
રમેશ સવાણી
ફિલ્મ કલાકારોને ફિલ્મને લગત એવોર્ડ મળે તે બરાબર છે. પરંતુ કોઈ વખત એમને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે તે ઉચિત છે કે કેમ તે પ્રશ્ન ઉદ્દભવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર લોકો માટે આદર્શ બનતાં હોય છે. અન્યાય સામે ચૂપ રહેનાર કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તે ઉચિત કહી શકાય નહીં. મહિલા પહેલવાનોનું યૌન શોષણ સામે આંદોલન હોય કે કિસાન આંદોલન હોય જો કલાકાર સરકારથી ડરીને ચૂપ રહે તો તે સમાજને અન્યાય સામે ચૂપ રહેવાનો સંદેશો આપે છે. ગરીબી / મોંઘવારી / બેરોજગારી / શિક્ષણ અને હોસ્પિટલના માફિયાનો ત્રાસ / દલિત-વંચિત પ્રત્યેનો ભેદભાવ / આદિવાસી શોષણ વગેરે સમસ્યા અંગે જો કલાકારો ચૂપ રહે તો તે આદર્શ બની શકે નહીં.
હિન્દી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લઈએ. મનમોહન સિંઘની સરકાર વખતે તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે ઝૂંબેશ કરી હતી, તે સારી બાબત હતી. પરંતુ મોદીજી વડા બનતા અચ્છે દિનના બદલે ખરાબ દિવસો જોવાનો સમય આવ્યો. મોંઘવારી વધી / બેરોજગારી વધી / પેટ્રોલ-ડીઝલની કિંમત વધી / ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું / હત્યારા અને બળાત્કારીઓને જેલ મુક્ત કર્યા / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને બરાબર છાવર્યો / કિસાન આંદોલન દરમિયાન 750 કિસાનોના જીવ ગયા / ઈલેક્ટોરલ બોન્ડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યા / 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશો – જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો પોકાર કર્યો / મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને ગેંગ રેપ થયાં / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને મોદીજીએ છાવર્યો છતાં અમિતાભ બચ્ચને એક શબ્દ ઉચ્ચારવાની હિમ્મત કરી નહીં ! ફિલ્મી પરદે અન્યાય સામે ઝઝૂમતા અમિતાભે વાસ્તવિક જિંદગીમાં લોકોની વેદનાને બદલે સત્તાની ચાપલૂસી પસંદ કરી ! ભવિષ્યમાં તેમને ‘ભારત રત્ન’નો પુરસ્કાર અપાય તો લોકો તેમાંથી શું પ્રેરણા મેળવે? એ જ કે સત્તાની ચાપલૂસી કરવાથી પુરસ્કાર મળે છે !
બોલીવુડ ફિલ્મોને ઘણીવાર સપનાં વેચતી ફિલ્મો તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તે પ્રેક્ષકો માટે પલાયનવાદ અને કાલ્પનિકતા પ્રદાન કરે છે, જે ગ્લેમર, રોમાંસ અને જૂઠા જીવનની વાર્તાઓમાં દર્શકોને ગૂંચવી રાખે છે. લોકો ફિલ્મોમાં મનોરંજન અને તેમની દૈનિક વાસ્તવિકતાઓથી કામચલાઉ છટકબારી શોધે છે. બોલિવૂડ ફિલ્મોમાં વારંવાર ભવ્ય સેટ, વિદેશી સ્થાનો અને નાટકીય વાર્તાઓ દર્શાવવામાં આવે છે જે દર્શકોને તેમના રોજિંદા જીવનથી દૂર દુનિયામાં લઈ જાય છે. ઘણી બોલિવૂડ ફિલ્મો આદર્શ રોમેન્ટિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઘણીવાર સુંદર અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે, અને પ્રેમ, ઝંખના અને અવરોધોને દૂર કરવાના વિષયો હોય છે અને તેમનો ઉપાય અવાસ્તવિક હોય છે. ફિલ્મો ઘણીવાર સંપત્તિ, ફેશન અને ઐશ્વર્યની દુનિયા દર્શાવે છે, જે પ્રેક્ષકોમાં મહત્ત્વાકાંક્ષા રોપે છે. લાર્જર-ધેન-લાઇફ કથાઓ હોય છે. ભવ્યતા અને ઉત્તેજનાની ભાવના હોય છે. કાલ્પનિક તત્ત્વો હોવા છતાં, બોલીવુડ ફિલ્મો ઘણીવાર પ્રેમ, હતાશા, આનંદ અને દુ:ખ જેવી સાર્વત્રિક માનવ લાગણીઓને નાટકીય પરિસ્થિતિઓ સાથે મૂકે છે. જેથી પ્રેક્ષકો પાત્રો અને તેમના અનુભવો સાથે જોડાઈ જાય છે. ફિલ્મો વાસ્તવિક જીવનથી થોડીવાર દૂર લઈ જાય છે. ફિલ્મો લાગણીઓનો અનુભવ કરવાની, નાટકીય કથાઓ જોવાની અને સુંદરતા અને કાલ્પનિક દુનિયામાં ડૂબકી લગાવવાની તક પૂરી પાડે છે. ફિલ્મો સપનાઓ વેચે છે, તેની સામે વાંધો નથી પરંતુ ફિલ્મો નફરત પણ વહેંચે છે. પ્રોપેગેન્ડા ફિલ્મો એવા શાસકો ઊભા કરે છે જેને માનવમૂલ્યો / બંધારણીય મૂલ્યો સાથે દુ:શ્મનાવટ હોય. માનસ પ્રદૂષણ કરનારી આવી અનેક ફિલ્મો આવી અને આવી રહી છે પરંતુ અમિતાભ બચ્ચન ચૂપ છે.
અમિતાભ બચ્ચન /અક્ષય કુમાર / અનુપમ ખેર 2014 પહેલા સરકારનો વિરોધ કરતા હતા; પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરતા હતા. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 100 રૂપિયાને ક્રોસ કરી ગયા છે; છતાં અમિતાભ બચ્ચન / અક્ષય કુમાર / અનુપમ ખેર ચૂપ છે. લોકોની પીડા આ કલાકારોને સ્પર્શી શકતી નથી ! 24 મે 2012ના રોજ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું : “પેટ્રોલમાં રપિયા 7.5નો વધારો ! પંપ એટેન્ડન્ટ : ‘કેટલાનું નાખું?’ મુંબઈવાસી : ‘2-4 રૂપિયાનું કાર ઉપર છાંટી દે, ભાઈ ! સળગાવવી છે !” એ વખતે પેટ્રોલની કિંમત 64 રૂપિયા હતી. અક્ષયકુમારે 27 ફેબ્રુઆરી 2012 ના રોજ ટ્વીટ કર્યું હતું ; “સાયકલ સાફ કરી લો; પેટ્રોલમાં બીજો ભાવવધારો આવી રહ્યો છે !” 14 ઓક્ટોબર 2012ના રોજ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું : ‘“મેં મારા ડ્રાઇવરને પૂછ્યું : ‘મોડો કેમ આવ્યો?’ ‘સર, હું સાયકલ ઉપર આવ્યો !’ ‘કેમ? તારી મોટર સાયકલને શું થયું?’ ‘સર, હવે તેને ઘેર મૂકી દીધી છે; શોપીસ તરીકે !’ 26 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં લિટર પેટ્રોલની કિંમત 103.5 છે. 2012માં એમને 64 રૂપિયાનું પેટ્રોલ મોંભ લાગતું હતું, હવે સસ્તું લાગે છે ! અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 20 ઓગસ્ટ 2013ના રોજ કહ્યું હતું : “આજે હું હસવું રોકી શકી નહીં. રૂપિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ડોલરને રાખડી બાંધવીને કહેવું મેરી રક્ષા કરના !” તેણે 24 સપ્ટેમ્બર 2013ના રોજ કહેલ કે : “આપણે સુધારણા માટે ફુગાવા અને બેરોજગારી પર ચર્ચા કરવી જોઈએ.” પણ 2014થી તે ચૂપ છે ! કેવી દંભની પરાકાષ્ઠા !
ફિલ્મ કલાકારો આપણને છેતરે છે ! અમિતાભ બચ્ચન / અનુપમ ખેર / પ્રીતિ ઝિન્ટાએ બોલવું જોઈએ તેવો આગ્રહ નથી. પરંતુ સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?
26 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર