
હેમન્તકુમાર શાહ
આજકાલ નરેન્દ્ર મોદીના સ્વદેશીની ચર્ચા ચાલુ થઈ છે. જુઠ્ઠાણાંનો જમાનો છે આ. મોદી પોતે કેટલી વિદેશી ચીજો વાપરે છે એ તો એક જુદો જ મુદ્દો છે. પોતે વિદેશી ચીજો વાપરે અને બીજાને શિખામણ આપે એ તો સાવ જ બનાવટ અને તરકટ કહેવાય. સાચું સફરજન ખાવામાં કામ લાગે, પ્લાસ્ટિકનું સફરજન દેખાડો કરવામાં, શણગાર કરવામાં. નરેન્દ્ર મોદીનું સ્વદેશી આવા પ્લાસ્ટિકના સફરજન જેવું છે. વાસ્તવિકતા કરતાં કંઈક જુદી જ જાતનો ભ્રમ ઊભો કરવો એ મોદી શૈલીનું આગવું રાજકારણ છે.
જરા હકીકતો જોઈએ :
(૧) કોરોનાના પહેલા જ લોકડાઉન દરમ્યાન તેમણે તરત જ ૧૦૦ કરોડ ડોલરની લોન ભારતમાં આરોગ્યની સારી સેવાઓ ઊભી કરવા લીધેલી.
(૨) મોદીની સરકારનું એક પણ બજેટ એવું નથી કે જેમાં તેમણે કરોડો રૂપિયાની વિદેશી લોન લીધી ન હોય.
(૩) ભારતમાં અત્યારે ૫,૪૦૦થી વધુ વિદેશી કંપનીઓ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. એમાંની અનેક કંપનીઓને મોદી સરકારે પોતે જ ભારતમાં બોલાવી છે.
(૪) ૨૦૧૫માં મોદી સરકારે વિદેશી મૂડીરોકાણ માટે અદ્ભુત વ્યવસ્થા કરી! કોઈ પણ વિદેશી કંપનીને ભારતમાં રોકાણ કરવું હોય તો ભારત સરકાર અને રિઝર્વ બેંકની મંજૂરી લેવાની જરૂર જ નહિ! આને ‘ઓટોમેટિક રૂટ’ કહે છે. આવો, જેને આવવું હોય એ આવો, અને અમને લૂંટો!
(૫) ૨૦૨૪માં વિદેશી કંપનીઓના રોકાણમાં દુનિયામાં ભારત ૧૫મા ક્રમે હતું એમ UNCTADનો એક અહેવાલ કહે છે.
(૬) માળખાગત સવલતો, રેલવે, વીજાણુ ચીજો, વાહનો, દવાઓ, રસાયણો, સેવાઓ, કાપડવસ્ત્ર, એરલાઈન્સ – તમે કોઈ પણ ક્ષેત્રનું નામ આપો અને એમાં વિદેશી કંપની ના હોય એવું ન બને. આ શું સ્વદેશી છે?
(૭) એપ્રિલ-૨૦૧૪થી માર્ચ-૨૦૨૫ સુધીમાં એટલે કે મોદીના ૧૧ વર્ષના શાસનકાળમાં ૭૪૯ અબજ ડોલરનું એટલે કે ૬૭ લાખ કરોડ રૂપિયાનું વિદેશી કંપનીઓનું રોકાણ ભારતમાં થયું છે. આને સ્વદેશી કહેવાય!
(૮) ભારતનું વિદેશી દેવું ૨૦૧૪માં ૪૪૬ અબજ ડોલર હતું અને તે ૨૦૨૫માં વધીને ૭૩૬ અબજ ડોલર થયું છે. ૧૧ વર્ષમાં ૬૫ ટકાનો આ વધારો મોદી સરકારની નીતિઓને લીધે નહીં તો શું નેહરુની નીતિઓને લીધે થયો?
(૯) ભારતના શેરબજારમાં ૧૧,૨૦૦ વિદેશી કંપનીઓ રોકાણ કરેલું છે હાલ. એ બધી બહુ સહેલાઈથી આવે એના રસ્તા મોદી સરકારે જ તૈયાર કર્યા છે!
મોરારજી દેસાઈના ૧૯૭૭-૭૯ના પ્રધાનમંડળમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ ઉદ્યોગ પ્રધાન હતા. તેમણે કલમના એક ઝાટકે રાતોરાત અમેરિકન કંપની કોકા કોલાને દેશની બહાર તગેડી મૂકી હતી. નરેન્દ્ર મોદીની છાતી ખરેખર ૫૬ ઈંચની હોય તો એને ફરીથી તગેડી મૂકે અને બધાને સુરતનો સોસ્યો પીવડાવે! ૫,૪૦૦ વિદેશી કંપનીઓમાંથી આ એકને તો તેઓ હાંકી કાઢી બતાવે.
‘સ્વદેશી’ શબ્દ વાપરતાં મોદીને અને પેલા ગગજી સુતરિયા જેવા અંધભકતોને શરમ નથી આવતી? મહાત્મા ગાંધીનું સ્વદેશી એ સાચું સફરજન હતું, નરેન્દ્ર મોદીની આત્મનિર્ભરતા એ પ્લાસ્ટિકનું સફરજન છે! મોદીની આત્મનિર્ભરતા એ કપટી રાજકીય શણગાર છે.
તા.૨૭-૦૮-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર