યા હતા. ‘કાનૂન’ ફિલ્મે ઇતિહાસ રચ્યો. એ પછી બી.આર. ફિલ્મ્સે રાજેશ ખન્ના અને નંદાને લઈને વધુ એક ગીત વગરની ફિલ્મ ‘ઇત્તેફાક’ બનાવી હતી. તે ઉપરાંત, ઘણા ફિલ્મ સર્જકોને ‘કાનૂન’ની સફળતા જોઇને કોર્ટરૂમ ડ્રામા આધારિત ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી હતી.
બી.આર. ચોપરા એવા મુઠ્ઠીભર સર્જકોમાંથી એક હતા જેમણે હિન્દી સિનેમાના મૂંગા દૌરને પણ જોયો હતો અને બ્લેક એન્ડ વ્હાઈટમાંથી રંગીન બની તે પણ જોયું હતું. તેઓ અલગ રીતની ફિલ્મો બનાવતા હતા અને એટલે જ તેમને દિગ્ગજ કહેવામાં આવે છે.
(પ્રગટ ‘સુપરહિટ’નામક લેખકની સાપ્તાહિક કોલમ’, “સંદેશ”; 27 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર