
રાજ ગોસ્વામી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી આવતા માલ-સમાન પર ટેરિફની ઘોષણા કરી ત્યારે, ભારતીય મીડિયામાં એક હેડલાઈન ચાલી હતી; તારીફ કરું ક્યા ઉસકી, જિસને ટેરિફ બઢાયા. શમ્મી કપૂરની ફિલ્મ ‘કશ્મીર કી કલી’માં મહમ્મદ રફીના યાદગાર ગીત ‘તારીફ કરું ક્યા ઉસકી, જિસને તુજે બનાયા’ની આ પેરોડી હતી.
ટેરિફ અને તારીફનો આ પ્રાસ ભલે વ્યંગાત્મક હતો, યોગાનુયોગ એક ઐતિહાસિક સંબંધ પણ નીકળે છે. જેમ આપણા દાદા-પરદાદાના કાકા-મામાના માસાનાં સગાંના વંશમાંથી કોઈ આપણને અચાનક મળે અને ઓળખાણ કાઢે કંઇક એવું જ આમાં પણ છે. તારીફ શબ્દ, જે ઉર્દૂ-હિન્દી છે અને જેનો અર્થ પ્રશંસા થાય છે, તેના દૂરનાં સગાં-વહાલાંમાં અરબી ભાષાની ‘અરાફા’ ધાતુ છે. આ ‘અરાફા’નો એક બીજો વંશ અંગ્રેજી ટેરિફને મળે છે. ‘અરાફા’નો મૂળ અર્થ થાય છે ‘જાણવું, પરિચિત થવું, જાગૃત થવું.’
પણ આપણે તારીફ અને ટેરિફની સગાઇ શોધીએ તે પહેલાં, ટેરિફની પોતાની સ્વતંત્ર જન્મકૂંડળી શું છે તે પણ વાંચી લઈએ. જબરદસ્ત છે. ઓક્ટોબર 2024માં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મારા માટે, ડિક્શનરીમાં સૌથી ખૂબસૂરત શબ્દ ટેરિફ છે, અને તે મારો સૌથી ફેવરિટ પણ છે.” છ મહિના પછી તેમણે અનેક દેશોના આયાતી માલ-સામાન પર તીવ્ર ટેરિફ જાહેર કરીને એક નવી નીતિના શ્રીગણેશ કર્યા.
ટેરિફ આયાતી સામાન પર લાગતો કર છે, જેનો ઉદેશ્ય સરકારની આવક વધારવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની સ્પર્ધાથી બચાવવાનો છે. આ એક એવો શબ્દ છે જે સભ્યતાઓ વચ્ચે વેપારને આસાન અને પારદર્શક બનાવાની જરૂરિયાતમાંથી જન્મ્યો હતો અને આજે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં દીવાલો ઊભી કરવા માટે થઇ રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પને ખબર પણ નહીં હોય કે તેમનો ફેવરિટ શબ્દ અરબી ભાષામાંથી અંગ્રેજીમાં આવ્યો છે. વાસ્તવમાં, ટેરિફ સાત ઘાટનાં પાણી પીને અંગ્રેજીમાં આવ્યો છે. તે સાત ઘાટ એટલે અરબી, ફારસી, તુર્કીશ, લેટિન, ઇટાલિયન, ફ્રેંચ અને યુરોપિયન ભાષાઓ. અને તેની એ યાત્રામાં લગભગ 1,200 વર્ષ લાગ્યાં છે.
ભાષાવિદો ટેરિફના ચાર મુખ્ય ભાષાકીય પડાવ જુવે છે. વર્તમાનમાં, અંગ્રેજી ટેરિફ ફ્રેંચ ટારિફ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્થિર કિંમત (ફિક્સ્ડ પ્રાઈઝ). ફ્રેંચમાં તે ઈટાલિયન ટારિફા પરથી આવ્યો હતો, જેનો અર્થ થતો હતો લાદેલી કિંમત, એટલે કે ટેક્સનું શેડ્યુલ અને કસ્ટમ ડ્યુટીઝ.
તેનું મૂળ મિડલ લેટિન ટારિફે શબ્દમાં છે. લેટિનમાં આ શબ્દ તુર્કીશ લોકો સાથેના સંપર્કમાંથી આવ્યો હતો. તુર્કીમાં અધિકૃત ભાષાને ઓટ્ટોમાન તુર્કીશ કહેવાય છે, જે ઓટ્ટોમાન સામ્રાજ્ય વખતે ઘડાઈ હતી. ઓટ્ટોમાન તુર્કીશમાં કિંમતોની સૂચિ અને સીમાશુલ્કના દરો માટે તા’રિફ શબ્દ હતો.
આ તા’રિફ પણ ફરતો ફરતો ફારસી અથવા પર્સિયન ભાષાનું પાણી પીને આવ્યો હતો. ફારસીમાં સ્થિર કિંમત અથવા રસીદ માટે એક શબ્દ હતો તા’રેફે. ફારસીનો બહેનપણાં અરબી સાથે છે અને અરબીમાં એક શબ્દ હતો તા’રિફુન. તેનો અર્થ થતો હતો પરિચય અથવા પરિભાષા. અરબીમાં તા’રિફુન શબ્દ ‘અરાફા’ પરથી બન્યો હતો – જેનો અર્થ થતો હતો બનાવવું, નક્કી કરવું, પરિચય કરવો, જાણવું, શોધવું, સમજવું.
અરાફા શબ્દ, મધ્ય-પૂર્વ એશિયા અને ઉત્તરી આફ્રિકાની અનેક ભાષાઓના સામી ભાષા-પરિવારનો સભ્ય છે. તે ત્રણ અક્ષરોવાળા ‘એન રા ફા’માંથી આવે છે. પરિચય કરવો, જાણવું, શોધવું જેવા સમજવું જેવા અમૂર્ત વિચારનો સંબંધ ટેક્સ જેવા આર્થિક સાધન સાથે કેવી રીતે બેઠો? તેના માટે આરબ લોકોની સોદાગરીને સમજવી જરૂરી છે.
મધ્ય યુગમાં ભૂમધ્ય સાગર વેપારનો માર્ગ હતો. તેના માધ્યમથી આખી દુનિયામાં માલ-સમાનની અવરજવર થતી હતી. તે વખતનાં બંદરો પર વસ્તુઓ પર મનસ્વીપણે કર લેવામાં આવતા હતા. એટલે બધા વેપારીઓને કરની જાણકારી રહે એટલા માટે શાસન દ્વારા વખતો વખત વસ્તુઓના કરની એક અધિકૃત સૂચિ તૈયાર કરવામાં આવતી હતી. ધીમે ધીમે આ પ્રક્રિયાના દસ્તાવેજો પણ મળવા લાગ્યા. તેમાં દરેક વસ્તુના કરનો પરિચય મળતો હતો એટલે અરબી ‘અરાફા’નો અર્થ કરની માહિતી બની ગયો.
વિવિધ દેશોના વેપારીઓ વચ્ચે સંપર્કના કારણે આ શબ્દ ફરતો ફરતો ફ્રેંચ ભાષામાં પહોંચ્યો હતો. ત્યાં સુધી તેનો અર્થ કરની સૂચિ અથવા રેડી રેકનર તરીકે જ થતો હતો, પરંતુ 1590માં જ્યારે તે ટેરિફ બનીને અંગ્રેજીમાં આવ્યો, ત્યારે તેનો અર્થ બદલાઈને ‘આયાત-નિકાસ પર લાગતા કરની અધિકૃત સૂચિ’ થઇ ગયો હતો. આજે ટેરિફનો કરવેરા થાય છે અને તે અર્થ 18મી-19મી સદીમાં આવ્યો હતો.
આપણે આગળ રફીના ગીત ‘તારીફ કરું’ની વાત કરી. તે તારીફની એક અલગ કહાની છે અને તેની સગાઇ દક્ષિણ સ્પેનમાં ‘તારિફા’ નામના જાણીતા બંદર સાથે નીકળે છે. આ બંદર વિન્ડસર્ફિંગ માટે આજે પણ મશહૂર છે. તે આફ્રિકાના કિનારાથી 13 કિલોમીટર અને ઈબેરિયન પ્રાયદ્વીપના છેડા પર છે. ઐતિહાસિક રીતે તે અનેક ખંડોને જોડે છે.
એક કિવદંતી અનુસાર, ઇસવીસન 710માં બર્બર સેનાપતિ તારિફ ઈબ્ન મલિકના નામ પરથી આ શહેરનું નામ પડ્યું હતું. તારિફ ઈબ્ન મલિક ઈબેરિયન પ્રાયદ્વીપની જમીન પર પગ મુકનારો પહેલો મુસ્લિમ સેનાપતિ હતો. તેના આગમનના કારણે બંદરનું નામ તારિફા પડ્યું હતું. અરબીમાં, તારિફાને જઝીરાત તારિફા પણ કહે છે – તારિફાનો ઉપખંડ.
ડેવિડ ડે નામના ઓસ્ટ્રેલિયાના એક ઇતિહાસકાર લખે છે કે આ સેનાપતિની રહેમનજર હેઠળ આ બંદર પર ચાંચિયાઓ વેપારી જહાજો પાસેથી ખંડણી વસુલતા હતા. બીજી એક વાર્તા અનુસાર, આ બંદર પર જહાજો લાંગરવાની ફી વસુલવામાં આવતી હતી. ટૂંકમાં, ખંડણી કે ફીની વસુલાત સાથે સેનાપતિ તારિફનું નામ જોડાયું અને તે યુરોપમાં ટેરિફ તરીકે જાણીતું થયું.
આ વાર્તા સાંભળવામાં દિલચસ્પ છે, પરંતુ ભાષાશાસ્ત્રીઓ તેને લોકવાયકા ગણે છે. તેમના મતે ટેરિફનું મૂળ અરબી તારીફ(માહિતી)માં છે. એવું પણ શક્ય છે કે ટેરિફ અને તારિફા બંદર બંને શબ્દોનું મૂળ એક જ હોય, અરબી ‘અરાફા’.
ભારતીય સંસ્કૃતિને લગતી માહિતીસભર અને રસપ્રદ વાર્તાઓ અને કિસ્સાઓનું વર્ણન કરતી ‘પેપરક્લિપ’ નામની એક વેબસાઈટ આ કહાનીમાં ઉમેરો કરતાં લખે છે કે ઉર્દૂ-હિન્દી ‘તારીફ’ (પ્રસંશા)નું મૂળ પ્રાચીન અરબી ભાષાના ‘તા’રિફ’ શબ્દમાં છે, જે વળતામાં અરબી અરાફા (જાણવું) ધાતુ પરથી આવે છે. આ જ ધાતુ પરથી ટેરિફ આવે છે.
કેવું કહેવાય કે જે શબ્દ, ટેરિફ, 1,200 વર્ષથી દુનિયાને જોડવાનું કામ કરતો હતો, તે આજે ટ્રમ્પ સાહેબની મહેરબાનીથી દુનિયાને તોડવાનું કામ કરી રહ્યો છે! તેમના આ ટેરિફ માટે ટ્રમ્પની તારીફ કરવી કે નહીં તેને આપણે અમેરિકનો પર છોડીએ.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ” નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 24 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર